૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં દેશનું બંધારણ પહેલી વાર અમલમાં મુકાયું ત્યારે મોટા અક્ષરે લખાયું - We the people of India’ - ઇન્ડિયા શબ્દ અહીં પહેલી વાર નહોતો વપરાયો.
પ્રતીકાત્મક તસવીર
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં દેશનું બંધારણ પહેલી વાર અમલમાં મુકાયું ત્યારે મોટા અક્ષરે લખાયું - We the people of India’ - ઇન્ડિયા શબ્દ અહીં પહેલી વાર નહોતો વપરાયો. ઇન્ડિયાનો અર્થ ૧૯૫૦થી આજ ૨૦૨૩ સુધી આપણે એક જ કર્યો છે. ઇન્ડિયા એટલે ભારત ખરું, પણ ભારત પાછળ રહે પણ આપણે આપણી જાતને દુનિયાભરમાં ઇન્ડિયન્સ ઓળખાવતા રહ્યા છે.
આ ઇન્ડિયા શબ્દ એકાએક હવે ભારત થઈ ગયો છે. ઇન્ડિયા શબ્દની સાથે જ ભારત શબ્દ હતો તો ખરો જ, પણ કોણ જાણે કેમ એ ભારત શબ્દ રોજેરોજ પાછળ જતો રહ્યો અને ‘We the people of India’ આગળ અને આગળ જતા રહ્યા. દુનિયાના ઘણા દેશોએ પોતાનાં નામ બદલ્યાં છે. જેમ કે આપણે આજે જેને મ્યાનમાર કહીએ છીએ એ મ્યાનમાર થોડાં વર્ષો પહેલાં બર્મા કે બ્રહ્મદેશ હતો, આજે જેને શ્રીલંકા કહીએ છીએ એની ઓળખ સિલોન તરીકે હતી. આવું ટર્કી જેવા દેશ માટે પણ બન્યું છે. હવે ઇન્ડિયા એમને એમ ઇન્ડિયા તો રહ્યું જ છે પણ સાથે એ ભારત બની ગયું છે. હવે ઇન્ડિયાની સરકાર ભારતની સરકાર કહેવાશે અને આપણે ઇન્ડિયન્સ ભારતીય કહેવાશું. ભારતીય શબ્દ નવો નથી, અત્યંત પ્રાચીન છે. અને આમ છતાં આપણે એને આજ સુધી નવોસવો જ માન્યો છે.
ભારત એટલે શું?
ભારત શબ્દનો અર્થ સમજવા માટે એમાં રહેલા બે શબ્દો ભા + રત સંભારી લેવા જોઈએ. પ્રાચીન સંસ્કૃત શબ્દકોશોમાં નજર ફેરવતાં જ ‘ભા’ એટલે વિદ્યા કે સરસ્વતી એવો અર્થ જોવા મળે છે. એ સાથે જ ‘રત’ શબ્દનો અર્થ અભ્યાસમાં ઊંડા ઊતરી જવું એવો થાય છે. આમ ભારત એટલે જે પ્રદેશ વિદ્યા અને સરસ્વતીના અધ્યયનમાં ઊંડો ઊતરી ગયો છે એવો થાય છે. મહાભારતકાળ અને એ પૂર્વે ભારતનો આ અર્થ પ્રચલિત પણ હતો. એ જ રીતે ભારત શબ્દ સાથે સંકળાયેલો બીજો શબ્દ ભરત પણ છે. ભરત શબ્દનો ઉલ્લેખ જાણવા માટે આપણે કાળના અનાદિ બિંદુ પર પહોંચવું પડશે. વૈદિક, સનાતનકાળની સાથે જ જેને શ્રમણ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે એ જૈન દર્શનમાં ઉદ્ગાતા ભગવાન ઋષભદેવને સંભારી લઈએ. ઋષભદેવ વૈદિક પરંપરા સાથે જ સંકળાયેલું નામ અને દર્શન છે. જૈન દર્શનમાં ચોવીસ તીર્થંકરો પૈકી ઋષભદેવ સર્વ પ્રથમ. આ ઋષભદેવના પુત્રનું નામ ભરત હતું એવો પ્રાચીન સાહિત્યમાં ઉલ્લેખ છે.
ઋષભદેવના પુત્ર ભરત ઉપરાંત બીજા એક ભરતને પણ અહીં સંભારી લેવા જોઈએ. આ બીજા ભરતનો કાળ પણ ઇતિહાસના ટકોરે આપણે જાણતા નથી. વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલા, રાજા દુષ્યંતની પત્ની બની અને આ પતિ-પત્નીના સંબંધથી જે પુત્ર પેદા થયો એનું નામ પણ ભરત હોવાનો ઉલ્લેખ મળી આવે છે. આમ બે ભરત અને એક ભારત આ બધું સાથે ઉચ્ચારી શકીએ, પણ સમજી ન શકીએ. જેને આપણે ભારત કહીએ છીએ એ ભારત એટલે કયો ભારત? કે કઈ વિદ્યા? એનું તો માત્ર અનુમાન જ કરવાનું રહ્યું. પણ એ વાત અત્યંત નિશ્ચિત છે કે આપણે સૌપ્રથમ ભારત છીએ.
ADVERTISEMENT
એક રંગ, રૂપ અનેક
આ ભારત ઇન્ડિયા કેમ અને ક્યારે બન્યું? આનો કોઈ ટકોરાબંધ ઇતિહાસ નહીં મળે પણ ઈ. સ. પૂર્વેની ચોથી સદીમાં જ્યારે ગ્રીસનો રાજા સિકંદર આ ભૂમિનો વિજેતા બનવા ધસી આવ્યો ત્યારે એના સૈન્ય આડે પ્રચંડ સિંધુ નદી વહેતી હતી. આ સિંધુનો ઉચ્ચાર ગ્રીક ભાષામાં એ સાચી રીતે કરી શક્યો નહીં. એણે સિંધુને ઇંદુ કહ્યું અને સિંધુની આસપાસ વેરાયેલા પ્રદેશ માટે ઇન્ડસ એવો ઉચ્ચાર કર્યો. આ ઇંદુ શબ્દ આગળ જતાં કાળક્રમે ઇન્ડસ બન્યો હોય અને આ ઇન્ડસ ધીમે ધીમે ઇન્ડિયા સુધી પહોંચી જાય એવું બન્યું હોય ખરું.
આપણે કોણ? ક્યાંથી આવ્યા?
ઇતિહાસનું દરેક પૃષ્ઠ ઉઘાડું થઈને આપણી સામે નથી આવતું. એક-એક પૃષ્ઠ ઉપર લખાયેલા એક-એક શબ્દને ઓળખવા માટે ભારે પરસેવો પાડવો પડે છે. જેને આપણે આર્યો કહીએ છીએ એવા આપણે સહુ મૂળ આ પ્રદેશના જ વતનીઓ છીએ કે અન્ય પ્રદેશમાંથી વસવાટની શોધમાં અહીં આવેલા છીએ એવા પ્રશ્નોનો નિવેડો નથી આવ્યો. ઇતિહાસના તજજ્ઞો જેવા આપણા દેશના લોકમાન્ય બાળગંગાધર ટિળકનો સમાવેશ થઈ જાય છે. એમણે ભારે અધ્યયન પછી એવું કહ્યું છે કે આપણે સહુ આ ભૂમિના મૂળ વતની નથી પણ આર્ય તરીકે ઓળખાતી આ જાતિ ઉત્તર ધ્રુવમાંથી ઊતરીને અહીં વસી ગઈ હતી. ઉત્તર ધ્રુવના અતિશય ઠંડા પ્રદેશમાં વસતા આ આર્યો ઠંડી અસહ્ય થઈ જાય ત્યારે વરસમાં એક વાર પોતાના ગોધણ સાથે થોડા નીચે ઊતરી આવતા. આ પછી થોડાક સમયે ઠંડી ઓછી થાય ત્યારે આ આર્ય સમૂહો પોતાની ગાયો સાથે પાછા ઉત્તરભણી જતા રહેતા. સમય બદલાવવાનો આ કાળ ખગોળશાસ્ત્રના નિયમ પ્રમાણે જાન્યુઆરીની આસપાસ આવતો. આ આસપાસ એટલે આપણી આજની મકરસંક્રાન્તિ. મકરસંક્રાન્તિમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે ઠંડી ઓછી થાય અને ઉષ્ણતામાન ઊંચું આવે. ઉત્તર ધ્રુવમાંથી અહીં આર્યાવર્ત સુધી આવેલા આર્યો આજે સેંકડો વર્ષો પછી પણ મકરસંક્રાન્તિનું આગમન ભૂલ્યા નથી. મકરસંક્રાન્તિને તેઓ ધામધૂમથી ઊજવે છે. આ કોઈ ચોક્કસ માહિતી નથી, એક અનુમાન છે. કદાચ એ સાચું ન પણ હોય, આર્યો આ પ્રદેશમાં આવ્યા એ પહેલાં પણ આપણે અહીં વસતા હોઈએ એવું પણ બને.
અહીં એક રસપ્રદ પ્રશ્ન પેદા થાય છે, જો આર્યો ઉત્તર ધ્રુવમાંથી અહીં આવ્યા હોય તો એમના આગમન પૂર્વે આ પ્રદેશનું નામ શું હતું? અતિ પ્રાચીન પરંપરામાં સપ્ત સિંધુ એવા એક નામનો ઉલ્લેખ મળી આવે છે. આ સપ્ત સિંધુ એટલે પંજાબની પાંચ નદીઓ - સિંધુ, જેલમ, બિયાસ, સતલજ અને રાવી. આ ઉપરાંત બીજી બે મહાસરિતાઓ ગંગા અને જમુના પણ અહીંથી થોડાક જ માઇલ દૂર વહેતી હતી. આમ આ સાત નદીઓ એકી સાથે સંકળાઈ ગઈ એ પ્રદેશ સપ્તસિંધુ તરીકે પરંપરામાં વણાઈ ગયો હોય એ શક્ય છે. (એવું કહેવાય છે કે સરસ્વતી નદી પણ અહીંથી જ વહેતી હતી અને સિંધુ પંજાબમાં નહીં, પણ કાશ્મીરના ઉત્તર ભાગમાં વહેતી હતી. જેલમ વિશે પણ આવું જ કહી શકાય.)
નામ રૂપ જૂજવાં
આટઆટલાં નામધારી આ ઇન્ડિયા અથવા ભારતને હિન્દુસ્તાન કહેવાનું પણ કેમ ભુલાય? આજે એ હિન્દુસ્તાન છે એનો ઇનકાર થઈ શકે નહીં. પણ આ હિન્દુ એટલે કોઈ ધર્મની વાત નથી. એક વિરાટ સંસ્કૃતિ હજારો વર્ષોથી માનવજાતને પ્રકાશ પૂરો પાડતી હોય તો એ આપણે મન તો હિન્દુસ્તાન હોય, ભારત હોય કે ઇન્ડિયા; બધું દૈદીપ્યમાન જ છે.