ફિલ્મ બનતી હતી ત્યારથી જ આ બાબતનો વિચાર શરૂ થયો હતો અને બૉલીવુડનાં જાણીતાં ત્રણેક પ્રોડક્શન હાઉસ ટાઈ-અપ કરવા પણ રેડી થઈ ગયાં. જોકે વધુ રાહ જોવાની ગણતરી ન હોવાથી પહેલાં ફિલ્મને ગુજરાતીમાં રિલીઝ કરવામાં આવી.
કૃષ્ણદેવ યાજ્ઞિક
ફિલ્મ બનતી હતી ત્યારથી જ આ બાબતનો વિચાર શરૂ થયો હતો અને બૉલીવુડનાં જાણીતાં ત્રણેક પ્રોડક્શન હાઉસ ટાઈ-અપ કરવા પણ રેડી થઈ ગયાં. જોકે વધુ રાહ જોવાની ગણતરી ન હોવાથી પહેલાં ફિલ્મને ગુજરાતીમાં રિલીઝ કરવામાં આવી. ‘રાડો’ની મેકિંગ-પ્રોસેસ વિશે રશ્મિન શાહ સાથે ખૂલીને વાત કરે છે ‘છેલ્લો દિવસ’, ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’, ‘શું થયું?’ અને ‘નાડીદોષ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ધ મોસ્ટ સક્સેસફુલ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક
‘રાડો’ બહુ ચર્ચામાં છે ત્યારે નૅચરલી સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ સબ્જેક્ટનો વિચાર કેવી રીતે આવ્યો?
એક કિસ્સો મેં સાંભળ્યો હતો. એક હૉસ્પિટલમાં આવો જ કંઈક કાંડ થયો અને આખી હૉસ્પિટલ સળગાવી દીધી. બસ, ત્યાંથી આખી વાત મનમાં રમવાની શરૂ થઈ. આપણે અમુક એવા કિસ્સા નજર સામે જોયા પણ છે કે કોઈક મોટા માણસની અરેસ્ટ કરી હોય અને આખું શહેર સળગી ગયું હોય કે પછી કોઈ લીડર કે ધર્મ કે પછી સમાજ હોય એને લીધે પણ બન્યું હોય કે અમારા સમાજના માણસને જાહેરમાં માર્યો અને પછી બસો બાળી નાખી હોય કે શહેરમાં અશાંતિ ફેલાઈ ગઈ હોય. આવું બનતું જ હોય છે. એ બધું જાણતાં-જાણતાં મને થયું કે આનો જવાબ શું? અને મનમાં આવ્યું કે ફિલ્મમાં જ આનો જવાબ આપી શકાય, ફિલ્મ થકી જ આપણે એક રિબેલ ઊભો કરીએ જેના હાથમાં એટલો પાવર હોય અને એ પાવરનો પૉઝિટિવલી યુઝ કરીને ફાઇટ આપે. બસ, મનમાં વિચારે આકાર લેવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
‘રાડો’ના રિસર્ચ, સ્ટડી અને એ બધા પાછળ કેટલાં વર્ષની મહેનત...
હં... (યાદ કરે છે) સ્ટડી અને રિસર્ચ પાછળ કેટલો સમય ગયો એ તો યાદ નથી, પણ સ્ક્રિપ્ટ લખવામાં ત્રણેક વર્ષ થયાં. દિવસમાં ત્રણ-ચાર કલાક કામ કરતો. ખાસ્સાએવા ડ્રાફ્ટ લખાયા. શરૂઆતની સ્ટોરીમાં હીરો અને વિલન જ હતા, પણ પછી દરેક ડ્રાફ્ટ પર કોઈ ને કોઈ નવું કૅરૅક્ટર ઉમેરાયું. મારો એક ડ્રાફ્ટ તો છ કલાકનો બની ગયો હતો. હા, અને એ મને કાપવાનું જરા પણ મન નહોતું. એ પછી થોડો સમય મેં સ્ક્રિપ્ટ મૂકી દીધી અને પછી ફરી બેસી એમાંથી અનનૅસેસરી સીન કાપવાના, કૅરૅક્ટર કાઢવાનું અને એ બધું શરૂ કર્યું. અત્યારે તમે જે ‘રાડો’ જુઓ છો એ સ્ક્રિપ્ટનો પચાસમો ડ્રાફ્ટ છે જે ત્રણ વર્ષે તૈયાર થયો. એ રેડી થયા પછી થયું કે હવે આને ટચ કરવા જેવું નથી.
ફાઇનલ ડ્રાફ્ટ પછી પ્રોડ્યુસર શોધવામાં કેટલો સમય ગયો?
અરે, ખાસ્સો સમય. આમ તો ત્રીસમા ડ્રાફ્ટ પછી મેં પ્રોડ્યુસર શોધવાનું શરૂ કરી દીધું હતું, પણ બધી જગ્યાએથી એક જ વાત આવતી કે ગુજરાતી ફિલ્મમાં આટલા પૈસા ન નખાય. ક્યાંય મેળ પડતો નહોતો અને એ પછી વચ્ચે ‘નાડીદોષ’ આવી ગઈ એટલે એના કામ પર લાગી ગયો. જો ટોટાલિટી સાથે કહું તો લગભગ ત્રણેક વર્ષે પ્રોડ્યુસર નક્કી થયા અને ફાઇનલી જયેશ પટેલ અને નીલય ચોટાઈ પ્રોડ્યુસર તરીકે આવ્યા. આઇ મસ્ટ સે કે તેમણે હિંમત દાખવી અને પૈસા લગાવ્યા. હું કહીશ કે ‘રાડો’નો બધો જશ મારા પ્રોડ્યુસરોને જાય છે કે ફાઇનલ પ્રોડક્ટ સુધી તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો.
બજેટ માટે જુદાં-જુદાં ફિગર્સ આવે છે. ઑફિશ્યલ બજેટ કેટલું?
પંદર કરોડ. મેકિંગ અને માર્કેટિંગ સહિત.
પ્રી-પ્રોડક્શન સમયે ક્યાંય એવું લાગતું કે વધુ બજેટ છે, બૅકફુટ થઈ જઈએ?
ના, મને એવું નહોતું લાગતું. હું માનું છું કે જે સ્ક્રિપ્ટ હતી એના માટે આટલું બજેટ હોવું જોઈએ. દરેક સ્ક્રિપ્ટનું પોતાનું એક બજેટ હોય. ‘રાડો’ સિવાયની ફિલ્મોમાં આ વાતને મેં ધ્યાનમાં રાખી છે. એવો કોઈ સીન લખાઈ જાય તો કાગળ પર જ જોઈ લઉં કે આ ઓવરબજેટ થઈ જશે અને એટલે એ સીનને રીરાઇટ કરી લઉં. પણ ‘રાડો’માં મેં એવી કોઈ લિમિટ નહોતી રાખી. મનમાં આવ્યું કે આ બેસ્ટ છે તો એ જ રીતે એ લખ્યું છે.
બજેટને જોઈને ફિલ્મને હિન્દીમાં બનાવવાનો વિચાર ન આવ્યો?
બજેટ જોઈને નહીં, પણ બનતી હતી એ દરમ્યાન વિચાર આવ્યો. પછી સાથે બેસીને વિચાર્યું કે ડબિંગ કરીને પૅન ઇન્ડિયા રિલીઝનો ઍડ્વાન્ટેજ લઈશું. મેઇન સ્ટ્રીમનાં બે-ત્રણ પ્રોડક્શન હાઉસ પણ અસોસિએટ થવા આવ્યાં. મીટિંગો થઈ. એ મીટિંગો પછી પ્રોડ્યુસર સાથે બેસીને નિર્ણય લીધો કે ફ્યુચરમાં આપણે એ કરીશું, પણ અત્યારે ગુજરાતીમાં રિલીઝ કરી લઈએ.
કયાં પ્રોડક્શન હાઉસ હતાં?
નામ રહેવા દઈએ તો... યોગ્ય નહીં લાગે. ખાસ તો ત્યારે જ્યારે અસોસિએશન અમે ફાઇનલ નથી કર્યું. હા, એટલું નક્કી કે અમે ‘રાડો’ હિન્દી ડબ કરીને પૅન ઇન્ડિયા રિલીઝ માટે બહુ સિરિયસ્લી વિચારીએ છીએ. જોઈએ શું થાય છે?
ફિલ્મનું કાસ્ટિંગ જે લેવલનું છે એ પહેલેથી જ મનમાં હતું?
પહેલેથી મનમાં હતો યશ સોની. જ્યારે વીસેક ડ્રાફ્ટ થયા એ સમયે મેં યશને વાત કરી હતી, પણ એ સમયે અમારી પાસે પ્રોડ્યુસર નહોતા. એ પછી પણ વનલાઇન પર યશ રેડી થઈ ગયો અને તેણે પણ મહેનત શરૂ કરી દીધી. વર્કઆઉટ અને ટ્રેઇનિંગ લીધી. તમે જુઓ, અગાઉની ફિલ્મમાં યશનું સહેજ ટમી દેખાય છે; પણ ‘રાડો’ માટે તેણે પૅક્સ બનાવ્યા, વીસેક કિલો વેઇટ ગેઇન કર્યું. બીજું, કોઈ પણ ડિરેક્ટર ઇચ્છે જ કે તેને હિતુ કનોડિયા અને હિતેનકુમાર જેવા સિનિયર ઍક્ટર સાથે કામ કરવા મળે અને રોલ પણ તેમને લાયક જ હતા. જોકે કૅરૅક્ટરની લેન્ગ્થ જોતાં સહેજ અવઢવ હતી, પણ નરેશન આપ્યું જે તેમને બહુ ગમ્યું અને તેમનું કાસ્ટિંગ થયું.
‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ફિલ્મોમાં કૉમેડીનો દોર શરૂ થયો, જે પાથ તમે જ બનાવ્યો હતો. ‘રાડો’ પાથબ્રેકર છે અને એ પણ તમે જ બનાવી. તમને થયું નહીં કે હું શું કામ મેં જ બનાવેલો પાથ તોડું? એના કરતાં બે દશકા આ જ કૉમેડીના ટ્રૅકને એન્જૉય કરું. જાત માટે આવી ચૅલેન્જ શું કામ ઊભી કરી?
મને મન નહોતું થતું કે એકનું એક કામ નથી કરું. ‘છેલ્લો દિવસ’ કરી. એના પછી ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ કરી, જેમાં થોડી કૉમેડી હતી. એ પછી ‘શું થયું?’ કરી જે અગેઇન સેફ મોડમાં હતી એટલે મને થયું કે અલગ સબ્જેક્ટ પર કામ નહીં કરું તો હું પોતે મૉનોટોનસ થઈ જઈશ. ‘રાડો’ પછી હવે જે ફિલ્મ કરું છું એમાં એક પણ કૉમેડી ડાયલૉગ નથી.
‘રાડો’ બે વર્ષ મોડી આવી, પેન્ડેમિકને કારણે...
હા, એ તૈયાર તો એકાદ વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી, પણ પેન્ડેમિકને કારણે થિયેટરોમાં ફિફ્ટી પર્સન્ટ ઑક્યુપન્સી હતી એટલે થયું કે વેઇટ કરીએ. ‘રાડો’ પહેલાંની મારી ફિલ્મ ‘નાડીદોષ’ પણ પેન્ડેમિકને કારણે ખેંચાઈ. એ તો ૨૦૧૯માં તૈયાર થઈ ગઈ હતી. પેન્ડેમિકની ગાઇડલાઇનમાં સુધારો થયા પછી પણ બૉલીવુડની મોટી ફિલ્મો લાઇનમાં હતી એટલે થયું કે એ લોકો સામે ફાઇટ આપવી અઘરી પડશે એટલે થોડી વધારે રાહ જોઈ અને પછી પ્રૉપર ડેટ પર પહેલાં બનેલી ‘નાડીદોષ’ અને એના પછી ‘રાડો’ રિલીઝ કરી.
યશ સોની તમારી શોધ. ‘છેલ્લો દિવસ’માં પહેલી વાર બ્રેક આપ્યો. જે પ્રકારની યશની જર્ની છે એ અદ્ભુત છે.
હા ખરેખર, અને તેણે પોતાની મહેનતથી બધું અચીવ કર્યું છે. મેં યશ સાથે ઘણું કામ કર્યું, બૅક-ટુ-બૅક કર્યું. જોકે તમે જ કહો કે કયા ઍક્ટર સાથે ડિરેક્ટરને કામ કરવું ન ગમે જે વ્યવસ્થિત કામ આપે અને ડિરેક્ટર્સ ઍક્ટર બનીને રહે. ફિલ્મ એક ટીમવર્ક છે. દરેકે પોતાનું કામ વન-અપ લઈ જવાનું હોય અને એની સાથોસાથ જ્યાં સુધી બધું સચવાયેલું રહે ત્યાં સુધી કોઈ પોતાની ટીમને રિપીટ કરતાં ખચકાય નહીં. યશે જેટલું પણ કામ કર્યું એ તેનું પૅશન છે, તેની સ્ટ્રેન્ગ્થ છે. તે બહુ ડાઉન ટુ અર્થ છે. હું તો કહીશ કે યશ માત્ર ડિરેક્ટર્સ ઍક્ટર નહીં, તે પ્રોડ્યુસર્સ ઍક્ટર પણ છે. કોઈ સ્ટારિઝમ નહીં.
‘છેલ્લો દિવસ’માં માઇકલને બહુ નાનકડો રોલ ઑફર કર્યો અને એ પછી નેક્સ્ટ પિક્ચર ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’માં સીધો લીડ હીરો...
અરે હા, બહુ કડક ઍક્ટર છે તે. ‘છેલ્લો દિવસ’નું તેનું જે ઑડિશન હતું એ જ એવું કડક હતું કે વાત ન પૂછો. આખેઆખો મૉનોલોગ તેણે પટ દઈને યાદ કરીને મૂકી દીધો. દરેક અલગ ઍન્ગલમાં તે બહુ સરસ છે. સીનની કન્ટિન્યુટીમાં પોતાનો હાથ ક્યાં હતો એ પણ તેને ખબર હોય. ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ જ્યારે મેં એ ફુલ લેન્ગ્થમાં લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આ ફિલ્મમાં માઇકલને જ લઈશું અને જુઓ તમે, તેણે જીવ રેડી નાખ્યો. એ છોકરામાં સ્કિલ છે.
‘રાડો’ રિલીઝ થઈ ગઈ, હિટ થઈ ગઈ. વૉટ નેક્સ્ટ...
‘વશ’. એમાં જાનકી બોડીવાલા છે. ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ છે. અગેઇન નવું જોનર છે, થ્રિલર ફિલ્મ છે. આવતા મહિને શૂટ શરૂ કરીશું.
કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતી બાયોપિક બનાવે તો કોની બનાવે?
મહેશ-નરેશની. અદ્ભુત લાઇફ હતી એ બન્ને ભાઈઓની. જો મને તક મળે તો તેમની લાઇફ પર ચોક્કસ ફિલ્મ બનાવું. આ ઉપરાંત મને મન થાય સરદાર વલ્લભભાઈ પટેલની બાયોગ્રાફી પર કામ કરવાનું. જોકે કામ થઈ ગયું છે એટલે આ વિચાર તો જસ્ટ એમ જ છે.
તમને નથી લાગતું કે ગુજરાતી ફિલ્મે હવે કૉમેડીમાંથી બહાર આવવું પડશે? નાટક સ્ટાઇલમાં ચેન્જ...
ચેન્જ લાવવો જરૂરી જ છે. એકનું એક તો પબ્લિકને પણ નહીં ગમે. આવું ચાલતું રહેશે તો ઑડિયન્સ તૂટી જશે. ફિલ્મ જોતી વખતે જો તેમને એવું લાગે કે આ તો ચાર દિવસ પહેલાં વૉટ્સઍપ પર જોઈ લીધેલું કે પછી કોઈ જોક વાંચતી વખતે તેમને એ જોક ખબર હોય તો પછી તેઓ થિયેટર સુધી આવતા બંધ થઈ જશે. જોકે એના માટે હું કહીશ કે પ્રોડ્યુસરે હિંમત ખોલવી પડશે. આપણે નવું લાવીએ તો જ ઑડિયન્સ બંધાયેલું રહેશે. અફકોર્સ, આ જ વાત કહેવાની સાથોસાથ હું એ પણ કહીશ કે કૉમેડી પણ કમર્શિયલ જ છે. હું પણ એ જ કરીને અહીં આવ્યો છું અને ભવિષ્યમાં કૉમેડી ફિલ્મો કરવાનો જ છું, પણ જો તમારે એ દુનિયામાં જવું હોય તો તમારી પાસે વાર્તા ફ્રેશ હોવી જોઈશે. ફ્રેશનેસ વિના નહીં ચાલે.
ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અત્યારે ક્યાં છે?
એ જ લેવલ પર જે લેવલ પર દેશની બધી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી છે. બજેટની વાત નથી. એ ઓછું છે, પણ જો ઓવરઑલ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો તમે જુઓ કે દરેક ઇન્ડસ્ટ્રીમાં વર્ષે સો ફિલ્મો બને છે, પણ એ સોમાંથી ચાલે છે કેટલી? ચાર-પાંચ કે દસ. ગુજરાતીમાં પણ સો બને છે અને સાઉથમાં પણ આ જ રેશિયો છે. પંજાબી, મરાઠી બધી જગ્યાએ એવું જ છે એટલે એવું માનવાની જરૂર નથી કે આપણી ઇન્ડસ્ટ્રી પાછળ છે. સેમ રેશિયો પર જ એ ઊભી છે.
કરીઅર મ્યુઝિક કમ્પોઝર તરીકે શરૂ કરી, પણ હવે...
હા... હા... હા... આજે પણ મ્યુઝિક પૅશન છે જ. વીકમાં એકાદ વાર મજા ખાતર ગિટાર વગાડું. બસ, એટલું જ. ઍક્ચ્યુઅલી, રાઇટિંગ અને ડિરેક્શનમાં વધારે મજા આવે છે એટલે હવે મ્યુઝિક તરફ જવાનું મન નથી. ધૅટ્સ ટ્રુ કે મારી કરીઅર મ્યુઝિક કમ્પોઝર તરીકે જ કરી. મુંબઈ ગયો. ત્યાં સ્ટ્રગલ કરી. ગુજરાતી નાટક ‘મફતિયાને મોંઘવારી નડી’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કરવા મળ્યું. પછી ધીમે-ધીમે દિશા ડાઇવર્ટ થઈ અને રાઇટિંગ-ડિરેક્શનમાં
આવી ગયો.


