વેદિક શાસ્ત્રોમાં સંસ્કૃતમાં માત્ર એક જ ભગવાન છે જેમને માટે ‘સર્વગુણ નિધાન’ શબ્દપ્રયોગ થયો છે. એ છે હનુમાન. કહેવાય છે કે હનુમાનજી સદેહે આ ધરતી પર વિચરી રહ્યા છે.
હનુમાન
પાવરનો પાર નહીં અને છતાંય જેનામાં પારાવાર નમ્રતા હોય એ હનુમાન. બુદ્ધિચાતુર્ય એવું કે રામનું કામ કરવામાં જે ખેલ કરવા પડે એ બધા જ કરી જાય પણ જ્યારે ક્રેડિટ આપવાની વાત આવે ત્યારે ‘રામની કૃપાનું જ પરિણામ’ એવું સહજ કહે એ હનુમાન. જેની આયોજનશક્તિ અને નિર્ણયક્ષમતા એટલી જોરદાર કે રામસેતુના કામમાં વાનરોને ધંધે લગાડી દે અને જરૂર પડ્યે આખો સંજીવની પર્વત ઉઠાવી લાવે એ હનુમાન. ગુણોના ભંડાર, પરાક્રમી, નિરહંકારી અને આજના યંગસ્ટર્સના ફેવરિટ એવા આ ભગવાન પાસેથી શું શીખવું જોઈએ સહુએ એની વાત કરીએ આજે
‘સંકટ હરે, મીટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલવીરા’ હનુમાન ચાલીસાનું શ્રવણ કરનારા લગભગ તમામ લોકોનું ધ્યાન આ એક કડી પર ગયું જ હશે. તુલસીદાસજીએ હનુમાનજીના ગુણોનું લાંબું લિસ્ટ આપ્યા પછી તેમની કરામતો અને વિવિધ સંજોગોમાં તેમણે દાખવેલી શ્રેષ્ઠતાનું વર્ણન કર્યા પછી તેઓ પોતાના ભક્તો માટે કેટલા હાજરાહજૂર છે એ સમજાવવા માટે આ કડી પૂરતી છે. સંકટ અને પીડા દૂર થાય જો હનુમાનનું સ્મરણ કરો. પ્રકૃતિનો એક સરળ નિયમ છે કે જેની પાસે જે હોય એ તે આપે. કેરીનું ઝાડ કેરી આપે અને બોરનું ઝાડ બોર જ આપે. બોરનું ઝાડ ફૉર અ ચેન્જ મૅન્ગો આપવાનું શરૂ કરે એવું બન્યું નથી અને બનવાનું પણ નથી. એવું જ ઈશ્વરોમાં પણ માની શકીએને? વેદિક શાસ્ત્રોમાં સંસ્કૃતમાં માત્ર એક જ ભગવાન છે જેમને માટે ‘સર્વગુણ નિધાન’ શબ્દપ્રયોગ થયો છે. એ છે ભગવાન હનુમાન. પૌરાણિક કથાઓ મુજબ અમરત્વ પામેલા હનુમાનજી સદેહે આ ધરતી પર વિચરી રહ્યા છે એવું મનાય છે. ભગવાન શિવના અવતાર અને અત્યારના સમયે હાજરાહજૂર દેવ એવા સુપર પાવરફુલ હનુમાનજીની કઈ ક્વૉલિટીને આપણી અંદર ઉતારવાના પ્રયાસ થવા જોઈએ એ વિષય પર ચર્ચા કરીએ.
સેવા અને દાસત્વ ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નવધા ભક્તિની ચર્ચા કરે છે, જેમાં ભક્તની એક ક્વૉલિટી એટલે દાસત્વ.
ADVERTISEMENT
ધારે ત્યારે મચ્છરનું સ્વરૂપ લઈ શકે અને ધારે ત્યારે વિશાળ પર્વત જેવડા બની જાય એવી આઠ પ્રકારની સિદ્ધિઓના જે સ્વામી હોય, બુદ્ધિનો ભંડાર હોય અને છતાં છે રામના દાસ. આજે થોડુંક જ્ઞાન આવી જતાં પોતાને દુનિયાના સર્વેસર્વા માનવા માંડતા અને દરેક નાની બાબતમાં અહંકાર સાથે પોતાનો પ્રતિભાવ આપવા માટે તત્પર રહેતા લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હનુમાનજી પાસેથી સૌથી પહેલો ગુણ કોઈ લેવો જોઈએ તો એ છે નમ્રતાનો. દાસત્વનો. રામને તો મારી કંઈ પડી જ નથી, રામને શું ખબર પડે, કામ તો મેં જ કર્યું છે એવો કોઈ અહંકાર હનુમાનજી માટે કલ્પી ન શકાય. એવું નથી કે તેમને પડી નથી. પોતાની પૂંછડી હટાવી ન શકે એવા બળધારી ભીમના ઈગોને તેમણે ઠેકાણે પાડ્યો હતો એટલે આવડત તેમનામાં હતી, પરંતુ એ પછીયે પોતાની શક્તિ, લબ્ધિ અને ચતુરતા રામની સામે શૂન્ય છે. રામનો આદેશ સર આંખો પર. પોતાના રામ માટે હરક્ષણ તત્પર અને સંપૂર્ણ સમર્પિત, રામના કામને પૂરાં કરવામાં જાત હોમી દેતાં ખચકાવું નહીં એવો દાસ એટલે હનુમાન. રામાયણની હનુમાન વિના તમે કલ્પના ન કરી શકો.
પોતાનું નામ પવન હોવાને કારણે હનુમાનજીને પોતાના પુત્રની જેમ જોતા, તેમના માટે લલ્લાનું સંબોધન કરતા ‘લિવિંગ હનુમાન’ નામનું પુસ્તક લખનારા જ્યોતિષી પવન મિશ્રા કહે છે, ‘સેવાનો ગુણ જે હનુમાનજી આપણને શીખવે છે એ અણમોલ છે. રામનું કામ કર્યા વિના મને વિશ્રામ નથી એવી એક કડી સુંદરકાંડમાં આવે છે જે તેમની કર્મઠતા અને નિષ્કામ કર્મયોગ દર્શાવે છે. રામનું કામ એ જ જીવનનું ધ્યેય બનાવીને એક પછી એક કાર્યને સાકાર કરનારા હનુમાનજીએ ડગલે ને પગલે સેવાનો સંદેશ આપ્યો. તેમનું દાસત્વ પણ એટલે જ દેદીપ્યમાન બન્યું.’
જ્ઞાન-ગુણ સાગર
જ્ઞાની હોવું અને જ્ઞાન એ વ્યક્તિનો ગુણ જ બની જાય એ બન્ને બાબત વચ્ચે ભેદ છે, જેને સમજાવતાં પવન મિશ્રા કહે છે, ‘તબક્કાવાર જ્ઞાનને અંદર ઉતાર્યું હોય એવા જ્ઞાની નહીં પણ જ્ઞાન એ તેમના અસ્તિત્વનો હિસ્સો હોય, તેમનામાં સહજ જ એ ગુણ સ્વરૂપે હોય એ હનુમાન. ઉધારનું જ્ઞાન નહીં, પણ અંદરખાને પ્રગટેલું જ્ઞાન એ હનુમાનજીની ખાસિયત. તેઓ પોથી પંડિત નહીં પણ જ્ઞાનને આત્મસાત કરનારા હતા અને એટલે જ તેમના દરેક નિર્ણયમાં એ વિવેકબુદ્ધિનાં દર્શન થાય છે. જે સત્ય છે એની વાતો નથી કરતા, પણ એને જ જીવે છે. સાચા જ્ઞાની આવા જ હોય. તેમણે જ્ઞાનના વૈભવનો પ્રચાર કે પ્રદર્શન કરવાની જરૂર નથી પડતી. લોહીની જેમ જ્ઞાનનો ગુણ તેમનામાં વહેતો હોય છે. હનુમાનજી આપણને શીખવે છે, જ્ઞાનને પચાવો.’
આ પણ વાંચો: આજે રાત્રે અગાસી પર જઈને ચંદામામા પાસે બેસજો થોડી વાર
પ્રેઝન્ટેબલ રહેવાનું
બહુ ઓછા લોકો હનુમાનજીની આ ક્વૉલિટી વિશે વાત કરે છે પરંતુ મારી દૃષ્ટિએ આ પણ મહત્ત્વનું છે એમ જણાવીને પવન મિશ્રા કહે છે, ‘હનુમાન ચાલીસામાં એક કડીમાં ‘કંચન બરણ બિરાજ સુબેસા’ની વાત આવે છે, જે હનુમાનજીના અપીરન્સની ચર્ચા કરે છે. સુવેશ એટલે કે સારાં કપડાં, ઉચિત દાગીના. પોતાના લુકને પણ લઘરવઘર નહીં રાખો. હનુમાનજી રામદૂત છે અને તેઓ એની ભવ્યતા સમજે છે. પોતે ભગવાન રામને રેપ્રિઝેન્ટ કરતા હોય અને પછી જો લઘરવઘર હોય તો કેવી ખરાબ ઇમેજ પડે! લૌકિક દૃષ્ટિએ તમે જે પણ કામ કરતા હો, જે પણ સ્થાન પર હો, તમારા સંસ્કાર અને સંસ્કૃતિને શોભે એ રીતે સુઘડ, સ્વચ્છ અને પ્રેઝન્ટેબલ રહો એ ક્વૉલિટી પણ હનુમાનજી પાસેથી શીખવા જેવી છે.’
વિદ્યાવાન ગુણ અતિ ચાતુર
હનુમાનજીની ચતુરાઈના પણ ભરપૂર કિસ્સાઓ તેમના જીવનચરિત્રમાંથી મળે છે. લંકા જતી વખતે દરિયામાં એક સુરસા નામની રાક્ષસણી તેમને આહાર બનાવી દેવા માગે છે. શરૂઆતમાં હનુમાનજી તેને ખૂબ સમજાવે છે, મારું કામ પતી જવા દે, પાછો આવું એટલે મને ખાઈ જજે. પણ તે નથી માનતી અને વિશાળ સ્વરૂપ કરીને ખાવા જાય છે ત્યાં હનુમાનજી એનાથી ડબલ સ્વરૂપ કરી દે છે. પેલી પણ પાછું પોતાનું સ્વરૂપ વધુ મોટું કરે છે એટલે અચાનક હનુમાનજી એકદમ નાનકડું સ્વરૂપ કરીને તેના મોઢામાં એન્ટ્રી મારીને પાછા બહાર નીકળી જાય છે. સુરસા જોતી રહી જાય છે અને પ્રસન્ન પણ થાય છે. કયા સમયે શું કરવું એની આવડત એ હનુમાનજીની ચતુરાઈ છે. જ્યાં ઈગોની વાત આવે ત્યાં સમય બગાડ્યા વિના ઝૂકી જતાં પણ તેઓ અચકાતા નથી. એવો જ એક બીજો પ્રસંગ છે સંજીવની પર્વત ઉપાડી લાવવાનો. લક્ષ્મણને સવાર થાય એ પહેલાં સંજીવની જડીબુટ્ટી પહોંચાડવાના નિર્ણય પછી સંજીવની જડીબુટ્ટી કઈ છે એ સમજાતું નહોતું ત્યારે સમય બગાડ્યા વિના આખો પર્વત પણ ઉપાડી લાવીને સમયને તેમણે સાચવી લીધો. આ તેમની બુદ્ધિમત્તાની અને ટાઇમ-મૅનેજમેન્ટની ખાસિયત કહી શકાય. જ્યાં બળની જરૂર હોય ત્યાં બળ અને જ્યાં કળની જરૂર હોય ત્યાં કળ પણ લગાવવી જોઈએ એ હનુમાનજી શીખવે છે.
આત્મનિયંત્રણ
જે હનુમાનજી રાવણની લંકામાં જઈને સીતાજીને મળી શકે, લંકામાં આગ લગાવીને આખી લંકામાં ભયનું વાતાવરણ ફેલાવી શકે, લંકામાં જઈને ત્યાં રહેતા વિભીષણ જેવા ભવિષ્યમાં કામ લાગી શકે એવા વ્યક્તિને શોધી શકે અને મિત્ર બનાવી શકે તો શું એ હનુમાન યુદ્ધ વિના સીતાજીને ખભે બેસાડીને લંકામાંથી છોડાવી ન શકે? જવાબ હા છે, પરંતુ દયનીય સ્થિતિમાં રહેલાં સીતાજીને છોડાવવાની ચેષ્ટા તેમણે ન કરી. સુંદરકાંડમાં એનો પણ શ્લોક આવે છે. એનાં બે કારણો છે. એક, રામની આજ્ઞા હતી એટલું જ કામ તેમણે એ સમયે કર્યું. તેઓ સીતાજી પાસે રામદૂત તરીકે ગયા હતા. એ આજ્ઞા તેમણે નિભાવી. બીજું, રાવણ સાથેના યુદ્ધમાં વિજયી નીવડીને પૂરા સન્માન સાથે સીતાજી પાછાં આવે અને તેમની ગરિમા જળવાય એ તે જાણતા હતા. સીતામાને જોઈને હૃદય દ્રવી ઊઠ્યા પછી પણ હનુમાનજીએ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખ્યું. એ ગુણ આપણે પણ અપનાવવા જેવો છે. ભાવનાઓમાં વહીને કર્તવ્યથી વિમુખ ન થવું એ વાત હનુભાનજી શીખવે છે.
બજરંગબલી સત્યની વાતો નથી કરતા, પણ એને જ જીવે છે. સાચા જ્ઞાની આવા જ હોય. તેમણે જ્ઞાનના વૈભવનો પ્રચાર કે પ્રદર્શન કરવાની જરૂર નથી પડતી. લોહીની જેમ જ્ઞાનનો ગુણ તેમનામાં વહેતો હોય છે. હનુમાનજી આપણને શીખવે છે, જ્ઞાનને પચાવો પવન મિશ્રા, લેખક અને જ્યોતિષ

