પ્રવાસના આખરી પડાવમાં જે સ્થળો અમે જોયા અને જે સ્થળો રિપિટ કર્યા એણે પણ જુદા જ પ્રકારનો રોમાંચ અમારામાં ભરી દીધો.
જામિયા અલ ફના ચોગાનનું અગાશીમાંથી સંધ્યા દર્શન
પ્રવાસના આખરી પડાવમાં જે સ્થળો અમે જોયા અને જે સ્થળો રિપિટ કર્યા એણે પણ જુદા જ પ્રકારનો રોમાંચ અમારામાં ભરી દીધો. લગભગ ૯૦૦ વર્ષ પહેલાં એ સમયના સુલતાને બાંધેલી આખા શહેરને આવરી લેતી ૧૯ કિલોમીટર લાંબી લાલ દીવાલ હોય કે પછી દિલ ખુશ કરી દેતી હરીભરી ‘મડીના’ માર્કેટ હોય- દરેકે અમને જુદી રીતે સમૃદ્ધ કર્યા હતાં
મરકકેશનાં ત્રણેય મુખ્ય આકર્ષણો એક જ દિવસમાં ભલે શાંતિથી અને સંપૂર્ણપણે આવરી લીધાં હતાં, પરંતુ બંને મહેલો અને ક્યુબન વિલા મગજમાંથી હટતાં જ નહોતાં. ત્રણેયનું પોતપોતાનું આગવું સૌંદર્ય, આગવો મિજાજ.
ADVERTISEMENT
હવે જે લખવા જઈ રહ્યો છું એ પ્રવૃત્તિ અમે સમયના અભાવે માણી નહોતા શક્યા, પરંતુ અમારામાંના થોડા સહયાત્રીઓ જે પાછળ રહી પડ્યા હતા તેમણે હોંશભેર અને જોશભેર આ પ્રવૃત્તિનો લાભ લીધો હતો. આ પ્રવૃત્તિ એટલે હૉટ ઍર બલૂનની રાઇડ. તુર્કીમાં હૉટ ઍર બલૂનિંગ માટે ઘણું જ સાંભળ્યું અને વાંચ્યું છે, પરંતુ મૉરોક્કોમાં આ એક વિશેષ નજરાણું છે. ઍટલસ પર્વતમાળાના ખોળામાં વસેલું હોવાને કારણે મરકકેશમાં આનો લાભ ઉઠાવવાનું સુગમ થઈ પડે છે. વહેલી સવારે હોટેલથી તમને ઊંચકીને શહેરથી ૩૦થી ૩૫ કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે જ્યાં ઘણાંબધાં બલૂન્સ તમારી રાહ જોઈ રહ્યાં હોય છે. નીચેથી જ પહેલાં તમને નાસ્તો કરાવતાં-કરાવતાં સૂચનાઓ અપાઈ જાય છે અને પછી તમે બલૂનમાં સવાર થઈ જાઓ છો. આ પ્રદેશમાં વહેલી સવારમાં પવન, હવા લગભગ સ્થિર હોય છે જે બલૂન્સ માટે અનુકૂળ થઈ પડે છે. પવનની તીવ્રતા પ્રમાણે બલૂન્સ તમને લગભગ ૫૦૦થી ૧,૫૦૦ ફુટ સુધીની ઊંચાઈ પર લઈ જાય છે. આ લહાવો જરૂર લેવો. સૂર્યોદય, સવારનો કુમળો પ્રકાશ અને ઊંચાઈએથી દેખાતો અદભુત નજારો. વાહ, સવાર સુધરી જશે એ પાકું. ફોટોગ્રાફી માટેનું એકદમ જ યોગ્ય વાતાવરણ. હૉટ ઍર બલૂનિંગ આમ તો બહુ જ સલામત ગણાય છે અને આમાં થોડુંઘણું જોખમનું પ્રમાણ તો રહેવાનું જ, પરંતુ જોખમ વગર આ વિહંગાવલોકનનો લાભ પણ ન જ મળેને? એક સુંદર અનુભવ. બધાએ જ વખાણ્યો. પાછા હોટેલ પર આવતાં-આવતાં લગભગ બાર વાગી જ જાય. ફ્રેશ થઈને નીકળી પડો મરકકેશ વસૂલ કરવા.
આ શહેર સૌથી યોગ્ય સ્થળ છે ખરીદી કરવા માટે. અહીં તમને બધી જ વસ્તુઓ મળી રહેશે. પ્રાચીન, અર્વાચીન, સૌંદર્ય-પ્રસાધનો, ખાણી-પીણીની વસ્તુઓ બધું જ. ખાણી-પીણીથી યાદ આવ્યું. અહીં તમને ભારતીય રેસ્ટોરાં પણ મળી આવશે. એક-બે નહીં, ચાર-ચાર રેસ્ટોરાં અહીં આવેલી છે. એક વસ્તુ તો એકદમ જ પ્રસ્થાપિત અને સુવિદિત છે કે ભારતીય ખાણી-પીણીનો આખા વિશ્વમાં કોઈ પણ મુકાબલો શક્ય જ નથી. વિવિધતા અને સ્વાદનો કોઈ બીજો સશક્ત વિકલ્પ જ નથી. ૧૬ દિવસ પછી આજે અમે ભારતીય ભોજન ખાધું. ખાધું તો ન જ કહેવાય. ‘દબાવ્યું’, ‘ ઠાંસ્યું’. આ એકદમ જ અનુરૂપ શબ્દો છે. અમે બધા જ ભોજન પર રીતસરના તૂટી પડ્યા હતા. જાણે સહરાના રણમાં ભટકી પડેલા કોઈને પાણી કે રણદ્વીપ મળી જાય. આ સહરા પણ જાણે-અજાણે જાત સાથે વણાઈ ગયું હતું, ખસતું જ નહોતું. ઉત્કૃષ્ટ ભોજન. અકરાંતિયાની જેમ ખાધું હતું બધાએ. રેસ્ટોરાંનું નામ ક્લે અવન (clay oven). ભરપેટ જમ્યા પછી થોડી સુસ્તી ચડી હતી, પરંતુ આજનું એક મુખ્ય આકર્ષણ બાકી હતું. ચારેક વાગી ગયા હતા એટલે સીધા જ પહોંચી જવાનું નક્કી કર્યું.
એક વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવતું સ્થળ. ના... ના... આને સ્થળ ન કહેવાય. હજી ૧૦૦થી ૧૫૦ વર્ષ પહેલાં તો આખેઆખું મરકકેશ અહીં વસતું હતું. અત્યારે પણ આખા શહેરનો ધબકાર આ જ સ્થળ છે. શહેરનો શું, આખા આફ્રિકા ખંડનો સૌથી વ્યસ્ત અને ધબકતો વિસ્તાર છે. આ છે મરકકેશ ‘મડીના’. છેક ૯૦૦ વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન ૧૧૨૨માં તત્કાલીન રાજા અલી ઇબ્ન યુસુફને મરકકેશની ફરતે કિલ્લેબંધી કરવાનો વિચાર આવ્યો અને તેમણે અહીં જ મળી આવતી લાલ માટીનો ઉપયોગ કરીને ૧૯ કિલોમીટર લાંબી દીવાલથી જ્યારે આખા શહેરને આવરી લીધું ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે આ લાંબી દીવાલ અને ત્યાર પછી બંધાયેલાં મકાનો જ આ શહેરની એક અભિન્ન ઓળખ બની રહેશે અને સેંકડો વર્ષો પછી પણ આ શહેર રેડ સિટી તરીકેની એની ઓળખ કાયમ રાખશે. સૂર્યાસ્તના સમયે કંઈક અલગ જ ચમકથી ઝળકતી આ માટીનું સૌંદર્ય કંઈક અલૌકિક હોય છે. આગળ લખ્યું એમ મરકકેશ હમણાં આટલું વધી ગયું. નહીં તો આખું ગામ આ ૧૯ કિલોમીટરની લંબાઈ ધરાવતી દીવાલથી આવૃત્ત જ હતું. હજી પણ આ શહેરની વસ્તીના લગભગ પાંચમા ભાગના એટલે કે બે લાખ લોકો અહીં જ રહે છે. આ જ રાજા દ્વારા ૧૧૪૭માં બંધાયેલી કુતુબિયા મસ્જિદ હજી પણ આખા શહેરની સૌથી મોટી મસ્જિદ હોવાનો મોભો ધરાવે છે. ૭૭ મીટરની ઊંચાઈ ધરાવતો આ મસ્જિદનો મિનારો આખા વિસ્તારની શાન છે એ વળી નફામાં. લાલ માટીની ઈંટો, લાકડાં અને નહીંવત્ પ્રમાણમાં વપરાયેલા આરસની બાંધણી ધરાવતો આ મિનારો ૧૨મી સદીને તમારી સમક્ષ ઉજાગર કરવામાં સંપૂર્ણપણે નિમિત્ત બને છે એ ચોક્કસ છે. આ મિનારાની શરણમાં જ સેંકડો વર્ષોથી બજારો ભરાતી રહી. આફ્રિકા, યુરોપ અને અરબી દેશોના અનેક વેપારીઓ અહીં આવીને વસી ગયા અને મરકકેશ વિકસતું રહ્યું, ધબકતું રહ્યું, ધમધમાટ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું, આખા આફ્રિકા ખંડનો ધબકાર બની રહ્યું. અહીં આવેલી અસંખ્ય શેરીઓ, રસ્તાઓ, ચોગાનો કેટલી બજારોને આવરી લે છે એ જાણવું છે? અઢાર. હા અઢાર. અઢાર બજારોને પોતાનામાં સમેટીને બેઠું છે આ મરકકેશનું મડીના.
જેમ આ મડીના મરકકેશની ઓળખ છે એમ આ મડીનાની ઓળખ છે આખા આફ્રિકાનો મોટામાં મોટો ચોક જામિયા અલ-ફના (Jemaa el-fnaa). કુતુબિયા મસ્જિદને, મિનારાને જોઈને રસ્તો વટાવો એટલે તમે આ મડીનાના પ્રાંગણમાં, કહો કે જામિયા અલ-ફના ચોકમાં પ્રવેશો છો. ધમધમાટ પ્રવૃત્તિઓનો રાફડો જોઈ લો જાણે. બહુ વાંચ્યું હતું, સાંભળ્યું હતું, સાવચેત રહેવાની કેટલીયે સલાહો મળી હતી. આ ચોગાનમાં પ્રવેશતાં જ આ બધી સલાહ સાચી લાગી. કોઈ અજાયબ ઘર જેવા લાગતા આ ચોગાનમાં શું-શું હતું એ જાણવું છે? અચંબો નહીં પામતા. સૌથી નવાઈની અને ધ્યાન રાખવા જેવી બાબતોમાં પ્રથમ નંબર આવે પ્રવેશતાં જ તમારા પર ધસી આવતા મદારીઓ. તેમની પાસે વાંદરાઓ, સાપ, મોટી ગરોળીઓ એવું બધું હોય છે. સખત મોઢું રાખીને સ્પષ્ટ અને મોટા અવાજે ના પાડી દેવી. આ લોકો વાંદરાને બેસાડી, સાપને તમારા ગળામાં નાખીને પૈસાની માગણી કરે છે. આ એક જ આ મડીનાનું એકમાત્ર નકારાત્મક પાસું છે. એને પાછળ છોડીને આગળ વધો અને જાણે કોઈ અલગ જ વિશ્વ તમારી સમક્ષ અનાવૃત થઈ ઊઠે છે. બીજાં બધાં શહેરોના મડીનાની કંઈ ને કંઈ વિશેષતા હતી, પરંતુ આ મડીનામાં આ બધી જ વસ્તુઓનો સંગમ છે, સમન્વય છે. અતિશય ગિરદી હતી. અમે બધા એક જગ્યાએ ઊભા રહ્યા. મેં એક સૂચન કર્યું. બધાના પોતપોતાના શોખ હતા, પસંદ હતી. વળી એમાં પણ અલગ-અલગ પ્રાથમિકતા હતી. આખો રસાલો સાથે વધી શકે એવું શક્ય જ નહોતું. તો ભલે બધા છૂટા પડી જતા. અઢી કે ત્રણ કલાક પછી એક ચોક્કસ જગ્યા પર પાછા મળવું. બધાને સૂચન યોગ્ય લાગ્યું અને એમ બધા છૂટા પડ્યા. સાચું કહું મિત્રો, મારે તો આ જગ્યા પર ખોવાઈ જવું હતું, અહીં ગુમ થઈ જવાનો લહાવો લેવો હતો, મુલાકાતીઓના મહાસાગરમાં વિલીન થઈ જવું હતું. મેં બીનાને સૂચન કર્યું કે આપણે પણ છૂટા પડી જઈએ, ખોવાઈ જઈએ. પછી મળીએ અઢી કલાક પછી, સાડાછ વાગ્યાની આસપાસ. તેણે પણ આ સૂચન વધાવી લીધું. સાનંદાશ્ચર્ય. ચાલો... તમે એકલા ચાલો રે અને માનશો, આ અઢી કે ત્રણ કલાક જે મજા લૂંટી છે. કોઈ ચિંતા નહીં, તનાવ નહીં. ફરો તમતમારે બધું જ કોરાણે મૂકીને. પહેલો પડાવ હતો ૧૦-૧૦ દિરહામમાં વેચાતી ચામડાની જૂની વસ્તુઓના બાંકડે. ત્યાંથી માટીનાં બનાવેલાં શિલ્પો વેચતી એક મહિલાના બાંકડે. ભાવતાલ કરવાની મજા અહીં અલગ જ હતી. તમે કિંમતના ૮૦ ટકા પણ ઓછા બોલો તો તેઓ ભડકતા નહોતા. મંદ-મંદ હસ્યા કરે. ખુશમિજાજી હતા બધા. માદળિયાં લીધાં, કડાં લીધાં. ઝુમ્મર સરસ હતાં, પણ કોઈ અર્થ નહોતો. પોર્સલિનનાં વાસણો, તાંબા-પિત્તળનાં વાસણો, કલાકૃતિઓની અસંખ્ય દુકાનો. કપડાંની દુકાનો, સૂકા મેવાની દુકાનો, અલંકારોની દુકાનો, બાંકડાઓ. અંદરની ગલીઓમાં ફર્યો. જૂસ પીધા, ત્રણ વાર. વાજિંત્રો સાંભળ્યાં. આખો માહોલ જ કાર્નિવલ જેવો હતો. બધા જ ફરી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા જાણે. કંઈક અલગ જ કપડાં પહેરેલા ઊંચા તગડા આફ્રિકન યુવકોએ મારું ધ્યાન ખેંચ્યું. તેઓ કપડાં વેચી રહ્યા હતા, પરંતુ તેમનો પહેરવેશ જ કંઈક હટકે હતો. તેમના ફોટો લીધા. દુકાનોના, બાંકડાઓના પણ ખૂબબધા ફોટો લીધા. જલસો થઈ ગયો. અઢી કે પોણાત્રણ કલાક પછી ઘડિયાળમાં જોયું તો ખબર પડી આજના આખા દિવસમાં ૨૫,૦૦૦ ઉપર પગલાં ચાલી ગયો હતો, પરંતુ થાક લાગ્યો નહોતો. ઊલટી તાજગી લાગી રહી હતી. ક્યાં નીકળી ગયો હતો એ અંદાજ જ નહોતો એટલે એક દુકાનવાળાને પૂછ્યું તો તેણે સમજાવ્યું એ પ્રમાણે આગળ વધ્યો. આગળ રસ્તામાં બીજે બે કે ત્રણ ઠેકાણે પણ પૂછ્યું અને અહો આશ્ચર્યમ્! કયો ટૂંકો રસ્તો રામ જાણે, પરંતુ ૧૫ જ મિનિટમાં હું નક્કી કરેલા સ્થળે ચોકમાં પહોંચી ગયો. બીનાને ફોન જોડ્યો તો કહે કે બાજુમાં દેખાઈ રહેલી રેસ્ટોરાંની અગાસી પર આવી જા. સંધ્યા ખીલી હતી. ફટાફટ દાદરા ચડીને પહોંચ્યો. કોલ્ડ કૉફી અને સૅન્ડવિચની જ્યાફત ચાલી રહી હતી. અગાસી પરથી જે નજારો હતો, શું કહું? આખા પરિસરને આવરી લેતો સંધ્યાનો સોનેરી પ્રકાશ, કુતુબિયા મસ્જિદના મિનારાની પાછળ અસ્ત થઈ રહેલો સૂર્ય! વાહ, પિક્ચર પર્ફેક્ટ. નીચે નજર કરી. ઓહોહો.... બધી દુકાનોની, બાંકડાઓની લાઇટો ચાલુ થઈ ગઈ હતી. જેમ-જેમ અંધારું વધતું રહ્યું, રોશની પણ વધતી ચાલી. એકાદ કલાક અગાસી પર જ વિતાવ્યો. વિશાળ ચોગાન રોશનીના હિસાબે ભવ્ય લાગી રહ્યું હતું. અંતે સૂરજદાદાએ વિદાય લીધી. મરકકેશની આ સાંજ યાદગાર બની રહી, બની રહેશે. અમે અહીં બીજી વખત આવ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં અને હવે અંતમાં. કાસા બ્લાન્કા ભલે ઊતર્યા હતા અને હવે વિદાય પણ ત્યાંથી જ હતી, પરંતુ મરકકેશથી જ આ અર્થસભર યાત્રા શરૂ થઈ અને આમ જુઓ તો યાત્રાનો અંત પણ અહીં જ આવ્યો. ૧૫ દિવસ પહેલાં મિનારા સાથે ચંદ્રમાનો ફોટો લીધો હતો. આજે સૂર્યાસ્તનો ફોટો લીધો.
આખું એક ચક્ર ફરી ગયું, પરંતુ અમારી અંદર શું-શું ભરી ગયું? એક અર્થસભર પ્રવાસ તમને અંદરથી કેટલા સમૃદ્ધ કરી શકે, કરી મૂકે એ સંશોધનનો વિષય ખરો? અર્થસભર પ્રવાસની વ્યાખ્યા મૂકી શકાય ખરી? એક સામાન્ય સમજ પ્રમાણે પ્રવાસ જ્યારે યાત્રામાં પરિણમે એને સફળ પ્રવાસ, કહો કે અર્થસભર પ્રવાસ ગણી શકાય. ખરુંને? કવિ શ્રી લાભશંકર ઠાકર સ્ફુર્યા. તેમના એક કાવ્યનું શીર્ષક હતું : ‘આપણે પ્રવાસી પારાવારના...’ આ જ શીર્ષક લઈને પછી ડૉક્ટર ગુણવંત શાહે પુસ્તક લખ્યું, ‘આપણે પ્રવાસી પારાવારના...’ પરંતુ કાવ્ય અને પુસ્તકમાં શીર્ષકને છોડીને સખત વિરોધાભાસ જોવા મળે. થોડી આડ વાત. પારાવાર એટલે અનહદ, અત્યંત, અતિશય, ભરપૂર. આપણી સમૃદ્ધ ગુજરાતી ભાષામાં આ સિવાય પણ કેટલાય સમાનાર્થી શબ્દો જડી આવે, પરંતુ મારું અંગતપણે એવું માનવું છે કે અહીં આ પારાવાર શબ્દ બે તદ્દન વિરુદ્ધ અર્થમાં વપરાયો છે. બાલમુકુંદ દવેનો પારાવાર શબ્દ ભરપૂર ખાલીપાની, દંભની, ખોખલાપણાની વાત છે; જ્યારે ડૉ. ગુણવંત શાહનો પારાવાર શબ્દ તેમનાં પ્રવાસો, સ્થળો અને સંસ્કૃતિઓ થકી લભ્ય થતી આંતરિક સમૃદ્ધિ માટેનો શબ્દ છે. હવે જો આ જ શબ્દ પારાવારને એક નવું પરિમાણ આપવાનો હોય તો હું આ પારાવાર શબ્દને મારા જેવા પ્રવાસીઓની એક ચોક્કસ પ્રજાતિ માટે ઉપયોગ કરવાનું પસંદ કરું. એક ચોક્કસ વર્ગના પ્રવાસીઓ જેમને સામાન્ય પ્રવાસો પસંદ જ નથી. રોમમાં રસ અને પૅરિસમાં પાતરાં જેવા પ્રવાસો, જેમના માટે નકશામાં રંગ ભરવા કે અમુક-તમુક સ્થળોએ થપ્પો મારવા સિવાય બીજી કોઈ પણ રીતે ઉપયોગી નથી. આવા પ્રવાસીઓને બધું જ પારાવાર ખપે છે. પ્રવાસનો રોમાંચ પારાવાર, કુદરતની સંગત પારાવાર, પ્રવાસમાં લીધેલું જોખમ પારાવાર, પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય પારાવાર, પરમ સાથેનો સંવાદ પારાવાર અને આંતરિક સમૃદ્ધિ પણ પારાવાર. કદાચ તકલીફો, હાડમારી પણ પારાવાર. કારણ શું? કારણ એ જ કે સંપૂર્ણપણે શરણાગતિ વગર સંપૂર્ણપણે આંતરિક સમૃદ્ધિ પામવી કદાચ અશક્ય છે એવી જડ કહી શકાય એવી માન્યતા. વાચકમિત્રો, આ કોઈ આત્મશ્લાઘા નથી, પરંતુ તમારી સાથે એક પ્રામાણિક સંવાદ સ્થાપિત કરવાનો નમ્ર પ્રયાસ છે. તો મૉરોક્કો મારા માટે પારાવાર રહ્યું? એકદમ જ પ્રામાણિકતાથી કહું તો હા અને ના. એક અલગ સંસ્કૃતિ, પ્રાદેશિક વિવિધતા, સમયકાળ જાણવા, સંવેદવા, અનુભવવા, પરોક્ષ જીવવા મળ્યા ખરા. સોએ સો ટકા હકાર; પરંતુ જેવી રીતે જાણવા હતા, સંવેદવા હતા એ રીતે તો નકાર જ સમજવો. મને પ્રવાસની મધ્યમાં જ સમજાઈ ગયું હતું કે આટલા અતિશય સગવડિયા પ્રવાસો માટે મારી કોઈ લાયકાત નથી. આમાં કોઈ પણ પ્રકારનો રોમાંચ જ નહોતો. બધી જ પ્રાથમિકતા સગવડોને હતી. ક્યાં ખાશો, ક્યારે પહોંચીશું, સવારનો નાસ્તો, પૂરતી ઊંઘ, મર્યાદિત કિલોમીટરનું જ ડ્રાઇવિંગ આવી જ બધી પ્રાથમિકતા હતી આ પ્રવાસમાં. ફોટોગ્રાફી, ઑફ-રોડ ડ્રાઇવિંગ (૪x૪ વાહન હોવા છતાં), પ્રાદેશિક અને ભૌગોલિક વિવિધતાનો મહત્તમ ઉપયોગ, કુદરતી સાંનિધ્ય આ બધાનું અહીં કોઈ મહત્ત્વ જ નહોતું. ઠીક છે. અમે અમારી રીતે નિયમોમાં રહીને છૂટછાટ લઈ લીધી, છીંડાં પાડ્યાં, ખાતર પાડ્યાં, લાભ લીધો; પરંતુ ખૂબબધી અકળામણ સાથે. કુટુંબ સાથે આવા પ્રવાસો કરાય, પરંતુ પસંદગીનો અવકાશ હોય તો હું આવા પ્રવાસ કરવાનું ટાળું જ ટાળું.
છેલ્લી વાત. મારી બધી અકળામણને અવગણીને મૉરોક્કોનો પ્રવાસ કરવો જ કરવો. આ દેશ તમને દંગ કરી દેશે, મોહી લેશે એટલી હદે સુંદર છે. અહીં આપણા મહાન દેશ ભારતની જેમ બધાં જ પરિબળો હાજર છે. સંસ્કૃતિની, પ્રદેશોની વિવિધતા અને વિવિધતામાં રહેલી એકતા માણવાયોગ્ય છે. અહીં દરિયો છે, બરફ છે, રણ છે, લીલાછમ પ્રદેશો છે, લોકમાતાઓ છે, પહાડો છે, સૂકાભઠ રેતાળ માટીના પ્રદેશો છે અને મુખ્યત્વે તો અહીં હૂંફાળા, લાગણીભર્યા, પ્રેમાળ માણસો છે. ભારતની જેમ જ અનેક સંસ્કૃતિનો સુભગ સમન્વય છે. અહીંનાં વિવિધ પ્રકારનાં બાંધકામોમાં આફ્રિકાની ભાત છે, યુરોપની છાંટ છે, આરબ સંસ્કૃતિની વાત છે. અહીં ઇતિહાસ છે, ભૂગોળ છે, મધ્યકાલીન અને અર્વાચીન એવો જીવંત સમયકાળ છે. મૉરોક્કોનો પ્રવાસ તમને તમે આપેલી એક શ્રેષ્ઠ ભેટ બની રહેશે એ નિ:શંક છે. સાહસિકોથી લઈને સગવડિયા એવા તમામ પ્રકારના પ્રવાસીઓને આકર્ષતો આ દેશ જાણવા, માણવા, અનુભવવા જેવો ખરો. મૉરોક્કો દેશ માનવજીવનની અનેક સંસ્કૃતિઓના વિકાસનો, ઉત્ક્રાંતિનો ઉદઘોષ છે. અહીં ઍટલાન્ટિક અર્ણવનો નિનાદ છે તો વળી સહરાનો પ્રખર સાદ પણ છે. આ દેશ, આ પ્રદેશ એટલે પરમ સાથેનો સંવાદ, મા પ્રકૃતિનો પ્રણવ નાદ અને ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન એટલે કે આપણો પ્રતિસાદ...
વાચકમિત્રો, મૉરોક્કો પ્રવાસ સમાપ્ત, પરંતુ યાત્રા ચાલુ... સતત, અવિરત. ફરી મળીશું. તમારા પ્રેમ, ઉત્સાહ, મેસેજિસ અને ઈ-મેઇલ્સનો સહર્ષ સ્વીકાર. આભાર.
કંઈક નવું પ્રિય વાચકો,
મૉરોક્કો પ્રવાસ શ્રેણીના આ અંતિમ પ્રકરણ સાથે નવાં-નવાં સ્થળો વિશે શોખીન વાચકોને પૂરતી માહિતી અને જાણકારી આપવાની પરંપરા ‘મિડ-ડે’એ જાળવી રાખી છે એ જણાવતાં આનંદ થાય છે. આ તો થઈ પરદેશની વાતો. હવે ફરી પાછા આવીએ આપણા આ મહાન દેશ ભારતમાં? ભારતનાં કેટલાંક સુંદર, રળિયામણાં, સાંસ્કૃતિક સ્થળો વિશે જાણીએ, શાબ્દિક સફર (ભાવયાત્રા) કરીએ. હજારો વર્ષો જૂની સંસ્કૃતિ અને આપણા દેશના ભવ્ય વારસાને જાણવાં કોઈ પણ શોખીન ભારતીય માટે જરૂરી છે જ. હવે શરૂ થતી શ્રેણીમાં આપણા સાંસ્કૃતિક વારસાની છડી પોકારતાં કેટલાંક સ્થળો વિશેની જાણકારી અને માહિતી આપીશું; જ્યાં હજી સુધી એક સમયકાળ જીવંત છે, સચવાયેલો અને ધરબાયેલો પડ્યો છે. સમયની, ઋતુઓની, બદલાતી સંસ્કૃતિઓની થપાટો ખાઈ-ખાઈને પણ આ વારસદારો કોઈ કાળસંદૂકમાં સચવાયેલા હોય એમ અડીખમ ઊભા છે તો ક્યાંક વળી ટકી રહ્યા છે. ઇતિહાસ , સંસ્કૃતિ અને, અલબત્ત, ફરવાના શોખીન વાચકો માટે હાજર છે ‘મિડ-ડે’ ગ્રેટ હેરિટેજ સિરીઝ....
- લેખક


