Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દેશી નાટક સમાજ: એક નામની બે કંપની?

દેશી નાટક સમાજ: એક નામની બે કંપની?

30 April, 2022 11:59 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

એનું એક કારણ એ કે ડાહ્યાભાઈ ધોળશાજીવાળી કંપની બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈમાં હતી. જ્યારે બીજી, કેશવલાલવાળી કદાચ વડોદરાના દેશી રાજ્યમાં હતી. કેશવલાલ શિવરામ અને ડાહ્યાભાઈ વ્યવસાયિક રીતે છૂટા પડ્યા એ પછી પણ એ બન્ને વચ્ચેના સંબંધ એખલાસભર્યા રહ્યા હતા

કિર્લોસ્કરના સંગીત શાકુંતલના પહેલા પ્રયોગમાં કન્યાવિદાયનું દૃશ્ય.

ચલ મન મુંબઈ નગરી

કિર્લોસ્કરના સંગીત શાકુંતલના પહેલા પ્રયોગમાં કન્યાવિદાયનું દૃશ્ય.


કોઈનું ઘડતર, કોઈનું ચણતર, 
કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, 
જાગ જાગ મરજીવા
જૂની ગુજરાતી રંગભૂમિના ઘડતર અને ચણતર વિશેની એક-બે ગૂંચની વાત આજે કરવી છે. અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિના શ્રીગણેશ કેશવલાલ શિવરામના સંગીત નાટક ‘સંગીત-લીલાવતી’થી થયા એની વાત તો આપણે અગાઉ કરેલી પણ ગદ્યપદ્યાત્મક નહીં, કેવળ પદ્યાત્મક સંગીત નાટક રચવાની પ્રેરણા તેમને મળી ક્યાંથી? કારણ કે એ વખતે મુંબઈની બિનપારસી રંગભૂમિ પર તો સંગીત નાટકનું ચલણ નહોતું. નાટકમાં ગીતો આવતાં, ઢગલાબંધ આવતાં; પણ સંગીત નાટક મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ત્યારે નહોતું. 
પણ હા, મરાઠી રંગભૂમિ પર સંગીત નાટકની બોલબાલા શરૂ થઈ ગઈ હતી. મુંબઈની પારસી નાટક મંડળી ‘ઇન્દ્રસભા’ નામનો ઑપેરા ભજવતી હતી. પુણેમાં તેનો એક ખેલ અન્નાસાહેબ કિર્લોસ્કરે પૂર્ણાનંદ નામના થિયેટરમાં જોયો. એટલા પ્રભાવિત થયા કે તેમણે લખી નાખ્યું મરાઠીનું પહેલું સંગીત નાટક ‘સંગીત શાકુંતલ’. ૧૮૮૦ના ઑક્ટોબરની ૩૧મી તારીખે પહેલી વાર પુણેમાં ભજવાયું. બુધવાર પેઠમાં આવેલું ત્રણ માળનું આનંદોદ્ભવ થિયેટર ચિક્કાર. ૧૮૮૧માં આ નાટક પુસ્તકરૂપે પ્રગટ થયું. મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરોમાં તો એ ભજવાયું જ પણ મહારાજા સયાજીરાવના આમંત્રણથી કિર્લોસ્કર નાટક મંડળી વડોદરા પણ ગયેલી અને ત્યાં સંગીત શાકુંતલ ભજવેલું, જે મહારાજાને તેમ જ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું એમ નોંધાયું છે. એટલે એક વિચાર આવે છે કે શું કેશવલાલ શિવરામે વડોદરામાં ‘સંગીત શાકુંતલ’ નાટક જોયું હશે? અને સંગીત લીલાવતી નાટક લખવાની પ્રેરણા એ નાટકમાંથી મળી હશે? 
‘સંગીત લીલાવતીને અંતે કેશવલાલ પોતાનો પરિચય આ પ્રમાણે આપે છે :
‘અણહિલપુર પાટણનો વતની, રાજનગર રહું હાલ,
જૈન શાળામાં જૈન અધ્યાપક, શિવસુત કેશવલાલ’ 
ખેડા જિલ્લાના રાજનગરના વતનીએ વડોદરામાં મરાઠી સંગીત શાકુંતલ જોયું હોય એમ બની શકે. મોટા ભાગે મરાઠીમાંથી પ્રેરણા લઈને ગુજરાતીમાં પણ ‘અભિજ્ઞાન શકુંતલા ગાયન રૂપી નાટક’ અમદાવાદથી ૧૮૯૦માં પ્રગટ થયું છે. ગુજરાતી રંગભૂમિના ચાલ પ્રમાણે લેખકનું નામ છાપ્યું નથી, પણ ‘પ્રગટકર્તા’ તરીકે માસ્ટર નાનાલાલ વિ. મગનલાલનું નામ છાપ્યું છે. આ પહેલી આવૃત્તિની ૧૦૦૦ નકલ છપાયેલી, કિંમત બે આના. છેલ્લે છાપેલી ‘જાહેર ખબર’ પ્રમાણે નાનાલાલ વિ. મગનલાલની દુકાન અમદાવાદમાં ગુસાપારેખની પોળમાં આવી હતી અને ૧૮૯૦ સુધીમાં તેણે કુલ ૧૪ નાટકની ઑપેરા બુક છાપી હતી.  
અમદાવાદમાં સંગીત લીલાવતીથી રંગભૂમિની શરૂઆત થઈ અને પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ દેશી નાટક સમાજની સ્થાપના કરી એ તો બરાબર. એ મંડળીએ સંગીત લીલાવતી ભજવેલું. પણ કેશવલાલ અને ડાહ્યાભાઈ જુદા પડ્યા, દેશી નાટક સમાજ કંપની ડાહ્યાભાઈની સુવાંગ માલિકીની બની એ પછી શું સંગીત લીલાવતી અને એના લેખક ભુલાઈ ગયા? ના, આ લખનારને આ નાટકની ૧૮૯૬થી ૧૯૧૮ સુધીમાં છપાયેલી ૧૧ આવૃત્તિની નકલો જોવા મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૦૩માં આ નાટક ફરી છાપ્યું એમાં સંપાદકે જણાવ્યું છે કે આ નાટકની પહેલી આવૃત્તિ ૧૯૧૨માં પ્રગટ થયેલી. પણ આ લખનાર પાસે એના કરતાં પહેલાંની નવ આવૃત્તિની નકલ મોજૂદ છે. બે-બે આને વેચાતી આવી ઑપેરા બુક કાંઈ ચોપડીઓની દુકાનમાં વેચાતી નહીં. નાટકના ખેલ વખતે થિયેટરની બહાર વેચાતી. એનો અર્થ એ થાય કે કેશવલાલ દેશી નાટક સમાજમાંથી છૂટા પડ્યા એ પછી પણ આ નાટક કંઈ નહીં તો ૧૯૧૮ સુધી તો લગભગ સતત ભજવાતું રહેલું. ૧૮૯૫, ૧૮૯૬, ૧૯૦૨, ૧૯૦૪, ૧૯૧૮, ૧૯૧૯ અને ૧૯૨૮ની આવૃત્તિના પહેલા પાના પર આવું લખાણ છપાયેલું જોવા મળે છે: ‘શ્રીમંત ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને ભજવવા માટે રચી પ્રગટ કરનાર અધ્યાપક કેશવલાલ શિવરામ.’
આનો અર્થ એ થયો કે શ્રી દેશી નાટક સમાજ નામની બીજી સંસ્થા ગુજરાતમાં (વડોદરા રાજ્યમાં?) હતી અને એને સયાજીરાવનો આર્થિક ટેકો હતો. પણ એક જ નામની બે સંસ્થા હોઈ શકે? કદાચ હા. એનું એક કારણ એ કે ડાહ્યાભાઈ ધોળશાજીવાળી કંપની બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈમાં હતી. જ્યારે બીજી, કેશવલાલવાળી કદાચ વડોદરાના દેશી રાજ્યમાં હતી. પણ ફક્ત સંગીત લીલાવતી નાટક પર એક કંપની આટલાં બધાં વરસ ચાલે નહીં. એટલે તેણે બીજાં નાટકો પણ ભજવ્યાં જ હોય – કેશવલાલનાં લખેલાં તેમ જ બીજાનાં લખેલાં પણ. પ્રાયોગિક રંગભૂમિના દિગ્દર્શક પી. એસ. ચારી એક લેખમાં લખે છે : ‘દેશી નાટક સમાજ કંપની જ્યારે પણ નવાં નાટક લાવતી ત્યારે તેના બોર્ડ પર ઘાટ્ટા મોટા અક્ષરે એક વાક્ય ચોક્કસ વંચાતું - શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ નાટકને આર્થિક સહાય મળેલી છે.’ 
૧૯૫૫માં પ્રગટ થયેલી આત્મકથા ‘સ્મરણ-મંજરી’માં રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે : ‘મુંબઈની અગ્રગણ્ય સંસ્થાઓનાં નાટકો મેં મુંબઈ આવ્યા પહેલાં જોયાં નહોતાં. એટલે નડિયાદ, અમદાવાદ અને વડોદરામાં નાટકો ભજવતી નાની મોટી વાંકાનેર, દેશી નાટક લિમિટેડ, વિદ્યા વિનોદ નાટક સમાજ, નરહરિ પ્રાસાદિક નાટક મંડળી અને ગુલનારબાનુની નાટક કંપનીના પ્રયોગોમાંથી મને પ્રેરણા મળેલી.’ અહીં જેનો ઉલ્લેખ ‘દેશી નાટક લિમિટેડ’ તરીકે થયો છે એ જ કેશવલાલ શિવરામવાળી બીજી દેશી નાટક સમાજ નામની કંપની હોવી જોઈએ. 
આ કેશવલાલ શિવરામ તે પ્રખ્યાત નટ જયશંકર સુંદરીના ફુવા થાય. જયશંકરભાઈએ તેમનું સંગીત લીલાવતી નાટક નાનપણમાં જોયેલું. આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં જયશંકરભાઈ લખે છે કે ‘નંદ બત્રીસી’ નાટકનાં ગીતો લખવા માટે ૧૯૦૬માં કેશવલાલને એક નાટક મંડળીએ ખાસ મુંબઈ બોલાવેલા. એનો અર્થ એ કે મુંબઈની નાટક મંડળી નાટકનાં ગીતો લખવા માટે બહારગામથી કેશવલાલને બોલાવે એવી તેમની પ્રતિષ્ઠા હતી. 
દેશી નાટક સમાજ નામની બે કંપની – એક મુંબઈની અને બીજી ગુજરાતની – વચ્ચે સંબંધ હતો? કેવો હતો? હરીફાઈનો? વૈમનસ્યનો? સહકારનો? ૧૮૯૫માં ‘મ્યુનિસિપલ ઇલેક્શન નાટકનાં ગાયનો’ નામની એક આનાની ઑપેરા બુક બહાર પડેલી. લેખક હતા ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. અને પુસ્તિકાના નામની નીચે છાપ્યું છે : ‘શ્રીમંત ગાયકવાડ સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને માટે રચી પ્રસિદ્ધ કરનાર ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી.’ એટલે કે કેશવલાલ શિવરામ અને ડાહ્યાભાઈ વ્યવસાયિક રીતે છૂટા પડ્યા તે પછી પણ એ બન્ને વચ્ચેના સંબંધ એખલાસભર્યા રહ્યા હતા. 
આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે મુંબઈની અને ગુજરાતની ગુજરાતી રંગભૂમિનો પ્રમાણભૂત, વિસ્તૃત, દસ્તાવેજી ઇતિહાસ જ આપણી પાસે નથી. એટલે સૌથી વધુ ભરોસાપાત્ર આધાર છે નાટકની ઑપેરા બુક્સ. પણ આપણે એ પણ વ્યવસ્થિત રીતે ક્યાં સાચવી છે? આ લખનારે વર્ષોની મહેનત પછી લગભગ એકસો ઑપેરા બુક ભેગી કરી છે. આ ઉપરાંત બે પુસ્તકો : પહેલું, ૧૮૮૩માં પ્રગટ થયેલું ‘ગુજરાતી નાટક ગાયન સંગ્રહ’. સંપાદકનું નામ છાપ્યું નથી. છપાવી પ્રસિદ્ધ કરનાર છે ‘મેહેતા જમનાદાસ ભગવાનદાસની કંપની’. કિંમત બાર આના. પુસ્તકના બીજા પાના પર ‘ચેતવણી’ છાપી છે : ‘આ ચોપડી પ્રસિદ્ધ કર્તાઓની સહી વગર કોઈએ પણ લેવી નહિ.’ અને નીચે પ્રકાશકે અંગ્રેજીમાં સહી કરી છે. પુસ્તકની પાઇરસી રોકવા માટે આમ કરવું પડ્યું હશે. એમાં ૧૩ નાટકનાં ૬૦૦ જેટલાં ગીતો સંગ્રહાયાં છે. બીજું પુસ્તક છે ‘સંગીત નાટક સંગ્રહ’. મુંબઈના સુબોધપ્રકાશ છાપખાનામાં છપાઈને આ પુસ્તક ૧૮૮૫માં પ્રગટ થયું હતું. એમાં જુદાં-જુદાં દસ નાટકોનાં પાંચસો ગીતો એકઠાં કરાયાં છે. સંપાદક છે દામોદર રતનસી સોમાણી. આનો અર્થ એ થયો કે ૧૮૮૫ સુધીમાં માત્ર ૨૩ નાટકમાં ઓછામાં ઓછાં ૧૧૦૦ ગાયન સમાવાયાં હતાં. 
ગુજરાતી નાટક અને રંગભૂમિનો સૂર્યોદય થયો મુંબઈમાં. ૧૮૫૩થી પારસી નાટક મંડળીઓ અને પછીથી બિનપારસી નાટક મંડળીઓ પણ મુંબઈમાં ગુજરાતી નાટકો ભજવતી, પાકાં, બાંધેલાં થિયેટરોમાં. ઘણીખરી નાટક કંપની સારી કમાણી થયા પછી પોતીકું થિયેટર બંધાવતી અથવા કોઈ થિયેટર લાંબા લીઝ પર લેતી. નાટક અને એનાં ગીતો લખવા માટે, દિગ્દર્શન, સંગીત નિયોજન માટે, અભિનય માટે તેમની પાસે પગારદાર નોકરો હતા. એટલે નાટકની બાબતમાં મુંબઈની કંપનીઓ લગભગ ‘આત્મનિર્ભર’ હતી. મુંબઈ ઉપરાંત વખતોવખત બહારગામ અને પરદેશ જઈને પણ નાટકો ભજવતી. આની સામે ગુજરાતમાં નાટક મંડળીઓની સંખ્યા મુંબઈ કરતાં વધુ, પણ એ મંડળીઓ આત્મનિર્ભર ભાગ્યે જ. અમદાવાદ, સુરત, ભાવનગર, મોરબી, વાંકાનેર, બાલાસિનોર અને બીજાં ગામોમાં નાટક મંડળીઓ હતી. પોતાનું તો જવા દો, એ વખતે એ ગામોમાં નાટક ભજવી શકાય એવાં થિયેટર કેટલાં? મોટે ભાગે કામચલાઉ થિયેટરમાં કે માંડવો બાંધીને નાટકો ભજવાતાં. એટલે સેટ, પડદા, લાઇટ વગેરે બધાંની મર્યાદિત સગવડ. આસપાસનાં ગામોમાં આ મંડળીઓ જાય ત્યારે તો આના કરતાં પણ વધુ અગવડોનો સામનો કરે. પરિણામે ગુજરાતની નાટક મંડળીઓ વધારે તો અગાઉની ભવાઈ મંડળીઓના નવાવતાર જેવી હતી. જ્યારે મુંબઈની ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની રંગભૂમિ પાસે ઘણી વધારે સગવડો હતી એટલું જ નહીં, ગ્રેટ બ્રિટનથી અવારનવાર આવતી નાટક કંપનીઓ અંગ્રેજી નાટકો ભજવતી એના નમૂના પણ એની સામે હતા. પારસી નાટક અને રંગભૂમિએ તો અંગ્રેજીમાંથી કેટલીક બાબતો સીધી અપનાવી હતી. ભભકાદાર વેશભૂષા, સેટ, પડદા વગેરે પ્રેક્ષકોને આકર્ષવા માટે જરૂરી ગણાતાં. હજી કોરોનાની કળ પૂરેપૂરી વળી નથી તોય ગયા રવિવારે મુંબઈમાં સાત ગુજરાતી નાટક ભજવાયાં. ગુજરાતમાં? નાટક ભજવવાની બાબતમાં જેમ મુંબઈ અગ્રેસર તેમ ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો પ્રગટ કરવાની બાબતમાં પણ મુંબઈએ જ પહેલ કરી. પણ એની વાત હવે પછી.

1100
૧૮૮૫ સુધીમાં ભજવાયેલાં ૨૩ નાટકોમાં આટલાં ગીતો હતાં.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2022 11:59 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK