જર્મનીના એન્જિનિયરોએ એવા રસ્તા બનાવ્યા છે જેના પર પાણી રેડો તો એ પી જાય છે. બે-પાંચ લીટર પાણીની વાત નથી, ૬૦ સેકન્ડમાં ચાર ટન પાણી ગટકી જવાની ક્ષમતા ધરાવતા આ રોડ હેવી વાહનોનો ભાર પણ ખમી શકે છે
જર્મનીના એન્જિનિયરોએ એવા રસ્તા બનાવ્યા છે જેના પર પાણી રેડો તો એ પી જાય
કમોસમી વરસાદ તો મુંબઈમાં ક્યારનો શરૂ થઈ ગયો છે અને હવે તો ઑફિશ્યલ ચોમાસું પણ બેસશે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે ખાબોચિયાં ભરાઈ જવાં, ડામરના રોડમાં ખાડા પડી જવા જેવી તકલીફો સામાન્ય છે. ભલેને ચોમાસું બેસવાના ૧૫ દિવસ પહેલાં જ રોડનું સમારકામ થયું હોય, પહેલો જ ધોધમાર વરસાદ પડે એટલે એમાં ખાડા પડી જ જાય. ભલે મુંબઈ દરિયાકિનારે વસેલું છે, પણ ચોધાર ચોમાસું બેસે એ પછી જળભરાવની સમસ્યા પણ એટલી જ નડે છે. વરસાદ પહેલાં ગટરોમાંથી કચરો કાઢવાનું કામ અત્યારે ધમધોકાર ચાલે છે અને છતાં વરસાદ આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું બંધ નહીં થાય.આ બધી જ સમસ્યાનું નિરાકરણ મળી શકે એવી ટેક્નૉલૉજી જર્મનીના એન્જિનિયરોએ તૈયાર કરી છે. નિરાકરણ પણ કેવું કે ચુટકી બજાવતાં જ પાણી ગાયબ થઈ જાય એવું. જર્મનીના સિવિલ એન્જિનિયરોએ એવો રોડ બનાવ્યો છે જે પાણી પી જાય. યસ, પાણી શોષી લે. સ્પન્જ પર જેમ પાણી રેડો તો એમાં શોષાઈ જાય એવું જ કંઈક જર્મનીના રોડમાં થાય છે. પાણી શોષાઈને રોડની અંદર જતું રહે અને રોડની અંદર ભાગમાં એક ડ્રેનેજ સિસ્ટમ હોય છે જે પાણીને સંગ્રહસ્થાન સુધી લઈ જાય.
ADVERTISEMENT
સામાન્ય રીતે રોડ પરથી પાણી સિવેજમાં જાય એ માટે ચોક્કસ અંતરે પોટહૉલ્સ હોય છે એને કારણે પાણીએ વહીને એ હૉલ્સ સુધી જવું પડે છે, જ્યારે જર્મનીમાં જે નવી ટેક્નિક શોધાઈ છે એમાં પાણી જ્યાં પડે ત્યાંથી જ સડકની અંદર શોષાઈ જાય છે. જાણે સડક પાણી પી ગઈ હોય એવું જ લાગે. આવી ટેક્નિક માટે સાયન્ટિસ્ટોએ ડામર કે સિમેન્ટ-કૉન્ક્રીટ નહીં પરંતુ ક્રશ કરેલા ગ્રેનાઇટના પોરસ મટીરિયલથી રોડ બનાવ્યા છે. આ મટીરિયલ વજનમાં હલકું અને મજબૂતીમાં સખત હોય છે. આ મટીરિયલમાં પાણી ભરાયેલું નથી રહેતું એટલે એ ડૅમેજ પણ નથી થતું. એમાં રહેલાં અતિસૂક્ષ્મ કાણાંમાંથી પાણી અંદર શોષાઈ જાય છે. ક્રશ કરેલા ગ્રેનાઇટને સાથે બાંધી રાખે એવું સખત મટીરિયલ મિક્સ થયું હોવાથી એની મજબૂતાઈ જબરદસ્ત છે. આ રોડની થિકનેસ લગભગ એક ફુટ જેટલી છે, પરંતુ એ માત્ર ક્રશ કરેલા કાણાંવાળા પથ્થરમાંથી જ બનેલો છે. આ પથ્થર પોતે જરાય પાણીનો સંગ્રહ નથી કરતા, પરંતુ એની અંદરનાં કાણાંને કારણે પાણી એમાંથી નીચે જતું રહે છે. રોડના જાડા થરની નીચે એવી વ્યવસ્થા છે જે પાણીને કુદરતી જળસ્રોત સાથે મેળવી દે છે.
સોશ્યલ મીડિયામાં આ રોડને પ્યાસી સડક કહેવામાં આવે છે. એમાં ૬૦ સેકન્ડમાં ૪ ટન જેટલું પાણી ચુટકી બજાવતાંમાં જ સમાઈ જાય છે.
અન્ડરગ્રાઉન્ડ વૉટર-લેવલ
આ ટેક્નૉલૉજીના બે ફાયદા છે. એક તો રસ્તાઓ પર પાણીનો ભરાવો નથી થતો અને બીજો ફાયદો એ છે કે જમીનમાં પાણી શોષાવાની પ્રક્રિયા ઝડપી બને છે અને કુદરતી જળસ્રોતો સતત રીચાર્જ થતા રહે છે. આપણે ત્યાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ માટે અલગથી વ્યવસ્થાઓ તૈયાર કરવી પડે છે, પણ નવી ટેક્નૉલૉજીવાળા રોડ પોતે વૉટર હાર્વેસ્ટિંગ કરીને જમીનમાં પાણીનું લેવલ સતત જાળવી રાખે છે.

