આજે ફાધર્સ ડેના દિવસે જાણીએ એક જ ઘરમાં રહેતા બે પેઢીના પિતા કેટલા એકસરખા છે અને કઈ બાબતે એકબીજાથી એકદમ જુદા?
પ્રતીકાત્મક તસવીર
એક સમયે પિતા સમય નહોતા આપી શકતા, આજે બાળકને સમય આપવો એ પિતાની પ્રાથમિકતા છે: સિદ્ધાર્થ રાંદેરિયા અને અન્વિત રાંદેરિયા
ADVERTISEMENT

સિદ્ધાર્થ રાંદેરિયા પુત્ર ઈશાન અને અન્વિત સાથે. સિદ્ધાર્થ રાંદેરિયા પુત્ર અન્વિત અને પૌત્ર ઝાર્યન સાથે.
ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને બે પુત્રો છે. મોટો પુત્ર ઈશાન રાંદેરિયા છે જે ડિરેક્ટર છે, પરિણીત છે પણ તેને સંતાન નથી. નાનો પુત્ર અન્વિત ઍનિમેશન પ્રકારની કન્સેપ્ટ આર્ટનું કામ કરે છે. તેને સાડાત્રણ વર્ષનો પુત્ર છે જેનું નામ ઝાર્યન છે.
મિડલ-ક્લાસ ઘરોની તકલીફ એ છે કે પિતા પર સૌથી મોટો ભાર કમાવાનો હોય છે. એક પેઢીના પિતા પોતાનાં બાળકોનું બાળપણ માણી નથી શક્યા એનું મુખ્ય કારણ પૈસો હતો. ઘરનું ઘર, ઘરમાં ગાડી અને બાળકોનું શિક્ષણ આટલું કરવામાં જ પિતાનું જીવન ખર્ચાઈ જતું. એમાં તે પત્ની કે બાળકોને સમય આપી શકતા નહીં. આવું જ કંઈક સિદ્ધાર્થ રાંદેરિયા સાથે થયું. પત્નીને હસ્તક બાળકોના લાલન-પાલનની જવાબદારી સોંપીને સિદ્ધાર્થભાઈ સતત કામ કરતા રહ્યા. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મને કામથી પ્રેમ હતો અને મારે એ કરવું હતું એટલે મેં નાટકો કર્યાં એ વાત સાચી, પણ એક પિતા તરીકે મને એ વાતનો સંતોષ છે કે અર્થોપાર્જનની મુખ્ય જવાબદારી જે એ સમયના દરેક પિતાની મુખ્ય જવાબદારી ગણાતી એ મેં પૂરી કરી. બાળકોનું શિક્ષણ સારું કરાવી શક્યો, તેમને કોઈ વાતની કમી ન રહે એનું ધ્યાન રાખી શક્યો. હજી પણ હું એટલો જ વ્યસ્ત રહું છું, એટલું જ કામ કરી રહ્યો છું. હવે પૈસા માટે નહીં, કામ પ્રત્યેના પ્રેમ માટે એ કરી રહ્યો છું. હા, એ અફસોસ તો રહેવાનો કે હું મારી પત્ની અને બાળકોને પૂરતો સમય ન આપી શક્યો. મારી પત્નીનું થોડા સમય પહેલાં જ અવસાન થયું, પણ હું તેનો જીવન પર્યંત આભારી છું કે તેણે સંતાનોનો ખૂબ સારો ઉછેર કર્યો.’
જોકે પહેલાંના સમય કરતાં આજના સમયમાં પિતા બનવું ખૂબ જ અઘરું છે એમ જણાવીને સિદ્ધાર્થભાઈ કહે છે, ‘આજના જે નવા પેરન્ટ્સ બન્યા છે તેમનું જીવન ઘણું અઘરું છે, કારણ કે સ્ટ્રેસ અને સ્પર્ધા બન્ને ઘણાં વધી ગયાં છે જીવનમાં. મારા સમયે હું મારા હિસાબે મારું કુટુંબ ઘડી શકતો હતો, એ પણ મારી ગતિએ. એવું નહોતું કે આ તો જોઈએ જ કે આના વગર કેમ ચાલે કે આવું તો કરવું જ પડે. આજે સાડાત્રણ વર્ષના છોકરાની ચોપડીઓ જોઈ છે! તે પણ હોમવર્ક લઈને ઘરે આવે છે. આજનાં બાળકોને બધું બ્રૅન્ડેડ જ અપાવવું પડે. આ બધું નહોતું અમારા સમયે તો પણ છોકરાઓ હોશિયાર જ હતા. તેમને આ પ્રકારની સંપન્નતા વગર પણ સારો ઉછેર આપવો શક્ય હતો. આજકાલ એ જાણે કે શક્ય જ નથી. મને યાદ નથી કે અમારા સમયમાં રવિવારે બાળકો ભણતાં હોય. આજનું બાળક તો રવિવારે પણ બિઝી જ હોય છે. આજના પિતાની તકલીફ એ છે કે તેનું બાળક એકલું ઊછરી રહ્યું છે એટલે તેણે સતત બાળક સાથે રહેવું પડે છે. જોકે આ બધાની ઉપર એ વાત હું કબૂલવા ઇચ્છીશ કે જ્યારે હું અન્વિતને તેના બાળક માટે બધું કરતો જોઉં છું ત્યારે મને અંદરથી એવું લાગે છે કે મેં તો મારા દીકરાઓ માટે કંઈ કર્યું જ નથી. તે એટલું કરે છે.’
અન્વિત ક્યાંય પણ કામમાં હોય, નક્કી સાંજે સાતના ટકોરે ઘરે આવી જ જાય, કારણ કે ૮ વાગ્યે તેના દીકરા સાથે જમે અને પછી તે તેને સુવડાવે. આ કામ તે જ કરે છે. તે રાત્રે પાર્ટીઓમાં જવાનું ટાળે છે, કારણ કે સવારે દીકરાને સ્કૂલ માટે રેડી કરવાનો હોય છે. એ વિશે વાત કરતાં અન્વિત કહે છે, ‘મને મારા દીકરા માટે અવેલેબલ રહેવું ગમે છે. મારા મનમાં એક વાત એ છે કે અમુક જ વર્ષો છે જે તે મારી સાથે આ રીતે વિતાવી રહ્યો છે. જેવો તે મોટો થઈ જશે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે. એટલે અત્યારનો સુવર્ણ સમય હું ગુમાવવા નથી માગતો. હું તેની સાથે તેનું બાળપણ જીવી લેવા માગું છું.’
પહેલાંના પિતા બાળકને સમય આપી શકતા નહોતા, આજના પિતાએ બાળકને પૂરતો સમય આપવો છે એના નફા અને નુકસાન વિશે વાત કરતાં અન્વિત કહે છે, ‘હું અને મારો ભાઈ ખૂબ નાની ઉંમરમાં ઘણા સ્વાવલંબી હતા. પોતાનું કામ જાતે કરી શકતા. કોઈ તકલીફ પડતી તો જાતે એનો ઉપાય વિચારતા. મને એમાં શંકા છે કે આ બાળકો અમારા જેવાં થઈ શકશે કે નહીં, કારણ કે તેમને કોઈ તકલીફ પડે તો અમે હાજરાહજૂર હોઈએ છીએ એટલે જાતે નિર્ણયો લેવાનું તેમના માટે અઘરું થઈ પડશે. બાકી આ રીતનું હોવાના ફાયદાઓ પણ ઘણા છે. અમારાં બાળકોમાં અમારા કરતાં વધુ ધરપત હશે કે અમને કોઈ પણ તકલીફ પડશે તો પાપા છે. આજના પિતા ઇમોશનલી અવેલેબલ હોય છે જે બાળક માટે ઘણો મોટો પ્લસ પૉઇન્ટ છે. બીજું એ કે અમને એ ફાયદો છે કે તેમની સાથે અમે એક સ્ટ્રૉન્ગ બૉન્ડ બનાવી શક્યા છીએ. એ બૉન્ડની ખૂબ મજા છે.’
નવા પિતા જૂના પિતા પાસેથી શું લઈ શકે કે શીખી શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં અન્વિત કહે છે, ‘મારા પપ્પા ખૂબ ગુસ્સાવાળા છે. તેમને નાની વાતે પણ ખૂબ જલદી ગુસ્સો આવી જાય. નાના હતા ત્યારે અમે તેમના ગુસ્સાથી ખૂબ ડરતા, પણ ૧૫-૨૦ મિનિટમાં તે ઠીક થઈ જતા. આ વસ્તુ અમે ત્યારે સમજતા નહોતા. અમને તો એમ જ થતું કે પપ્પા કેમ આટલો ગુસ્સો કરે છે? જોકે હવે સમજાય છે કે પપ્પા પોતાની અંદર બધું ભરી નહોતા રાખતા જે મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે એવું અમે બાળક હતા ત્યારે નહોતા સમજતા. હું પણ મારા દીકરા પર ગુસ્સો કરું છું. ગુસ્સો કર્યા પછી હું તેને પૂછું છું કે તને સમજાય છે કે મેં શું કામ ગુસ્સો કર્યો? હું ઇચ્છું છું કે તે સમજે કે હું તેના પર ગુસ્સે નથી, તેણે કરેલી ખોટી વાત પર ગુસ્સે છું. આ એક્સપ્લેનેશન હું તેને ચોક્કસ આપું છું. એટલે તે મારા ગુસ્સાથી આહત ન થાય, પરંતુ એ ગુસ્સો જે બાબત માટે આવ્યો છે એ બાબતને સમજે અને સુધારે.’
એક સમયે માતા-પિતા વચ્ચે ૭૫-૨૫ની ભાગીદારીમાં બાળકનો ઉછેર શક્ય હતો, આજે એ ભાગીદારી ૫૦-૫૦ની છે: આશિત દેસાઈ અને આલાપ દેસાઈ

આશિત દેસાઈ પુત્ર આલાપ અને પૌત્ર કવિત સાથે. સ્ટેજ પર પિતા-પુત્રની જોડી
ગાયક અને સંગીતકાર આશિત દેસાઈનો દીકરો આલાપ દેસાઈ પણ ગાયક અને સંગીતકાર છે. આલાપ દેસાઈનો દીકરો કવિત ૧૬ વર્ષનો છે. આશિતભાઈને પોતે પિતા તરીકે ફરજો સારી રીતે નિભાવી એ બદલ સંતોષ છે. તેઓ માને છે કે બાળકમાં સંસ્કાર રેડવા એ માતા-પિતાની મુખ્ય ફરજ છે, જે ૭૫ ટકા મારી પત્ની હેમા દેસાઈએ નિભાવી છે. તો પછી બાકીના પચીસ ટકામાં તમે શું કર્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં આશિતભાઈ કહે છે, ‘મેં આલાપને સંગીતના સંસ્કાર આપ્યા, તેને પહેલેથી સારું મ્યુઝિક સંભળાવ્યું, તેને એક માહોલ આપ્યો જેમાં સંગીત તેની અંદર કેળવાતું ગયું. સંગીત જ નહીં, અમે તેને ભાષાના સંસ્કાર પણ આપ્યા. ગુલામ અલીની સાથે તેણે શાહબુદ્દીન રાઠોડને પણ સાંભળ્યા છે. અમે કશું પણ ક્રીએટ કરતા હોઈએ ત્યારે તે અમારી આસપાસ જ હોય. તેને અમે શીખવ્યું કે લોકો સાથે કયા પ્રકારનો વહેવાર જરૂરી છે, સભ્યતા શું છે.’
આલાપ દેસાઈ આજે ઉત્તમ કક્ષાના ગાયક અને સંગીતકાર છે એની પાછળ તેમનો ઉછેર અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક પિતાનો સંગીતનો વારસો તેમણે સંપૂર્ણ રીતે આત્મસાત્ કર્યો છે એનું કારણ જણાવતાં આલાપ દેસાઈ કહે છે, ‘મારાં મમ્મી-પપ્પા બન્ને સંગીત જાણતાં હતાં અને સાથે પ્રોગ્રામ્સ કરતાં હતાં એટલે સંગીત મને ગળથૂથીમાં મળ્યું. મને ઘોડિયામાં બૅકસ્ટેજ પર મૂકીને બન્ને પ્રોગ્રામ કરતાં. વચ્ચે-વચ્ચે હેમા (તેઓ તેમને નામથી જ બોલાવે છે) મને જોઈ લે. મ્યુઝિક મને પણ ધીમે-ધીમે ખૂબ ગમવા લાગ્યું, એમાં સમજ પડવા લાગી એટલે મેં પણ એમાં જ આગળ વધવાનું વિચાર્યું.’
આ વિશે વાત કરતાં આશિત દેસાઈ કહે છે, ‘આલાપ જેવો દીકરો હોય તો માતા-પિતાનું શેર લોહી ચડે. મને યાદ છે કે પંડિત જસરાજના એક પ્રોગ્રામમાં બાળકોને આવવાની મનાઈ હતી કારણ કે બાળકો વચ્ચે વાત કરીને ડિસ્ટર્બ કરે, એક જગ્યાએ બેસી ન શકે. આલાપ એ સમયે ૧૦ વર્ષનો હતો ત્યારે અમે તેને લઈ ગયેલાં અને બેસાડી દીધેલો. પંડિતજીએ પ્રોગ્રામ પત્યો પછી મને પૂછેલું કે આ તારો દીકરો છે? મેં કહ્યું કે હા. તેમણે કહ્યું કે એક જ છે? આવા તો ૧૦ હોવા જોઈએ, સંગીતની ઘણી સમજ છે તેને. ચાલુ પ્રોગ્રામમાં તેમણે જોયું હતું કે આલાપ તાલ આપતો હતો અને પંડિતજી જે જગ્યાઓ લેતા હતા એજ રીતે એટલે કે તેમની ગાયકી તેને સમજાતી હતી. આલાપને સંગીતના સંસ્કાર આપવા એ અમારું કર્તવ્ય હતું. જોકે એવું નથી કે સંગીત તેના માથે થોપવામાં આવ્યું છે, એ રોપવામાં આવ્યું છે. એ ફલિત થયું, કારણ કે આલાપને ખુદ એમાં રસ હતો.’
આલાપભાઈના દીકરા કવિતે પણ મ્યુઝિક શીખ્યું. નાનપણમાં સુરેશ વાડકરની ઍકૅડેમીમાં જઈને મ્યુઝિક શીખ્યું. કવિતને મ્યુઝિક તો ગમે જ છે, તેને ક્રિકેટમાં પણ રસ છે. એ વિશે વાત કરતાં આશિતભાઈ કહે છે, ‘ક્રિકેટનો શોખ પણ કવિતને અમારા તરફથી જ મળ્યો છે. મને અને આલાપ બન્નેને ક્રિકેટ અતિ ગમે. જોકે અમે જોઈએ વધુ અને કવિત રમે છે. તેને આગળ જતાં જેમાં પણ આગળ વધવું હોય એમાં સદંતર નિર્ણય તેનો જ હોવો જોઈએ એવું અમે બધા જ માનીએ છીએ.’
એક પિતા જ્યારે દીકરાને ફરવા લઈ જાય ત્યારે ખભા પર બેસાડતા હોય છે, કારણ કે એ ખભાથી ઉપરની દુનિયા જે પિતાને દેખાતી નથી એ તેના બાળકને દેખાડવા ઇચ્છતા હોય છે. પિતાના ખભે બેઠેલા દીકરાનું કદ બાપ કરતાં સવાયું થઈ જાય છે. એ બાબતે મજાક કરતાં આશિતભાઈ કહે છે, ‘એટલે જ આલાપ મારા કરતાં થોડો ઊંચો છે. મને જેટલી મ્યુઝિકમાં સમજ હતી એટલું મેં તેને આપ્યું, આગળ તેણે જાતે વિકસાવ્યું. વર્લ્ડ મ્યુઝિક તે ખૂબ સાંભળે છે એટલે આલાપ મ્યુઝિકમાં ઘણો આગળ વધ્યો. એમ તો બાપ તરીકે પણ તે મારા કરતાં એક મુઠ્ઠી ઊંચો જ છે એમ હું માનું છું. ઘણો જ પ્રેમાળ પિતા છે તે. તે નાનો હતો ત્યારે મારે ખૂબ ટૂર રહેતી. પ્રોગ્રામ્સ તો હું કરતો જ હતો, પણ બહાર જવાનું એટલું થતું કે તેની સાથે સમય વિતાવવાનું ઓછું બનતું, પણ આલાપ કવિતને સરસ સમય આપી શકે છે અને આપે જ છે એ જોઈને હું વધુ ખુશ થાઉં છું.’
પહેલાંના અને આજના ફાધરહુડમાં શું તફાવત તમને દેખાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં આલાપભાઈ કહે છે, ‘પેઢી દર પેઢી ઘણો બદલાવ આવે જ છે. મને યાદ નથી કે મેં ક્યારેય કોઈ સવાલ પૂછ્યો હોય કે આ કેમ કરવાનું? મારે ત્યાં કેમ જવાનું? એવી શું જરૂર છે? જોકે મારું સંતાન પૂછે છે. સંતાન બદલાય એમ પેરન્ટિંગ પણ બદલાય અને પેરન્ટિંગ બદલાય તો બાળકો બદલાવાનાં જ છે. વળી પહેલાં જેન્ડર રોલ્સ ડિફાઇન થયેલા હતા. બાળઉછેરમાં પિતાનો ફાળો વધુ ઇકૉનૉમિકલ હતો. જોકે હવે એવું નથી રહ્યું જે ખૂબ સારું છે. હું માનું છું કે માતા-પિતા બન્નેએ ૫૦-૫૦ ભાગીદારી રાખવી જોઈએ. હું મારા પિતા કરતાં વધુ હૅન્ડ્સ-ઑન છું. કવિતને જ્યારે જરૂર હોય ત્યારે હું અવેલેબલ રહું છું. કદાચ એટલે કારણ કે મારા કામનો પ્રકાર મારા પપ્પાના કામ કરતાં જુદો છે અને એટલે પણ કે હું ખુદ રહેવા માગું છું. હું કોશિશ કરું છું કે તેની સાથે રહું જ. મને એવું છે કે કવિતના જીવનમાં જે કંઈ પણ હોય એ બધી મને ખબર હોવી જોઈએ. એવી અત્યાર સુધીમાં બે-ત્રણ વસ્તુઓ જ બની છે જે મને ખબર નહોતી. તો હું ખૂબ દુખી થઈ ગયેલો. મને કેવી રીતે નથી ખબર એ વાત મારાથી સહન ન થઈ. તેની સાથે રહેવું કે સમય વિતાવવો એ મારી પ્રાથમિકતા છે.’
પિતા બાળક માટે રોલ-મૉડલ હોય છે, પછી એ કોઈ પણ જનરેશન હોય: ડૉ. ભરત શાહ અને સની શાહ

ડૉ. ભરત શાહ પુત્ર નીલ અને સની સાથે. ડૉ. ભરત શાહ પુત્ર સની અને પૌત્ર ઝિયાન સાથે.
ડૉ. ભરત શાહ નેફ્રોલૉજિસ્ટ છે. નર્મદા કિડની ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચલાવે છે. તેમનાં પત્ની ડૉ. મીતા શાહ ડાયાબેટોલૉજિસ્ટ છે. ડૉ. ભરત શાહને બે દીકરા છે. એમાંથી મોટો દીકરો ડૉ. નીલ શાહ ડૉક્ટર બનીને અમેરિકામાં સેટલ થયો છે અને નાનો દીકરો સની શાહ પિતાની સાથે રહે છે. તે ઍડ્વોકેટ છે. નીલના દીકરાનું નામ નિઓમ અને સનીના દીકરાનું નામ ઝિયાન છે જે ૨૦ મહિનાનો છે.
માતા-પિતા બન્ને ડૉક્ટર હોય તો બાળક પાસેથી પણ લોકો એવી જ અપેક્ષા રાખતા હોય કે તે ડૉક્ટર બને. એમાં મોટો દીકરો ડૉક્ટર બન્યો ત્યારે નાના પાસેથી એ અપેક્ષા સામાન્ય સંજોગોમાં બેવડાઈ જતી હોય છે. જોકે એવું થયું નહોતું. એ વિશે વાત કરતાં સની કહે છે, ‘અમે બન્ને ભાઈઓ અમારા પિતાના વારસાને આગળ વધારી રહ્યા છીએ એમ કહું તો ખોટું નથી. મોટા ભાઈએ ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને પપ્પાનો એ વારસો અપનાવ્યો. હું ડૉક્ટર નથી બન્યો, પરંતુ હું તેમના જ પગલે આગળ વધ્યો. મારા પપ્પાના ઘરમાં બધા જ લોકો CA હતા, એક પણ વ્યક્તિ ડૉક્ટર નહીં. એટલે તેમના ઘરમાં બધાને એમ હતું કે પપ્પા પણ કદાચ CA જ બનશે, પણ એવું થયું નહીં. દાદાએ તેમને પૂરો સપોર્ટ કર્યો. તેઓ પોતાના ઘરના પહેલા ડૉક્ટર છે. એવું ન મેં કર્યું. મારા ઘરમાં બધા ડૉક્ટર છે, પણ મેં વિચાર્યું કે હું ઍડ્વોકેટ બનીશ. આ નિર્ણય મેં નાનપણમાં જ લીધેલો. પપ્પાએ મને પૂરો સપોર્ટ કર્યો હતો. તેમને જરાય એમ નહોતું કે આ કેમ ડૉક્ટર બનવા નથી માગતો? તે એકદમ કૂલ અને લિબરલ હતા કે તારે જે કરવું હોય એ તું કરી શકે છે. પપ્પાની આ રીત હું અપનાવવા માગું છું. હું પણ મારા દીકરાને એ જ રીતે ઉછેરવા માગું છું કે તેને જેમ જીવવું હોય એમ જીવી શકે. ’
ડૉ. ભરત શાહે પોતાના ફાઉન્ડેશન દ્વારા ઘણા લોકોની મદદ કરી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધાને લોકો સુધી સુલભ બનાવવાના તેમના પ્રયાસ અને લોકોની અંદર જાગૃતિ વધારવાનું કામ તેમણે ઘણું કર્યું છે એના સાક્ષી એવા તેમના દીકરા માટે તેના પિતા શું છે એ જણાવતાં સની કહે છે, ‘હું અને ભાઈ અમારા પિતાને રોલમૉડલ તરીકે જોઈએ છીએ. નાનપણથી અમને તેમના માટે ભારોભાર માન છે. તેઓ ફક્ત સારા ડૉક્ટર નથી, ઘણા જ સારા માણસ પણ છે. આ ગુણ પણ મારે તેમની પાસેથી લેવો છે કે હું મારા દીકરા માટે રોલમૉડલ હોઉં. હું તેને સારો માણસ ત્યારે જ બનાવી શકીશ જ્યારે તે મારી અંદર એ સારપ જોશે. બાળક કહેવાથી એ એવું નહીં બને, તમને સાક્ષાત્ સામે જોશે ત્યારે તેની અંદર એ સદ્ગુણો આવશે. જેમ પપ્પાએ ડૉક્ટર બનીને અઢળક લોકોની મદદ કરી એમ હું વકીલ બનીને જરૂરતમંદ લોકોની મદદ કરવા માગું છું.’
પોતાના પિતા તરીકેના સંતોષ વિશે વાત કરતાં ડૉ. ભરત શાહ કહે છે, ‘એક પિતાની સૌથી મહત્ત્વની ફરજ એ છે કે તેમના બાળકને યોગ્ય ભણતર આપે, તેને સમાજોપયોગી કામમાં સેટલ કરાવે. મેં જોયું કે બાળકની જે ક્ષમતા છે એ પૂરી રીતે ખીલે અને સામે આવે, તે ખુદ તેના રસ્તા નક્કી કરી શકે અને આત્મવિશ્વાસ સાથે એના પર ચાલી શકે. હું એક કડક બાપ ક્યારેય નહોતો. તેઓ મને ભરપૂર માન આપે, પણ એવું નહીં કે મારી સામે જીભ પણ ન ઊપડે. એવું જરાય નથી. હું તેમને જે પણ કહેતો એ પ્રેમથી જ કહેતો અને મારા દીકરાઓ મને પણ કહી શકે છે કે પપ્પા આ આમ નહીં અને આમ કરવાનું છે. આજના સમયે બાળકો સાથે એ બૉન્ડ ખૂબ જરૂરી છે.’
પિતા તરીકે તમને કોઈ અફસોસ ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. ભરત શાહ કહે છે, ‘આમ તો મને ખૂબ સંતોષ છે કે મારાં બાળકોનો ઉછેર હું જેવો ઇચ્છતો હતો એવો જ થયો. કામને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ બન્ને મને જોઈને જ શીખ્યા છે. પૈસા તો બધા કમાઈ શકે છે, માન કમાવું જરૂરી છે જે માટે કામ પ્રત્યેની નિષ્ઠા અનિવાર્ય છે. મેં એ નિષ્ઠા જીવી છે એટલે જ કદાચ હું તે બન્નેને નાનપણમાં સમય નથી આપી શક્યો. એ સમયે સવારે હું ૮ વાગ્યે નીકળી જતો અને રાત્રે ૧૧ વાગ્યે પાછો આવતો પણ એ કામ કેમ જરૂરી હતું એ તેઓ નાની ઉંમરથી સમજતા હતા જે મારા માટે એક મોટી બાબત રહી છે. હા, એ વાત ખરી કે એ કામ અને એ કામ પાછળની મહેનતને કારણે હું તેમનું બાળપણ જીવી ન શક્યો. જોકે મને એનો અફસોસ નથી, કારણ કે એ બાળપણ હું અત્યારે મારા ગ્રૅન્ડ સન ઝિયાન સાથે જીવી લઉં છું. તેને અઢળક પ્રેમ છે અમારાથી. ઘણીબધી વાર તે અમારી પાસે આવીને સૂઈ જાય છે. અત્યારે હું ઘરેથી સવારે ૧૧ વાગ્યે નીકળું છું અને સાંજે ૭ વાગ્યે ઘરે પહોંચી જાઉં છું. ઘરે હોઉં ત્યારે પૂરો સમય તેની સાથે વિતાવું છું. અમને બન્નેને ખૂબ મજા પડે છે એકબીજા સાથે. આ રીતે હું એ કસર પૂરી કરું છું.’
તમે તમારા પિતા કરતાં કઈ રીતે જુદા પિતા છો? એ પ્રશ્નનો જવાબ આપતાં સની કહે છે, ‘જનરેશન પ્રમાણે આવેલા ફેરફારોમાં એક મહત્ત્વનો ફેરફાર એ છે કે હું મારા દીકરા સાથે ખૂબ વાતો કરું છું. મને તેની જોડે વાતો કરવી ખૂબ ગમે છે અને મને એવું પણ છે કે આ રીતે એક કમ્યુનિકેશન અમારી બન્ને વચ્ચે સ્થપાય. હું ઇચ્છું છું કે ભવિષ્યમાં તેને એમ ન થવું જોઈએ કે આ વાત પપ્પા સાથે કરવી કે નહીં. તેની દરેક તકલીફ તે મને આવીને વગર સંકોચે કહી શકે એવો સંબંધ હું કોશિશ કરી રહ્યો છું કે અમારા બન્ને વચ્ચે સ્થપાય.’
