Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તળેલો આઇસક્રીમ અને તંદૂરમાં પકવેલાં ફ્રૂટ્સ ખાધાં છે?

તળેલો આઇસક્રીમ અને તંદૂરમાં પકવેલાં ફ્રૂટ્સ ખાધાં છે?

21 January, 2022 02:48 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

માત્ર ચાર મહિના પહેલાં જ આ યુવાને મુંબઈગરાઓની નાઇટ ક્રેવિંગની નાડ પારખીને ફ્રાઇડ આઇસક્રીમ, પોટલી બિરયાની, સુનહરી ટોકરી જેવી અવનવી ડિશ સાથે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે

તળેલો આઇસક્રીમ

તળેલો આઇસક્રીમ


એન્જિનિયર થયા પછી પણ સારી નોકરી ન મળતાં ૨૬ વર્ષના દીપ પારેખે મશીનને બાય-બાય કરીને તંદૂર સાથે દોસ્તી કરી લીધી. માત્ર ચાર મહિના પહેલાં જ આ યુવાને મુંબઈગરાઓની નાઇટ ક્રેવિંગની નાડ પારખીને ફ્રાઇડ આઇસક્રીમ, પોટલી બિરયાની, સુનહરી ટોકરી જેવી અવનવી ડિશ સાથે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે

કહે છે કે મુંબઈ જાગતું શહેર છે અને મુંબઈગરાઓ રાતના રાજા. ભરપેટ જમ્યા પછી પણ અડધી રાત થાય ત્યાં ભૂખ લાગે. પહેલાંની જેમ હવે નાસ્તાનો ડબ્બો ફંફોળવાનો જમાનો રહ્યો નથી એટલે લોકો મોબાઇલ ફંફોળે છે - કદાચ કોઈ હોટેલ ખુલ્લી હોય તો પાર્સલ મગાવી લઈએ. મુંબઈગરાઓની નાઇટ ક્રેવિંગની નાડ પારખી જનારા કાંદિવલીના ૨૬ વર્ષના મેકૅનિકલ એન્જિનિયર દીપ પારેખને લાગ્યું કે મશીન સાથે મજગમારી કરવા કરતાં તંદૂર સાથે દોસ્તી કરવામાં વધુ ફાયદો છે. ચાર મહિના પહેલાં બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં શરૂ કરેલા સ્ટાર્ટ-અપ શિવશક્તિ ડિલાઇટ ઇન એવરી બાઇટમાં સાંજના ૬.૩૦થી રાતના ૩.૩૦ વાગ્યા સુધી અવલેબલ ફૂડ-આઇટમોની ખાસિયત શું છે તેમ જ શરૂઆત કઈ રીતે થઈ એ જાણવા દીપ સાથે મુલાકાત કરીએ. 
મજેદાર મેનુ | નૉર્થ ઇન્ડિયન ક્વિઝીન, તંદૂર કિચન અને ચાઇનીઝ ફૂડ ઉપરાંત અમે કેટલીક હટકે ડિશ લઈને આવ્યા છીએ એવી માહિતી શૅર કરતાં દીપ કહે છે, ‘મલાડથી બોરીવલીના એરિયામાં ગુજરાતી વસતિ વધુ છે. આપણને નવી-નવી ડિશ ટ્રાય કરવાનો જબરો શોખ છે. અમારું મેનુ દરેક ઉંમરના લોકોની ચૉઇસને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવ્યું છે. રેગ્યુલર આઇટમની સાથે જમીન કે મોતી, ફ્રાઇડ આઇસક્રીમ, રૂમાલી રોટી રોલ્સ, પોટલી બિરયાની અને સુનહરી ટોકરી આ પાંચ મજેદાર ડિશ છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. ફ્રાઇડ આઇસક્રીમમાં વૅનિલા સ્કૂપને ખાસ પ્રકારના ખીરામાં બોળી ડીપ ફ્રાય કરીને સર્વ કરવામાં આવે છે. ઉપરનું પડ ગરમ હોવાથી ખાતી વખતે જીભને પહેલાં ચટકો લાગે છે અને પછી ઠંડા ઠંડા કૂલ કૂલ. ટેબલ પર આવ્યા બાદ આ આઇટમ ૧૦ મિનિટની અંદર ખાઈ જવાની હોય છે.’
અન્ય ડિશની ખાસિયત જણાવતાં તે કહે છે, ‘રૂમાલી રોટીની અંદર બિરયાની ભરીને બાંધીને ગરમાગરમ તેલમાં તળીને પીરસવામાં આવે છે. આ આઇટમને પોટલી બિરયાની નામ આપવામાં આવ્યું છે. સુનહરી ટોકરીમાં ગોલ્ડન ગ્રેવીવાળી મિડિયમ સ્પાઇસી પનીરની સબ્ઝી હોય છે. મોટી પૂરીને ટોકરી જેવો શેપને આપી એમાં સબ્ઝી સર્વ કરીએ છીએ. ટોકરી પણ ખાઈ જવાની. આ ડિશને અમે કસ્ટમાઇઝ્ડ પણ કરી છે. કસ્ટમરને ટોકરીની અંદર બીજી સબ્ઝી જોઈતી હોય તો અમે બનાવી આપીએ છીએ. રૂમાલી રોટી રોલ્સમાં પણ ડિફરન્ટ વરાઇટી અવલેબલ છે. જમીન કે મોતી ફ્રૂટ-પ્લેટર છે. પાઇનૅપલ, પેર અને ઍપલના પીસને તંદૂરમાં પકાવી સર્વ કરાય છે. એમાં બે વરાઇટી છે. ફ્રૂટ્સ પ્લેટર અને ફ્રૂટ્સ વિથ કૅપ્સિકમ ટમૅટો પ્લેટર ડિઝર્ટ તરીકે ખાવાની મજા પડે છે.’



Sunhari Tokari


સ્ટ્રગલિંગ પિરિયડ | શિવ​શક્તિ સ્ટાર્ટ-અપનો જન્મ કંઈ રાતોરાત નથી થયો. પોતાની જાતને બિઝનેસમૅન તરીકે એસ્ટૅબ્લિશ કરવા દીપે ઘણી લાંબી મજલ કાપવી પડી છે. આ જર્ની વિશે વાત કરતાં તે કહે છે, ‘ચાર વર્ષ પહેલાં મેકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ નોકરીની તલાશ શરૂ કરી. મુંબઈમાં મેળ ન પડતાં સુરતમાં મશીન પ્રોગ્રામર તરીકે જોડાઈ ગયો. આઠ મહિના તનતોડ મહેનત કરીને પણ હાથમાં કંઈ વધ્યું નહીં તેથી નિરાશ થઈ પાછો ઘરે આવી ગયો. ફરી મુંબઈમાં જૉબ ઇન્ટરવ્યુનો દોર શરૂ થયો. મારી કાબેલિયત પ્રમાણે તક મળી નહીં. મારી સાથે અભ્યાસ કરતા યુવાનો નોકરીમાં ઠરીઠામ થઈ ગયા, બધા આગળ નીકળી ગયા અને હું જ રહી ગયો એવા વિચારો ઘેરી વળતાં ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. નસીબ એક ડગલું પાછળ ચાલતું હતું. એમાં કોવિડ આવી જતાં નોકરીની આશા છોડી દીધી. જોકે પેરન્ટ્સ અને ફ્રેન્ડ્સ મોટિવેટ કરતા. લૉકડાઉનને કારણે મારી કરીઅરને જુદી દિશા મળી.’
ટર્નિંગ પૉઇન્ટ | હું નાનપણથી બિઝનેસ માઇન્ડેડ હતો તેથી પેરન્ટ્સને થયું કે મારે નોકરી કરતાં સ્ટાર્ટ-અપ વિશે વિચારવું જોઈએ એમ જણાવતાં તે કહે છે, ‘લૉકડાઉન દરમિયાન સોસાયટીના યંગસ્ટર્સ રાત્રે કૅરમ રમતા અને અડધી રાતે ભૂખ લાગે ત્યારે પાઉંભાજી, તવા પુલાવ અને પીત્ઝા મગાવતા. એક વાર બધાને દાલ-ખીચડી ખાવાની ઇચ્છા થઈ, પરંતુ મળતી નહોતી. રાતના લિમિટેડ આઇટમ મળે છે. એમાંથી વિચાર આવ્યો કે મુંબઈગરાઓની નાઇટ ક્રેવિંગની હૅબિટ ઇન્કમનો સોર્સ બની શકે છે. અમસ્તા આવેલો આ વિચાર ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. મને ફૂડ સ્ટાર્ટ-અપમાં રસ પડ્યો. આ બિઝનેસમાં શેફનો રોલ મહત્ત્વનો હોવાથી સોશ્યલ મીડિયા પર ખણખોદ કરી અને એજન્સીઓ સાથે કૉન્ટૅક્ટ કર્યો. એક ફ્રેન્ડના પપ્પાની મદદથી શેફ મળી ગયો. લોકેશન શોધવા પણ ખૂબ દોડાદોડી કરી. પેરન્ટ્સ અને ફ્રેન્ડ્સે રોકાણ માટે પૈસા આપ્યા. આમ મારી કરીઅરની ગાડી પાટે ચડી. કસ્ટમર્સના સૅટિસ્ફૅક્શન માટે ઓપન કિચન રાખ્યું છે. શરૂઆતમાં કાર ડાઇનિંગ અને ટેક અવે ફૅસિલિટી સાથે સ્ટાર્ટ કર્યું હતું. હવે સિટિંગની વ્યવસ્થા કરી છે. અત્યારે પાંચ જણના સ્ટાફ સાથે મૅનેજ થઈ જાય છે. ખાસ્સા સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખવા મળતાં બધા ખુશ છે.’

 મોડી રાતે ભૂખ લાગે તો પાંઉંભાજી, તવા પુલાવ અને પીત્ઝા જેવી લિમિટેડ આઇટમ જ મળે છે. એમાંથી વિચાર આવ્યો કે મુંબઈગરાઓની નાઇટ ક્રેવિંગની હૅબિટ ઇન્કમનો સોર્સ બની શકે છે.  - દીપ પારેખ

 ગુજરાતીઓના અવનવી ડિશ ટ્રાય કરવાના શોખ અને દરેક ઉંમરના લોકોની ચૉઇસને ધ્યાનમાં રાખીને દીપે મેનુ ડેવલપ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2022 02:48 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK