આ પ્રગતિ આવકાર્ય છે પણ આ લાઇફસ્ટાઇલ જીવવાની લાયમાં આપણે ક્યાંક સંબંધોની ગરિમા ગુમાવી રહ્યા છીએ એવું મને લાગે છે
જ્યોતિ જોશી ઇકૉનૉમિક્સનાં રિટાયર્ડ પ્રોફેસર છે અને સામાજિક કાર્યકર છે
પરિવર્તનની ગતિ એટલી તેજ છે કે આપણે પ્રગતિની દોડમાં આપણા સંસ્કારોનાં મૂળિયાં જ ભૂલી રહ્યા છીએ. આજે સ્ત્રી હોય કે પુરુષ, બન્ને શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યાં છે. આ પ્રગતિ આવકાર્ય છે પણ આ લાઇફસ્ટાઇલ જીવવાની લાયમાં આપણે ક્યાંક સંબંધોની ગરિમા ગુમાવી રહ્યા છીએ એવું મને લાગે છે. બદલાતી જીવનશૈલી અને વિભક્ત કુટુંબ, આજના યુવાનોને મૉડર્ન લાઇફ અને સ્વતંત્રતા વધુ વહાલી છે. પ્રેમલગ્ન અને આંતરજ્ઞાતીય લગ્નોનો સ્વીકાર કરીને વડીલોએ ઉદારતા તો બતાવી, પણ લગ્ન સાથે આવતી શરતો સંયુક્ત કુટુંબની ભાવનાને તોડી રહી છે. અમને રોકટોક ન કરવી, અમારે ફ્રીડમ જોઈએ, અમે અમારી મરજી મુજબ ફરીશું આવા વિચારો જ્યારે ઘરમાં આવે છે ત્યારે વડીલો મૌન થઈ જાય છે. પરિણામે જે ઘરમાં વડીલોનો અવાજ ગુંજવો જોઈએ ત્યાં આજે કામવાળા અને આયાઓના ભરોસે ઘર ચાલે છે. બાળકોના જન્મ પછી માતા-પિતા પાસે સમય નથી એટલે બાળકોને પારણાઘરમાં મૂકવામાં આવે છે. વડીલો ઇચ્છે છે કે તેઓ પૌત્ર-પૌત્રીને સંસ્કાર આપે, પણ યુવા પેઢીને લાગે છે કે વડીલો બૅકવર્ડ છે. નાની-નાની વાતોમાં થતા વાદવિવાદ અને પ્રાઇવસીના નામે અલગ થવાની વૃત્તિને કારણે સંયુક્ત કુટુંબ તૂટી રહ્યાં છે. આપણી સંસ્કૃતિનો ધબકાર આજે વિકૃતિમાં ફેરવાઈ રહ્યો હોય એવું દૃશ્ય દેખાય છે. જ્યારે ઘરમાં વડીલ એકલા પડે છે ત્યારે સંતાનો તેમને સાચવવાને બદલે વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે છે. હા, આજે વૃદ્ધાશ્રમોમાં ફાઇવસ્ટાર સુવિધાઓ હશે, ૨૪ કલાક ડૉક્ટર અને સેવકો હશે, પણ શું ત્યાં એ વડીલને પોતાનું ઘર અને સંતાનોનો પ્રેમ મળશે? જે ઘર વડીલોએ લોહી-પરસેવો એક કરીને બનાવ્યું એ જ ઘરમાંથી તેમને વિદાય લેવી પડે એનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? ઘણી વાર સંતાનો વિદેશમાં હોય છે અને વડીલોની અંતિમ યાત્રામાં પણ આવી શકતાં નથી, માત્ર પૈસા મોકલીને પોતાની ફરજ પૂરી માને છે. પણ પૈસા ક્યારેય પ્રેમની ખોટ પૂરી શકતા નથી. સમયનું ચક્ર ગોળ છે ઃ આજે તમે યુવાન છો, કાલે તમે પણ વૃદ્ધ થવાના છો. વડીલો આપણો પાયો છે. તેઓ વગર પૈસે જે જ્ઞાન અને અનુભવ આપણને આપે છે એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નથી મળતાં. તેમને તમારી સુવિધાઓ કરતાં તમારી હાજરી અને પ્રેમના બે શબ્દોની વધુ જરૂર છે.


