Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આજ કા ખર્ચા કિતના હુઆ?

આજ કા ખર્ચા કિતના હુઆ?

12 February, 2024 11:22 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જો બચત કરવી હોય તો સૌથી પહેલું પગથિયું છે ખર્ચ સમજવો અને પછી એને પ્રાયોરટાઇઝ કરવો

પ્રતીકાત્મક તસવીર

માઇન્ડ યૉર મની

પ્રતીકાત્મક તસવીર


તમે કેટલું કમાઓ છો એ તો દર મહિને સૅલેરી આવે ત્યારે ખબર પડે જ છે પણ તમે ક્યાં અને કેટલો ખર્ચો કરો છો એનો તાળો જો રાખવામાં કચાશ રહી જાય તો પૈસો ગમેએટલો કમાઓ ઓછો જ પડે છે. એમાંય જ્યારથી મોબાઇલ થ્રૂ પેમેન્ટ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે તો ખર્ચાનો હિસાબ રાખવાનું ઓર કઠિન થઈ ગયું છે. જો બચત કરવી હોય તો સૌથી પહેલું પગથિયું છે ખર્ચ સમજવો અને પછી એને પ્રાયોરટાઇઝ કરવો

આપણને હંમેશાં એવી ફરિયાદ રહેતી હોય છે કે હું કમાઉં તો ઘણું છું, પણ પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે એ જ નથી ખબર પડતી. આવું શું કામ થાય છે? એટલા માટે કે ખર્ચો કરતી વખતે એટલી સભાનતા નથી હોતી. જો ખર્ચો કર્યા પછી મની ડાયરી મેઇન્ટેન કરવામાં આવે તો એ સભાનતા લાવવામાં મદદ થઈ શકે છે. દિવસ દરમ્યાન એક રૂપિયો પણ ખર્ચાયો હોય એનો હિસાબ ડાયરીમાં લખવાની આદત હશે તો આવેલો પૈસો ક્યાં, ક્યારે અને શા માટે ખર્ચાયો એનો અંદાજ રહેશે. નાના-મોટા તમામ ખર્ચાનો ટ્રૅક રાખશો તો સમજાશે કે કઈ જગ્યાએ તમે જરૂરત કરતાં વધારે પૈસા ખર્ચી રહ્યા છો અને પૈસા સેવ કરવાની તક ગુમાવી રહ્યા છો. બાપદાદાના જમાનામાં રોજબરોજના જીવનની મહત્ત્વની ગણાતી આ આદત આજે પણ જાળવવી જરૂરી છે. રાધર, ડિજિટલ મનીના જમાનામાં તો એ વધુ જરૂરી બની ગઈ છે. મેઇન્ટેન કરેલી મની ડાયરીનું ઍનૅલિસિસ તમને એ વસ્તુ સમજવામાં મદદ કરશે કે તમારે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવી જોઈએ, તમે કઈ જગ્યાએ બિનજરૂરી ખર્ચ કરી રહ્યા છો, તમે કઈ રીતે વધુમાં વધુ સેવિંગ કરી શકો. 




ઘણા એવા લોકો છે ખાસ કરીને નોકરી કરતા લોકો જેમના ઘરે એક ફિક્સ ઇન્કમ આવતી હોય. તેઓ ડેઇલી બેઝિસ પર મની ડાયરી લખે છે અને એનો ફાયદો પણ તેમને થતો હોય છે. છેલ્લાં ૧૦ વર્ષથી મની ડાયરી લખતા ઘાટકોપરના ૬૮ વર્ષના દિલીપ મહેતાને આ આદત તેમના પિતા પાસેથી મળી છે. તેઓ કહે છે, ‘મની ડાયરીમાં હું મારા ડે ટુ ડેનો હિસાબ લખું છું. મેં ૪૦ વર્ષ સુધી એક જ કંપનીમાં જૉબ કરી છે. એટલે મારી ફિક્સ જ ઇન્કમ હોય. હવે હું આખા વર્ષનું અનાજ એકસાથે જ ભરાવી લઉં છું. એપીએમસીમાં ગયા વર્ષે ઘઉંના ભાવ શું હતા અને આ વખતે મને એ કેટલા રૂપિયામાં પડ્યા. કેટલા ટકા મોંઘવારી વધી અને એની સરખામણીમાં મારી ઇન્કમ કેટલી વધી એનો ટ્રૅક રાખવાનું સારું પડે. હવે સૅલેરી આઠ ટકા વધી હોય ને મોંઘવારી અગિયાર ટકા વધી હોય તો મારે કઈ રીતે ખર્ચા પર કન્ટ્રોલ મૂકવો એનો આઇડિયા આવે. છેલ્લાં ચાર વર્ષથી રિટાયર્ડ છું. હવે મારી ઇન્કમમાં પેન્શન હોય, એફડીનું ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ આ બધું છે. મારી પાસે આખા વર્ષનો રેકૉર્ડ હોય કે આ બધામાંથી કેટલા પૈસા આવ્યા. સમજો ચાર લાખ આવ્યા તો હું મહિને ૨૫-૩૦ હજાર સુધી ખર્ચ કરી શકું. હું અને મારાં વાઇફ બંને સિનિયર સિટિઝન છીએ એટલે ગમે ત્યારે તમે બીબિમાર પડી શકો. એટલે એ માટે પણ થોડા પૈસા સાઇડમાં બચાવીને રાખવા પડે. એક મની ડાયરી મેઇન્ટેન કરી હોય તો હિસાબ રાખવાનું સરળ પડે. મારો દીકરો પણ છે જે જૉબ કરે છે, પણ મને પેન્શન ને એફડીમાંથી એટલા પૈસા આવે છે કે આરામથી અમે અમારો ખર્ચો કાઢી નાખીએ.’


પોતાના પર્સનલ ફાઇનૅન્સને મૅનેજ કરતાં શીખવાનું પહેલું પગથિયું મની ડાયરી લખવાનું છે, જેનાથી તમને તમારા ઇન્કમ એક્સપેન્સિસનું ક્લિયર પિક્ચર મળશે. છેલ્લાં ૩૦ વર્ષથી મની ડાયરી મેઇન્ટેન કરતા અને પોતે પણ ફાઇનૅન્સ ઍડ્વાઇઝ આપવાનું કામ કરતા ગોરેગામના ૫૮ વર્ષના જયેશ શાહ કહે છે, ‘તમે તમારી ઇન્કમ, એક્સપેન્સ અને સેવિંગનો હિસાબ રાખો તો ખબર પડે કે લીકેજ ક્યાં થઈ રહ્યું છે. જેમ કે તમે માટલું ભરો અને એમાંથી પીધું હોય બે ગ્લાસ અને સવારે જુઓ તો માટલું અડધું ખાલી હોય. તો આ લીકેજિસ છે. તમને ખબર જ નથી કે પાણી ક્યાં ગયું. સેમ પૈસામાં પણ થાય. આમ ન થાય એ માટે જો તમે મની ડાયરી રાખી હોય તો પિક્ચર ક્લિયર થઈ જાય. ક્યાં લીકેજિસ થાય છે એ ખબર પડ્યા પછી તમારે એના પર કામ કરવું જોઈએ. જ્યારે ખબર પડે કે ૧૦૦ રૂપિયા કમાઉં છું, ૩૦ રૂપિયા ખર્ચો છે, ૭૦ બચવા જોઈએ. હવે મારા બચે છે ૨૦ રૂપિયા જ. તો ૫૦ રૂપિયા ક્યાં ગયા એનો મારી પાસે હિસાબ જ નથી. એટલે નેક્સ્ટ ટાઇમથી ૫૦ રૂપિયા હું અગાઉથી જ સેવ કરીને રાખી દઈશ. હવે ૩૦ રૂપિયા ખર્ચો કાઢ્યા બાદ બાકીનું ૨૦ રૂપિયાનું લીકેજ ક્યાં થાય છે એ જ શોધવાનું રહે. એટલે જો તમે અગાઉથી જ સેવિંગ કરી રાખો તો તમારું લીકેજ બંધ થઈ જાય. એટલે મારા ઘરમાં મારી વાઇફ હોય કે દીકરો હોય, તેઓ તેમના ખર્ચાનો હિસાબ મને આપી દે એટલે હું એને ડાયરીમાં નોટડાઉન કરી નાખું.’


મની ડાયરી લખવાના આ છે ફાયદા


ખર્ચો લખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે રોજ રાતે આખા દિવસમાં ક્યાં, શું ખર્ચો કર્યો એને યાદ કરો છો. એને કારણે જાતે જ સમજાઈ જાય છે કે કોઈ ચોક્કસ જગ્યાએ તમે ખર્ચો રોકી શક્યા હોત અથવા તો ઓછો ખર્ચ કરવાનો રસ્તો શોધી શક્યા હોત. નેક્સ્ટ ટાઇમ તમે એ વસ્તુને મગજમાં રાખીને પૈસા ખર્ચ કરશો તો તમારી બચત વધશે અને ધીમે-ધીમે પૈસાને લઈને તમારો જે કૅઝ્યુઅલ ઍટિટ્યુડ છે એ ચેન્જ થશે, પરિણામે તમારા પર્સનલ ફાઇનૅન્સમાં સુધારો થશે તો સેલ્ફ-સૅટિસ્ફૅક્શનમાં વધારો થશે અને જીવનમાં પૈસાને લઈને જે ફરિયાદો છે એ નહીં રહે.
મની ડાયરી લખવાના ફાયદાઓ વિશે જણાવતાં ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર જય શાહ કહે છે, ‘આપણે લખીએ ત્યારે હું ક્યાં ખર્ચો કરી રહ્યો છું એની અવેરનેસ વધતી જાય. એને લીધે પૅટર્ન્સ ખબર પડતી જાય કે મારા ક્યાં-ક્યાં ખર્ચા થઈ રહ્યા છે. તો જેમ-જેમ તમારી અવેરનેસ વધતી જાય તેમ-તેમ ઑટોમૅટિકલી જ્યાં તમને વધારે ફાયદો નથી લાગતો ત્યાં ખર્ચો ઓછો જ થઈ જાય. તમને એ ખબર પડી જશે કે મને કેટલા ખર્ચામાં કેટલો ફાયદો થયો તો તમે ઇક્વેટ કરીને જ્યાં તમને મૅક્સિમમ નફો મળતો હશે ત્યાં ખર્ચો કરવાનું તમે ઑટોમૅટિકલી ચાલુ કરી નાખશો. તમે બહુ કૅલ્ક્યુલેટિવ થઈ જાઓ. એટલે કૅલ્ક્યુલેટિવ માઇન્ડસેટને લીધે તમે નફો ઑલ્વેઝ વધારે કરશો અને ખર્ચો ઓછો કરશો. તો તમે વધારે જલદી વેલ્થ બનાવી શકશો. તમારામાં આ જે સમજણ આવી છે એ જ તમને ફ્યુચર ફાઇનૅન્શિયલ ગોલ્સ માટે સેવિંગ્સ કરવામાં કામ આવશે. મની ડાયરી લખવાની સાથે આપણામાં કેટલાક ગુણો પણ કેળવાય છે. જેમ કે તમે મનને બદલે બુદ્ધિથી કામ લેવાનું શરૂ કરી દેશો. મનફાવે એમ નિર્ણય લેવાને બદલે તમે ડેટા ઓરિએન્ટેડ ડિસિઝન લેવાનું શરૂ કરી દેશો. બીજું, તમારામાં ડિસિપ્લિન આવશે. આ ડિસિપ્લિન તમારા વ્યવહારમાં પણ આવી જાય. આ નાની હૅબિટને લીધે તમે એક વધુ જવાબદાર વ્યક્તિ પણ બનો છો.’   

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 11:22 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK