આપણા સમાજના મોટા ભાગના પુરુષો એ મિથ્યાભિમાનમાં રાચતા હોય છે કે ઘરસંસાર તેમના થકી જ ચાલે છે, આવું જે વિચારે છે તે પુરુષને ખબર નથી કે ગૃહિણીની મહત્તા શું છે
ગૃહિણી
ક્યા બાત હૈ. ગૃહિણી માટે આટલી સુંદર વ્યાખ્યા બીજી કોઈ હોઈ જ ન શકે. ગૃહિણી ઘરનો મોભ છે; ઘરનો ઉંબરો છે; ઘરની આબરૂ છે; ઘરની આન, ઘરની શાન અને ઘરની લક્ષ્મી છે; ઘરની દેવી છે, દુર્ગા છે. સમાજના મોટા ભાગના પુરુષો એ મિથ્યાભિમાનમાં રાચતા હોય છે કે ઘરસંસાર તેમના થકી જ ચાલે છે; કેમ કે તેઓ કમાય છે, આર્થિક દોર તેમના હાથમાં છે. જોકે આ માત્ર ને માત્ર પુરુષોની ભ્રમણા છે. આવું જે વિચારે છે તે પુરુષને ખબર નથી કે ગૃહિણીની મહત્તા શું છે; તેનું કાર્ય, તેની નિ:સ્વાર્થ ભાવના, સેવા, નિષ્ઠા શું છે; તેનો ત્યાગ અને તપશ્ચર્યા શું છે?
કોઈ દિવસ આપણને વિચાર આવ્યો છે કે ઘરની સ્ત્રી ક્યારે સૂએ છે અને ક્યારે ઊઠે છે? બધાને સુવડાવીને જે સૂએ છે અને બધા કરતાં પહેલાં જેની સવાર પડે છે તે ગૃહિણી છે. કેટકેટલાં કામો સવારથી ચૂપચાપ મૂંગા મોઢે ખૂબ સહજતાથી કોઈ પણ જાતના બદલાની ભાવના વગર કરી નાખતી હોય છે તે ગૃહિણી છે. આપણને ક્યારેય વિચાર આવ્યો છે કે વહેલી સવારે દૂધ કોણ લે છે? ચા-નાસ્તો ક્યારે સવારના ટેબલ પર ગોઠવાઈ જાય છે? ગાદલાં, ગોદડાં, રજાઈ ક્યારે સંકેલાઈ જાય છે? રાતના સૂતાં પહેલાં ઘરનાં બધાં બારી-બારણાં અને લાઇટો બંધ કોણ કરે છે? ઍર-કન્ડિશનમાં તમે થરથરતા હો ત્યારે ઠંડીથી જાગી ન જાઓ એની કાળજી રાખીને તમને કોણ ઓઢાડે છે?



