Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્લેનમાં પણ જૈન ફૂડની વ્યવસ્થા રાખવી પડે છે એ દેખાડે છે કે જૈનોની ક્ષમતા કેવી છે!

પ્લેનમાં પણ જૈન ફૂડની વ્યવસ્થા રાખવી પડે છે એ દેખાડે છે કે જૈનોની ક્ષમતા કેવી છે!

Published : 23 February, 2025 02:51 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ચાલીસ જણ વચ્ચે એક જૈન હોય તો તે જરાય શરમાય નહીં ને હાથ ઊંચો કરીને પોતાના જૈન ફૂડનો ઑર્ડર કરે

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


આપણે વાત કરીએ છીએ જૈનોની. જૈનોએ પોતાનો એક અલગ જ ચીલો ચાતર્યો છે. હમણાં હું આફ્રિકા ગયો. અગાઉ પણ ગયો છું, પણ હમણાં આફ્રિકા ગયો ત્યારે સાવ અજાણ્યા એવા નાના શહેરમાં ગયો હતો. ક્યોને તમે, મારા ગોંડલ જેવડું એ ગામ. મેં
ત્યાં એક જગ્યાએ એક કાળિયાની દુકાને વાંચ્યું, વી આર સર્વિંગ જૈન.

મારી તો આંખું ફાટી ગઈ. મેં જઈને મારી ભાંગીતૂટી અંગ્રેજીમાં પૂછ્યું તો માળો બેટો એ વેંત ચડ્યો. મને ક્યે, ‘યુ આર નૉટ જૈન...’ મને તો એનું અંગ્રેજીયે સમજાતું નહોતું એટલે પછી મારા ઑર્ગેનાઇઝરે ત્યાંની લોકલ બોલીમાં તેની સાથે વાત કરી તો ખબર પડી કે તેને મારું અંગ્રેજી સાંભળીને ખબર પડી ગઈ કે હું જૈન નથી!



જૈનોની એક ખાસિયત છે, તે કંઈ પણ કરે, મન લગાવીને કરે. ફરી વાત કરીએ જૈનોના ફૂડ પ્રેમની તો હું હળવી શૈલીમાં કાયમ જૈનો વિશે કહું કે આખા દેશમાં એક ટકાથી પણ ઓછી કમ્યુનિટી હોવા છતાં ગામડાના વીસ રૂપિયાની ભેળવાળાને પણ લખવું પડે કે જૈન ભેળ મળશે. આ તમારા ધર્મની તાકાત છે. ક્યાંય કોઈ દુકાને તમે સિંધી ભેળ કે કડવા પાટીદાર રગડો પૅટીસ મળે છે એવું તમે વાંચ્યું છે? તમે પ્લેનમાં જાઓ તો પ્લેનમાં પણ ત્રણ જાતનું જ ફૂડ મળે. વેજિટેરિયન,
નૉન-વેજિટેરિયન અને જૈન. આ જૈનોની તાકાત છે. આઇફલ ટાવરની નીચે મેં જૈન હૉટ ડૉગ વેચતો ફ્રેન્ચ્યો જોયો છે ને આ હું વાત તમને સોગન ખાઈને કહું છું. ટૂર-ઑપરેટરોને પૂછી લેજો, એ લોકોએ જૈનો માટેની અરેન્જમેન્ટ કરી જ હોય, જો ન કરે તો અડધી ટૂર ખાલી રહે! ફૉરેનમાં ક્યાંય પણ જૈનોને એ ટૂરમાં ચોવિહાર કરાવી દેવામાં આવે અને ચોવિહારના ટાઇમનું ધ્યાન ટૂર સાથે ગયેલા ઑપરેટર રાખે. જૈનોએ પોતાની આ જે મૉનોપોલી જાળવી રાખી છે એને ખરેખર સૅલ્યુટ કરવી પડે.


ચાલીસ જણ વચ્ચે એક જૈન હોય તો તે જરાય શરમાય નહીં ને હાથ ઊંચો કરીને પોતાના જૈન ફૂડનો ઑર્ડર કરે ને એનો તેને ગર્વ પણ હોય. આ જે ગર્વ છે એ ગર્વ જ જૈન ધર્મને વેંત ઊંચો લઈ જાય છે.

ગઈ દિવાળીએ અમારા ગોંડલમાં એક દુકાને ‘જૈન ફટાકડા’ વેચાતા હતા. હું તો કોથળો ભરી આવ્યો. ઘરે ટ્રાય કરી, પણ ફૂટ્યા જ નહીં. દુકાનદારને ફરિયાદ કરતાં તેણે મસ્ત જવાબ આપ્યો કે ભાઈ, જૈન ફટાકડા છે, અહિંસક જ હોય, આમાં ધડાકો પણ ન થાય અને ધુમાડો પણ ન નીકળે. પછી તો મેં મારી ઘરવાળીને કહ્યું કે ફોઈડ! આ તો પલંગ માથે ફોડવામાં પણ નુકસાન નથી.


આ તો હસવા ખાતર વાત થાય છે, બાકી દોસ્તો, એક પણ વાણિયાનો દીકરો પશુપાલન ન કરતો હોવા છતાં મને એ ગૌરવ સાથે કહેવા દો કે દેશની બે લાખ જેટલી પાંજરાપોળો કે ગૌશાળાઓ જીવતી હોય તો એમાં મુખ્ય દાન જૈનોનું હોય છે. પૂ. રત્નસુંદરવિજયજી મહારાજસાહેબ જેવા અનેક સાધુભગવંતો આજની તારીખે એક ક્રાન્તિકારીની જેમ ગુજરાતી ભાષામાં ઢગલાબંધ સુંદર પુસ્તકો રચીને આપણા સૌના વાંચન અને જીવનના સડી ગયેલા ટેસ્ટને સુધારવા મથી રહ્યા છે તો કચ્છના કલાપૂર્ણસૂરીજીએ કારગિલના શહીદો માટે ખૂબ મોટું દાન એકઠું કર્યું હતું. પંન્યાસ ચંદ્રશેખરજીએ દીવાદાંડી બનીને લોકોને જીવનરાહ ચિંધાડ્યો એ કેમ ભુલાય! વળી પૂ. નમ્રમુનિજીએ આ ફેસબુક જનરેશનને જૈનિઝમ તરફ વાળી. એ સૌને સો સલામ. દોસ્તો, તમને યાદ તો છેને ક્રાન્તિકારી વીર લાલા લજપતરાય જૈન હતા. પ્રખર ચિંતક ઓશો ૨જનીશ અને શિરમોર વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ પણ જૈન સમાજનાં રત્નો હતાં અને અકબર સાથે જે બીરબલની આપણે બહુ વાર્તાઓ સાંભળી છે એ બીરબલ પણ જૈન હતા. અત્યારે ‘મિડ-ડે’માં કૉલમ લખતા આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજીને વાંચવાની તક ‘મિડ-ડે’ના કારણે પહેલી વાર મળી અને હું આભો રહી ગયો. ક્યાંય જૈન ધર્મની વાત નથી, ક્યાંય જૈન ધર્મના પ્રચારનો ભાવ નથી. વાત છે તો માત્ર સમાજકલ્યાણ અને માનવકલ્યાણની. આ જે ભાવ છે એ ભાવ જ જૈન ધર્મને વધારે ખમતીધર બનાવે છે.

જૈનોનો નવકાર મંત્ર મને આખો મોઢે છે અને એનો મને ગર્વ છે. આ જે નવકાર મંત્ર છે એ છે જૈનોનો, પણ એ સમગ્ર વિશ્વનો કલ્યાણકારી મંત્ર છે. જૈનેતર માટે પણ એટલો જ સિદ્ધ અને સાર્થક છે. જૈનોની એકેક ધાર્મિક પ્રથામાં વિજ્ઞાન છે. કોઈ પણ એક વીક ચોવિહાર પાળી બતાવે તેને દવાખાને ન જ જવું પડે એ ગૅરન્ટી. હિમાદાદા એટલે જ કાયમ કહે કે આ વાણિયાની નાત ઝટ માંદી નથી પડતી, કારણ કે એની ફૂડ રેસિપી ખૂબ સાયન્ટિફિક છે અને એટલે જ તો વાણિયાઓ હૉસ્પિટલમાં દરદી બનીને નહીં, દાતા બનીને આવે છે.

જૈનો દાન દેવામાં ક્યાંય પાછા પગ ન કરે. જો જોવું હોય તો પર્યુષણ દરમ્યાન જઈને એક વાર જોઈ લેવું. જે ઘી બોલાય અને બોલાતા ઘીની જે રકમ થાય એ સાંભળીને મિડલ-ક્લાસને તો ટાઢ ચડી જાય. મજાની વાત કહું તમને, બોલી બોલનારાને મળો ત્યારે તમને ખબર પડે કે એ ભાઈ પણ મિડલ-ક્લાસ છે, ફરક માત્ર એટલો છે કે ધર્મની અને આપવાની વાત આવે ત્યારે તેમનું ગજવું છપ્પન ઇંચની છાતી જેવું વિશાળ થઈ જાય છે.

થ્રી ક્લૅપ્સ ફૉર ઑલ જૈન, જૈન ફિલસૂફીને દિલથી સન્માનું છું અને એમ છતાં આ લેખમાં કોઈનું દિલ દુભાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2025 02:51 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK