Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રૉયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ: એક ઇમારતના ત્રણ અવતાર

રૉયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ: એક ઇમારતના ત્રણ અવતાર

Published : 13 December, 2025 07:24 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગયા શનિવારે પ્રિન્સની સાથોસાથ આપણી સવારી પણ વેલિંગ્ટન સર્કલ સુધી આવી પહોંચી હતી. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રિન્સ ઘણા દેશી રાજાઓને મળ્યા હતા – તેમના મહેલે કે ઉતારે જઈને.

બંધાયા પછી થોડાં વર્ષે લેવાયેલો સેલર્સ હોમનો ફોટો (રંગપૂરણી પછીથી કરેલી છે).

બંધાયા પછી થોડાં વર્ષે લેવાયેલો સેલર્સ હોમનો ફોટો (રંગપૂરણી પછીથી કરેલી છે).


ગયા શનિવારે પ્રિન્સની સાથોસાથ આપણી સવારી પણ વેલિંગ્ટન સર્કલ સુધી આવી પહોંચી હતી. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રિન્સ ઘણા દેશી રાજાઓને મળ્યા હતા – તેમના મહેલે કે ઉતારે જઈને. પ્રિન્સના આગમન ટાણે હાજર રહેવા વડોદરાના મહારાજા ખંડેરાવ બીજા ગાયકવાડ મુંબઈમાં તંબુ તાણીને રહ્યા હતા. મુંબઈના ગવર્નર સર વિલિયમ વેસી-ફિટ્ઝજિરાલ્ડને સાથે લઈને પ્રિન્સ ચાલ્યા વડોદરાનરેશને મળવા. પછી?

ગાયકવાડે માન આપીને, 
આપ્યો ડગલો એક,
જમ્બીઓ વળી જડેલ ઝવેરે, 
રકમ લાખ બે નેક.
સેલર શાહજાદાને નામે, 
સેલર હોમ બનાવવા. 
અરજ કરી વળી પથ્થર પહેલો, પ્રિન્સ પાસ ચણાવા.



પ્રિન્સની મુંબઈની મુલાકાતનું વર્ણન કરતું એક લાંબું કાવ્ય ‘J.S.M. સ્વદેશી સુભેચ્છનાર’ તરફથી રચાઈને સન્ડે રિવ્યુ પ્રેસમાં છપાવી પ્રગટ કરેલું (કિંમત બે આના) એમાં ઉપરની પંક્તિઓ જોવા મળે છે. અલબત્ત, આવું દાન આપવાનું પહેલેથી જ નક્કી થઈ ગયું હોય. અને એટલે જ બીજા દિવસે તો વડોદરાનરેશની હાજરીમાં પ્રિન્સે ‘રૉયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ’ના મકાનનો પાયો પણ નાખી દીધો. પણ એ વાત સાંભળીએ એ જ કવિના શબ્દોમાં :


મેળો મોટો મળ્યો મેદાને આજ તો,
મળ્યા શેઠ સાઉકાર અને વિદ્વાન જો.
સેલર હોમ શરૂ કરી પાયો નાખવા,
ગાયકવાડને દેવા આદર-માન જો.
બજાર ગેટ નજીક જગા નક્કી થઈ,
શણગારી નિશાન સરસ બિછાને જો. 
તમાશગીર તણી તે ઠઠ થોડી નહીં,
પલટણ બૅન્ડ ઊભું તિયાં 
આદર-માને જો.
તોપ તડાકા શાહજાદો આવે થયા,
ખુશાલીથી તિયાં પથર 
ચણિયો મહેલ જો.

(નોંધ: ઉપરની પંક્તિઓમાં લેખકની થોડી સરતચૂક થઈ છે. રૉયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ બાંધવા માટે જે જગ્યા પસંદ થઈ એ બજાર ગેટ નજીક નહીં, પણ અપોલો ગેટ નજીકની હતી.)


પ્રિન્સ મુંબઈમાં હતા ત્યારે GIP રેલવેની લોકલ ટ્રેનમાં પણ બેઠા હતા, અલબત્ત, ખાસ ટ્રેનમાં. તેમની મુલાકાત વખતે હજી ભોરઘાટનું કામ પૂરું થયું નહોતું. એ કામ જોવા તેઓ પેલા ‘આતી ક્યા ખંડાલા’ વાલા ખંડાલા ગયા હતા. સાથે હતા નામદાર ગવર્નર અને બીજા વીસેક જેટલા અધિકારીઓ. પહેલાં તો ઘોડાગાડીઓમાં બેસીને રસાલો પહોંચ્યો પરળ સ્ટેશન. ત્યાં તેમના માટે ખાસ શણગારેલી સ્પેશ્યલ ટ્રેન ઊભી હતી. સ્ટેશનના દરવાજા પાસે GIP રેલવેના અધિકારીઓએ પ્રિન્સનું અને ગવર્નરનું સ્વાગત કર્યું. સવારે લગભગ ૯ વાગ્યે ટ્રેન ઊપડી. બપોરે સવા વાગ્યે ખંડાલા પહોંચી. ખંડાલા સ્ટેશન પર સર જમશેદજી જીજીભાઈએ પ્રિન્સ અને ગવર્નરનું સ્વાગત કર્યું. પ્રિન્સનો રસાલો સ્ટેશનથી લાંચ માટે સીધો સરસાહેબના બંગલે સિધાવ્યો. એ માટે સરસાહેબે પોતાની ચાર ઘોડાવાળી ગાડી અગાઉથી મુંબઈથી ખંડાલા મોકલી હતી. સરસાહેબને ઘરે જાને લગન હોય એ રીતે આખો બંગલો ધજા-પતાકા અને તોરણોથી શણગાર્યો હતો. જમ્યા પછી ભોર ઘાટનું કામ જોઈને બપોરે ત્રણ વાગ્યે શાહી રસાલો ખાસ ટ્રેનમાં પાછો ફર્યો હતો. સ્પેશ્યલ ટ્રેન સાંજે સાત વાગ્યે પરેલ સ્ટેશન પહોંચી. પાછા ફરતાં પ્રિન્સે ખાસ આગ્રહ કરીને સર જમશેદજી જીજીભાઈને પોતાના ડબ્બામાં બેસાડ્યા હતા. 

પણ જેમ કાગડા બધે કાળા એમ સરકારો બધી સરખી. શું આજની કે શું અગાઉની, શું પોતીકી કે શું પારકી. પ્રિન્સના હાથે પાયાનો પથ્થર મુકાઈ ગયો. વડોદરાનરેશને પ્રિન્સની સાથે બેસવાનું માન મળી ગયું જેનો પાયાનો પથ્થર મુકાઈ ગયો એ મકાન હવે બને કે નયે બને, શો ફરક પડે છે સરકારને! ૧૮૭૦ના માર્ચની ૨૦મી તારીખે પ્રિન્સ મુંબઈથી મદ્રાસ (હા ભઈ, આજનું ચેન્નઈ) જવા નીકળી ગયા. જેનો પાયાનો પથ્થર મેં મૂકેલો એ મકાન બંધાઈ ગયું કે નહીં એ જોવા પ્રિન્સ કાંઈ થોડા જ પાછા આવવાના છે? એટલે હવે હાથી ચલત હૈ અપની રે ગત મેં... અને હા, એ વખતે દેશમાં ચૂંટણીઓ તો થતી જ નહીં. એટલે ચૂંટણી પહેલાં રાત-દિવસ એક કરીને, વેઠ વાળીને, આદર્યાં અધૂરાંને પૂરાં કરવાની ઉતાવળ કરવી ન પડતી! એટલે ૧૮૭૦માં પાયો નખાયા પછી ૧૮૭૨માં બાંધકામ શરૂ થયું અને ૧૮૭૬માં પૂરું થયું. પૂરા એકસો ખલાસીને રહેવા, ખાવા, પીવા (ના, એ ‘પીવા’ની નહીં હોં)ની સગવડ. ઉપરાંત બીજા વીસ અફસરો માટે રહેવાની લગભગ ઘર જેવી સગવડ. અને હા, પલંગમાં પડ્યા-પડ્યા વાંચવું હોય તો લાઇબ્રેરી પણ ખરી. અને મકાનનું બાંધકામ કેવું? આવતા વર્ષે દોઢસો વર્ષ પૂરાં થશે તોય અડીખમ ઊભું છે. એને ‘રીડેવલપમેન્ટ’ની જરૂર નથી પડી. પણ માંદાની માવજત માટે બંધાયેલું એટલે ભૂખડી બારસ જેવું મકાન નથી હોં! આગલા આખા ભાગમાં ઠેર ઠેર શિલ્પ, જેમાંનાં કેટલાંક ‘કૉમિક’ પણ ખરાં. અને આ શિલ્પ બનાવેલાં સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના ડિરેક્ટર લોકવુડ કિપ્લિંગે. મકાનમાં જે લોખંડની નકશીદાર જાળીઓ જડી છે એ બનાવેલી એ જ સ્કૂલના બરજોરજી નવરોજીએ. અને આ મકાનનો જબરદસ્ત લોખંડી મુખ્ય દરવાજો સ્કૉટલૅન્ડની મૅક્ફરલેન ઍન્ડ કંપનીએ બનાવેલો. 

પણ કહ્યું છેને કે સમય સમય બલવાન હૈ. વખત જતાં આ મકાન જે કામ માટે બંધાયું હતું એ કામ ઓછું ને ઓછું થતું ગયું. એ વખતની મુંબઈ સરકારને ક્યારેક તો ગળે ઘંટીનું પડ બાંધ્યું હોય એવું લાગતું. પણ બરાબર એ જ વખતે આ મકાનના નવા જન્મની તક ઊભી થઈ.

૧૯૩૫માં બ્રિટિશ સરકારે ‘ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ પસાર કર્યો. એમાં અસલ બૉમ્બે પ્રેસિડન્સીમાંથી સિંધને અલગ પાડી એનો અલાયદો પ્રાંત (પ્રોવિન્સ) બનાવ્યો અને બાકીના હિસ્સાને બનાવ્યો બૉમ્બે પ્રોવિન્સ. આ કાયદા હેઠળ ૧૯૩૭માં પહેલી વાર ધારાસભ્યો માટે ચૂંટણી કરવામાં આવી. એ ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષનો ભારે બહુમતીથી વિજય થયો. પણ કેટલાંક કારણોને લીધે તેણે પ્રધાનમંડળ રચવાની જવાબદારી સ્વીકારી નહિ. એટલે ગવર્નરે ધનજીશાહ કૂપરને મુખ્ય પ્રધાન થવા આમંત્રણ આપ્યું. તેમની ટીમના પ્રધાનમંડળના બીજા ત્રણ સભ્યો હતા જમનાદાસ મહેતા, સર સીદપ્પા કાંબળી અને હુસેન અલી રહીમતુલ્લા. પણ આ સરકાર ઝાઝું ટકી નહીં. પછી બી. જી. ખેર પ્રાઇમ મિનિસ્ટર (એ વખતે ચીફ મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર કહેતા) બન્યા. તેમના પ્રધાનમંડળમાં હતા કનૈયાલાલ મુનશી, અન્ના બાબાજી લાથે, મોરારજી દેસાઈ, મંચેરશાહ ગિલ્ડર, મહંમદ યાસીન નૂરી અને લક્ષ્મણ માધવ પાટીલ. 

ચૂંટણી પછી ધારાસભા કહેતાં કાઉન્સિલની બેઠકો માટે મોટા મકાનની જરૂર ઊભી થઈ. અને બ્રિટિશ સરકારની નજરે ચડી સેલર્સ હોમની જાજરમાન ઇમારત. રાતોરાત ઇમારતમાં કેટલાક જરૂરી ફેરફાર કરી એને જહાજના ખલાસીઓને બદલે રાજકારણના ખલાસીઓ જેવા વિધાનસભ્યોને લાયક બનાવ્યું. વિધાનસભાની બેઠકો માટે પાછલા ભાગમાં નવો હૉલ પણ બાંધ્યો. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયા પછી આ મકાન બન્યું મહારાષ્ટ્રનું વિધાનભવન. ૧૯૨૮થી ૧૯૮૨ સુધી એનો ઉપયોગ વિધાનભવન તરીકે થયો. 


પ્રિન્સની ટ્રેન ઊપડી પરળ સ્ટેશનથી (ચિત્ર GIP રેલવેના સંગ્રહમાંથી)

પણ પછી આ મકાન નાનું પાડવા લાગ્યું. વળી નવું મંત્રાલય (એ વખતનું નામ ‘સચિવાલય’) અહીંથી દૂર એટલે મંત્રીમહોદયોને અને લોકસેવકોને ઘણી આવનજાવન કરવી પડે. એટલે મંત્રાલયથી થોડે દૂર નવા વિધાનભવનનું બાંધકામ ૧૯૭૪ના મે મહિનાની ૨૭મી તારીખે શરૂ થયું. ૧૯૮૧ના એપ્રિલની ૧૯મી તારીખે વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હાથે એનું ઉદ્ઘાટન થયું. મધપૂડા જેવા દેખાતા આ ઊંચા મકાનની એક વિશિષ્ટતા એ છે કે એને ધરતીકંપથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ વિશેની જાણકારી મેળવવા માટે એ વખતના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એસ. બી. ચવાણે કેટલાક એન્જિનિયરોને મલેશિયા મોકલ્યા હતા. 

નવું વિધાનભવન બંધાયા પછી પેલું સેલર્સ હોમવાળું મકાન ખાલી પડ્યું. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની કચેરી એ મકાનમાં ખસેડાઈ. આ વિશે ઘણા લોકોના મનમાં ગૂંચવણ હોય છે એટલે થોડી સ્પષ્ટતા: અગાઉના સેલર્સ હોમમાં આવેલી DGPની ઑફિસ અને ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી મુંબઈના પોલીસ-કમિશનરની ઑફિસ એ બે જુદી કચેરી છે. પહેલી એ આખા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ખાતાનું વડું મથક. બીજી એ મુંબઈ પોલીસનું વડું મથક. 

આ DGP ઑફિસ વિશે બનેલો એક રમૂજી કિસ્સો ક્યારેય ભુલાતો નથી. એક જમાનામાં આ લખનાર ચર્ચગેટ પાસે આવેલી એક વિદેશી દૂતાવાસની કચેરીમાં કામ કરતો હતો. એ દેશથી જે વિદ્વાનો, નિષ્ણાતો, લેખકો, કલાકારો વગેરે મુંબઈ આવે તેમના કાર્યક્રમ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં જુદાં-જુદાં સ્થળોએ ગોઠવવાનું કામ. એક વખત ગુના શોધન વિજ્ઞાનના એક જાણકાર આવવાના હતા. તેમનું વ્યાખ્યાન ગોઠવવાની વિનંતી DGP ઑફિસે સ્વીકારી. વ્યાખ્યાનના દિવસે ઑફિસની મોટરમાં મહેમાન વક્તા, અમારા અમેરિકન ડિરેક્ટર અને આ લખનાર નીકળ્યા. ફ્લોરા ફાઉન્ટનથી આગળ વધ્યા તો રસ્તાની બન્ને બાજુએ પોલીસનાં વાહનો લાઇનબંધ ઊભેલાં. આટલીબધી પોલીસ અહીં કેમ ખડકાઈ હશે એવી વિમાસણ થઈ. કાળા ઘોડા નજીક આવ્યા ત્યાં પોલીસે અમારી મોટર અટકાવી. કહે કે પોલીસનાં વાહનો સિવાયનાં વાહનોને આગળ જવાની પરવાનગી નથી. ‘એમ કેમ’ એમ પૂછ્યું તો કહે કે આજે અહીં કોઈક પરદેશી મહેમાનનું ભાષણ છે અને એ સાંભળવા DGP સાહેબે આખા રાજ્યમાંથી પોલીસ-અધિકારીઓને બોલાવ્યા છે. અને એ મહેમાનની સલામતી માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવ્યો છે. 

આ બધી વાત મરાઠીમાં ચાલતી હતી એટલે બન્ને અમેરિકનો વિમાસતા હતા કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ વાત સાંભળીને આ લખનારને એ જ સમજાતું નહોતું કે હસવું કે રડવું? પણ આ સમય હસવા-રડવાનો નહીં, ઝડપથી ઉકેલ લાવવાનો હતો. એટલે પેલા પોલીસ-અધિકારીને કહ્યું કે જે પરદેશી મહેમાન ભાષણ કરવા આવવાના છે અને જેમની સલામતી માટે તમે ચુસ્ત બંદોબસ્ત કર્યો છે એ મહેમાનને લઈને જ અમે આવ્યા છીએ. અમે સમયસર નહીં પહોંચીએ તો આખા રાજ્યના પોલીસ-અફસરો રાહ જોતા બેસી રહેશે. આ સાંભળી પેલા અફસરે તેના વૉકીટૉકી પર (એ વખતે હજી મોબાઇલ ફોનનું અવતરણ થયું નહોતું) કોઈક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી અને પછી તરત અમને કહ્યું કે તમારી આગળ મારી જીપ પાઇલટ કાર તરીકે ચાલશે જેથી આગળ જતાં બીજું કોઈ તમને રોકે નહીં! અને એમ અમારો સંઘ કાશીએ, સૉરી, DGP ઑફિસે પહોંચ્યો. 

પ્રિય વાચક, આપણા મુંબઈ વિશેની વાતોનો આ સંઘ હવે પછી ક્યાં પહોંચશે? ખબર પડશે આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2025 07:24 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK