Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૫૭ વર્ષનાં યંગ લેડી આજે પણ બાઇક લઈને ઊપડી જાય છે ઍડ્વેન્ચર-ટૂર પર

૫૭ વર્ષનાં યંગ લેડી આજે પણ બાઇક લઈને ઊપડી જાય છે ઍડ્વેન્ચર-ટૂર પર

23 April, 2024 11:21 AM IST | Mumbai
Darshini Vashi

કાંદિવલીમાં રહેતાં તૃપ્તિ ભટ્ટ-સરમળકર લદ્દાખના ખારદુંગલા પાસ તો સ્કૂટર પર જઈ આવ્યાં છે અને એ બદલ ‘ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ’માં તેમનું નામ નોંધાયું છે

 તૃપ્તિ ભટ્ટ-સરમળકર

તૃપ્તિ ભટ્ટ-સરમળકર


આજની તારીખમાં મહિલાઓ માટે સ્કૂટી કે બાઇક ચલાવવી એ કોઈ નવી બાબત રહી નથી. હવે તો બાઇક લઈને ઍડ્વેન્ચર-ટૂર પર પણ નીકળવું સામાન્ય બની રહ્યું છે. સોશ્યલ મીડિયા, અન્ય મહિલાઓના ઢગલાબંધ અનુભવો, આધુનિક ઉપકરણો, અત્યાધુનિક બાઇકના લીધે આજે આ બધું ઘણું સરળ પણ બની ગયું છે. પરંતુ આજથી ૧૩-૧૪ વર્ષ પહેલાં અને એમાં પણ ઉંમરની દૃષ્ટિએ ૪૦મા વર્ષમાં પ્રવેશી ચૂકેલી મહિલા માટે ઍડ્વેન્ચર રાઇડ કરવી અને એ પણ બાઇક પર નહીં, સ્કૂટી પર એ અઘરું હતું. જોકે કાંદિવલીમાં રહેતાં તૃપ્તિ ભટ્ટ-સરમળકરે એ કરી બતાવ્યું છે. આજે તૃપ્તિબહેન ઉંમરનાં ૫૭ વર્ષનાં છે છતાં તેમની બાઇક ઍડ્વેન્ચર ટૂર્સ અકબંધ છે.

કેવી રીતે થઈ શરૂઆત?
આફ્ટર ફૉર્ટી ઍક્ટિવલી બાઇક-રાઇડિંગ શરૂ કરનારાં બાઇકર તૃપ્તિ ભટ્ટ-સરમળકર પોતાની જર્ની કેવી રીતે શરૂ થઈ એની વાત કરતાં કહે છે, ‘હું ૨૦૧૧ની સાલથી એટલે કે મારી વય ૪૪ વર્ષની હતી ત્યારથી બાઇક ચલાવું છું. મુંબઈ, ગોવા, ઉત્તરાખંડ,  લેહ-લદ્દાખ, ભુતાન, હિમાલય સુધી રાઇડ કરી છે. અમુક જગ્યાએ તો બે વખત પણ જઈ આવી છું. ૨૦૧૫માં મારી સાથે અન્ય છ મહિલાઓએ મળીને ઉત્તરાખંડના હાઇએસ્ટ મોટરેબલ રોડ ગણાતા માના પાસ પર સ્કૂટર-રાઇડ કરીને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૬માં હું ટોચની ટૂ-વ્હીલર કંપની દ્વારા યોજાયેલી લેહ-લદ્દાખની એક્સપીડિશન રાઇડમાં સિલેક્ટ થઈ હતી. એ સમયે મારી સાથે કુલ ૧૧ મહિલાઓએ 110 CC સ્કૂટી પર લદ્દાખનો ખારદુંગ લા પાસ સર કર્યો હતો અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન હાંસલ કર્યું હતું. એ સમયે મારી ઉંમર ૫૦ વર્ષની હતી અને આખી ટીમમાં હું સૌથી મોટી વયની મહિલા હતી.’




અવરોધો પણ આવે
ઍડ્વેન્ચર રાઇડ સરળ હોતી નથી. અનેક અડચણો અને અવરોધો આવે છે, પણ તેઓ તૃપ્તિબહેન કોઈ ને કોઈ રસ્તો કાઢીને આગળ વધતાં રહ્યાં હતાં. જેમ કે ઉત્તરાખંડ રાઇડમાં બદરીનાથ જતી વખતે રસ્તામાં બાઇક ધોધમાંથી ધોધમાર આવતું પાણી અને પથ્થરોની વચ્ચે અટવાઈ ગઈ હતી. લોકલ લોકોની મદદથી એ રસ્તો પાર કરી શકાયો હતો અને માના પાસમાં ગ્લૅસિયરની વચ્ચેથી રસ્તો શોધીને નીકળ્યાં હતાં. પાંચ કલાકમાં ૪૧ જણના ગ્રુપમાં ૧૦૦૮ સૂર્યનમસ્કાર કરીને લિમકા બુકમાં સ્થાન મેળવનારાં તૃપ્તિબહેન કહે છે, ‘અમે દર વર્ષે ઍડ્વેન્ચર રાઇડ પર જઈએ જ છીએ. હાલમાં જ અમે ભુતાન અને એના પછી લેહ-લદ્દાખ કરી આવ્યાં છીએ. મારે એટલું જ કહેવું છે કે પોતાનો શોખ પૂરો કરવા માટે એજ ફૅક્ટર કે અન્ય ફૅક્ટર આડે આવવા દેવા ન જોઈએ. આ સાથે ધગશ અને આત્મવિશ્વાસ પણ એટલાં જ જરૂરી છે. અન્ય જવાબદારીની સાથે પોતાના શોખને પૂરા કરતાં શીખવું જોઈએ.’

પરિવારનું મોટિવેશન
બાયોકેમિસ્ટ્રીમાં MSc થયેલાં ૫૭ વર્ષનાં તૃપ્તિ ભટ્ટ-સરમળકર પપ્પાની સાથે બુલેટ પર પાછળ બેસીને મોટાં થયાં છે. મારો બાઇક પ્રત્યેનો પ્રેમ ઘણો જૂનો છે એમ જણાવીને તેઓ કહે છે, ‘હું સાતમા ધોરણમાં હતી ત્યારે પહેલી વખત બાઇક ચલાવી હતી અને પછી તો આજ સુધીમાં એનો સાથ છૂટ્યો નથી. જોકે ભણતર અને લગ્ન તેમ જ બાળકોની જવાબદારીને લીધે મારું બાઇક ચલાવવાનું ઓછું થઈ ગયું હતું. મને હંમેશાં એવું લાગતું કે જો હું રાઇડિંગ ક્ષેત્રે આગળ વધીશ તો મારી ફૅમિલીને ઘણો પ્રૉબ્લેમ આવી શકશે. આખું ઘર અને બાળકો કેવી રીતે સંભાળાશે વગેરે સવાલો મારા મનમાં આવ્યા કરતા હતા, જેને લીધે મેં આ ક્ષેત્રે આગળ વધવાનું લગભગ માંડી જ વાળ્યું હતું. પરંતુ મારા હસબન્ડ અને બાળકો પાસેથી મળેલા પ્રોત્સાહનને પગલે મેં ૨૦૧૧ની સાલથી ફરી બાઇક ચલાવવાનું શરૂ કરી દીધું હતું. મારાં બાળકો મને એક સફળ રાઇડર તરીકે જોવા માગતાં હતાં. તેમની પાસેથી મળેલા આત્મવિશ્વાસ અને પૉઝિટિવ રિસ્પૉન્સને પગલે મેં ફરી બાઇક હાથમાં પકડી અને ગર્વથી કહું છું કે મારી બાઇક-રાઇડિંગની સેકન્ડ ઇનિંગ્સ ખૂબ જ રોમાંચક અને સાહસિક રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 11:21 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK