Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનુષ્ય હોવાના નિયમો

મનુષ્ય હોવાના નિયમો

21 August, 2022 06:13 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

કાર્ટર-સ્કૉટ દ્વારા લખાયેલા અદ્‍ભુત પુસ્તક ‘If life is a game, these are the rules’માંથી માણસ તરીકે ભૂલી ગયા છીએ એ નિયમોનું થોડું રિવિઝન કરવાની જરૂર છે. ચાલો કરીએ...

મનુષ્ય હોવાના નિયમો ધ લિટરેચર લાઉન્જ

મનુષ્ય હોવાના નિયમો


છેવટે આપણને મોકલી જ દેવામાં આવ્યા! એ આપણી ઇચ્છા હતી કે અરજી, ડર હતો કે સાહસવૃત્તિ, અણગમો હતો કે મહત્ત્વાકાંક્ષા, આપણને કોઈને ખબર નથી પણ અલ્ટિમેટલી ‘વન ફાઇન મૉર્નિંગ’ પૂછ્યા વગર આપણને આ ધરતી પર મોકલી જ દેવામાં આવ્યા. જે રીતે માંડ સેટ થયેલા કોઈ સરકારી અધિકારીની અચાનક બદલી કરવામાં આવે, એ રીતે કોઈ એક અવસ્થા, અવકાશ કે ચૈતન્યમાં સ્થાયી થયેલા આપણને ‘ટ્રાન્સફર ઑર્ડર્સ’ પકડાવી દેવામાં આવ્યા અને એક મનુષ્ય તરીકે આ પૃથ્વી પર આપણું અવતરણ થયું. 
મનુષ્ય તરીકે અવતરવાના કેટલાક નિયમો હતા. જો આપણા મનુષ્ય અવતારની મુસાફરીને સુખી, સમૃદ્ધ, સફળ અને સાર્થક બનાવવી હોય, તો એ નિયમો યાદ રાખવા બહુ જરૂરી હતા, પણ ભુલાતા ગયા. પાન કાર્ડ, લાઇસન્સ કે આધાર કાર્ડની જેમ ‘મનુષ્ય હોવાના નિયમો’ની એક લેમિનેટેડ કૉપી જો સાથે રાખવી ફરજિયાત હોત, તો કદાચ આપણને એ નિયમો યાદ રહ્યા હોત. કાર્ટર-સ્કૉટ દ્વારા લખાયેલા અદ્ભુત પુસ્તક ‘If Life Is A Game, These Are The Rules’માંથી એ ભુલાઈ ગયેલા નિયમોનું થોડું રિવિઝન કરી લઈએ.
નિયમ ૧ : તમને એક શરીર આપવામાં આવશે 
એ તમને ગમે કે ન ગમે, પણ સમગ્ર મનુષ્ય અવતાર દરમ્યાન એ શરીર ફક્ત તમારી માલિકીનું રહેશે. તમે એની કાળજી રાખો કે અવગણના કરો, એના પર ગર્વ અનુભવો કે શરમ, કૃતજ્ઞતા રાખો કે ક્રોધ, પણ અલ્ટિમેટલી છેક સુધી એ તમારી સાથે રહેશે. સાફ-સફાઈ, થોડો ઘણો શણગાર અને મેઇન્ટેનન્સ સિવાય એ શરીરમાં કોઈ મુખ્ય ફેરફારો કરી નહીં શકાય. 
નિયમ ૨ : પાઠ ભણાવવામાં આવશે 
તમારું ઍડમિશન એક ફુલ-ટાઇમ અને અનૌપચારિક નિશાળમાં કરવામાં આવશે, જેનું નામ હશે જિંદગી. આ નિશાળમાં દરરોજ તમને એક નવો પાઠ ભણાવવામાં આવશે. એ પાઠ તમને પ્રસન્ન કરે કે દુઃખી, પ્રસ્તુત લાગે કે અપ્રસ્તુત, મોજ કરાવે કે કંટાળો અપાવે, હકીકત એ છે કે તમારે દરરોજ ભણવું પડશે. 
નિયમ ૩ : તમારા કાર્યકાળ દરમ્યાન ભૂલો જેવું કશું નહીં હોય, ફક્ત બોધપાઠ હશે
વૃદ્ધિ પામવા માટે તમારે સતત પ્રયોગશીલ રહેવું પડશે. વ્યક્તિગત ઉન્નતિનો એક જ માર્ગ છે: ટ્રાયલ ઍન્ડ એરર. વૃદ્ધિ અને સફળતા માટે નિષ્ફળ ગયેલા પ્રયોગો અને પ્રયત્નોનું પણ સવિશેષ મહત્ત્વ રહેશે. 
નિયમ ૪ : જ્યાં સુધી શીખશો નહીં, ત્યાં સુધી પુનરાવર્તન કરવામાં આવશે 
જિંદગીના અભ્યાસક્રમમાં આવેલો પાઠ, પીડા કે પરિસ્થિતિ ત્યાં સુધી તમારો પીછો નહીં છોડે જ્યાં સુધી એણે ભણાવેલું પ્રકરણ તમે સમજી નથી જતા. એ પાઠ બરાબર સમજી લીધા પછી જ તમને આગલો પાઠ ભણાવવામાં આવશે. 
નિયમ ૫ : અભ્યાસક્રમ ક્યારેય પૂરો નહીં થાય
જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે શીખતાં રહેવું પડશે. એક વાર પ્રવેશ મેળવ્યા બાદ નિશાળમાંથી ત્યાં સુધી રજા કે વેકેશન નહીં મળે, જ્યાં સુધી તમારા હાથમાં ‘Leaving Certificate’ પકડાવી દેવામાં ન આવે. 
નિયમ ૬ : ‘આ જગ્યા’ કરતાં ‘પેલી જગ્યા’ ક્યારેય વધારે સારી નહીં હોય
નદીને પેલે પાર રહેલું ઘાસ તમને હંમેશાં વધારે લીલું અને આકર્ષક લાગશે. ‘અહીં’, ‘આ જગ્યા’ કે ‘અત્યારની અવસ્થા’ કરતાં ‘ત્યાં’, ‘પેલી જગ્યા’ કે ‘પછીની અવસ્થા’ તમને હંમેશાં વધારે લોભામણી લાગશે પણ તે એક છેતરામણી અનુભૂતિ હશે. એનો પીછો કર્યા બાદ ધારો કે તમે ‘ત્યાં’ કે ‘તે અવસ્થા’એ પહોંચી જશો, તો થોડા જ સમય પછી ફરી પાછી કોઈ નવી જગ્યા કે અવસ્થા તમને આકર્ષક લાગવા માંડશે. માટે, ‘અહીં’ કરતાં વધારે સારી બીજી કોઈ જગ્યા નથી. 
નિયમ ૭ : તમને મળનારી દરેક વ્યક્તિ તમારું જ પ્રતિબિંબ હશે
ધેર આર નો અધર્સ. અર્થાત્ અહીં કોઈ પારકું નથી. આ વાતને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. જો સમજશો કે આ પૃથ્વી પર વસતો દરેક જણ તમારું જ કોઈ અન્ય સ્વરૂપ છે તો અન્યમાં રહેલી જે બાબતને તમે પ્રેમ કે નફરત કરો છે એ ખરેખર તો એ તમારામાં જ રહેલી કોઈ લાક્ષણિકતાનું પ્રતિબિંધ હશે એ સમજાશે અને અસરકારક રીતે સમજાશે.
નિયમ ૮ : તમારું સમગ્ર જીવન તમારી માલિકીનું રહેશે 
એનું શું કરવું? એ તમારે નક્કી કરવાનું રહેશે. તમારી પાસે તમામ સાધનો, સંસાધનો અને સંવેદનાઓ હશે. તમે શસ્ત્ર વાપરશો કે સહાનુભૂતિ? ક્રોધ કરશો કે કરુણા? યાચક બનશો કે સહાયક? ઉપાસક બનશો કે ઉદ્ધારક? એનો નિર્ણય તમારે જ કરવાનો રહેશે. 
નિયમ ૯ : તમારા તમામ પ્રશ્નોના જવાબો તમારી અંદર રહેલા હશે
આત્મનિરીક્ષણ અને ચિંતન દ્વારા તમે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો. ઉત્તરો અને ઉપાયો તમારી અંદર જ રહેલા હશે, પણ એના માટે તમારે આત્મ-નિરીક્ષણ અને ચિંતન કરવું પડશે અને એ જ તમારા ઉત્તર અને ઉપાયો તમને આપશે.
નિયમ ૧૦ : નિશાળ છોડ્યા બાદ આમાંનું કશું જ તમને યાદ નહીં રહે 
અને એ જ આપણી મોટી ભૂલ છે. આ બધું જો યાદ હશે જો જીવનની સરળતા અકબંધ રહેશે અને જીવનની જો સરળતા અકબંધ રાખવી હશે તો આ બધું યાદ રાખવું પડશે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે આ બધું સાથે રાખીને આગળ વધો અને ડગલે ને પગલે માણસ હોવાના આ નિયમોનું પાલન કરતા રહો.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2022 06:13 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK