જે દાન લેવાનો પણ ટાઇમ રાખે ને આવનારા દાન માટે પણ પોતાની બપોરની લાખ રૂપિયાની ઊંઘ ખરાબ નથી કરતો એ માણસ રાજકોટ સિવાય ક્યાંય જોવા મળે નહીં
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ વિશે આજે બે વાતડિયું કરવી છે. રાજકોટના લોકો રંગીલા છે. સૌરાષ્ટ્રભરના તમામ લોકોને રાજકોટમાં એક ફ્લૅટ જોઈએ છે એટલે રાજકોટ રિયલ એસ્ટેટમાં અમદાવાદ-વડોદરા અને સુરત કરતાં પણ મોંઘું છે. પચ્ચીસ-પચ્ચીસ વરહના જુવાનિયાવ રાજકોટમાં તમને એવું કહેતા મળે કે ‘આપણે તો જમીન-મકાનનું કરીએ છીએ!’ મૂછનો દોરો હજી માંડ ફૂટ્યો હોય એવા જુવાનિયા રાજકોટમાં રિયલ એસ્ટેટ અને ફાઇનૅન્સનો બિઝનેસ કરતા જોવા મળે છે. વળી તેમની ભાષા પણ રિયલ એસ્ટેટની જ થઈ જાય છે.
એક સૅમ્પલ આપું.
ADVERTISEMENT
જમીનના નાની ઉંમરના બે દલાલોમાંથી એક જણ સગાઈ માટે કન્યા જોવા ગયો.
બીજા દિવસે તેના દલાલ ભાઈબંધે પૂછ્યું, ‘કેમ અલ્યા, કાલે દેખાણો નઈ. ક્યાં ગ્યો’તો?’
પેલા લગ્નવાંચ્છુક દલાલે જમીન-મકાનની જ ભાષામાં ઉત્તર આપ્યો, ‘એક લોકેશન જોવા ગ્યો’તો.’
બીજો કહે, ‘મોરો (મોઢું)?’
પેલો કહે, ‘અઢારનો.’
બીજો કહે, ‘ઘર?’
પેલો કહે, ‘રોડ ટચ...’
બીજાએ પૂછ્યું, ‘કુટુંબ?’
પેલો કહે, ‘એકદમ ટાઇટલ ક્લિયર.’
બીજો કહે, ‘તો સોદો ફાઇનલ?’
પેલો કહે, ‘હા રૂપિયો-નારિયેળ આપીને સુથી આપી દીધી. કાચા સાટા ખાત આવતા મહિને, દસ્તાવેજ વરહ દી પછી!’
બોલો, ધંધાની ભાષા કેવી સરળતાથી જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે, પણ ધરમની ભાષા આટલી સહજતાથી જીવનમાં ઘોળાતી નથી અને એ પછી પણ કહેવું પડે પચરંગી રાજકોટ જ્યાં ભારતભરના મોંઘાદાટ કવિઓ-સિંગરો ને કલાકારોના ભવ્ય શો થાય છે, જ્યાં લોકો હટીને જીવે છે, છાનામૂના પીએ છે અને ઘરવાળીથી પાછા બીએ પણ છે.
વરસો પહેલાંની વાત છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં વજુભાઈ વાળાએ પોતાની વિધાનસભાની સીટ ખાલી કરીને તેમને જિતાડ્યા પછી વજુભાઈએ મુખ્ય પ્રધાનને સિક્યૉરિટી ફોર્સમાં રાજકોટનો કૂતરો ભેટ આપ્યો.
અઠવાડિયા પછી ચીફ મિનિસ્ટરસાહેબનો ફોન આવ્યો, ‘વજુભાઈ, આ તમે આપેલો કૂતરો છે જોરદાર, પણ રોજ બપોરે એકથી ચાર સૂઈ જાય છે.’
વજુભાઈ હસીને બોલ્યા, ‘મુખ્ય પ્રધાનશ્રી, ઈ રાજકોટનો છે ને રાજકોટવાળા બપોરે એકથી ચાર ઊંઘવા સિવાય કોઈ જ કામ નથી કરતા.’
આ રાજકોટનો મિજાજ છે. સજકોટમાં ભિખારી પણ બપોરે એકથી ચાર ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’નું પાટિયું મારીને ફુટપાથ પર નીંદરું ખેંચી લ્યે છે. રાજકોટ વિશે મારા પ્રિય કવિમિત્ર ગુલાબદાન બારોટે એક હળવીફૂલ કવિતા લખી છે, જે તમને સાચા રાજકોટનો સરસ પરિચય કરાવી આપશે.
સલામતી નથી એકેય શહેરમાં
લોકો બહાર નીકળતાં બીવે છે
આવો અમારા રાજકોટ શહેરમાં
જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે
આજી કાંઠે શહેર અમારું આજી કાંઠે ડૅમ છે
આવો રોકાવ ને પછી કહેજો
કોડીલું રાજકોટ કેમ છે?
મહેમાનોને સ્ટેશન લેવા જે ચાર વાગે જાગે છે
મુશ્કેલીમાં મદદ કરવા જે ધંધો મેલી ભાગે છે
માનવધર્મમાં માનનારો જેને રુદિયે રૂડી રહેમ છે
ચીકી, જીંજરા, શેરડીના ભારા, તરબૂચ લઈને ચાખે છે
તાણીતૂણી તહેવાર ટાણે જે કુટુંબને ખુશ રાખે છે
ઉત્સવપ્રિય આ પ્રજાની એક જ ધારી નેમ છે
પાનના ગલ્લે પહેલાં પહોંચે, પછી જ દુકાન ખોલે છે
પાન-માવાની મારી પિચકારી પછી ગલ્લે બેસીને ડોલે છે
બાર વાગ્યે દુકાન બંધ કરવી પછી ચાર વાગ્યાનો ટેમ છે
હાથીખાનામાં હાથી નથી સાંઢિયા વિનાનો પુલ છે
તોપખાનામાં તોપ જ હોવી જોઈએ એ જ તમારી ભૂલ છે
કેનાલ રોડ ૫૨ કેનાલ હોવી જોઈએ એવી ક્યાં ચોખ છે?
નાની કે મોટી ટાંકી નથી છતાંય મોટી ટાંકી ચોક છે
સ્વેટર, જર્સી, શાલ ઓઢી ઠૂંઠવાતાં આઇસક્રીમ ખાય છે
રજાના દિવસે રોટલા ખાવા હાઇવે માથે જાય છે
આવો રોકાવ ને પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે?
હા, રાજકોટ આવું છે અને આ રાજકોટના જ્યોતિ CNCથી માંડીને ફાલ્કન પમ્પ ભારતભરમાં મશહૂર છે. સ્વ. રમેશ મહેતા, હેમુ ગઢવી, ઢેબરભાઈ કે ચીમનભાઈ શુક્લ જેવાં અનેકવિધ પ્રતિભાશાળી સંતાનો આપનાર રાજકોટ પર રાણીમા-રૂડીમા અને છોડદાસ બાપુના અપાર આશિષ છે ને આશિષ છે એટલે જ આ રાજકોટમાં બસ્સો કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરી કલાકમાં સિત્તેર કરોડ ભેગા કરી લેનારો વિજય ડોબરિયા જેવો મરદનો ફાડિયો છે. આ રાજકોટ છે સાહેબ, અહીં દાન લેવાવાળા કરતાં દાન દેવાવાળા વેંત ઊંચા છે.


