° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


સમય ખરેખર વહેતો હોય છે?

30 October, 2022 08:32 PM IST | Mumbai
Kana Bantwa

વખત, વેળા, કાળ લિનિયર છે કે પ્લેયનર કે મલ્ટિ-ડાયમેન્શનલ? એવું પણ હોઈ શકેને કે સમય નામના દ્રવ્યમાં બ્રહ્માંડ ડૂબેલું હોય

સમય ખરેખર વહેતો હોય છે? કમ ઑન જિંદગી

સમય ખરેખર વહેતો હોય છે?

વિક્રમ સંવતના એક વધુ વર્ષને સમય ખાઈ ગયો. સમય જેનાં બીજાં નામ કાળ, વખત, વેળા, સમો વગેરે છે એ છે શું? આપણે દિવસ અને રાતના આવર્તનને જોઈને, સૂર્ય અને ચંદ્રના ભ્રમણને નીરખીને એને એક વહેતા પ્રવાહરૂપે જોઈએ છીએ, પણ વાસ્તવમાં સમય એક વહેતી નદી જેવો જ છે કે સમુદ્ર જેવો, જે વહેતો નથી. સમય એક ચાદર જેવો છે કે દડા જેવો? સમય લિનિયર છે કે પ્લેયનર કે મલ્ટિ-ડાયમેન્શનલ? એવું પણ હોઈ શકેને કે સમય નામના દ્રવ્યમાં બ્રહ્માંડ ડૂબેલું હોય. સમયને તો આપણે દિવસ-રાત સાથે જોડ્યો એટલે સાપેક્ષ લાગે છે, એ નિરપેક્ષ ન હોઈ શકે? આપણે અત્યાર સુધી એટલું સમજ્યા છીએ કે સમય સતત ચાલતો રહે છે, એ રોકાતો નથી. સમય પાછો વળતો નથી. એમાં પાછળ જવાતું નથી. એમાં આગળ પણ જવાતું નથી, એમાં માત્ર વર્તમાનમાં જ રહી શકાય છે. આ આપણી સમયની સામાન્ય સમજ છે, પણ સમય આટલો સામાન્ય છે? વાસ્તવમાં સમય જેવું કાંઈ છે ખરું? કે બ્રહ્માંડના પિંડોના પરિભ્રમણને આધારે આપણે બનાવેલી એક વિભાવના માત્ર છે? કાળ જેને કહે છે એ અને આ ટિક ટિક કરતો વહેતો રહેતો સમય બન્ને એક જ છે? કે પછી એ જ એકમાત્ર સત્ય, એકમાત્ર સત્ત્વ છે?
  પતંગિયાની બે પાંખોની વચ્ચે ફફડતો સમય કેવો લચીલો લાગે. નદીનાં ખળખળ વહેતાં નીરમાં ઓગળી ગયેલો સમય તમારા ઝાંખા પ્રતિબિંબમાં ચૈતન્ય થઈને ઝબકી જાય. સવારના પહોરમાં ફૂલની પાંદડીના નાજુક સિંહાસન પર બિરાજમાન ઝાકળના બિંદુએ માંડ-માંડ પકડી રાખેલો સમય સરકી જવાની ઉતાવળમાં હોય અને ખીલું-ખીલું થઈ રહેલી કળી સમયની દોરી પકડીને પવનના ઝૂલે હીંચકા ખાય ત્યારે એ જ સમયને નિરાંત જ નિરાંત હોય. ઝરણાના તળિયે પડેલા પથ્થરને ઘસી-ઘસીને ગોળ શાલિગ્રામ જેવો બનાવતી વખતે કાળ કોઈ શિલ્પી બનીને તલ્લીન થઈ જાય અને જંગલમાં દાવાનળ લાગે ત્યારે બધું જ ભરખી જવા તત્પર થયેલો સમય તાંડવ કરતો હોય એવો ભાસે. પ્રિય પાત્રને મળતી વખતે સમયને પાંખો આવે અને સડસડાટ ભાગે, બોરિંગ લેક્ચરમાં અજગરની જેમ આળસુ થઈને ડગલુંયે ન ભરે. ફૉર્મ્યુલા-વનની રેસમાં સમય ડ્રાઇવરની સામે મસ્તીમાં નાચે અને ફાઇટર જેટની ઝડપ જોઈને મર્માળુ હસે. ઘડિયાળના કાંટા પર બેસીને બગાસાં ખાતો સમય ઊંઘરેટો કળાય અને ગિરનારની સીધી ચટ્ટાનોની બખોલમાં બેઠેલો કાળ જોગંદર થઈને અધખુલ્લી આંખે જગતને રેંગતું, ઢસડાતું, સરકતું, ભાગતું, દોડતું જોયા કરે. શ્વાસની આવન-જાવનમાં એ પણ શ્વસતો રહે અને ધ્યાનના ઊંડાણમાં થીજીને ઠીકરું થઈને બેસી જાય. જ્યાં-જ્યાં નજર કરો ત્યાં સમય સામે બેઠો જ હોય, પણ આપણે એને જોતા નથી, જોવા માગતા નથી. આપણે તો બસ એને સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિના અને વર્ષ તરીકે જ જોવો છે. એને આ બધામાં બાંધી દીધો છે એટલે તો સમજી શકાતો નથી. એના મૂળ સ્વરૂપ વિશે તો વિચાર્યું જ નથી. દિવસ-રાતમાં બાંધ્યો એટલે તો એ વહેતો લાગે. સૂરજ ઊગે ને આથમે એના આધારે આપણે કલ્પી લઈએ કે સમય પૂર્વથી પશ્ચિમ તરફ ચાલતો રહે છે. સમય જો ચાલે છે તો ચાલીને જાય છે ક્યાં? સમય જો વહેતો હોય તો એના પ્રવાહને ઊંડાઈ, પહોળાઈ અને લંબાઈ હોવી જોઈએ અને જો એને આ ત્રણેય પરિમાણ હોય તો એ સમય કશાની અંદર વહેતો હોવો જોઈએ. વધુ વાસ્તવિક તો એ લાગે કે સમયમાં સઘળું ચાલતું રહે છે, સમય શાશ્વત છે, સ્થિર છે. માનવીએ એને કલાકોથી માપી શકતી એક ચીજ માત્ર બનાવી દીધો છે, પણ સમય માત્ર આટલામાં સમાઈ જાય એવો તુચ્છ નથી. એ સચરાચરમાં વ્યાપ્ત છે. એ  બધું જ છે અને બધામાં છે. એટલે જ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે ‘કાલોસ્મિ અહમ્, લોકક્ષયકૃત પ્રવ્રુદ્ધો.’ હું કાળ છું, લોકના ક્ષય માટે વૃદ્ધિ પામેલો છું. ઈશ્વર પોતે સમયથી પર પણ છે અને સમય પોતે પણ છે. કાળ છે. સમય શબ્દ સાથે માણસને પ્રેમ છે અને કાળ શબ્દ સાથે વાંધો છે. કાળ શબ્દમાં તેને મૃત્યુનો અણસાર આવે છે. કાળ તેને માટે અંતનો સૂચક છે. કાળ નામનું એક ચોઘડિયું પણ છે. એ શુભ ચોઘડિયાનું વિરુદ્ધાર્થી છે. આઠ ચોઘડિયાંમાં શુભ અને લાભ છે, પણ અશુભ કે અલાભ નામનાં ચોઘડિયાં નથી. શબ્દોમાં માણસની ઇચ્છાઓ અને ડર પ્રતિબિંબિત થતાં રહ્યાં છે.
 સમયને એની અખિલાઈમાં જોવાની તસ્દી માણસ લેતો નથી. માણસને તો સમયને કાલખંડમાં જ વહેંચવો છે. એના ટુકડા કરીને જોવો છે. એના મૂળમાં જવું છે. અશ્મિઓમાં સમયના ભૂતકાળને શોધવો છે. માણસ ફેંદી વળે છે ગુફાઓ અને કિલ્લાઓ અને પુરાતત્ત્વીય પુરાવાઓ. સમયના અવશેષો હાથ લગતા નથી, પણ એના લિસોટાઓ જડી આવે છે. વર્તમાન પર સમયે કરેલા ઘાનાં નિશાન મળી આવે છે. જીવન પર સમયે કરેલા પ્રહારના આંકાઓ પંપાળતા રહેવા સિવાય માનવી કશું કરતો નથી. ડાયનોસૉરનાં ઈંડાંઓને સમય અહલ્યાની જેમ પથ્થરનાં બનાવી દે છે. ભૂતકાળને ખોતરી-ખોતરીને અંતે માણસના હાથ જે લાગે છે એ સમયનું મૂળ હોતું નથી, હોય છે માત્ર જીર્ણશીર્ણ છાપ. અજાણી લિપિમાં સમયે ઘણું લખ્યું હોય છે, પણ માણસના પલ્લે કશું પડતું નથી. સમયને સમજવા માટેની સમજ માનવી કેળવી શક્યો નથી. કાળ કહેતાં સમય સમજાઈ જાય તો સઘળું સમજાઈ જાય.
  વર્ષ વીતી જાય ત્યારે આપણે યાદ કરીએ છીએ કે કેટકેટલું બની ગયું, કેવું-કેવું આપી ગયું વીતેલું એક વર્ષ. પણ એ વર્ષને આપણે કેટલું માણ્યું, કેટલું ભોગવ્યું એ યાદ કરતા નથી. સમયને જીવી લેવાનો હોય, એને માણી લેવાનો હોય, એની મજા લેવાની હોય. વીતેલા વર્ષને ન ભોગવ્યું હોય તો હવે દુખી થવાથી કંઈ વળે એમ નથી એટલે ચીલ કરો. સમસ્યા ત્યારે થશે જ્યારે આપણે આ શરૂ થઈ ગયેલા વર્ષને નહીં માણીએ. જેમાં આપણે પ્રવેશી ગયા છીએ એ, હજી જેને નવું વર્ષ કહી શકાય એમ છે એમાં જો મોજથી નહીં જીવીએ, એને પૂરેપૂરું નહીં માણીએ તો યોગ્ય નહીં કહેવાય. આમ તો વર્ષ એક વર્તુળ છે એટલે એની શરૂઆત કે અંત ન હોય, પણ પંચાંગ મુજબ દિવાળી વર્ષનો છેલ્લો દિવસ છે એટલે એ પછી નવું વર્ષ ચાલુ થાય. નવા વર્ષે સંકલ્પ લેવાની પ્રથા હતી, હવે એ ભૂંસાઈ જવા આવી છે. આ વર્ષે સંકલ્પ તરીકે એટલું જ નક્કી કરો કે વર્ષના એક-એક દિવસને માણવો છે, એને જીવવો છે. આટલું કરી શકીશું તો વર્ષ પૂરું થશે ત્યારે એટલી સંતૃપ્તિ હશે કે ભરપૂર જીવ્યા. જીવનને સમજવા જેટલું જ મહત્ત્વ એને એન્જૉય કરવાનું છે. સૂકા રણમાંથી પસાર થતા હોઈએ એમ જીવનમાંથી પસાર થઈ જવું એ જીવન નથી. એવો ત્યાગ ક્યાંય પહોંચાડતો નથી. એવી વાતો કરનારાઓએ ભારતવર્ષને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. ત્યાગના નામે લોકો અક્કરમી થતાં આ જ ભારતવર્ષે જોયા છે અને એ સ્થિતિને સુધારવા માટે કૃષ્ણએ અવતાર લેવો પડ્યો હતો. જીવનને ભોગવીને એનાથી પર થઈ જવું એ સારો રસ્તો છે, એટલે નવા વર્ષને ભરપૂર જીવો એવી શુભેચ્છાઓ.

30 October, 2022 08:32 PM IST | Mumbai | Kana Bantwa

અન્ય લેખો

ચમત્કાર માણસને કેમ આકર્ષે છે?

જીવન દુ:ખથી, તકલીફોથી, મુશ્કેલીઓથી ભરેલું હોય છે. એમાંથી પોતાની ક્ષમતાથી બહાર નીકળવાનું જ્યારે શક્ય નથી બનતું ત્યારે માણસ ચમત્કારનો આશરો લે છે. તેને લાગે છે કે કોઈ એવી શક્તિ હશે જે ચપટી વગાડતામાં જ આ મુશ્કેલીને ઠીક કરી દેશે

05 February, 2023 01:51 IST | Mumbai | Kana Bantwa

નાગોરિયાની નવમી કૂકરી ચૅટજીપીટી પાડી દેશે

મન માણસનો કિલ્લો છે. એને ભેદી નાખવામાં આવે તો માણસ સાવ પાંગળું પ્રાણી બની જાય : વિચાર માણસનું સૌથી શક્તિશાળી હથિયાર છે. એ હથિયાર એઆઇ છીનવી લેશે?

22 January, 2023 12:06 IST | Mumbai | Kana Bantwa

રૅટ રેસ : શાંતિ માટે ક્યાંક જતા રહેવું છે?

વાસ્તવમાં તો આ ધમાચકડી, ધક્કામુક્કી, ભાગમભાગી વગર આપણને ગમે પણ નહીં એટલું એનું વ્યસન થઈ ગયું છે

15 January, 2023 03:17 IST | Mumbai | Kana Bantwa

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK