Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સારી કન્ટેન્ટ જાગૃતિ લાવે, જે તમને સમૃદ્ધિ તરફ દોરી જાય

સારી કન્ટેન્ટ જાગૃતિ લાવે, જે તમને સમૃદ્ધિ તરફ દોરી જાય

Published : 05 March, 2022 03:52 PM | IST | Mumbai
Dinkar Jani

મેસેજ આપવાની કે પછી નાટક ઘરે લઈ જવાની વાત મને બરાબર નથી લાગતી. ઘરે લઈ જવું એટલે એની વાતો થવી, પણ હું કહીશ કે જે કન્ટેન્ટ તમને અંદરથી હચમચાવે, તમારામાં જાગૃતિ લાવે એ ખરી કન્ટેન્ટ. આવી કન્ટેન્ટ આંતરિક સમૃદ્ધિ આપવાનું કામ કરે

સારી કન્ટેન્ટ જાગૃતિ લાવે, જે તમને સમૃદ્ધિ તરફ દોરી જાય

સારી કન્ટેન્ટ જાગૃતિ લાવે, જે તમને સમૃદ્ધિ તરફ દોરી જાય


સામાન્ય રીતે હું કોઈ નકારાત્મક વાત કહેવાનું કે પછી એ પ્રકારનું સ્ટેટમેન્ટ કરવાનું ટાળું, પણ વાત જો ટીવી-પ્રોગ્રામ્સની આવે તો મારાથી કન્ટ્રોલ નથી થતો. આજના ટીવીની કમ્પેરિઝન ૪૦ વર્ષ પહેલાંના દૂરદર્શન સાથે કરો તો તમને ખરેખર દેખાઈ આવે કે એ સમયનું દૂરદર્શન કન્ટેન્ટ-ડ્રિવન હતું અને એ જ સત્ય છે. આજે હું ટીવી જોતો નથી. મને મજા નથી આવતી એટલે નથી જોતો અને મજા શું કામ નથી આવતી તો જવાબ છે, એ ટીવીમાં કન્ટેન્ટ જેવું કશું હોતું નથી. પ્રાઇવેટ ચૅનલ આવી એ પહેલાં દૂરદર્શનને ઇડિયટ બૉક્સ કહીને ઉતારી પાડતા, પણ હકીકત જુદી છે. આજનું ટીવી ઇડિયટ બૉક્સ જેવું છે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં કહેવાય. એ સમયના એકેએક પ્રોગ્રામ તમે યાદ કરો. કેવા અદ્ભુત પ્રોગ્રામ બન્યા હતા; ‘હમ લોગ’, ‘તમસ’, ‘નુક્કડ’, ‘માલગુડી ડેઝ’, ‘યે જો હૈ ઝિંદગી’, ‘બુનિયાદ’ અને કેવી રીતે આપણે ભૂલી શકીએ દૂરદર્શન પર આવેલી ‘મહાભારત’, રામાયણ’ કે ‘શક્તિમાન’ને.
એ જે બધા શો હતા એમાં કન્ટેન્ટ હતી, એ તમને અંદરથી ભરવાનું કામ કરતી. વાર્તાઓનું એવું છે કે એ પોતે ઊભી થઈને કહેતી હોય કે મને લોકો સુધી પહોંચાડો. તમે એને સાઇડ પર મૂકી દો તો પણ એ વારંવાર સામે આવ્યા કરે. આ બધી વાર્તાઓ એવી હતી કે એ વાર્તાઓ સામે તમે આજની ટીવી-સિરિયલની સરખામણી પણ ન કરી શકો. પૅન્ડેમિકમાં લૉકડાઉન સમયે આ સિરિયલોમાંથી ઘણી સિરિયલ ફરી પાછી આવી અને પ્રાઇવેટ ચૅનલને પણ એ પ્રોગ્રામની વૅલ્યુ સમજાઈ. એ જ તો કારણ છે કે પ્રાઇવેટ ચૅનલે દૂરદર્શનની એ ‘મહાભારત’ અને ‘રામાયણ’ દેખાડવાનું ફરી શરૂ કરવું પડ્યું.
‘શક્તિમાન’ પણ એવી જ વાત હતી, એવું જ કૅરૅક્ટર હતું જે તમને અંદરથી સભર બનાવે, જેમાં સત્ત્વશીલતા હોય. હવે જ્યારે સોની પિક્ચર્સ ‘શક્તિમાન’ને ફિલ્મ સ્વરૂપે લાવે છે ત્યારે ‘શક્તિમાન’ના સર્જનકાળની વાત જાણવી તમને પણ ગમશે.
વાત ઑલમોસ્ટ પાંચ-છ દસકા પહેલાંની, જ્યારે હું નાનો હતો ત્યારની છે. નાનપણથી મને સુપરહીરો ગમતા. અમે ઈસ્ટ આફ્રિકામાં રહેતા, ત્યાં તો આપણી જેમ એવું હોય નહીં કે ભાઈબંધ-દોસ્તારો સાથે રમવા જવું અને મજા કરવી એટલે મેં મારું મોટા ભાગનું નાનપણ વાંચનમાં પસાર કર્યું. બીજી બધી બુક્સ સાથે હું કૉમિક્સ પણ બહુ વાંચતો અને કૉમિક્સમાં મને સુપરપાવર કૅરૅક્ટર બહુ ગમે. એ કૅરૅક્ટરમાં સુપરમૅન મારો ફેવરિટ. નાનો હતો ત્યારે મને એમ કે સુપરમૅન તો બધા દેશનો હોય અને ઇન્ડિયામાં પણ સુપરમૅન હશે. હનુમાન પણ મને બહુ ગમે. નાનોસરખો એક તબક્કો એવો પણ હતો કે હું તેમને સુપરમૅન માનવા માંડ્યો હતો. ઍનીવેઝ, નાનપણમાં વાંચેલી એ કૉમિક્સને કારણે હું સુપરપાવર ધરાવતા કૅરૅક્ટરનો આશિક. 
આ થયો પહેલો અધ્યાય. હવે વાત કરીએ બીજા અધ્યાયની.
મોટો થયા પછી કારણોવશાત્ અમે ઇન્ડિયા આવ્યા અને મુંબઈમાં સ્થાયી થયા. મને ફિલ્મ-ડિરેક્ટર બનવાની બહુ ઇચ્છા. ફિલ્મો જોતા હોઈએ ત્યારે પણ મનમાં એ જ ચાલ્યા કરે કે આ વાતને મેં કેમ રજૂ કરી હોત અને આ વાતને મેં કેવી રીતે દેખાડી હોત. મુંબઈ આવ્યા પછી હું ડિરેક્શન શીખવા માટે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ગયો, પણ ગ્રૅજ્યુએટ નહોતો એટલે મને ઍડ્મિશન મળ્યું નહીં. મને કહેવામાં આવ્યું કે ઍક્ટિંગ કે એડિટિંગ કે પછી બીજા કોઈ કોર્સમાં ઍડ્મિ‍શન જોઈતું હોય તો કરી દઈએ, પણ મને તો ડિરેક્શન જ શીખવું હતું એટલે મને થયું કે એવું કરવાને બદલે હું કૉલેજ જૉઇન કરું અને પછી ફરી ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં. આમ કૉલેજ-લાઇફની શરૂઆત થઈ. મારું બૅકગ્રાઉન્ડ કૉમર્સનું એટલે મેં સિડનહૅમ કૉલેજમાં ઍડ્મિશન લીધું અને ત્યાંથી હું નાટકો તરફ વળ્યો. 
ગ્રૅજ્યુએશન પૂરું થયા પછી મારે તો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જવું હતું, પણ એ મોકો મને મળ્યો નહીં. ઘરની હાલત પણ થોડી એવી હતી. ઈસ્ટ આફ્રિકાથી પાછા આવ્યા પછી જે સંપત્તિ હતી એ પણ ખૂટવા માંડી અને ફાધર પર બોજો પણ ખરો એટલે મેં ફિલ્મલાઇનમાં જવાને બદલે નોકરીની શરૂઆત કરી દીધી, પણ કહે છેને, કીડો. એ ડિરેક્શનનો કીડો તો અંદર અકબંધ જ રહ્યો અને એના આધારે હું મને જેકંઈ કરવા મળતું એ કરતો રહેતો. 
સિડનહૅમ કૉલેજ દરમ્યાન જ મારી ઍક્ટર મુકેશ ખન્ના સાથે દોસ્તી થઈ હતી. મુકેશને સતત એવું લાગતું કે હું કંઈક કરી શકીશ, કંઈક નક્કર કામ કરીશ. મુકેશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યો. આ ઇન્સ્ટિટ્યૂટમાં એવો નિયમ કે પાસિંગ આઉટમાં એક મૂવી આપે. મુકેશ ખન્નાની પાસિંગ આઉટની ફિલ્મ મેં ડિરેક્ટ કરી, જેમાં મુકેશનો ડબલ રોલ હતો. 
સમય પસાર થતો ગયો અને મુકેશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની રીતે કામ કરતો ગયો. કેટલીક ફિલ્મો ફ્લૉપ ગઈ તો કોઈ ફિલ્મો સારી પણ રહી અને એ પછી તે ટીવી તરફ વળ્યો અને ‘મહાભારત’ના ભીષ્મ તરીકે ખૂબ પૉપ્યુલર થયો અને પોતે પણ સ્ટ્રૉન્ગ થયો. એ  દરમ્યાન જ અમે ફરી મળ્યા અને મુકેશે મને કહ્યું કે તું કંઈક વિચાર, આપણે સિરિયલ કરીએ. 
હું વિચારવા લાગ્યો કે આપણે સિરિયલ કઈ બનાવવી, કેવી બનાવવી? એક વાત નક્કી હતી કે જેકંઈ કરીએ એ મુકેશને લઈને કરવાનું હતું એટલે મુકેશની ઇમેજને, તેના સ્ટારિઝમને પણ ધ્યાનમાં રાખવાનું હતું, તો આજે મતલબ કે એ સમયે મુકેશ જે કરતો હતો એનાથી હટકે પણ કરવાનું હતું. જે ન આવતું હોય એ કરવાનું હતું અને જે ન આવ્યું હોય 
એવું કરવાનું હતું. આમ ઘણી બધી લક્ષ્મણરેખા અને લિમિટેશન વચ્ચે વિચારો ચાલતા હતા. 
આ વિચારો-વિચારોમાં જ મને સ્ટ્રાઇક થઈ અને મેં મારું બધું જૂનું વાંચેલું ઉથલાવવાનું શરૂ કર્યું અને એમાં મનમાં રહેલી પેલી નાનપણની કૉમિક્સ પણ બહાર આવી અને એ કૉમિક્સની સાથે પેલો સુપરહીરો પણ બહાર આવ્યો. મનોમંથન એમ જ ચાલતું રહ્યું અને એ મનોમંથનના આધારે એટલી ક્લૅરિટી આવી કે સુપરમૅન નહીં, પણ સુપરમૅન કરતાં આપણો સુપરહીરો મોટો અને વધારે સ્ટ્રૉન્ગ જોઈએ છે, જેનો બેઝ આપણી પરંપરા અને આધ્યાત્મ અને ખાસ કરીને આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ પર આધારિત હોય અને એને માટે મનોમંથન થયું, જેના અંતે શક્તિમાનનું સર્જન થયું. 
કુંડલીની જાગૃતિ કરીને શરીરનાં ૭ ચક્રોને જાગ્રત કરવાનું કામ શક્તિમાન નાનપણમાં જ કરી લે છે અને એ પછી તે શહેરમાં આવે છે. શહેરમાં આવીને પણ તે અન્યાય સામે લડનારાઓને સાથ આપવાનું અને નબળાઓને બચાવવાનું કામ કરે છે. શક્તિમાનનું આ કામ એક છોકરી જોઈ જાય છે અને તે એનું નામકરણ ‘શક્તિમાન’ કરે છે. બસ, અહીંથી એ કૅરૅક્ટરને નામ મળે છે. ‘શક્તિમાન’માં મુકેશ ખન્નાના બે લુક કરવાનું પણ નક્કી કર્યું, જેને માટે સુપરમૅનની સાથે અમે દિલીપકુમારની ‘આઝાદ’ અને દેવ આનંદની ‘મુનિમજી’ને પણ રેફરન્સ તરીકે લીધી.
૭ વર્ષમાં ‘શક્તિમાન’ના અમે ૪૦૦થી વધારે એપિસોડ કર્યા, જેણે અમારો એ હેતુ પાર પાડ્યો જેમાં ભારતનો પોતાના સુપરહીરો અને એ પણ ઇન્ડિયન વૅલ્યુઝ સાથે સૌને મળ્યો. શક્તિમાનને સૌકોઈએ સ્વીકાર્યો. પાંચ વર્ષના બાળકથી માંડીને પંચોતેર વર્ષના વડીલ સુધીના સૌ એ જોવા બેસતા અને મજાની વાત એ હતી કે બાળકો યોગ અને કુંડલિની અને શરીરચક્ર વિશે ફૅમિલીમાં પૂછતાં થઈ ગયાં. આ જ મજા છે સારી કન્ટેન્ટની જે તમને એનરિચ કરે, તમારામાં નવી જાગૃતિ લાવે, જે જાગૃતિ તમને સમૃદ્ધિ તરફ ખેંચી જાય. 
આ સમૃદ્ધિ આપવાનું કામ મનોરંજનનાં જેકોઈ માધ્યમ છે એનું છે. થિયેટરનો અગાઉનો જે પિરિયડ હતો એ પિરિયડ અને આજના પિરિયડને જોઈને મારે કંઈ કહેવાનું હોય તો હું કહીશ કે આ સમૃદ્ધિનો ત્યાં અભાવ છે. હવે આપણે જે વધારે સમજીએ છીએ એ જ આપણે ઑડિયન્સને પીરસતા થયા છીએ. હવે રંગભૂમિ પર કન્ટેન્ટ ઓછી છે અને કાં તો છીછરું છે. બસ, કૉમેડીનો મારો છે. આપણે કહીએને, પેલી સ્ટૅન્ડઅપ કૉમેડી એનો, એમાં ડેપ્થ નથી અને ધંધાદારી દૃષ્ટિએ એ ચાલે પણ છે. થિયેટરમાં ધંધો હોઈ શકે એ હું માનું છું, પણ ખાલી ધંધો હોય તો એ સ્તર નીચું જ જવાનું એવું મને લાગે છે. હું કહીશ કે હવે થિયેટરમાં સત્ત્વશીલતા નથી જ, પણ હા, મનોરંજનની દૃષ્ટિએ એ બહુ સારું કરે છે. લોકો હસવા આવે છે અને હસીને ચાલ્યા જાય છે, પણ હું કહીશ કે આવું લાંબું ચાલે તો ઑડિયન્સ પણ બગડે. સોલ્ડઆઉટ શો પર આપણે નિર્ભર થયા એનું કારણ પણ આ જ છે. સોલ્ડઆઉટમાં લોકોને શું જોઈએ અને શું ન જોઈએ એના પર આપણે આપણું ધોરણ નક્કી કરીએ છીએ. પરિણામ એ આવે છે કે આ કૃતિઓમાં જીવનનો કોઈ સાર નથી હોતો, બે-ચાર સુવાક્યો સંવાદમાં ગોઠવી દેવાથી એમાં જીવનનો સાર નથી નીકળી જતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2022 03:52 PM IST | Mumbai | Dinkar Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK