ડૉક્ટર ગણેશ રાખે નક્કી કર્યું છે કે જ્યારે સમાજ દીકરીના જન્મને દીકરા જેટલો જ ઉત્સવ માનતો થશે ત્યારે જ પોતે ફી લેશે
દેવદૂત ડૉક્ટર ગણેશ રાખ
પુણેના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ગણેશ રાખની હૉસ્પિટલમાં જો દીકરી જન્મે તો તે એક રૂપિયો ફી પણ નથી લેતા. ઊલટું, કેક-કટિંગથી લઈને ડેકોરેશન અને મ્યુઝિકલ કાર્યક્રમ રાખીને દેવદૂત સમી બાળકીના આગમનને વધાવે છે. ૨પ૦૦થી વધારે દીકરીઓને નિઃશુલ્ક જન્મ આપનારા આ દેવદૂતને મળવા જેવું છે
મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્ર સમયાંતરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મોટિવેશનલ પોસ્ટ કરતા હોય છે અને એટલે જ મીડિયાની નજર તેમના અકાઉન્ટ પર પણ સતત મંડાયેલી રહે છે. થોડા દિવસ પહેલાં આનંદ મહિન્દ્રએ એક પોસ્ટ મૂકીને દુનિયાને એક એવા ડૉક્ટરની ઓળખ કરાવી જે પોતાના કામને લીધે હજારો પેરન્ટ્સના એન્જલ બનીને ઊભરી આવ્યા છે. આનંદ મહિન્દ્રએ લખ્યું કે બે દીકરીના બાપ તરીકે મને ખબર છે કે ઘરે દીકરીનો જન્મ થાય ત્યારે દેવદૂત ઘરે આવ્યાની ખુશી મળતી હોય છે, પણ આ ડૉક્ટર પોતે જ દેવદૂત છે; દયા, લાગણી અને પ્રેમના દેવદૂત.
ADVERTISEMENT
જો તમે ડૉક્ટર ગણેશ રાખનું કામ અને તેમનું ધ્યેય જોશો તો તમે પણ આનંદ મહિન્દ્રની વાત સાથે સહમત થશો અને ડૉક્ટર રાખ સામે મસ્તક ઝુકાવશો. પુણેના હડપસરમાં મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ ચલાવતા ડૉક્ટર ગણેશ રાખ ગાયનેકોલૉજિસ્ટ છે. ડૉક્ટર રાખની ખાસિયત એ છે કે તેમને ત્યાં ડિલિવરી કરાવતી મહિલાને જો દીકરીનો જન્મ થાય તો તે એક રૂપિયો પણ ફી લેતા નથી.
નૉટ અ સિંગલ પેની.
ફી તો છોડો, દીકરીનો જન્મ થાય તો ડૉક્ટર રાખ પોતાના ખર્ચે એ રૂમ શણગારવાથી માંડીને નવજાત શિશુના પહેલા દિવસનું સેલિબ્રેશન કરવા કેક મગાવે છે અને દીકરીનાં મમ્મી-પપ્પાના હાથે કેકકટિંગ કરાવે છે. જો પેરન્ટ્સ જરૂરિયાતમંદ હોય તો ડૉક્ટર રાખ તેમને બાળોતિયાંથી માંડીને બાળકની અન્ય આવશ્યક જરૂરિયાત પણ પૂરી પાડે છે. આપણે જો ભૂલથી પણ આવું કામ કર્યું હોય તો છાપરે ચડીને દેકારો મચાવી દઈએ અને ન્યુઝપેપરમાં પ્રેસ-રિલીઝની મેઇલ પણ ઠોકી દઈએ, પણ ડૉક્ટર રાખ આ કામ ૨૦૦૭થી કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૨પ૦૦થી વધુ દીકરીઓનો જન્મ કરાવ્યો છે અને એ પણ એક રૂપિયો ચાર્જ કર્યા વિના. અને એ પછી પણ તેમણે આ વાતને ક્યાંય ગાઈ-વગાડીને કરી નથી. ઈવન ‘મિડ-ડે’ સાથે વાત થઈ ત્યારે પણ તેમણે કહ્યું કે તમે ‘સેવ ધ ગર્લ ચાઇલ્ડ’ અભિયાન વિશે લખો એ જ મારા માટે ઘણું છે.
દીકરીના જન્મ વખતે દરેક મમ્મીને સ્પેશ્યલ ફીલ કરાવવામાં આવે છે.
યાદ આવી મમ્મીની વાત
વાત ૨૦૦૭ પહેલાંની છે. એક્ઝૅક્ટ તારીખ કે દિવસ તો ડૉક્ટર ગણેશ રાખને યાદ નથી, પણ આખી ઘટનાની ક્ષણેક્ષણ તેમને યાદ છે.
એ દિવસે બન્યું એવું કે એક પતિ પોતાની પ્રેગ્નન્ટ વાઇફને લઈને ડૉક્ટર રાખ પાસે આવ્યો. બીજા દિવસે સિઝેરિયનથી વાઇફે દીકરીને જન્મ આપ્યો. નવા-નવા પપ્પા બનેલા તે પતિની વાત પરથી ખબર પડી કે તે રોજમદાર મજૂર હતો. વાત-વાતમાં તે પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં અને તેણે ડૉક્ટર રાખને તેમની ફી ધરતાં કહ્યું કે મને હવે દીકરીના ભવિષ્યની ચિંતા છે, મારે તેને ખૂબ ભણાવવી છે જેથી તેણે માબાપની જેમ મજૂરી ન કરવી પડે. ડૉક્ટર રાખ કહે છે, ‘એ આંસુ આજે પણ મને ઝંઝોળી નાખે છે. શ્રીમંત લોકો દીકરાઓનો મોહ રાખે અને નાના માણસો દીકરીના જન્મના બીજા જ દિવસે આટલું સુંદર વિચારે એ કેવું સરસ કહેવાય.’
તે પપ્પાની વાત સાંભળીને ડૉક્ટર રાખને પોતાનો ભૂતકાળ અને મમ્મીની વાત યાદ આવી ગયાં. ડૉક્ટર ગણેશ રાખના પપ્પા પણ રોજમદાર હતા અને ડૉક્ટર રાખ પોતે પણ સ્કૉલરશિપ લઈને ભણ્યા અને ડૉક્ટર બન્યા. ડૉ. રાખ કહે છે, ‘ડૉક્ટર બન્યો ત્યારે મારી માના શબ્દો હતા કે હવે તું હજારો લોકોની સેવા કરીશ એ વાત જ મને અંદરથી રાજી કરી દે છે. બસ, મેં નિર્ણય લઈ લીધો કે હું હવેથી મારી હૉસ્પિટલમાં દીકરી જન્મે એની એક પણ રૂપિયાની ફી નહીં લઉં.’
ધ્યેય ક્યારેય મળે નહીં, એ તમને શોધી લે.
ડૉક્ટર ગણેશ રાખની સાથે પણ એવું જ થયું. ડૉ. રાખ કહે છે, ‘મેં તે એન્જલની ફી પાછી આપી એટલે પેલો માણસ મને ભગવાન માનવા માંડ્યો. મારે તેને સમજાવવું પડ્યું કે હું ભગવાન નથી પણ ભગવાનની દેવદૂત તમારે ત્યાં આવી છે; બસ, તમે તેનું ધ્યાન રાખજો.’
પુણેમાં આવેલી ડૉ. ગણેશ રાખની હૉસ્પિટલ.
શરૂ થઈ સેવા-સોડમ
૨૦૦૭ની આ ઘટના પછી ડૉક્ટર ગણેશ રાખે મનોમન નક્કી કરી લીધું કે હવેથી તે જેને ત્યાં દીકરી જન્મશે તેમની પાસેથી કોઈ ફી નહીં લે. વાત આગળ વધારતાં પહેલાં એક સ્પષ્ટતા કરવાની કે ગર્ભપરીક્ષણ આપણે ત્યાં ઇલીગલ છે અને એ પછી પણ નાનાં ગામોમાં લોકો ગેરકાયદે રીતે ગર્ભની જાતિ ચકાસી લેતા હોય છે. ડૉક્ટર ગણેશ રાખને ખબર હતી કે તેમને ત્યાં જેને દીકરીનો જન્મ થતો હશે એમાં મોટા ભાગે બે પ્રકારના લોકો હોઈ શકે છે. એક, જેમને ખબર છે કે સંતાન દીકરી છે અને એ પછી પણ તેઓ બાળકને જન્મ આપવા માગે છે અને બીજા એ પ્રકારના લોકો જેમણે ગર્ભપરીક્ષણ કરાવ્યું નથી. આ બન્ને વાત વચ્ચે પણ તે માબાપ ધન્યતાને લાયક છે કે તેમણે દીકરીના આગમન માટે માનસિક તૈયારી રાખી છે. ડૉક્ટર રાખ કહે છે, ‘જો માબાપ આખી જિંદગી માટે આ નિર્ણય લઈ શકતાં હોય તો મારે તો મારા એક જ દિવસની મહેનત એ એન્જલને આપવાની છે જે આ જગતમાં પ્રવેશ કરવાની છે. મારો એક દિવસ એન્જલના આગમનમાં હું આપી શકતો હોઉં તો એનાથી ઉત્તમ માનવસેવા બીજી કોઈ હોઈ જ ન શકે.’
અત્યાર સુધીમાં ૨૫૦૦થી વધુ દીકરીઓનો જન્મ કરાવી ચૂકેલા ડૉ. ગણેશ રાખે પોતાના આ કાર્યને અભિયાન તરીકે લીધું પણ ખરું અને એ અભિયાનને ‘મુલગી વાચવા અભિયાન’ નામ પણ આપ્યું. અલબત્ત, આ નામકરણ ૨૦૧૨માં થયું, પણ તેમણે દીકરીનાં માબાપ પાસેથી ફી લેવાનું તો ૨૦૦૭થી જ બંધ કરી દીધું હતું. ડૉક્ટર ગણેશ રાખની હૉસ્પિટલમાં નૉર્મલ ડિલિવરીની ફી ૩પ,૦૦૦ રૂપિયા છે, જ્યારે સિઝેરિયન સર્જરીની ફી ૭પ,૦૦૦ રૂપિયા લેવામાં આવે છે. જો કોઈ લાંબા સમયથી તેમનું કન્સલ્ટેશન લેતા હોય અને પછી તેને ત્યાં દીકરી આવે તો ડૉ. રાખ અગાઉ લીધેલી ફીની રકમ દીકરીને ભેટ તરીકે આપે છે. ડૉક્ટર ગણેશ રાખ કહે છે, ‘મારી હૉસ્પિટલમાં દેવદૂત આવે તો મારે તેમની આગતા-સ્વાગતામાં આટલું તો કરવાનું જ હોય.’
આગળ કહ્યું એમ દેવદૂતની આગતા-સ્વાગતા માટે કેક તો આવે જ છે, પણ સાથોસાથ મમ્મીનો રૂમ પણ ડેકોરેટ કરવામાં આવે છે તો મ્યુઝિક અને ભક્તિસંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે, જેમાં હૉસ્પિટલના સ્ટાફથી લઈને ડૉક્ટર રાખ પોતે પણ જોડાય છે. ડૉ. રાખ કહે છે, ‘આપણે દીકરીના આગમનને વધાવવું જ પડશે. નહીં તો ખરેખર બહુ ખરાબ હાલત થશે.’
ડૉ. રાખના કહેવા મુજબ આપણે જેમ-જેમ વધારે એજ્યુકેટેડ થયા એમ-એમ લિંગભેદમાં વધારે માનતા થયા છીએ અને એને કારણે ઉત્તરોતર દીકરીઓના જન્મ પ્રત્યે ઉદાસીન થતા જઈએ છીએ. ૧૯૬૧માં ૧૦૦૦ છોકરાઓ સામે ૯૭૬ છોકરીઓનો રેશિયો હતો જે ૨૦૧૧માં ૯૧૪ પર આવી ગયો. ડૉ. રાખ કહે છે, ‘જેના દ્વારા વારસદાર મળે છે તેના પ્રત્યે જ આવો અણગમો શરમજનક છે, પણ લોકો સમજતા નથી. તેમને સમજાવવા માટે આજે પણ કૅમ્પેન કરવું પડે એ દેશ માટે શરમજનક ઘટના છે.’
મજાની વાત એ પણ છે કે પુણેની આજુબાજુનાં ગામોમાં રહેતા સધ્ધર લોકો પણ ડૉક્ટર ગણેશ રાખને ત્યાં ડિલિવરી ફ્રી થઈ જાય એવા આશયથી આવે છે અને ડૉ. રાખને એનો વિરોધ પણ નથી. ડૉ. રાખ કહે છે, ‘મારે મન એન્જલ મહત્ત્વની છે, નહીં કે તેના પેરન્ટ્સનું ફાઇનૅન્શિયલ સ્ટેટસ.’
ડૉ. ગણેશ રાખના આ મિશનમાં સાથ આપતો તેમનો સ્ટાફ.
પ્રસાર પણ અનલિમિટેડ
ડૉક્ટર ગણેશ રાખની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમણે એન્જલ્સ જેવી દીકરીઓના જન્મને વધાવવા માટે લોકોથી માંડીને મેડિકલ ફીલ્ડના એક્સપર્ટ્સને પણ સમજાવવાનું કામ કર્યું છે તો આફ્રિકાથી લઈને યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બંગલાદેશ, નેપાલ, શ્રીલંકા જેવા દેશોમાં જઈને પણ આ જ કામ કર્યું છે. ડૉક્ટર રાખ કહે છે, ‘વિશ્વના મોટા ભાગના દેશોમાં ભારત જેવી જ હાલત છે. જો આ પરિસ્થિતિ કન્ટિન્યુ રહી તો દુનિયાઆખીમાં બહુ કફોડી હાલત ઊભી થશે.’
ડૉક્ટર ગણેશ રાખ અત્યારે પીડિયાટ્રિશિયન્સ એટલે કે બાળકોના ડૉક્ટરોથી લઈને ફાર્મા કંપનીઓને અને બેબી-કૅર પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓને પણ પોતાની સાથે જોડવા માટે જહેમત ઉઠાવે છે. ડૉ. રાખ કહે છે, ‘માત્ર જન્મથી કંઈ નથી થવાનું, નિભાવ પણ અગત્યનો છે. જો નિભાવખર્ચમાં પેરન્ટ્સને રાહત થશે તો તેઓ દીકરીઓ વિશે નકારાત્મક થવાનું છોડશે.’
ડૉ. રાખનો પ્રયાસ કેટલો સફળ થશે એ તો જન્મેલી અને જન્મનારી એન્જલ્સ જાણે, પણ એક વાત હકીકત છે કે ડૉ.રાખની મહેનત તેમને અઢળક ખુશી આપે છે.


