જો આ ત્રણ વાત તમે શીખી ગયા તો જીવનમાં દરેકેદરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. મારી લાઇફમાં મેં આ જ ત્રણ સિદ્ધાંતોને ફૉલો કર્યા છે અને એનું પૉઝિટિવ રિઝલ્ટ પણ મેળવ્યું છે
મારાં મમ્મી વીણા સિકંદ હંમેશાં મારી સપોર્ટ સિસ્ટમ બનીને મારી સાથે ઊભાં રહ્યાં છે
ક્યાંક મને એમ પણ લાગે છે કે હિન્દી ભાષાનું એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ બહુ આભાસી છે, અંદરથી પોકળ છે. અસલી આઇડિયાઝ, અસલી ટૅલન્ટ રીજનલમાં છે. એમાં તમને વધુ ફ્રેશનેસ મળશે. એટલે જ અત્યારે એક મરાઠી શો કરું છું અને અગાઉ તેલુગુ સિરિયલ પણ કરી. આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો અને સિરિયલો પણ કરવાની ઇચ્છા છે.
વડોદરા.
ADVERTISEMENT
હા, વડોદરા મારી જન્મભૂમિ અને અમુક અંશે કર્મભૂમિ પણ. ૧૭ વર્ષની ઉંમરે ગાર્મેન્ટના એક્સપોર્ટનો બિઝનેસ મેં વડોદરામાં શરૂ કર્યો અને ઑલમોસ્ટ ૧૨ વર્ષ ગાર્મેન્ટના બિઝનેસમાં સક્રિય રહ્યો, પરંતુ એ પછી પણ મને અંદરખાને થતું હતું કે કંઈક ખૂટે છે અને એટલે નક્કી હતું કે હું આખી જિંદગી તો આ નહીં જ કરું.
નાનપણમાં ઍક્ટિંગનો મને બહુ શોખ હતો. કૉલેજ લેવલ પર નાટકો અને ડિબેટમાં ભાગ લેતો, પણ એને કરીઅર બનાવવાની દિશા મળી નહોતી. જ્યારે ગાર્મેન્ટમાં થાક લાગવા માંડ્યો ત્યારે વનફાઇન-ડે બિઝનેસને વાઇન્ડઅપ કરીને પોતાનું એક પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું, જેમાં હું નાટક બનાવતો. આ જ દિવસોમાં મને બાલાજીમાંથી ફોન આવ્યો. આજે પણ એ દિવસ યાદ કરું તો શરીરમાંથી કરન્ટ પસાર થઈ જાય. યુ વૉન્ટ બિલીવ, પણ એ કૉલ વખતે મને એમ જ હતું કે ચાલો મારું સપનું પૂરું. મને હતું કે તેમની સિરિયલ ‘કહાની ઘર ઘર કી’માં કાકા-મામાનો રોલ મળશે અને લાઇફની મકસદ પૂરી થશે, પણ મને ઑફર આવી ક્રીએટિવ હેડ બનવાની. ક્રીએટિવ હેડ શું હોય અને તેણે કરવાનું શું હોય એની મને કાંઈ ખબર નહીં, પણ મેં હા પાડી દીધી. કામ તો શીખી લેવાશે એવું મનમાં હતું તો એવું પણ મનમાં હતું કે એ કામ કરતાં એકતા કપૂર કદાચ મને એકાદ નાનો રોલ પણ આપી દે. ઍક્ટરની સામે મને આ ક્રીએટિવ હેડનું પદ નાનું લાગતું હતું. કામ શરૂ કર્યું અને ધીમે-ધીમે એ કામ મને ગમવા માંડ્યું. પછી તો ડિરેક્શનમાં આવ્યો અને પ્રોડ્યુસર તરીકે કામ પણ શરૂ કર્યું અને એ દરમ્યાન મારી અંદર રહેલા ઍક્ટરને થોડું સ્ક્રીન પર કામ કરવા મળ્યું.
મારા જાતઅનુભવ પરથી હું મિત્રોને હંમેશાં કહેતો રહું કે જીવનની કોઈ પણ તકને ઠુકરાવો નહીં. કઈ તક તમારી લાઇફ બદલી નાખે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હા, એ સહેલું નથી, પણ ભૂલવું નહીં કે જીવનમાં સરળ કંઈ નથી અને એ વાત સૌથી પહેલાં સ્વીકારો. મેં પણ બહુ સ્ટ્રગલ કરી છે. હા, બીજાની જેમ ફુટપાથ કે પ્લૅટફૉર્મ પર સૂવાનો કે પછી બિસ્કિટના એક પૅકેટ પર આખો દિવસ કાઢવાનો સમય મેં નથી જોયો. એટલી બચત ગાર્મેન્ટના બિઝનેસમાંથી મેં સાઇડ પર રાખી હતી કે સર્વાઇવલનો પ્રશ્ન ઊભો ન થાય, પરંતુ જાતને એસ્ટૅબ્લિશ કરવાની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રગલ તો મારે પણ કરવાની હતી, જે મેં કરી. એક વાત યાદ રાખજો કે જાત સાથે જંગ હોય ત્યારે સર્વાઇવ થવું વધુ અઘરું બને છે. જોકે એને જો તમે પાર કરી ગયા તો પછી કોઈમાં તાકાત નથી કે તમને હરાવી શકે. જ્યારે ગિવ-અપ કરવાનું મન થાય ત્યારે યાદ કરજો કે હવે પછીના નેક્સ્ટ સ્ટેપ પર તમારા માટે સફળતા લખેલી હોય. યુ નેવર નો, જીવનનું કયું પગલું તમને સફળતા તરફ લઈ જવા માટે બન્યું હોય, માટે ક્યારેય હારો નહીં અને પ્રયાસ સતત ચાલુ રાખો. બને કે ૧૦૦ પ્રયાસ નિષ્ફળ થયા પછી ૧૦૧મા પ્રયાસમાં તમારી સક્સેસ લખાયેલી હોય.
હવે તમને મારી અત્યારની સ્થિતિની વાત કરું. અત્યારે પણ મારા જીવનમાં સ્ટ્રગલ જ ચાલે છે. એકનું એક જ કામ જાણે ચાલી રહ્યું હોય એવું મને સતત લાગે છે; એ જ સાસ-બહૂ ડ્રામા, એ જ બે બહેનોની કહાની.
ક્યાં સુધી હું આ જ કરતો રહીશ?
આ પ્રશ્ન હું જાતને સતત પૂછ્યા કરું છું. ક્યાંક મને એમ પણ લાગે છે કે હિન્દી ભાષાનું એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ બહુ આભાસી બની ગયું છે, અંદરથી પોકળ છે. અસલી આઇડિયાઝ, અસલી ટૅલન્ટ રીજનલમાં છે. એમાં તમને વધુ ફ્રેશનેસ મળશે અને એટલે જ અત્યારે હું મરાઠી શો ‘અબોલી’ કરું છું. તેલુગુ સિરિયલ પણ કરી. આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો અને સિરિયલો પણ કરવાની ઇચ્છા છે. મનના ગુલામ નથી થવાનું, પણ મનના અવાજને સાંભળવાનું પણ જરૂરી છે. હું તો કહીશ કે ખૂબ સપનાં જુઓ, પણ સપનાં પૂરાં જ થાય એવી શરતો સાથે નહીં. તમારામાં એ હુન્નર, આવડત અને ધીરજ હોવી જોઈએ સમય સાથે બદલાવાની. મારા જીવનમાં ત્રણ સિદ્ધાંતો પર મેં સૌથી વધુ ફોકસ કર્યું છે. સૌથી પહેલાં ધીરજ. હા, તમારામાં પેશન્સ હોવી જોઈએ. જો તમે પેશન્સ રાખી શકો તો સફળ થઈ શકો. બીજા નંબરે છે ઍડ્જસ્ટમેન્ટ. મારે ઍક્ટર બનવું હતું, પણ પહેલાં મારી સામે ક્રીએટિવ હેડની ઑફર આવી તો ટાઇમ બીઇંગ માટે મારાં સપનાં સાથે ઍડ્જસ્ટમેન્ટ કરવાની અને એ લય સાથે ભળવાની કોશિશ મેં કરી અને પરિણામ સામે છે. જીવનમાં સફળ થવા માટે ફ્લુઇડિટી પણ જરૂરી છે. હારવું નહીં, ઍડ્જસ્ટ કરવું અને ધીરજ સાથે આગળ વધતા જવું એ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાના ત્રણ થમ્બ-રૂલ છે. આજે ઝડપી ગતિથી આગળ વધી રહેલા વિશ્વ માટે આ જરૂરી છે. લોકો પણ ખૂબ જ અધીર અને સેલ્ફ સેન્ટર્ડ થતા જાય છે અને એટલે જ તેમનામાં ક્યાંક સ્ટેબિલિટી નથી.
નિરાશા આવે જીવનમાં. ભૂલો પણ ખૂબ થાય. હું તો કહું છું કે ભૂલ કરતા રહેવું ખૂબ જરૂરી છે. બસ, ભૂલોનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખવાનું. મને યાદ છે કે મેં એક શો બનાવેલો, ‘કહાં તુમ, કહાં હમ’. બહુ યુનિક અને નવી તાજગીવાળો શો હતો. બહુ જ એક્સપેક્ટેશન્સ હતાં મને એ શો પાસેથી. ખરેખર એક્સલન્ટ હતો, પરંતુ એને જોઈએ એવો રિસ્પૉન્સ ન મળ્યો અને ૬ મહિનામાં જ પૅકઅપ કરવું પડ્યું. ખરેખર એ વખતે હું ખૂબ દુખી થયો. હતાશામાં એવું પણ નક્કી કર્યું કે હવે એકેય શો બનાવવા નથી. અફકોર્સ, એ સમયે તમારી પાસે સ્ટ્રૉન્ગ સપોર્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. એ માટે મારી મમ્મી મારી બિગેસ્ટ સપોર્ટ રહી છે. હું ગિવ-અપ નહીં કરું એ માટે મારી મમ્મી મને ભરપૂર મોટિવેટ કરતી રહી. એ સપોર્ટ હોવો જરૂરી છે. પાછો જાતને જ હિંમત આપીને બેઠો થયો. ફરી કામે લાગ્યો. એ પછી બીજો શો આવ્યો, ‘મહેંદી હૈ રચનેવાલી’. સાંજે સાડાછનો ટાઇમ-સ્લૉટ છતાં એ શો ખૂબ પૉપ્યુલર થયો. એનાં કૅરૅક્ટર પૉપ્યુલર થયાં. આ મારા જીવનનો અનુભવ છે. સફળતા અને નિષ્ફળતા સાથે જ ચાલતી રહે છે, એટલે થાકો નહીં, હિંમત હારો નહીં. જીવનમાં ક્યારેય લેટ નથી થતું એટલું યાદ રાખજો, બસ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

