ઑગસ્ટને જેમ ઇતિહાસ સાથે વળગણ છે એમ શ્રાવણને ધર્મ સાથે નિકટનો સંબંધ છે, બોળચોથ અને નાગપાંચમથી છેક જન્માષ્ટમી સુધી દિવસો ભર્યા-ભર્યા છે
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
સમયનો આરંભ ક્યાંથી થયો અને એનો અંત ક્યાં અને ક્યારે આવશે એ કોઈ જાણતું નથી. મહાકાળ અનાદિ અને અનંત છે. આ મહાકાળ જુદા-જુદા સ્થળે અને જુદા-જુદા સમયે જુદા-જુદા નામે ઓળખાય છે. ક્યાંક એનું નામ વિક્રમ સંવત છે તો ક્યાંક એનું નામ શક સંવત કે હિજરી સંવત છે. કોઈ સ્થળને સમયે એની ઓળખાણ ઈસવી સન તરીકે પણ થઈ છે. નામ ગમે તે હોય, પણ એ સર્વત્ર એક અને અખંડ છે.
માણસને તેના રોજિંદા જીવનમાં કશીક નવીનતા વિના ચાલતું નથી. આ નવીનતાને કોઈક તહેવાર કે ઉત્સવના નામે ઓળખી નવી યાત્રા આગળ વધે છે. ઈસવી સન અને વિક્રમ સંવતમાં ભલે બીજું બધું આગળ-પાછળ થતું હોય, એ તો ગણતરીનો સવાલ છે પણ મોટા ભાગે વિક્રમનો શ્રાવણ મહિનો અને ઈસુનો ઑગસ્ટ મહિનો કોણ જાણે કેમ લગભગ સાથે થઈ જાય છે. આપણો વ્યવહારિક સંબંધ છે ત્યાં સુધી ઑગસ્ટ ઇતિહાસ સાથે સંકળાયેલો છે. એ જ રીતે શ્રાવણ મહિનો ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાઈ જાય છે.
યાદ કરો ઑગસ્ટને
ઑગસ્ટના નામાભિધાનને ઈસુ સાથે ગમે તે સંબંધ હોય, પણ આપણે ઑગસ્ટની પહેલી તારીખનું પાનું કૅલૅન્ડરમાં જોઈએ કે તરત જ લોકમાન્ય ટિળક યાદ આવે છે ને પછી આઠમી કે નવમી ઑગસ્ટ એટલે હિન્દ છોડો- ક્વિટ ઇન્ડિયા સંભળાય. અને પછી તો ૧૫ ઑગસ્ટ આવીને ઊભી રહે. ૩૧ ઑગસ્ટ સુધી ઇતિહાસની કોઈ ને કોઈ ઘટના જોડાઈ જાય છે.
તો પછી શ્રાવણને પણ શુક્લ પક્ષની એકમથી કૃષ્ણ પક્ષની અમાવસ્યા સુધી રોજ કંઈક ને કંઈક વળગણ છે. કુંવારી કન્યાઓની મોળાકાતથી માંડીને જયાપાર્વતી એટલે કે એવરત-જીવરત ઉપવાસ અને જાગરણ બહેનોના દિવસો વીંટળાઈ વળે. આ દરેક દિવસ પાછળ એની ઘટના હોય છે.
૧૫ ઑગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર. લગભગ પાંચ દાયકા જેટલો સમય વિદેશીઓ કે વિધર્મીઓના શાસન હેઠળ શાસિત રહ્યા પછી દેશ આઝાદ થયો પણ આઝાદી ઊજવતી વખતે આજે આપણે આપણો પોતાનો એક પ્રશ્ન તો પૂછવો જ પડે. આ પ્રશ્ન ઉમાશંકર જોશીએ પૂછ્યો છે. આપણા સૌ વતીથી.
દેશ તો આઝાદ થતાં થઈ ગયો
તેં શું કર્યું?
આ સવાલ ભલે આઝાદી પછી પૂછ્યો હોય, પણ પહેલાં પણ એ ઊભો હતો અને આજે પણ ઊભો છે. આપણે આપણી જાત સાથે સંવાદ કરીને એનો જવાબ શોધવાનો છે. એમાંય ખાસ કરીને આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે ૭૫મું મહાપર્વ ઊજવી રહ્યા છીએ ત્યારે આ પ્રશ્ન વધારે ધારદાર થઈ જાય છે - તેં શું કર્યું?
શ્રાવણ એટલે ધોધમાર
ઑગસ્ટને જેમ ઇતિહાસ સાથે વળગણ છે એમ શ્રાવણને ધર્મ સાથે નિકટનો સંબંધ છે. બોળચોથ અને નાગપાંચમથી છેક જન્માષ્ટમી સુધી દિવસો ભર્યા-ભર્યા છે. જન્માષ્ટમીની એક વિશિષ્ટતા નોંધવા જેવી છે. જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમ અને જન્મદિવસ! કોનો જન્મદિવસ એની સ્પષ્ટતા ક્યાંય થઈ નથી. રામનવમી, વામનદ્વાદશી, ગાંધીજયંતી આ બધા દિવસોને આપણે કોઈ ને કોઈ નામ સાથે સાંકળ્યા છે. જન્માષ્ટમીને આપણે કોઈ નામ આપ્યું નથી. એને શ્રીકૃષ્ણ સાથે જોડી દઈએ છીએ. પણ શ્રાવણ આઠમ એટલે શ્રીકૃષ્ણનો જન્મદિવસ એવી સ્પષ્ટતા કોઈ શાસ્ત્ર ગ્રંથમાં થયેલી નથી.
પણ જન્માષ્ટમી સાથે સંકળાયેલી એક પરંપરાનો ઉલ્લેખ કરવા જેવો છે. દ્યૂત અથવા જુગાર રમવાથી સર્વસ્વનો નાશ થાય એવો સંકેત મહાભારતની કૌરવો અને પાંડવોની કથામાં આપણને મળ્યો છે. કૌરવ અને પાંડવો જ્યારે જુગાર રમ્યા ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં હાજર નહોતા. જ્યારે આ જુગારની વાત તેમણે જાણી ત્યારે કહ્યું પણ છે કે જો હું એ સમયે ત્યાં હાજર હોત તો આ જુગારની રમત થવા જ ન દેત. આમ શ્રીકૃષ્ણએ જુગારની રમત સામે અણગમો વ્યક્ત કર્યો છે. આમ છતાં પણ કોણ જાણે કેમ જન્માષ્ટમી નિમિત્તે આપણે વ્યવહારમાં જુગાર રમતા થઈ ગયા છીએ. શ્રીકૃષ્ણને જુગાર સાથે કોઈ સંબંધ નથી અને આમ છતાં પત્તાનો જુગાર રમવાનું ચલણ આ દિવસોમાં ભલભલા સજ્જનો અને સન્નારીઓ પણ કરે છે. પત્તાના જુગારને કોણે અને ક્યારે શરૂ કર્યો એની કોઈ જાણકારી આપણી પાસે નથી.
રક્ષાબંધન એક વિશિષ્ટ તહેવાર છે. વિશ્વના કોઈ પણ સ્થળે એ સમયે ભાઈ અને બહેન વચ્ચે સંબંધનો આવો કોઈ નાજુક તાંતણો સંકળાયેલો હોય એવું જાણમાં નથી. પારિવારિક જીવનમાં પાર વિનાના સંબંધો છે. પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ બહેન, પિતા પુત્રી આવા સંખ્યાબંધ સંબંધો વચ્ચે ભાઈ અને બહેનની એક વિશેષ પ્રકારની સાંકળ માત્ર આ સંબંધ જ જોડે છે. આ સાંકળને રાખડી એવી એક ખાસ પ્રકારની ઓળખ પણ આપવામાં આવી છે. રાખડી એક દોરો છે - માત્ર એક દોરો! આમ છતાં આ દોરાને અમૃતવના વરદાન સાથે જોડી દેવામાં આવ્યો છે.
દરિયા પૂજન
આજે દરિયા પૂજન લગભગ ભુલાઈ ગયું છે. પહેલા વરસાદ સાથે દરિયાઈ માર્ગે થતો વેપારી સંબંધ અટકી જતો. આ વેપારી સંબંધ શ્રાવણ સુદ પૂનમ પછી ધીમે-ધીમે ફરી વાર શરૂ થતો. આને શુભારંભ ગણીને વ્યાપારીઓ દરિયાઈ પૂનમ કહેતા. આ દરિયાઈ પૂનમ વેપારધંધાની સમૃદ્ધિ માટેની પ્રાર્થના હતી. આ પ્રાર્થના હવે મોટા ભાગે એક અતીત બની ગઈ છે.
ભલો શ્રાવણ અને ભલો ઑગસ્ટ
જીવનયાત્રામાં તહેવારો અને ઉત્સવો તો આવે છે અને જાય છે પણ શ્રાવણ અને ઑગસ્ટ સાથે આ યાત્રાનું જે જોડાણ થયું છે એ સંભારવા જેવું છે, ભૂલવા જેવું નથી.
જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમ અને જન્મદિવસ! કોનો જન્મદિવસ એની સ્પષ્ટતા ક્યાંય થઈ નથી. રામનવમી, વામન દ્વાદશી, ગાંધીજયંતી આ બધા દિવસોને આપણે કોઈ ને કોઈ નામ સાથે સાંકળ્યા છે. શ્રાવણ આઠમ એટલે શ્રીકૃષ્ણનો જન્મદિવસ એવી સ્પષ્ટતા કોઈ શાસ્ત્ર ગ્રંથમાં થયેલી નથી.

