જો તમે ઇચ્છતા હો કે તમારું સંતાન આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર બને; જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ સામે એકલા હાથે લડી શકે; પોતાના નિર્ણય જાતે લઈ શકે એટલું કાબેલ બને તો એ માટે તમારે જમાના પ્રમાણે નવી રીતથી બાળકનો ઉછેર કરતાં શીખવું પડશે
પ્રતીકાત્મક તસવીર
ફ્રી-રેન્જ પેરન્ટિંગ એક પ્રકારની પેરન્ટિંગ સ્ટાઇલ છે જેમાં માતા-પિતા બાળકોને તેમની ઉંમર અને સમજ અનુસાર આઝાદી આપે છે જેથી તેઓ પોતાની મેળે પોતાના નિર્ણયો લઈ શકે અને જીવનમાં આવતા પડકારોનો સામનો કરતાં શીખી શકે. ભારત જેવા દેશમાં જ્યાં માતા-પિતાનું બાળકો પર વધુપડતું નિયંત્રણ હોય છે ત્યાં ફ્રી-રેન્જ પેરન્ટિંગ સ્ટાઇલ અપનાવવી તેમના માટે થોડી મુશ્કેલ છે. જોકે ઘણા મૉડર્ન પેરન્ટ્સ એવા છે જે બાળઉછેરની આ નવી રીતના ફાયદા જાણે અને એનો અમલ પણ કરે છે, પણ એનું પ્રમાણ ખૂબ ઓછું છે. એવામાં ફ્રી-રેન્જ પેરન્ટિંગ સ્ટાઇલથી બાળકનો ઉછેર કઈ રીતે કરી શકાય, એનાથી શું ફાયદો થાય, આમાં માતા-પિતાની શું ભૂમિકા છે એ તમામ વિશે ૨૦ વર્ષનો અનુભવ ધરાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ કાઉન્સેલર રિદ્ધિ દોશી પટેલ પાસેથી જાણી લઈએ...
ઉંમર-સમજ હિસાબે કામ સોંપો
ADVERTISEMENT
ફ્રી-રેન્જ પેરન્ટિંગ સ્ટાઇલથી બાળકનો ઉછેર કરવાનું માતા-પિતાએ જન્મથી જ શરૂ કરી દેવું જોઈએ. બાળક જ્યારે દોઢ-બે મહિનાનું હોય અને તે પડખું ફેરવવાની કોશિશ કરે છે ત્યારે પેરન્ટ્સ તેને જરાક સપોર્ટ આપે એટલે તે ફટાકથી ટર્ન થઈ જાય છે. પેરન્ટ્સની આ સૌથી મોટી ભૂલ છે. એની જગ્યાએ તમારે બાળકને પોતાની જાતે ટર્ન થવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. તેને કહેવું જોઈએ કે ટ્રાય કર, ટ્રાય કર, તું કરી શકે છે. બાળકોને ભલે તમારી વાતો ન સમજાય, ભલે તે તમને રિસ્પૉન્ડ ન કરી શકે પણ તે તમારી એનર્જી, ઇમોશન્સ સમજી શકે છે.
પેરન્ટ્સે પોતાની જવાબદારી શું છે અને સંતાનની જવાબદારી શું છે એ સમજતાં શીખવું પડશે. દસ-બાર મહિનાનું બાળક હોય તો તેના માટે જમવાનું બનાવીને આપવાનું કામ તમારું છે, પણ જાતે ખાવાનું કામ બાળકનું છે. પેરન્ટ્સનું કામ છે તેને જાતે ફૂડ ખાતાં શીખવાડવું. બાળકને તમે કોઈ ફ્રૂટ કટ કરીને પ્લેટમાં આપી દો. તેને પોતાના હાથેથી ખવડાવવાનું શરૂ કરી દેવા કરતાં બાળકને જાતે ખાવા દો. બાળક કપડાં, ફ્લોર ન બગાડે એ માટે પેરન્ટ્સ જાતે જ સ્પૂનફીડ કરી દેતા હોય છે. જોકે આમ કરીને તેઓ તેમના બાળકને ઇન્ડિપેન્ડન્ટ બનતું રોકી રહ્યા છે.
બાળક જ્યારે બેથી ચાર વર્ષનું હોય ત્યારે શૂઝ કાઢીને ગમે ત્યાં મૂકશે કે રમવા માટે રમકડાં કાઢ્યાં હોય તો એને રૂમમાં ગમે ત્યાં ફેંકી દેશે. એ સમયે જાતે તેનાં શૂઝ, રમકડાં બધું જગ્યાએ મૂકવા કરતાં પેરન્ટ્સે બાળકને શીખવાડવું જોઈએ કે શૂઝ જ્યાંથી લીધાં હોય ત્યાં જ મૂક કે પછી રમકડાં જાતે બધી જગ્યાએથી ઉપાડીને એને એની જગ્યાએ મૂકે. કપડાં કાઢીને ગમે ત્યાં ફેંકવાને બદલે વૉશિંગ બિનમાં નાખવાનાં, તમારી રૂમ તમારે જાતે ક્લીન રાખવાની... બાળપણથી જ સંતાનોને આ બધી ઝીણી-ઝીણી વસ્તુ જાતે કરવાનું શીખવાડશો ત્યારે જ આત્મનિર્ભર બનતાં શીખશે.
બાળક સ્કૂલ જતું થાય ત્યારે તેને પોતાની બૅગ પૅક કરતાં, યુનિફૉર્મ પહેરતાં, શૂઝની લેસ બાંધતાં શીખવાડો. મને આજે પણ યાદ છે મારું સંતાન જુનિયર KGમાં હતું ત્યારે મને સ્કૂલ તરફથી નોટ મળેલી કે તમારું બાળક રાઇટ યુનિફૉર્મ પહેરીને સ્કૂલમાં આવે એનું ધ્યાન રાખો, તે યુનિફૉર્મ પર PTનાં શૂઝ પહેરીને આવ્યો છે. એટલે બીજા દિવસે મેં સ્કૂલને નોટ લખીને મોકલાવી કે એ જવાબદારી મારા ચાઇલ્ડની છે એટલે તમે તેની સાથે જ ડાયરેક્ટ્લી વાત કરો. એ પછીથી મારા બાળકે કોઈ દિવસ યુનિફૉર્મ પહેરવામાં ભૂલ કરી નથી.
એવી જ રીતે આપણે જ્યારે હોટેલમાં જમવા માટે જઈએ ત્યારે જાતે ફૂડ ઑર્ડર કરવાને બદલે બાળકોને તમે કહી શકો કે મેનુમાં આટલા ફૂડ-ઑપ્શન્સ છે એમાંથી આપણે આ-આ મગાવવાનું છે; ચાલ તું ઑર્ડર કર, હું તારી સાથે છું. બાળક જ્યારે નીચે રમવા જાય અને અન્ય બાળક સાથે ઝઘડો થાય ત્યારે તમને તે ફરિયાદ કરવા આવે ત્યારે ચાલ, હું તારી સાથે આવું છું એમ કહેવા કરતાં તેને શીખવાડો કે આવી સિચુએશનને મૅનેજ કઈ રીતે કરવાની.
બાળક છ વર્ષનું થાય ત્યારથી તેને પૉકેટ-મની આપવાનું ચાલુ કરો એટલે તેને ખબર પડે કે ખર્ચ કેમ કરાય, બચત કઈ રીતે કરાય. બાળક આઠ-દસ વર્ષનું થાય ત્યારથી તેને પૈસા કમાતાં શીખવાડો. એન્વલપ, બેસ્ટ વિશિસ કાર્ડ્સ, ઘર માટેની કોઈ એવી ડેકોરેટિવ આઇટમ્સ બનાવીને એને સેલ કરતાં શીખવાડો.
શરૂઆત કઈ રીતે કરશો?
તમે તમારા બાળકને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા ઇચ્છતા હો તો એની શરૂઆત
નાનાં-નાનાં પગલાંઓ લઈને કરવી પડશે. જેમ કે તમારું બાળક આઠ વર્ષનું હોય તો તમે તેને સીધું એમ ન કહી શકો કે જા, તારે આજથી બધી વસ્તુ જાતે કરતાં શીખવાની છે; જા, આજે તું એકલો જઈને બેકરીમાંથી સામાન લઈ આવ. એટલે પહેલા દિવસે તમારે બાળકને બેકરી સુધી પહોંચવાનો રસ્તો દેખાડવાનો છે. એ પછી તેને કહેવાનું છે કે કેવી બ્રેડ લેવાની છે અને એ કેટલા રૂપિયાની આવશે. બીજા દિવસે તમારે તેને કહેવાનું છે કે હું તને રસ્તામાં રોડ ક્રૉસ કરાવી દઉં છું એ પછીથી તારે એકલાએ બેકરી સુધી જઈને સામાન લઈ આવવાનો છે. ત્રીજા દિવસે તમારે કહેવાનું છે કે હું અહીં ઊભી છું, તું જાતે રોડ ક્રૉસ કરીને બેકરીમાંથી સામાન લઈ આવને. એ પછી ચોથા દિવસે તમારે તેને કહેવાનું કે જા, તું બેકરી જઈને સામાન લઈ આવ; તને તો ખબર છે કે કેવી રીતે જવાનું. એટલે એ પેરન્ટ્સની જવાબદારી છે કે સંતાનની ઉંમરના હિસાબે તેને નાનાં-નાનાં કામ સ્ટેપ-વાઇઝ કરતાં શીખવે, તેમના માથે અચાનકથી કોઈ જવાબદારી ન નાખે જેથી તે ડરી જાય.
ઘણા પેરન્ટ્સને પોતાના બાળકને એકલું કશે બહાર છોડવામાં સતત ભય અને ચિંતા સતાવતી હોય છે. એવા સમયે પેરન્ટ્સે સૌથી પહેલાં તો પોતાના પર કૉન્ફિડન્સ રાખવો પડશે. તેમણે બાળકને શક્ય હોય ત્યાં એકલા કઈ રીતે જવાનું એ શીખવાડવું પડશે. શરૂઆતમાં તમે તેની સાથે જાઓ. થોડા દિવસ પછી તેને એકલા જતાં શીખવાડો. તેને ખબર ન પડે એમ તેની પાછળ જઈને જુઓ કે તે ત્યાં સુધી પહોંચવામાં પોતે બધું મૅનેજ કરી શકે છે કે નહીં. તમે તેમને લાઇવ ગૂગલ લોકેશન સેન્ડ કરતાં, ઓલા-ઉબર બુક કરતાં, ઇમર્જન્સીમાં લોકો પાસેથી મદદ કઈ રીતે માગવી એ બધું શીખવાડો. આ બધી વસ્તુ શીખવાડીને, બાળકને એકલા હાથે બધી વસ્તુ મૅનેજ કરતાં જોઈને જ તમને પણ કૉન્ફિડન્સ ફીલ થશે. શરૂઆતમાં તમારા બાળકને પણ એકલા બહાર જતી વખતે થોડી નર્વસનેસ આવશે અને તમને પણ ચિંતા થશે. એ સ્વાભાવિક છે, પણ આ વસ્તુ શીખવાડવી જરૂરી છે. તો જ તમારું સંતાન ઇન્ડિપેન્ડન્ટ બની શકશે. તેમને કૉન્ફિડન્ટ જોઈને તમને સારું ફીલ થશે.
આ વાતનું ધ્યાન રાખો
એક પેરન્ટ તરીકે સંતાનને મેન્ટલ સ્પેસ આપવી ખૂબ જરૂરી છે. બાળકને કોઈ કામ ચીંધો ત્યારે તેને એમ નહીં કહો કે તારે આ રીતે જ કરવાનું છે. તમે તેને વિચારવાની થોડી સ્પેસ આપો. તેને એમ કહો કે જો, તારે આ કામ કરવાનું છે, એને કઈ રીતે પૂરું કરવું એ તારા હાથમાં છે. એમ કહેવાથી બાળક એ કામ કરવાની વિવિધ રીતો વિચારશે. એનાથી બાળકની વિચાર કરવાની, મુશ્કેલીનો હલ લાવવાની, નિર્ણય લેવાની ક્ષમતા વિકસશે.
પેરન્ટ્સ એમ સમજે છે કે બાળકને અમે જન્મ આપ્યો એટલે તેની સંભાળ રાખવાની અમારી જવાબદારી છે. બાળક પ્રત્યે પ્રેમ, કાળજી રાખવાના ચક્કરમાં માતા-પિતા તેમને પોતાના પર વધુપડતાં નિર્ભર બનાવી દેતાં હોય છે. તમારે તમારા બાળકને વસ્તુઓ જાતે મૅનેજ કરતાં શીખવાડવું જોઈએ. એની સાથે જ બાળકને એ વાતની ખાતરી અપાવવી જોઈએ કે તેનાથી કોઈ વસ્તુ મૅનેજ નહીં થાય તો પેરન્ટ્સ તો સપોર્ટ કરવા માટે છે જ.
બાળકને આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ બનાવવું ખૂબ જરૂરી છે કારણ કે પેરન્ટ્સ માટે એ શક્ય નથી કે બાળક સાથે ૨૪ કલાક, ૩૬૫ દિવસ સુધી રહી શકે; તેનું ધ્યાન રાખી શકે; તેના વતી જીવનના નિર્ણયો લઈ શકે; મુશ્કેલ સમયમાં તેનાની માટે લડી શકે. એટલે બાળકને પોતાનું ધ્યાન પોતે રાખતાં શીખવાડવું જોઈએ. તેને તમારા પર એટલુંબધું નિર્ભર ન બનાવો કે જ્યારે તમે તેની સાથે ન હો ત્યારે તે તેની જાતને નિઃસહાય અનુભવે. એ માટે બાળકોનો ઉછેર ફ્રી-રેન્જ પેરન્ટિંગ સ્ટાઇલથી કરવો ખૂબ જરૂરી છે.

