Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પગ ગુમાવીને કોઈ પગભર થાય એ વાત તમને નહીં સમજાય

પગ ગુમાવીને કોઈ પગભર થાય એ વાત તમને નહીં સમજાય

19 March, 2023 12:41 PM IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

હા, તમને ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી તમે RJ સિડની આ વાત વાંચી નહીં હોય, તમને નહીં સમજાય જ્યાં સુધી તમે RJ સિડને મળ્યા નહીં હો

સિદ્ધાર્થ ત્રિવેદી

ધ લિટરેચર લાઉન્જ

સિદ્ધાર્થ ત્રિવેદી


‘આ પગ તો હવે કાપવો પડશેને! યાર, હવે પોલીસ ઑફિસર નહીં બની શકું.’ 
૨૦૧૫માં થયેલા એક રોડ-ઍક્સિડન્ટ બાદ પોતાના ઈજાગ્રસ્ત પગની હાલત જોઈને સંપૂર્ણ સભાનાવસ્થામાં બોલાયેલા આ શબ્દો છે સિદ્ધાર્થ ત્રિવેદીના. 
તે કોણ? હું તેમને કેવી રીતે ઓળખું છું? અને પછી શું થયું? જેવા અઢળક સવાલો જો તમારા મનમાં ઉદ્ભવતા હોય તો ચાલો હું તમને એક શૌર્યગાથા સંભળાવું. સામાન્ય અને મધ્યમ પરિવારમાંથી આવતા એક અસાધારણ માણસે પોતાના સંજોગો અને સંઘર્ષો સામે મેળવેલા અદભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય વિજયની કથા.

થોડા સમય પહેલાંની વાત છે. હું તેમના પરિચયમાં આવ્યો તેમના અવાજથી. એ સમયે તેઓ RJ (રેડિયો જૉકી) હતા. એક રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થતા ઈવનિંગ શોની જવાબદારી તેમને સોંપવામાં આવેલી. તેમની વાકછટા, ટાઇમિંગ, અવાજ, ટોનેશન્સ બધું જ પર્ફેક્ટ હતું. તેમના અવાજમાં રહેલી ઊર્જા, ઉત્સાહ, ઉમંગ અને હાસ્ય દ્વારા તેઓ શ્રોતાઓને પોતાના વશમાં કરી લેતા. જોકે તેમની જે ‘સ્પેશિયલ ક્વૉલિટી’ મને બાંધી રાખતી એ હતી તેમનું સેન્સ ઑફ હ્યુમર. એ વખતે બસ એટલી જ ખબર હતી કે મને તેમનું કામ ગમે છે. તેમની રમૂજ, પ્રેન્ક-કૉલ્સ, ટીખળ કે અટકચાળાં મનોરંજક અને હાસ્યપ્રદ હતાં.



થોડા સમય પછી રેડિયો પરથી તેમનો અવાજ ગાયબ થઈ ગયો. ઈવનિંગ શોમાં તેમનું સ્થાન એક બીજા RJએ લીધું. હું તેમના અવાજ અને રમૂજને મિસ કરતો મારા જેવા અનેક શ્રોતાઓને ખડખડાટ હસાવવા બદલ. મારે તેમને અભિનંદન આપવા હતાં, એક વિનંતી કરવી હતી કે યાર પ્લીઝ, રેડિયો પર પાછા આવી જાવ. જોકે એ સમયે ન તો એટલો પરિચય હતો, ન તો નિકટતા. મનગમતા અને પ્રિય RJ સિડનો એ અવાજ ભુલાતો ગયો.


એક દિવસ અચાનક મારા સોશ્યલ મીડિયા હૅન્ડલ પર સિડનો મેસેજ આવ્યો, ‘સર, તમારી સાથે વાત કરવી છે.’ 
તરત અમે નંબર્સ એક્સચેન્જ કર્યા. મોડી રાતે તેમનો ફોન આવ્યો. મેં પૂછ્યું, ‘રેડિયો કેમ છોડી દીધો?’ 
તેમણે કહ્યું, ‘હું સ્ટૅન્ડ-અપ કૉમેડી શરૂ કરી રહ્યો છું અને મારા સૌથી પહેલા શોમાં મારે તમને ઇન્વાઇટ કરવા છે.’ 
૧૩ ઑગસ્ટ, રવિવાર. 
એ દિવસે અમદાવાદમાં જ હોવા છતાં હું તેમના સ્ટૅન્ડ-અપ કૉમેડી પ્રીમિયરમાં પહોંચી ન શક્યો. 
૧૬ ઑગસ્ટ, મંગળવારે સાવ જ અનાયાસ તેમનો એક ફોટો મારી નજરમાં આવ્યો અને...
એ રાતે હું સૂઈ ન શક્યો. એ ફોટોમાં તેઓ એક Artificial Limb (કૃત્રિમ પગ) સાથે પોતાની ઓરિજિનલ સ્માઇલ અને દેશભક્તિ દર્શાવતા એક રાષ્ટ્રધ્વજ પકડીને ઊભા હતા. એ પિક્ચરની કૅપ્શનમાં તેમણે લખેલું, ‘આઝાદી એક માનસિકતા છે. જ્યાં સુધી જાત વિશેની એ માનસિકતા નહીં બદલાય, કશું જ નહીં બદલાય.’ 
તેમના પગ વિશેની હકીકત જાણીને મારા પગ તળેથી જમીન સરકવા લાગી. હસતો-હસાવતો, રમૂજ કરતો અને અનેક ગુજરાતીઓના ચહેરા પર હાસ્ય લઈ આવતો આ અવાજ કેટલી બધી પીડામાંથી પસાર થયો હશે એ વિચારે મારી ઊંઘ ઉડાડી દીધી. જગતને હસાવવા નીકળવું હોય તો યાત્રામાં ખૂબબધી પીડા સાથે રાખવી એવું ક્યાંક વાંચેલું તો ખરું, પણ આવું જોયું તો પહેલી વાર જ. ફોટોમાં તેમના ચહેરા પર એક વિજયી સ્મિત હતું. નિયતિ, પડકારો અને વિપરીત સંજોગોને પરાસ્ત કરીને પગભર થયાનો વિજયધ્વજ લહેરાવતા હોય એવો આનંદ તેમના ચહેરા પર હતો. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ માણસ બહુ દૂર સુધી જશે. દુઃખ, દુર્ઘટના અને યાતના જેમનું કંઈ ન બગાડી શકી તેમની વિજયયાત્રાને કોણ અટકાવી શકે? 
તેમને પોલીસ ઑફિસર બનવું હતું, પણ એક માર્ગ-અકસ્માતે તેમના બધા જ ફ્યુચર પ્લાન્સ ફૉર્મેટ કરી નાખ્યા. એ ગોઝારા અકસ્માતમાં તેમણે એક પગ ગુમાવ્યો અને કેટલું બધું મેળવી લીધું! ડાયપર બદલી આપનારા, સતત સાથે રહીને હિંમત આપનારા અને પ્રોસ્થેટિક લેગ માટે છ લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરનારા મિત્રો. જેના પ્રેમ અને વિશ્વાસના સહારે દુનિયા જીતી શકાય એવી પત્ની. મક્કમ મનોબળ. કશુંક કરી દેખાડવાની તીવ્ર ઝંખના. હિંમત. આશાવાદ અને આવું તો કેટલુંય. જોકે આ દુર્ઘટના પછી કુદરત દ્વારા તેમને મળેલી સૌથી મોટી ભેટ હતી ‘આગ’. બિચારા કે બાપડા થયા વગર સ્વબળે ઊભા રહેવાની આગ. જગતની સહાનુભૂતિને લાત મારીને ખુદ્દારીથી જીવવાની આગ. પોતાની પ્રતિભા, મહેનત અને પ્રામાણિકતાના દમ પર આગળ વધવાની આગ. આ એ જ આગ હતી જે તેમને દઝાડી રહી હતી અને જગતને હસાવી રહી હતી.

હવે પછીનો ફકરો હું ખુરશી પરથી ઊભા થઈને લખું છું. એટલા માટે નહીં કે બધું જ જાણતી હોવા છતાં દીપાલીએ લગ્ન માટે હા પાડી, પણ એટલા માટે કે સિદ્ધાર્થનો આ પ્રોસ્થેટિક લેગ દીપાલી માટે તો કોઈ abnormality છે જ નહીં. દીપાલી કહે છે, ‘સમસ્યા તેના પગમાં નહીં, આપણી માનસિકતામાં હોય છે અને એ વિચારસરણી જ તો બદલવાની છે.’ 
ક્યા બાત!
સિડ કહે છે, ‘દીપાલી મારી કરોડરજ્જુ છે.’ 
અને દીપાલી કહે છે, ‘સિડ મારું અભિમાન છે.’ 
કોણ કહે છે કે આ જગતમાં પીડાને પરાસ્ત નથી કરી શકાતી? 
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં.


એક પગ ગુમાવી દીધાના બદલામાં સિદ્ધાર્થે ઘણું બધું મેળવી લીધું છે. પ્રેમ, ઓળખ, લોકચાહના, ખ્યાતિ, ઝનૂન અને એક સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકેની કારકિર્દી. હવે તેમને સહાનુભૂતિ નથી જોઈતી, કામ જોઈએ છે. લોકોને હસાવવાનું કામ. જો કરી શકો એમ હો તો ગોઠવો તમારા શહેરમાં તેમના સ્ટૅન્ડ-અપ કૉમેડીના શો અને જુઓ કે પગ ગુમાવીને પગભર થયેલા માણસમાં કેટલી આગ છે!

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 12:41 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK