ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > ઈશ્વર હસે છે

ઈશ્વર હસે છે

25 March, 2023 06:41 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

જાગરણની અવસ્થા થોડીક મિનિટોની જ રહે ત્યારે સૌપ્રથમ માણસ આવતી કાલ એટલે કે હજી તો ઊંઘ આવી જ નથી ત્યાં સવારે ઊંઘ પૂરી થાય પછી શું કરવું છે એની ગણતરી કરવા માંડે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) ઊઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રાત્રે પથારીમાં પડતાંવેંત તરત જ ઊંઘ આવી જાય એવું મોટા ભાગે બનતું નથી. ઊંઘ ક્યારે આવે છે એની કોઈનેય ખબર પડતી નથી. કેટલાક માણસોને થોડીક મિનિટો જાગવું પડે છે તો કેટલાકને થોડાક કલાકો પણ જાગવું પડે છે. આ જાગરણની અવસ્થામાં માણસ વિચારના ચકરાવે ચડી જાય છે. જાગરણની અવસ્થા થોડીક મિનિટોની જ રહે ત્યારે સૌપ્રથમ માણસ આવતી કાલ એટલે કે હજી તો ઊંઘ આવી જ નથી ત્યાં સવારે ઊંઘ પૂરી થાય પછી શું કરવું છે એની ગણતરી કરવા માંડે છે.

સવારે આમ કરવું છે અને તેમ કરવું છે, બપોરે અહીં જવું છે અને ત્યાં જવું છે, સાંજે કોને મળવાનું છે અને રાત્રે કોની સાથે ડિનર લેવાનું છે આવાં બધાં આયોજનો શરૂ થઈ જાય છે. આ બધું શરૂ કરવું નથી પડતું - એ આપોઆપ થઇ જાય છે. આવતી કાલ આપણી પાસે છે જ એ વિશે જરાય વિચાર આવતો નથી. સદભાગ્યે આવા વિચારો આપણે મનોમન કરીએ છીએ, આ શબ્દોને મોટેથી બોલતા નથી. જોકે ધારો કે આવતી કાલની આ બધી વાતો આપણે મોટેથી બોલીએ અને મહાભારતનો પાંડુપુત્ર ભીમ આ વાત સાંભળી જાય તો તે શું કરે એ તમે જાણો છો?
મોટા ભાઈએ કાળને જીતી લીધો છે


યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર રાજા બન્યા એ પછી તેમણે એક ક્રમ નક્કી કર્યો હતો. સવારે રાજદરબારમાં જે કોઈ યાચક આવે અને કંઈ માગે તેને આપવું. બધા યાચકોને બધું મળી જાય પછી દરબાર સમાપ્ત થતો અને મહારાજ યુધિષ્ઠિર સિંહાસન છોડીને મહેલમાં જતા. 
એ દિવસે એવું બન્યું કે મહારાજ યુધિષ્ઠિરે સિંહાસન પરથી પગ ઉપાડીને મહેલ તરફ જવા પીઠ ફેરવી ત્યાં અચાનક એક યાચક દરબારમાં ‘મહારાજ... મહારાજ...’ કરતો દોડી આવ્યો. યુધિષ્ઠિરે મોઢું ફેરવીને આ યાચકને જોયો અને પછી કહ્યું, ‘ભાઈ, હવે તું કાલે આવજે. આજે બધું પૂરું થઈ ગયું છે.’
યાચક જતો રહ્યો. મહારાજ પણ મહેલમાં જતા રહ્યા. દરબારમાં હાજર રહેલો ભીમ આ બધું જોતો હતો અને સાંભળતો પણ હતો. દરબાર વિખેરાઈ ગયા પછી ભીમ એક ઢોલ લઈને મહેલની અગાસી ઉપર ચડી ગયો. અગાસી પરથી તેણે જોરશોરથી ઢોલ વગાડીને લોકોને એકઠા કર્યા અને મોટેથી બોલ્યો, ‘હે નગરજનો! મહાકાળને કોઈ જીતી શકતું નથી એવું આપણે સાંભળ્યું છે, પણ આજે મહારાજ યુધિષ્ઠિરે મહાકાળને જીતી લીધો છે. દરબારમાં આજે આવેલા યાચકને તેમણે આવતી કાલે આવવાનું કહ્યું છે. મહારાજ ધર્મરાજ છે અને ક્યારેય અસત્ય વાદન કરતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. તેમણે પેલા યાચકને આવતી કાલે આવવાનું વચન આપ્યું છે એટલે આવતી કાલ સુધી મહારાજ પોતે અને પેલો યાચક પણ જીવંત રહેશે એવો મહાકાળ પર મહારાજે વિજય મેળવી લીધો છે. આનંદ પામો નગરજનો! આનંદ પામો. મહારાજે કાળને જીતી લીધો છે.’


એ પછી શું થયું એ આપણે જાણતા નથી. ભીમનો આ પોકાર સાંભળીને મહેલમાં ભોજન માટે પધારેલા મહારાજા ભીમના આ શબ્દો સમજી ગયા હશે એ નિ:શંક છે. 

ઈશ્વર પર અવિશ્વાસ
ગાંધીજીએ મુંબઈમાં રહીને વકીલ તરીકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમણે પોતાની જિંદગીનો વીમો ઊતરાવ્યો હતો. આ વીમાના પ્રીમિયમની રકમ પણ તેમણે ભરી હતી, પણ પછી આ વીમાની પૉલિસી તેમણે બંધ કરાવી દીધી હતી. તેમણે લખ્યું છે કે વીમાની પૉલિસી લેવી એનો અર્થ તો ઈશ્વર પરનો અવિશ્વાસ એવો જ થાય. ઈશ્વર કે મહાકાળ નિશ્ચિત જ છે. આનો અર્થ એવો નથી થતો કે આપણે કર્મો કરવાની કોઈ જરૂર નથી. કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે. કર્મના પરિણામ વિશે નિશ્ચિત અપેક્ષા રાખવી એ ઈશ્વર પરનો અવિશ્વાસ છે.


આપણે રિક્ષા કે ટૅક્સી બોલાવીએ છીએ અને એ જ્યાં ઊભી રહે ત્યાં એમાં બેસીને ડ્રાઇવરને આપણે જે સ્થળે જવું હોય એ સ્થળનું નામ ઉચ્ચારીને વાહન ચલાવવાનો આદેશ આપીએ છીએ. વાહન કાયદેસરની ક્ષમતા ધરાવે છે કે નહીં એની તપાસ આપણે નથી કરતા. ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગનું યોગ્ય લાઇસન્સ છે કે નહીં એની પૂછપરછ પણ આપણે નથી કરતા. આપણે માની લઈએ છીએ કે બધું બરાબર જ છે. આમ અહીં એક નજીવા વહેવારમાં પણ આપણે વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ.

ન જાણ્યું જાનકીનાથે
એવું કહેવાય છે કે અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ પરબ્રહ્મનો અંશ હતા. પરબ્રહ્મના આ અંશના રાજ્યાભિષેક માટે રાજા દશરથે ત્રિકાળ જ્ઞાની મહર્ષિ વસિષ્ઠ પાસેથી શુભ મુહૂર્ત જોવડાવ્યું હતું. બન્યું એવું કે રાજ્યાભિષેકના આ મુહૂર્તે યુવરાજ રામ માટે વનમાં જવાનું નક્કી થયું. આમાં વસિષ્ઠના જ્ઞાન માટે કોઈ શંકા કરવાનું કારણ નથી, કારણ કે અહીં વાત મહાકાળના વિજયની જ છે. મહાકાળ ક્યારેય કોઈથી જીતી શકાતો નથી - સ્વયં પરબ્રહ્મથી પણ નહીં.

હું આમ કરીશ અથવા નહીં કરું 
ચીનાઓ તેમની ડહાપણભરી કહેવતો માટે જાણીતા છે. ચીની ભાષાની એક પ્રાચીન કહેવત એવું કહે છે કે ઈશ્વર બે વાર હસે છે. માણસ જ્યારે એમ કહે છે કે આવતી કાલે આ કામ હું કરીશ ત્યારે આ શબ્દ સાંભળીને ઈશ્વર હસે છે. એ જ રીતે માણસ જ્યારે એમ કહે છે કે આ કામ હું નહીં કરું ત્યારે પણ આ સાંભળીને ઈશ્વર હસે છે. ઈશ્વરનું આ હાસ્ય આપણે જોઈ શકતા નથી તો પછી સંભળાયું તો ક્યાંથી હોય? ઈશ્વર કહે છે, ‘ભલા માણસ! આ કામ તું કરે છે અથવા તું નથી કરતો આ ડહાપણ તું ક્યાંથી લાવ્યો?’

25 March, 2023 06:41 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK