આ માર્ગ એટલે સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદનો સિદ્ધાંત. દુનિયાના તમામ તત્ત્વજ્ઞાનમાં મુઠ્ઠી ઊંચેરા સાબિત થઈ શકતા આ સિદ્ધાંતની સૌથી ઓછી ચર્ચા થઈ છે જ્યારે કે અત્યારે એની સૌથી વધુ જરૂરિયાત છે
ભગવાન મહાવીરની ભાઈ નંદીવર્ધને ભરાવેલા ૨૬૦૦ વર્ષ જુના પ્રતિમાજી
વાતની શરૂઆત એક ક્લાસિક એક્ઝામ્પલથી કરીએ. ક્લાસિક એટલા માટે કે જ્યારે પણ અનેકાંતવાદ કે સ્યાદ્વાદની ચર્ચા થાય એટલે સૌથી પહેલો દાખલો આ જ અપાય. શાસ્ત્રકારો સ્યાદ્વાદને સમજાવવા માટે સાત અંધ પુરુષોની સરસ વાત કરે છે. એક હાથીના વિવિધ સાત અંગોને સાત અંધ પુરુષોએ પકડ્યા. જેણે પગ પકડ્યો તેણે કહ્યું, ‘હાથી થાંભલાની આકૃતિ ધરાવે છે.’ જેણે સૂંઢ પકડી તેમણે કહ્યું, ‘હાથી દોરડા જેવો છે.’ જેણે કાન પકડ્યો તેણે કહ્યું, ‘હાથી તો સુપડું છે સુપડું.’
દરેકે જુદી વાત કરી. પછી તો બધા પોતાની વાતને જ સાચી માનીને ઝઘડી પડ્યા.
ADVERTISEMENT
એ વખતે બે આંખોવાળો માણસ આવી ચડ્યો. તે આખી વાત બરાબર સમજી ગયો. ઝઘડો શાંત કરવા તેણે તે સાતેય પ્રજ્ઞાચક્ષુઓને હાથીના વિવિધ અંગો પકડાવ્યા અને પછી કહ્યું, ‘હવે કહો, હાથી કોના જેવો છે?’ જેણે પગ પકડ્યો હતો તેણે હવે પૂંછડી પકડી અને તે બોલ્યો કે આની અપેક્ષાએ તો હાથી તો દોરડા જેવો પણ છે.’
આમ આંખો ધરાવતા પુરુષે સાતેય અંધોને જુદી જુદી અપેક્ષાથી ‘બધા સાચા છે’ એવી કબુલાત કરાવી અને તેમનો ઝઘડો મટી ગયો. આ રીતે અનેકાંતવાદ પરસ્પર સંઘર્ષ મિટાવવાનું કામ કરે છે. ચિત્તની પ્રસન્નતા, ચિત્તની શાંતિ માટે આ બહુ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત મનાય છે.
આજે જૈનોના ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીરનું જન્મકલ્યાણક છે. યસ, જન્મકલ્યાણક એ જ ઉચિત શબ્દપ્રયોગ તીર્થંકર માટે વપરાય છે. જેનો જન્મ ત્રણેય લોકને કલ્યાણકારી હોય, જેનો ફરી પાછો જન્મ થવાનો નથી અને યુગો સુધી જેના જન્મથી જીવો પોતાનું કલ્યાણ કરવા માટે આગળ વધતા રહેશે એવા તીર્થંકરોની જન્મની વેળાને કલ્યાણક શબ્દથી વ્યક્ત કરાતી હોય છે. આજના આ વિશિષ્ટ દિવસે પ્રભુ મહાવીરે આપેલા રૅરૅસ્ટ રૅર કહી શકાય એવા એક સિદ્ધાંતને સમજવાનો આપણે પ્રયાસ કરવાના છીએ. સહેજ અઘરો અને ટેક્નિકલ મુદ્દો હોવા છતાં શક્ય હોય એટલી સરળ ભાષામાં એને પ્રસ્તુત કરવાના અમે પ્રયાસ કર્યા છે. આ તત્ત્વજ્ઞાનની વાત છે એટલે એ દરેક ધર્મની વ્યક્તિ માટે જ્ઞાનવર્ધક બની શકે છે એટલે જૈન અને જૈન ન હોય એવી દરેક વ્યક્તિને ઉપલક્ષ્યમાં રાખીને સરળ શબ્દોમાં અનેકાંતવાદને જૈન ધર્મના બે વિદ્વાન મહાત્માઓ પાસેથી સમજવાના પ્રયાસ કરીએ.
વાત સૂક્ષ્મતાની | ભગવાન મહાવીરના દરેકેદરેક સિદ્ધાંતોમાં તમને ઉચ્ચ કક્ષાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મળશે. તર્કબદ્ધતા પણ છે અને અધ્યાત્મની ગહનતા પણ છે. બહુ જ રૅર એવા આ કૉમ્બિનેશનવાળા જૈન ધર્મના ત્રણ સિદ્ધાંત મુખ્ય છે; અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ. એમાં અનેકાંતવાદને સમજવો થોડોક અઘરો હોય છે. કેટલાક દાખલાઓ થકી એની સમજણ આપતાં આચાર્ય શ્રી વિજયકુલબોધિવિજયજી મહારાજ કહે છે, ‘સુખ અને દુઃખ આપણા દૃષ્ટિકોણનું પરિણામ છે. એક જ વાતને લઈને આપણે જો આપણો જોવાનો ઍન્ગલ બદલી નાખીએ તો એ જ સંજોગ તમને સુખ પણ આપે અને દુઃખ પણ આપે. તમામ લડાઈ, ઝઘડા, વિવાદો પોતાનો પૉઇન્ટ ઑફ વ્યુ સાચો હોવાના કદાગ્રહને કારણે છે. પ્રભુ મહાવીર કહે છે કે દરેક દૃષ્ટિકોણમાં કંઈક સત્ય હોઈ શકે છે. રામાયણનો એક પ્રસંગ છે કે સીતા માતા વસિષ્ઠ ઋષિના આશ્રમમાં છે. રામે તેમનો ત્યાગ કર્યો છે. લવ-કુશ તેમના ગર્ભમાં છે અને આશ્રમમાં રહેતાં સીતામા આશ્રમની દિનચર્યા પ્રમાણે માથે પાણીનું માટલું લઈને આવી રહ્યાં છે. દૂરથી વસિષ્ઠ ઋષિ આ દૃશ્ય જુએ છે અને સીતામાને કહે છે કે તમે એક વાર કહો કે રામે મારી સાથે અન્યાય કર્યો છે એટલે હું પોતે રામજી પાસે જાઉં અને તેમને ગુરુ તરીકે આદેશ કરું. ત્યારે સીતામા કહે છે, ‘પણ મને તો લાગતું જ નથી કે મારા રામે કંઈ ખોટું કર્યું છે. તેમણે મારા અને મારા બન્ને પુત્રોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે જ આ નિર્ણય લીધો હોય એવું જ પ્રતીત થાય છે. એક જ ઘટનામાં બે જુદા દૃષ્ટિકોણ છે. સીતાજીના મનની પ્રસન્નતાને જરાય આંચ નહોતી આવી એ રીતે તેમણે પોતાનો દૃષ્ટિકોણ ઘડ્યો હતો. એવો જ એક બીજો પ્રસંગ છે, જેમાં જગતગુરુ હીરસૂરિ મહારાજ, જેમણે અકબરને પ્રતિબોધ્યો હતો. કહેવાય છે કે અકબર રાજા સવાર-સાંજ જગતગુરુ હીરસૂરિ મહારાજ પાસે ઉપદેશ સાંભળતો. એમાં તેણે એક વાર પૂછ્યું કે તમે માળા ફેરવો ત્યારે મણકાને અંદરની તરફ લઈ જાઓ છો અને અમે મણકા ફેરવીએ ત્યારે મણકાને બહારની તરફ ફેરવીએ છીએ. શું કામ આવું? આપસી મતો ટકરાય એને બદલે હીરસૂરિ મહારાજે કહ્યું કે અમે અંદરની તરફ મણકા ફેરવીએ છીએ, કારણ કે માળા ગણતી વખતે અમે ગુણોને અંદર લઈ જઈએ છીએ જ્યારે તમે બહારની તરફથી માળાના મણકા ફેરવો છો એનો અર્થ છે કે તમે દોષોને બહાર કાઢી રહ્યા છો. બન્ને પોતાની રીતે સાચા છે. આ જે મધ્યસ્થીનો માર્ગ કાઢવાની દિશામાં વ્યક્તિને પ્રેરી શકે, જુદાપણામાં સમાનતા શોધવાની દિશા આપે એ છે સ્યાદ્વાદ.’
આ પણ વાંચો: તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા
પરમો ધર્મ | જૈન ધર્મમાં અહિંસા પરમો ધર્મ બહુ જ પૉપ્યુલર સૂત્ર છે પરંતુ અહીં આચાર્યશ્રી વિજયકુલબોધિસૂરિ કહે છે, ‘અહિંસામાં ઘણી વાર સાપેક્ષ વ્યવહાર કરવો પડતો હોય છે. કાચા પાણીના સ્પર્શનો જૈન સાધુઓને સંપૂર્ણ નિષેધ છે, પરંતુ એ પછીયે અપવાદમાં વરસાદના પાણીમાં પલળતાં પણ આગળ વધવાની કે કિનારો સામે દેખાતો હોય એવા સમયે નાવમાં બેસીને પણ વિહાર કરવાની છૂટ છે. પરંતુ અનેકાંતવાદ તો મનનાં ઘણાં દ્વંદ્વોને શમાવીને સમતાના ગુણને ખીલવવામાં મદદરૂપ થાય છે. ‘અપરિગ્રહ પરમો ધર્મ’ સૂત્ર પણ એટલું જ મહત્ત્વનું છે. આ જ વાતને આજના પરિપ્રેક્ષ્યમાં સમજીએ. એક આર્ટિસ્ટે અંગ્રેજીમાં છ નંબરનો આંકડો ક્લાત્મક રીતે ડ્રો કર્યો. એક વ્યક્તિએ એને જોયો અને તે આફરીન પોકારી ઊઠ્યો. એટલામાં સામેથી બીજી વ્યક્તિએ જોયો તો તે કહે કે ભાઈ ચશ્માં પહેરો, આ છ નહીં પણ નવ છે. ઝઘડો વધે એ પહેલાં પેલા ભાઈ હાથ પકડીને સામે ઊભેલા ભાઈને પોતાની બાજુમાં લાવ્યા અને કહ્યું, હવે જુઓ તો. ત્યારે તેને એમાં છનો જ નંબર દેખાયો. પછી બન્ને હસી પડ્યા, માફી માગી અને હાથ મિલાવીને છૂટા પડ્યા. આ સૌહાર્દતા અનેકાંતવાદ આપે છે. આજે પત્નીને પતિ ખોટો લાગે છે, પતિને પત્નીની કોઈ વાત ખોટી લાગે, મા-બાપને બાળકો ખોટાં લાગે અને બાળકોને પેરન્ટ્સની વાતોમાં વાંધો હોય, એ બધામાં જ અનેકાંતવાદનો સિદ્ધાંત અપનાવી શકાય છે.’
તો ઝઘડા શેના? | ‘વર્તમાન, ભૂત ભવિષ્ય, દરેક સંજોગમાં અનેકાંતવાદનો સિદ્ધાંત રિલેવન્ટ છે પરંતુ એનો પાયો સાપેક્ષવાદ પર નિર્ભર છે. આઇન્સ્ટાઇને થિયરી ઑફ રિલેટિવિટી આપી છે એવી રિલેટિવિટી અનેકાંતવાદના સિદ્ધાંતમાં મહત્ત્વપૂર્ણ છે,’ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદરસૂરિ મહારાજ એને વધુ ઊંડાણપૂર્વક સમજાવતાં કહે છે, ‘દરેક વસ્તુ સાપેક્ષ છે. દાખલા સાથે સમજીએ. એક પુરુષ તેનાં સંતાનો માટે પિતા છે પણ તેના પોતાના પિતાની દૃષ્ટિએ એ પુરુષ પુત્ર છે. એ જ પુરુષ તેની પત્ની માટે પતિ છે તો તેની બહેન માટે ભાઈ છે. એક વ્યક્તિ જુદા-જુદા રિલેશનમાં જુદી રીતે ઓળખાય છે. એટલે કે તેની ઓળખ સાપેક્ષ છે. અનેકાંતવાદ એટલે સાપેક્ષતાની દૃષ્ટીએ આ ભેદનો સ્વીકાર કરીને પૂર્ણ સત્યની ખોજ. એક માણસ પાસે એક કરોડ રૂપિયા હોય તો એક હજાર રૂપિયા હોય એવી વ્યક્તિની અપેક્ષાએ તે ધનવાન છે, પરંતુ જેમની પાસે એક અબજ રૂપિયા છે એની અપેક્ષાએ તે ગરીબ છે. એક જ વ્યક્તિ, એક જ અવસ્થા પણ બે જુદા દૃષ્ટિકોણ અને ધનવાન અને ગરીબ જેવા બે વિરોધાભાસ તેની સાથે જોડાઈ ગયા. જો સમજણપૂર્વક આ વિરોધાભાસ સ્વીકારાય તો અનેકાંતવાદ વિખવાદ મિટાવી શકે એમ છે. પરંતુ લોકો દંભ, અસત્ય સાથે પોતાની વાતને જુદા ધ્યેયથી સાચી પુરવાર કરે અને પછી અનેકાંતવાદનો આશ્રય લે તો એ ખોટું છે અને ઝઘડાનું મૂળ પણ એ જ છે. અન્યથા દરેક વ્યક્તિ સામેવાળાના દૃષ્ટિકોણને પહેલી પ્રાયોરિટી આપીને વિચારતો થઈ જાય તો ઘરમાં અને સમાજમાં શાંતિનો માહોલ બન્યા વિના રહેશે નહીં. પણ એમાં વ્યક્તિની પ્રામાણિકતા મહત્ત્વની છે.’
દરેક વ્યક્તિ પ્રામાણિકતા સાથે સામેવાળાના દૃષ્ટિકોણને પહેલી પ્રાયોરિટી આપીને વિચારતો થઈ જાય તો ઘરમાં અને સમાજમાં શાંતિનો માહોલ બન્યા વિના રહેશે નહીં
આચાર્ય શ્રી જયસુંદરસૂરિ મહારાજ


