અહીં વાંચો કાવ્યો
પ્રતીકાત્મક તસવીર
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
ADVERTISEMENT
કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક... બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
દીકરી આવી ત્યારે પણ રાખી’તી ભવ્ય ઉજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?
- ભરત ભટ્ટ ‘પવન’ (વડોદરા)
પપ્પા તમને ભેટી પડું?
પપ્પા તમને ભેટી પડું?
એક્કે અક્ષર ના બોલું, આંખો પણ હું ના ખોલું
તમે દીધેલી સોનેરી પળને
ગદ્ગદ થઈને સ્મરું!
અમને આપ્યાં અજવાળાં ને અંધારાં ખુદ ઓઢ્યાં
અમે તમારી નિશ્રામાં નિરાંતને જીવે પોઢ્યા
પગભર થાવાના રસ્તાઓ સહજ રીતે શીખવાડ્યા
વચન નથી આપ્યાં ને તોયે મૂંગા મોઢે પાળ્યાં
પપ્પા તમારા ચરણકમળમાં શ્વાસોનાં ફૂલ ધરું!
પપ્પા તમને ભેટી પડું?
ઘેઘૂર વડનો છાંયો આપી અમને દીધી ઉડાન
તમે બનાવ્યું ઘર - જે પહેલાં કહેવાતું’તું મકાન
હૂંફ નામનું છત્તર છે ને છાયા પ્રેમભરી
અમારે માટે તમે મૃત્યુની ક્ષણને પાછી કરી
પપ્પા તમે વ્હાલપની ચાવી, હું અબુધ રમકડું
પપ્પા તમને ભેટી પડું?
- હિતેન આનંદપરા (મુંબઈ)
શનિવારની રાહ જોઉં છું
દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં...બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે...ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે!
– કિરણસિંહ ચૌહાણ (સુરત)
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તો, પપ્પા, હવે ફોન મૂકું?
તમનેયે મોજ જરી આવે તે થયું મને! STDની ડાળથી ટહુકું...
હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મહેકે છે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે? ના... ના... તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો... ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી... પાડજો ના વાંકું કે ચૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
શું લીધું?... સ્કૂટરને?... ભારે ઉતાવળા... શમ્મુ તો કેતો’તો ફ્રિજ
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં... એટલે કે ટૂંકું
તો, પપ્પા, હવે ફોન મૂકું?
– મનોહર ત્રિવેદી (ઢસા)
એને બધ્ધું જ ફાવે દોસ્ત
શમણાંયે દેખાડે ને અશ્રુયે વહાવે દોસ્ત
એ બાપ છે હા બાપ, એને બધ્ધું જ ફાવે દોસ્ત
ખર્ચા સવારે આંખ કાઢીને ગણાવે પણ,
સાંજે ફરી પાછો એ ડેરી મિલ્ક લાવે દોસ્ત
સૌ આવીને ખીલ્લા જ ધરબી જાય છે એમાં
છાતી બતાવે તોય એ કોને બતાવે દોસ્ત!
ખુદ બાણશય્યા પર સૂવે ઓઢીને આખું આભ
ને નાળચામાં તોપનાં ફૂલો સજાવે દોસ્ત
ધ્રાસ્કા જનોઈવઢ હૃદયમાં કોતરાવી’ને
માળામાં પંખીના એ ટહુકા ચીતરાવે દોસ્ત
જાણે છે વક્ષથી વૃક્ષ થઈ જાવાનું એટલે
એ પાનખર પણ કંકુ-ચોખાથી વધાવે દોસ્ત
પથ્થરનો દરિયો આપશે શું દાન પૂછે સૌ,
એ પાનેતરમાં આખું ચોમાસું વળાવે દોસ્ત
- શૈલેષ પંડ્યા ‘નિશેષ’ (જામનગર)

