આતંકવાદીઓ કાબૂમાં હતા અને હજી પણ એવું જ રહેવાનું એવું પણ આપણે ખાતરી સાથે કહી શકીએ છીએ

પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરમાં જે કંઈ બન્યું, જે રીતે આપણા જવાનોએ ભોગ આપ્યો એ ખરેખર દુખદ છે અને એ દુખદ ઘટના પછી એક જ વાત કહેવાનું મન થાય છે કે આતંકવાદીઓને મોતથી ઓછું કંઈ આપવું ન જોઈએ. આ આતંકવાદીઓને તાત્કાલિક એ જહન્નમમાં પહોંચાડો જેને તે લાયક છે, જેની માટે તે પોતે જ સતત મહેનત કરી રહ્યા છે. ભારત સરકાર આ આતંકવાદીઓની ઇચ્છા પૂરી કરે અને તેમને મોત આપવાની નમ્ર વિનંતીની સાથે કહેવાનો સમય આવી ગયો છે કે તે સૌને એવું મોત આપો કે જેથી એ મોતને યાદ કરીને પણ સૌકોઈ ફફડી ઊઠે, તેના મોતને શહીદી ગણવાનું કામ પણ આ જેહાદીઓ કોઈ સામે ન કરી શકે અને ધારો કે કરે તો પણ એ શહીદીની ક્ષણો યાદ કરીને એ રસ્તે ચાલવા ઇચ્છતા લોકો ધ્રૂજી જાય, થથરી ઊઠે.
સરવાળે દેશમાં શાંતિ હતી. આતંકવાદીઓ કાબૂમાં હતા અને હજી પણ એવું જ રહેવાનું એવું પણ આપણે ખાતરી સાથે કહી શકીએ છીએ. આ જ કારણે હવે આપણે વચ્ચે-વચ્ચે અચાનક જન્મી જતા જે ફુટકળિયાઓ છે એનો અંત લાવવાનો છે. કાશ્મીરમાં આ પ્રકારના ફુટકળિયાઓ વધારે પડતા છે, કારણ કે એ બધાને પાકિસ્તાને હસ્તગત કરેલા કાશ્મીરમાંથી સહયોગ મળે છે અને આપણે જાણીએ છીએ કે સહયોગ આપવાનું એ કામ કોણ કરે છે, જગતના હરામખોર દેશો પૈકીનું એક એવું પાકિસ્તાન.
પાકિસ્તાનને કેવી રીતે વાત સમજાતી નથી કે જેહાદ એકમાત્ર જીવન નથી. જેહાદની વાતો ત્યારે અસર કરે, ત્યારે મનમાં ઊતરે જ્યારે માણસ પોતાના જીવનની તમામ તકલીફો અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને શાંતિથી બેઠો હોય, પણ ના, પાકિસ્તાન કે જેહાદીઓને આવી કોઈ વાતો લાગુ નથી પડતી. લાગુ પણ નથી પડતી અને તેમને એ વાત સમજાતી પણ નથી કે વિકાસથી આગળ કશું હોતું નથી. તેમને મન વિકાસ એટલે અંધાધૂંધી છે. કાશ્મીરમાં આપણી સેનાના ત્રણ જવામર્દ સાથે આ જેહાદીઓએ જે કંઈ કર્યું છે એ ખરેખર તો અમાનવીય વ્યવહાર છે.
આ અમાનવીય વ્યવહારનો બદલો હવે એ જે રીતે જોશે એની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. એવું બિલકુલ નથી કે આ ઘટના સાથે જોડાયેલા લોકોએ જ પોતાનો જીવ આપવો પડે. ના, બિલકુલ એવું નથી. પ્રત્યક્ષ નહીં, પણ પરોક્ષ રીતે આ ઘટના સાથે જોડાયેલા સૌકોઈએ પણ એના પરિણામ માટે તૈયાર રહેવું પડશે અને ધારો કે પાકિસ્તાન પણ એમાં ક્યાંય વચ્ચે હશે તો એને પણ દુકાળમાં અધિક માસની જેમ, ભારત તરફથી આવનારી નવી આફત માટે તૈયાર રહેવું પડશે.
આતંકવાદીઓ દ્વારા થનારા એકેએક હુમલાનો જવાબ ભારત આપશે અને એવો તો જડબેસલાક આપશે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકતું હોય. વાહિયાત અને ગેરવાજબી માગ માટે અકળાયેલા આ હરામખોરોનો, ના, માત્ર આ જ નહીં, આ પ્રકારે નિર્દોષ લોકોનો ભોગ લેનારા જે કોઈ પણ છે એ સૌનો વહેલામાં વહેલી તકે અંત આવવો જોઈએ, જે મારી કે તમારી નહીં, આ સૃષ્ટિની પોતાની માગ છે.
અસ્તુ.