Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રોજનીશી: કહો જોઈએ તમારી રૂટીન લાઇફમાં આ બાબત મિસ થાય છે કે નહીં?

રોજનીશી: કહો જોઈએ તમારી રૂટીન લાઇફમાં આ બાબત મિસ થાય છે કે નહીં?

01 August, 2021 03:50 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

તમે એવાં કયાં કામ છે જે કરવાં જેવાં હતાં અને આજે જ કરવાં જેવાં હતાં જે તમે ગઈ કાલ પર ઠેલી દીધાં અને એવાં કેટલાં કામ હતાં જેના પર જરાય સમય વેડફવા જેવો નહોતો અને છતાં એ તમારો અડધો દિવસ ખાઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉન પછી હવે ફરી એક વાર ગાડી પાટે ચડી રહી છે ત્યારે આ પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે કે તમારું રૂટીન શું હોય છે આજકાલ? તમે રોજનીશી જેવું કંઈ લખો છો? થોડો સમય ફાળવીને પણ રાતે સૂતાં પહેલાં આખા દિવસનું સરવૈયું કાઢો છો? જાત સાથે થોડો વાર્તાલાપ કરો છો? દિવસ દરમ્યાન કેટલો સમય પ્રોડક્ટિવ રહ્યો અને કેટલો સમય તમે બરબાદ કર્યો? કેટલા કામમાં તમે જરૂર કરતાં વધુ સમય આપી દીધો અને એ સમય શું કામ વેડફવાનું તમને મન થયું? તમે એવાં કયાં કામ છે જે કરવાં જેવાં હતાં અને આજે જ કરવાં જેવાં હતાં જે તમે ગઈ કાલ પર ઠેલી દીધાં અને એવાં કેટલાં કામ હતાં જેના પર જરાય સમય વેડફવા જેવો નહોતો અને છતાં એ તમારો અડધો દિવસ ખાઈ ગયો. એવી કઈ બાબતો હતી જે તમને ગમતી હતી એવી રીતે એને નિષ્ઠાપૂર્વક કરી અને એવા કયાં કામ હતાં જેમાં તમે વેઠ ઉતારી છે?

પૂછો છો આવા સવાલ જાતને? કાઢો છો આવો હિસાબ તમે વિતાવેલા સમયનો? પૈસા કમાઈ શકાશે, પરંતુ વીતેલી ક્ષણ ક્યારેય એટલે ક્યારેય પાછી નહીં મળે એ વાત આપણા કોઈ માટે નવી નથી. ‘પલ મેં પરલય હોએગી, બહુરી કરેગા કબ’ આવું લખનારા કબીરજી કે આવું કહેનારા આપણા વડીલો કંઈ મૂરખના સરદાર નહોતા. સમયની નજાકતને તેઓ સમજી શક્યા હતા. કોઈ પણ ક્ષણે પ્રલય આવી ગયો પછી શું ફાંફાં મારશો? સમય નહીં રહે અને પછી પસ્તાવાથી પણ કંઈ નહીં વળે. જોકે આજકાલ જીવન નશામાં જિવાઈ રહ્યું છે. દારૂ કે સિગારેટનું જ વ્યસન હોય એવું નથી ભલામાણસ. વ્યસનના પ્રકારોમાં હવે ઘણા ઉમેરા થયા છે, જેમાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો રોલ છે. કોઈકને સોશ્યલ મીડિયા પર છવાયેલા રહેવાનો નશો છે તો કોઈકને પોતાની વાહવાહી વટાવવાનો નશો છે.  એક વાત યાદ રાખજો કે તમારી પ્રત્યેક ક્ષણ તમે કેવી રીતે વિતાવી રહ્યા છો એના પર તમારાં આવનારાં તમામ વર્ષોનો આધાર છે. કન્સ્ટ્રક્ટિવ કામને મહત્ત્વ આપ્યા વિના સમયને જતો રહેવા દેશો તો રડવા સિવાયનો આરો નથી. શૈલેન્દ્રએ લખેલું ‘તિસરી કસમ’ ફિલ્મનું ‘સજન રે જૂઠ મત બોલો’ ગીત યાદ આવે છે અત્યારે. ‘લડકપન ખેલ મેં ખોયા, જવાની નિંદભર સોયા, બુઢાપા દેખ કે રોયા, યહી કિસ્સા પુરાના હૈ...’ નહીં કરો પ્લીઝ, તમે જે પણ એજ-ગ્રુપમાં આવતા હો એ એજ-ગ્રુપમાં અત્યારે સૌથી શ્રેષ્ઠ સમયનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એના પર થોડું મંથન કરો અને એ પ્રમાણે જીવનને ઘડો. બુઢાપો જોઈને રડવું ન હોય તો? પછીથી પસ્તાવું ન હોય તો? તમારા રૂટીનમાં અત્યારે સૌથી પહેલી અને મહત્ત્વની આદત પર આપણે ચર્ચા કરતા હોઈએ તો મારી દૃષ્ટિએ આ સૌથી પહેલી અને ફોરમોસ્ટ મહત્ત્વની આદત આ કેળવવી જોઈએ. રાતે સૂતાં પહેલાં આખા દિવસના સરવૈયાને કાઢબવા માટે ૧૦ મિનિટ ફાળવવી જોઈએ. જાત સાથે આ ચર્ચા થવી જોઈએ કે ક્યાં ખોટેખોટો સમય વેડફાઈ ગયો. સાચું કહું છું, ધીમે-ધીમે બધી વેડફાટ બંધ થશે અને જે આત્મસંતોષ હશે એનું કોઈ મૂલ્ય નહીં આંકી શકાય. ટ્રાય ઇટ.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 03:50 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK