Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બધાને તાતા, બિરલા અને અંબાણી બનવું હોય છે; પણ...

બધાને તાતા, બિરલા અને અંબાણી બનવું હોય છે; પણ...

Published : 02 November, 2026 04:56 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

બિઝનેસનું જ નહીં, સંસ્કારોનું સિંચન અહીં મહત્ત્વનું થઈ પડે છે

જિયો IPO લૉન્ચ

જિયો IPO લૉન્ચ


એ બનવા પાછળ પેઢી દર પેઢી પોતાની જાતને હોમવી પડે છે. બાપદાદા આટલું કમાઈને ગયા તો તું જલસા કર એમ કહેવાને બદલે તેમના જેટલી જ મહેનત અને લગન સાથે તું કામ કર અને બિઝનેસને વધુ આગળ વધાર એમ બાળકોમાં રેડવું પડે છે. બિઝનેસનું જ નહીં, સંસ્કારોનું સિંચન અહીં મહત્ત્વનું થઈ પડે છે

હાલમાં જિયોનો IPO, ભારતનો સૌથી મોટો IPO લૉન્ચ થઈ રહ્યો હતો. NSE ખાતે એની સેરિમની યોજાઈ હતી, જેમાં અંબાણી પરિવારના સંસ્કારથી અભિભૂત થયા વગર રહી ન શકાય એવો નજારો હતો. શરૂઆતમાં મુકેશભાઈ અને નીતાબહેનના સૌથી નાના દીકરા અનંતે કહ્યું હતું કે ‘બિઝનેસ અમારા માટે પૂજા છે અને દરેક પૂજા પૂરી થાય પછી પ્રસાદ મળતો હોય છે. પ્રસાદ એકલા ખાઈ નથી જવાનો હોતો. એને હંમેશાં વહેંચીને ખાવામાં આવે છે. આજે જિયો અમે ઇન્ડિયા સાથે શૅર કરી રહ્યા છીએ.’ આ દિવસને તેમણે ભગવાનના ચરણે સમર્પિત કર્યો હતો અને ભારતમાતાને લિવિંગ ગૉડેસ જેવી ઉપાધિ આપી હતી. અનંત જ નહીં, ઈશા અને આકાશ પણ જ્યારે સ્ટેજ પર આવ્યાં ત્યારે તેઓ બધાને જય શ્રીકૃષ્ણ બોલ્યાં. આ સાંભળીને આજના કેટલા યુવાનો પોતાના વર્ક-પ્લેસ પર જય શ્રીકૃષ્ણ કે જય જિનેન્દ્ર બોલતા હશે એ પ્રશ્ન મને થયેલો. પોતાની વાતની શરૂઆત કરતાં ત્રણેત્રણ સંતાનોએ તેમનાં કોકિલામમ્મી (દાદી)ને પ્રણામ કર્યા, ધીરુભાઈને યાદ કર્યા. ઈશાએ કહ્યું કે જિયો અમે અમારા પિતાના મૂળભૂત સિદ્ધાંતો પર ઊભું કર્યું છે, આ સિદ્ધાંતોને અમે અમારા ધર્મ તરીકે સ્વીકાર્યા છે. નીતાબહેન માટે તેણે કહ્યું હતું કે મમ્મી, તમે સમગ્ર પરિવારનું મૂળ છો અને તમે જ અમને ઊડવા માટે પાંખો આપી છે. તેણે પોતાના ભાઈ આકાશનાં વખાણ કરીને કહ્યું હતું કે મને ખબર છે કે છેલ્લાં ૧૩ વર્ષથી તું અડધી રાત પહેલાં ઘરે આવી શક્યો નથી જે બાબતે મને તારા પર ગર્વ છે. સધ્ધર પરિવારોમાં બાળકને એમ કહેવાય છે કે તારા બાપે એટલું કમાયું છે કે ૭ પેઢી બેસીને ખાઈ શકે, પછી તારે ક્યાં ચિંતા? આકાશના પિતાજી પાસે એટલું છે કે આખા ભારતદેશને તે બેસાડીને ખવડાવી શકે. તો એવું શું હશે જેને કારણે આકાશ છેલ્લાં ૧૩ વર્ષથી અડધી રાત સુધી કામ કરતો હશે? આ સવાલનો જવાબ કોઈ વર્ક-લાઇફ બૅલૅન્સની વાતો કરતા જેન-ઝીએ આપવો જોઈએ.



આકાશે કહ્યું કે હું અબ્રૉડથી ભણીને ઘરે આવ્યો ત્યારે મેં મારી કરીઅર જિયો સાથે શરૂ કરી; જેની પાછળ સૌથી મોટું એ કારણ હતું કે હું મારા પિતા સાથે કામ કરવા માગતો હતો, હું તેમની પાસેથી શીખવા માગતો હતો. આવી વાત સાંભળીને કોઈ પણ પિતાની જેમ મુકેશભાઈ પણ ખૂબ ભાવુક થઈ ગયા હતા. બધાની વચ્ચે તેમની આંખો પોતાનાં બાળકોને જોઈને વારંવાર છલકાઈ જઈ રહી હતી. આ બધા વચ્ચે ઈશાનાં બે બાળકો આદિયા અને ક્રિશ્ના તથા આકાશનાં બન્ને બાળકો પૃથ્વી અને વેદા પણ ત્યાં હતાં જેઓ ભરપૂર ધીંગામસ્તી કરી રહ્યાં હતાં. આટલા મોટા પરિવારનાં બાળકોને સંભાળવાનું કામ તેમના પરિવારજનો ખુદ જ કરી રહ્યા હતા. ત્યાં કોઈ નૅની કે આયા હતી નહીં. તેમના હાથમાં કોઈ ગૅજેટ પકડાવીને તેમને શાંત બેસાડવામાં નહોતાં આવી રહ્યાં. તેમનાં મમ્મી-પપ્પા અને પરિવારજનો જ તેમને સંભાળી રહ્યાં હતાં. કોકિલાબહેનની તબિયત નાદુરસ્ત રહેતી હશે છતાં તેઓ પણ વ્હીલચૅર પર ત્યાં પ્રસ્તુત હતાં, કારણ કે સમગ્ર પરિવાર માટે આ એક મહત્ત્વનો દિવસ હતો અને એક સ્ટ્રૉન્ગ યુનિટ બનીને તેઓ ત્યાં હાજર હતાં.


પેઢી દર પેઢી ચાલતા વેપાર માત્ર પૈસા નથી કમાતા; વિશ્વાસ, પરંપરા, મૂલ્યો અને ભરોસાની એક એવી મૂડી ઊભી કરે છે જે આખા દેશ અને સમાજને જોડવામાં અને એને સમૃદ્ધ બનાવવામાં મોટો ભાગ ભજવે છે. જોકે આવા પેઢીઓથી બિઝનેસ કરનારા બિઝનેસ પરિવારોની સંખ્યા ઘણી ઓછી છે. વૈશ્વિક સ્તરે ફૅમિલી બિઝનેસ અને કૉર્પોરેટ ગવર્નન્સ પર કામ કરતી સંસ્થાઓ જેમ કે ફૅમિલી ફર્મ ઇન્સ્ટિટ્યૂટ (FFI) અને હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ દ્વારા થયેલા અભ્યાસો પરથી અમુક તારણો આવ્યાં છે જે અનુસાર દુનિયામાં ૫૬ ટકા બિઝનેસ માત્ર પહેલી જનરેશન સુધી જ સીમિત રહે છે એટલે કે જે વ્યક્તિએ આ બિઝનેસ સ્થાપિત કર્યો છે તેની આગલી પેઢી સુધી એ પહોંચી શકતો નથી. જે બાકીના ૪૪ ટકા રહ્યા એમાં પણ ત્રીજી જનરેશન સુધી ૧૩ ટકા જેવા બિઝનેસ પહોંચે છે અને ફક્ત ત્રણ-ચાર ટકા બિઝનેસ છે જે ચોથી પેઢી સુધી વિસ્તરે છે. આમ જનરેશન્સ સુધી ચાલતા બિઝનેસ પોતાનામાં જ અમૂલ્ય કહી શકાય. એની કદર ફક્ત એ પરિવારે જ નહીં, સમાજે પણ કરવી રહી.

બૉલીવુડમાં ભલે નેપોટિઝમ વગોવાય, પરંતુ બિઝનેસ પરિવારોને ખબર છે કે આટઆટલી મહેનતથી ઊભા કરેલા બિઝનેસને જોઈને સંતાન જ્યારે કહે છે કે પપ્પા, મને તમારા બિઝનેસમાં બિલકુલ રસ નથી ત્યારે તે બાપના મન પર શું વીતતી હશે? એક સમયે બાપનો બિઝનેસ જૉઇન કરવો બાળકો માટે ગર્વ સમાન હતું, પરંતુ આજની તારીખે ઘણાં બાળકો બાપનો બિઝનેસ જૉઇન કરવાની ધસીને ના પાડી દે છે. આ વિષય પર ફૅમિલી બિઝનેસ ઍડ્વાઇઝરી કંપની ઇક્વેશનનાં ડિરેક્ટર ડૉ. મીતા દીક્ષિત સાથે મારે ચર્ચા થઈ હતી, જેનો નિષ્કર્ષ કંઈક આવો છે...


નવી પેઢી બિઝનેસ માટે ના પાડી દે એનાં ઘણાં કારણોમાંનું એક કારણ વેપારમાં જૂની અને રૂઢિચુસ્ત પદ્ધતિઓ ચલાવવાનો આગ્રહ છે. વડીલો જ્યારે જુનવાણી પ્રથાઓ છોડવા તૈયાર નથી થતા ત્યારે નવી પેઢી કુદરતી રીતે જ એનાથી દૂર ભાગવા લાગે છે. આ માટે જરૂરી છે કે વડીલો પોતાની કાર્યશૈલીમાં બદલાવ લાવે. આજની પેઢીને ગ્લૅમર અને નામની ઘેલછા હોય છે. કરિયાણાનો કે કટલરીનો બિઝનેસ? ભલે એમાં કમાણી ઘણી હોય, પરંતુ કોઈને કહીએ તો કેવું લાગે કે આપણે આ પ્રકારનો બિઝનેસ કરીએ છીએ? એ કરિયાણાવાળા બિઝનેસને તમે એક રીટેલ ચેઇનમાં ફેરવી શકવાનું કૌવત ધરાવો છો એ તો વિચારો. હકીકત એ છે કે નાનામાં નાના બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિકસાવી શકાય છે; બસ, આવડત હોવી જોઈએ. પિતા પ્રત્યે માન હશે તો પિતાના બિઝનેસ પ્રત્યે ઇજ્જત આપોઆપ થશે. આ સંસ્કારોનું ગણિત જીવનમાં સ્પષ્ટ હોવું જરૂરી છે.

અહીં બાળકની ઇચ્છા અને તેનાં સપનાંને રગદોળવાની વાત નથી. સોએ ૧૦ બાળકો એવાં નીકળતાં હશે જે પરિવારથી એકદમ જ જુદાં હોય. બાકીનાં ૯૦ વિશેની આ વાત છે. બાળકને નાનપણથી એક યોગ્ય ઘડતર આપવાની આ વાત છે. તમે બાળકની અંદર નાનપણથી તમારા બિઝનેસનું બીજ રોપશો અને એને યોગ્ય વાતાવરણ આપશો તો એ મોટું થશે ત્યારે પૂરેપૂરું ખીલીને બહાર આવશે. આ રીતે પરિવારનું વટવૃક્ષ ફેલાશે. અમુક કેસમાં જો આટલું કર્યા પછી પણ દીવા તળે અંધારું નીકળે તો ભગવાનની ઇચ્છા, પરંતુ પેરન્ટ્સ તરીકે તમે પૂરો પ્રયત્ન કરો એ જરૂરી છે. બરાબરને?

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 04:56 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK