Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુઃખ, પીડા અને તકલીફોને સાર્થક કરતી અસ્તિત્વના અર્થ અને ઉદ્દેશની ખોજ

દુઃખ, પીડા અને તકલીફોને સાર્થક કરતી અસ્તિત્વના અર્થ અને ઉદ્દેશની ખોજ

26 March, 2023 03:47 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

બદલતી અવસ્થા પ્રમાણે જીવનનો ઉદ્દેશ ત્રણ રીતે મેળવી શકાય : ઍક્શન (કર્મ) દ્વારા, એક્સ્પીરિયન્સ (અનુભવો) દ્વારા કે પછી ઍટિટ્યુડ (અભિગમ) દ્વારા. આ વાત વિક્ટર ફ્રૅન્કલે પોતાના પુસ્તકમાં બહુ અદ્‍ભુત રીતે સમજાવી છે

પ્રતિકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક તસવીર


બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બંદી બનાવાયેલા વિક્ટર ફ્રૅન્કલ કહે છે કે જિંદગીનો ઉદ્દેશ દરેક માટે અલગ હોય છે. દરેક ક્ષણે, દરેક અવસ્થામાં અલગ હોય છે. એ બદલાતો રહે છે. જોકે એ પર્પઝ, હેતુ, મીનિંગ કે ઉદ્દેશ જ આપણને છેલ્લા શ્વાસ સુધી જીવાડે છે.

જે પુસ્તક વાંચવાની ભલામણ હું મારા છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ એ ચમત્કારી પુસ્તક એટલે વિક્ટર ફ્રૅન્કલનું ‘Man’s Search for Meaning’. વિશ્વભરમાં જેની ૧૨ મિલ્યનથી વધારે પ્રત વેચાઈ છે અને હવે જે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે એવું આ પુસ્તક આપણી અંદર થીજી ગયેલી જીજીવિષા, સંવેદના અને ઇચ્છાઓને સજીવન કરવાનું કામ કરે છે, નિરુદ્દેશે જીવી રહેલા આપણને સૌને એક ગાઢ નિદ્રામાંથી જગાડવાનું કામ કરે છે. જીવનમાંથી સંપૂર્ણ નિરાશ, નિષ્ફળ કે સાવ નકામા થઈ ગયેલા કોઈ માણસને પૂરી તીવ્રતાથી જીવન તરફ પાછા વાળી શકે એવું એક પુસ્તક. રાખમાંથી બેઠા કરી શકે એવું એક પુસ્તક. 



બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બંદી બનાવાયેલા વિક્ટર ફ્રૅન્કલ પોતે એક મનોચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ હતા. અમાનુષી અત્યાચાર, હિંસા, ભૂખમરો અને દરેક ક્ષણે તોળાતા મૃત્યુના ભયની વચ્ચે વિક્ટર ફ્રૅન્કલ ત્રણ વર્ષ સુધી ટકી રહ્યા. જે અત્યાચાર અને યાતનાએ લાખો યહૂદીઓના જીવ લીધો એ પીડાની વચ્ચે પણ વિક્ટર ફ્રૅન્કલ કઈ રીતે અને શું કામ ટકી શક્યા એની વાત આ પુસ્તકમાં છે. જો એક જ વાક્યમાં કહું તો જેમની પાસે જીવતા રહેવાનો ઉદ્દેશ છે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે છે. જોકે આ જીવતા રહેવાનો ઉદ્દેશ એટલે શું? 
આ પ્રશ્નોના જવાબ આપતી એક અદ્ભુત વાર્તા મારે તમારી સાથે શૅર કરવી છે. 


૧૯૪૨થી ૧૯૪૫ સુધી કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં અત્યાચારનો ભોગ બનેલા વિક્ટર ફ્રૅન્કલને ફાઇનલી જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યાર બાદ વિયેનામાં ભરચક ઑડિયન્સની વચ્ચે તેમણે એક ઐતિહાસિક સ્પીચ આપેલી. તેમનું એ વ્યાખ્યાન એટલું બધું સુપરહિટ અને પથદર્શક હતું કે થોડા સમય પછી એ સ્પીચનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું. એ પુસ્તકનું નામ ‘Yes to Life : In Spite of Everything’. ગમે એવા સંજોગો, દુઃખ કે યાતનાઓ સાથે પણ જિંદગીને ‘હા’ કહેવાની કળા. એ પુસ્તકમાંથી મને સ્પર્શી ગયેલો એક પ્રસંગ રજૂ કરું છું. 

પોતાના એક દરદીની વાત કરતાં ફ્રૅન્કલ લખે છે: 


તે યુવાન એક પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી છોકરો હતો. તે એક વ્યસ્ત ગ્રાફિક ડિઝાઇનર હતો. તેણે પોતાના કામ, વ્યવસાય અને કારકિર્દીમાં જીવનનું ધ્યેય શોધી લીધેલું. જોકે એક દિવસ નિયતિએ અચાનક તેનો આ ઉદ્દેશ છીનવી લીધો. તે બીમાર પડ્યો. તપાસ બાદ જાણવા મળ્યું કે તેને એક એવું સ્પાઇનલ કૉર્ડ ટ્યુમર છે જેનું ઑપરેશન શક્ય નથી. કરોડરજ્જુના ઉપરના ભાગમાં થયેલી આ ઝેરી ગાંઠને કારણે સૌપ્રથમ તેના બન્ને પગ લકવાગ્રસ્ત થયા. તે પથારીવશ થઈ ગયો. તે કામ કરી શકવાની હાલતમાં ન હોવાથી તેનું જીવન અર્થવિહીન બની ગયું. જોકે આવી હાલતમાં પણ તેણે જીવતા રહેવાનું કારણ શોધી કાઢ્યું. 

તેણે વિચાર્યું કે કામ કે ઉત્પાદન ન થઈ શકે તો શું, હું જીવનના અનુભવોમાં અર્થ શોધી લઈશ. પથારીવશ બની ગયેલા તે યુવાન દરદીએ હૉસ્પિટલના ખાટલા પર સૂતાં-સૂતાં પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. રોજગારની વ્યસ્તતામાં જે અને જેટલું અનુભવવાનું મિસ થયેલું એ બધું જ માણવાની શરૂઆત કરી. ગમતાં પુસ્તકો વાંચ્યાં, ગમતું સંગીત સાંભળ્યું અને પાડોશમાં રહેલા દરદીઓ સાથે ખૂબ બધી વાતો કરી. આસપાસના જગતને અનુભવી લેવું એ તેનું એ અવસ્થા દરમિયાનનું ધ્યેય હતું, પણ બહુ જ જલદી કુદરતે તેનું એ ધ્યેય પણ છીનવી લીધું. 

ટ્યુમર આગળ વધતું ગયું. તેના બન્ને હાથ પણ લકવાગ્રસ્ત થવા લાગ્યા. તે હવે પુસ્તક પકડવા માટે પણ અસમર્થ હતો. સંગીત કે અન્ય કોઈ અવાજથી તેનું માથું ફાટવા લાગતું. બોલતી વખતે તેની જીભ થોથવાવા લાગી. પથારીમાં પડ્યા રહીને મૃત્યુની રાહ જોવા સિવાય હવે તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. આવામાં કોઈ જીવનનો અર્થ કે Meaning કઈ રીતે શોધે? 
તેણે ફરી રસ્તો શોધી કાઢ્યો. જે દિવસે તેની તબિયત અત્યંત બગડી ગયેલી એ બપોરે તેને તપાસવા ગયેલા વિક્ટર ફ્રૅન્કલને તે દરદીએ કહ્યું, ‘મને મૉર્ફિનનું ઇન્જેક્શન આપી દેશો?’ આવી માગણી કરવા પાછળનું કારણ જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘ગઈ કાલે રાતે એક દરદીના અંતિમ સમયમાં તેને પીડામુક્ત કરવા અને શાંતિથી વિદાય આપવા માટે એક અન્ય ડૉક્ટરને મૉર્ફિનનું ઇન્જેક્શન આપવા આવવું પડ્યું’તું. મને લાગે છે કે આજે રાતે મારો વારો છે. એ ઇન્જેક્શન તમે અત્યારે જ આપી દો, જેથી મોડી રાતે મારા કારણે તમારી ઊંઘ ખરાબ ન થાય. તમને રાતે ડિસ્ટર્બ ન કરવા પડે એટલે અત્યારે આ માગણી કરી રહ્યો છું.’ 

આ પ્રસંગ યાદ કરીને વિક્ટર ફ્રન્કૅલ કહે છે, ‘જિંદગીના છેલ્લા શ્વાસ દરમિયાન પણ તેનો હેતુ અન્યને હેરાનગતિ ન પહોંચે એ સુનિશ્ચિત કરવાનો હતો તો બદલતી અવસ્થા પ્રમાણે જીવનનો ઉદ્દેશ ત્રણ રીતે મેળવી શકાય : ઍક્શન (કર્મ) દ્વારા, એક્સ્પીરિયન્સ (અનુભવો) દ્વારા કે પછી ઍટિટ્યુડ (અભિગમ) દ્વારા.

આ પ્રસંગ ટાંકીને ફ્રૅન્કલ કહે છે કે જિંદગીનો ઉદ્દેશ દરેક માટે અલગ હોય છે. દરેક ક્ષણે, દરેક અવસ્થામાં અલગ હોય છે. એ બદલાતો રહે છે. જોકે એ પર્પઝ, હેતુ, મીનિંગ કે ઉદ્દેશ જ આપણને છેલ્લા શ્વાસ સુધી જીવાડે છે. જેમણે LOGOTHERAPYની શરૂઆત કરી એવા વિક્ટર ફ્રૅન્કલે આ વાત ફક્ત લખી જ નથી, જીવી બતાવી છે. કૉન્સન્ટ્રેશન કૅમ્પના અત્યાચાર, ગુલામી અને હિંસામાંથી હેમખેમ બહાર નીકળીને તેમણે સાબિત કરી આપ્યું છે કે જીવતા રહેવા માટે એક સ્ટ્રૉન્ગ પર્પઝ જરૂરી છે. એક એવું અડીખમ ધ્યેય જે કોઈ પહાડ ચડવા જેટલું જટિલ હોઈ શકે અથવા તો કોઈ પ્રિયજનને ચાહવા જેટલું સરળ. કશુંક મેળવી લેવા જેવું સ્વકેન્દ્રિત હોઈ શકે અથવા કશુંક આપતા રહેવા જેવું પરોપકારી. જોકે ઉદ્દેશ વગરનું જીવન હોકાયંત્ર વગરના વહાણ જેવું છે. એ કર્મ દ્વારા હોય કે અનુભૂતિ દ્વારા, ઉપલબ્ધિ દ્વારા હોય કે સેવા દ્વારા, જિંદગીની સૌથી મોટી મથામણ આ Meaning શોધવાની હોય છે. જેમને જીવનનો હેતુ મળી જાય છે તેમને કશું જ નડતું કે કનડતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2023 03:47 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK