Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

01 January, 2022 08:24 AM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

જનાબ બુખારીની રગેરગમાં લોહીની સાથે બ્રૉડકાસ્ટિંગ વહેતું : ઝવેરચંદ મેઘાણી અને બુખારીનો મેળાપ

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં


‘ઑલ ઇન્ડિયા રેડિયોનું આ મુંબઈ કેન્દ્ર છે...’ હા, એક જમાનો હતો જ્યારે મુંબઈનાં ઘરોમાં રોજેરોજ આ અવાજ ગુંજી રહેતો. 
‘લોકોના મનોરંજન માટે તેમ જ શિક્ષણ માટે રેડિયો સામે અપાર શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ વિશે આજે આપણને કદાચ પૂરેપૂરો ખ્યાલ નથી. આજે હિન્દુસ્તાનમાં બ્રૉડકાસ્ટિંગ પા પા પગલી ભરી રહ્યું છે, પણ મને ખાતરી છે કે થોડાં જ વરસોમાં એના શ્રોતાઓની સંખ્યા અનેકગણી વધી જશે. એટલું જ નહીં, વિજ્ઞાનની આ નવી શોધના ચાહકો આખા દેશમાં પથરાયેલા જોવા મળશે.’ 
આ શબ્દો છે હિન્દુસ્તાનના વાઇસરૉય લૉર્ડ ઇરવિનના. ૧૯૨૬થી ૧૯૩૧ સુધી તેઓ આ પદે રહ્યા હતા અને આ શબ્દો બોલાયા હતા ૧૯૨૭ની ૨૩ જુલાઈએ, મુંબઈમાં આપણા દેશના પહેલવહેલા રેડિયો-સ્ટેશનનું ઉદ્ઘાટન કરતી વખતે અને એ દિવસથી દેશમાં વ્યવસ્થિત રીતે બ્રૉડકાસ્ટિંગની શરૂઆત થઈ. એ વખતે આ રેડિયો-સ્ટેશન સરકારી નહીં પણ ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીની ખાનગી માલિકીનું હતું. એ પહેલાં ૧૫ જુલાઈએ રેડિયોના મુખપત્ર ‘ધી ઇન્ડિયન રેડિયો ટાઇમ્સ’નો પહેલો અંક પ્રગટ થયો હતો જેમાં ૨૩મીથી શરૂ થનારા દેશના પહેલવહેલા રેડિયો-સ્ટેશન વિશેની વિગતો આપવામાં આવી હતી. પછીથી એનું નામ બદલીને ‘ઇન્ડિયન લિસનર’ કરવામાં આવ્યું અને એનું પ્રકાશન મુંબઈથી દિલ્હી ખસેડાયું.
શરૂઆતથી જ રેડિયો-સેટ રાખવા માટે ફી ભરીને સરકાર પાસેથી લાઇસન્સ મેળવવું પડતું, જે દર વરસે રિન્યુ કરાવવું પડતું. ૧૯૨૭ના અંતે આખા દેશમાં બધું મળીને ૩૫૯૪ રેડિયો લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં. ૧૯૩૦ની પહેલી માર્ચે ઇન્ડિયન બ્રૉડકાસ્ટિંગ કંપની ફડચામાં ગઈ અને એક મહિના પછી પહેલી એપ્રિલે બ્રૉડકાસ્ટિંગ સેવાને સરકારે પોતાને હસ્તક લઈ લીધી. ત્યારે એને ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ લેબર નીચે ‘ઇન્ડિયન સ્ટેટ બ્રૉડકાસ્ટિંગ સર્વિસ’ એવું નામ અપાયું હતું. ૧૯૩૬ની ૮ જૂને એનું નામ બદલીને ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ રાખવામાં આવ્યું. એ વરસના ડિસેમ્બરની ૩૧ સુધીમાં રેડિયો લાઇસન્સની સંખ્યા વધીને ૩૭,૭૯૭ સુધી પહોંચી હતી. શરૂઆતમાં રેડિયો પરથી સમાચાર માત્ર અંગ્રેજીમાં અપાતા. પછી હિન્દુસ્તાની અને બંગાળીમાં પણ અપાયા. ૧૯૩૯ની પહેલી ઑક્ટોબરથી તામિલ, તેલુગુ, ગુજરાતી, મરાઠી અને પુશ્તો ભાષાઓમાં પણ સમાચાર આપવાનું શરૂ થયું. 
કેવા હતા એ વખતના રેડિયો-સેટ? સાચું કહીએ તો લાકડાના ખોખા જેવા. આગલા ભાગમાં કાચનું ડાયલ, જેનો કાંટો ફેરવીને જુદાં-જુદાં સ્ટેશનો પકડી શકાય. નાનું લાઉડસ્પીકર સારા, રંગીન કાપડથી મઢેલું. મોટા ભાગે ચાર ચકરડાં (નૉબ). રેડિયો સિગ્નલ પકડવા માટે ઍરિયલ લગાડવાનું અનિવાર્ય. ખોખામાં બીજી યંત્રસામગ્રી ઉપરાંત પાંચ કે સાત ટ્યુબ કે ‘વાલ’. સળંગ લાંબો સમય રેડિયો ચાલે તો ઘણી વાર આ ટ્યુબ ગરમ થઈ જાય અને રેડિયો ઠપ. બરાબર યાદ છે : અમારા એક પાડોશી ક્રિકેટ-મૅચની કૉમેન્ટરીના જબરા રસિયા. મૅચના પાંચ દિવસ તેમના ઘરમાં ૧૪૪મી કલમ લાગી જાય, પણ પાંચ-છ કલાક રેડિયો ચાલે તો પેલી ટ્યુબ ગરમ થઈ જવાની બીક. એટલે રેડિયોને થોડો આગળ ખસેડે, પાછળનું કવર કાઢી નાખે અને રેડિયોની પાછળ નાનો ટેબલ ફૅન ગોઠવી દે! મગદૂર છે રેડિયોની કે રિસાઈને મૂંગો થઈ જાય!
ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની વાત આવે ત્યારે કેટલાંક નામ અચૂક યાદ આવે. એમાંનું પહેલું નામ જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી. તેમની રગેરગમાં લોહીની સાથોસાથ બ્રૉડકાસ્ટિંગ વહે. ૧૯૦૪ની છઠ્ઠી જુલાઈએ પેશાવારમાં જન્મ. એ વખતે પેશાવર બ્રિટિશ ઇન્ડિયામાં. અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો અને પંજાબી ભાષા જાણે એટલે અંગ્રેજ અફસરોને ‘દેશી’ ભાષાઓ શીખવવા માટેની શિમલાની સંસ્થામાં પહેલી નોકરી. પછી ઑલ ઇન્ડિયા રેડિયોનું દિલ્હી કેન્દ્ર શરૂ થયું ત્યારે પ્રોગ્રામ ડિરેક્ટર. ૧૯૩૯માં બૉમ્બે સ્ટેશનના ડિરેક્ટર બન્યા, પણ દેશના ભાગલા વખતે તેમણે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને ત્યાં જઈને રેડિયો પાકિસ્તાનના પહેલા ડિરેક્ટર જનરલ બન્યા. ૧૯૫૯માં નિવૃત્ત થયા. ૧૯૭૫ની ૧૨ જુલાઈએ કરાચીમાં જન્નતનશીન થયા. 
બુખારીસાહેબ સાથે વર્ષો સુધી કામ કરનાર આપણા ચંદ્રવદન મહેતાએ લખ્યું છે : ‘ઝુલ્ફીકાર અવાજના બાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથી ભરેલો ગંભીર તેમ જ હળવા ભાવોને યથાર્થ પ્રગટ કરનારો અવાજ રજૂ કરનાર તેમ જ ક્યાંક-ક્યાંક રમૂજ, કંઈક ટીખળ, ક્યાંક કટાક્ષ પણ કરી શકે એવી આવડત ધરાવનાર એક વ્યક્તિ. વળી પોતે સંગીતના જાણકાર. સવારના જેવા સ્ટુડિયોમાં દાખલ થાય એટલે એનો મનવો ગણગણવા લાગે. એમાં મુંબઈ મથકેથી શરૂઆતમાં સવારના આઠ વાગ્યાથી તે રેકર્ડ વગાડતા બેસે ત્યારે સૌથી વધારે સાંભળનારા પોતપોતાના ઘરમાં રેડિયો ચાલુ કરે. રેકર્ડ તો ગમે તેની હોય, પણ એ ઉપરનું નામ, એમાંનો રાગ, એ ગીત માટે કોઈ છોટી સી કહાની એ બધાની તારીફ એટલા રસથી કરે કે ગીત ઉપરાંત તેમની પોતીકી વિવેચના જ શ્રોતાઓનાં દિલ જીતી લે. કોઈ લખાણ નહીં, કોઈ રેડ ટેપનો હાઉ કે ભય નહીં. ફક્ત એક જ નેમ કે શ્રોતાઓનું મન જીતી લેવું.’ 
બુખારીસાહેબ જેટલા કલાપ્રેમી એટલા જ ચતુર વ્યવહારદક્ષ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો સરકારી તુમારશાહી સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણે. મુંબઈ સ્ટેશન પાસે એક જ મોટર. એ પણ જૂના ખટારા જેવી. નવી મોટરની માગણી વિશે દિલ્હીના સાહેબો આંખ આડા કાન કરે. એવામાં એક વાર બ્રૉડકાસ્ટિંગ સેક્રેટરી પી. સી. ચૌધરી મુંબઈ સ્ટેશનની મુલાકાતે આવ્યા. બીજે દિવસે સવારની ફ્લાઇટથી પાછા જવાના હતા. બુખારીસાહેબે ડ્રાઇવરને બોલાવ્યો. સ્ટેશન પર કામ કરતા ચંદ્રવદન મહેતાને પણ સાથે બોલાવ્યા. ચંદ્રવદનભાઈને કહે કે તમે સાહેબને ઍરપોર્ટ મૂકવા જજો. બીજી કેટલીક સૂચના બન્નેને આપી. બીજા દિવસે ચૌધરીસાહેબનો વરઘોડો દાદર પહોંચ્યો ત્યાં ડ્રાઇવર કહે કે ગાડી ખોટકાઈ છે, રિપેર કરાવતાં બે-ત્રણ કલાક સહેજે થઈ જશે. ચૌધરીસાહેબ ચંદ્રવદનભાઈને કહે કે તમે ગમે ત્યાંથી તાબડતોબ ટૅક્સી લઈ આવો. અડધા-પોણા કલાકે ટૅક્સી આવી. સંઘ ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઇટ તો ઊપડી ગઈ હતી. આવું કરવાનો આખો ત્રાગડો રચેલો બુખારીસાહેબે પોતે. પરિણામે આઠ-દસ દિવસમાં જ મુંબઈ સ્ટેશનને નવીનક્કોર મોટર મળી ગઈ, એક નહીં બે!
જનાબ બુખારી સાથે ઘણાં વરસો કામ કરનાર ગિજુભાઈ વ્યાસે એક પ્રસંગ આ લખનારને કહ્યો હતો. ઝવેરચંદ મેઘાણી રેડિયો પર કાર્યક્રમ આપવા જતા નહીં તેમ જ પોતાનાં ગીતો રેડિયો પર ગાવાની પરવાનગી આપતા નહીં. એટલે બુખારીએ પહેલાં તો તેમને લાંબો પત્ર લખ્યો અને પછી સમજાવવા ચંદ્રવદન મહેતાને બોટાદ મોકલ્યા, પણ મેઘાણી માન્યા નહીં. પછી એક વાર મુંબઈ આવેલા ત્યારે મેઘાણી બુખારીને મળવા રેડિયો સ્ટેશન પર ગયા. બુખારીની ઑફિસમાં બેઠા. રેડિયોનો સ્ટાફ બહાર ઊભો રહેલો. થોડી વારે અંદરથી ગાવાનો અવાજ આવ્યો. પહેલાં મેઘાણીભાઈએ ગીતો ગાયાં. પછી બુખારીએ પુશ્તુ ગીતો ગાયાં. લગભગ કલાક પછી બન્ને બહાર નીકળ્યા. બુખારી લિફ્ટ સુધી વળાવીને પાછા આવ્યા ત્યારે ચંદ્રવદનભાઈએ પૂછ્યું, ‘સાહેબ, મેઘાણીભાઈ માની ગયા?’ જવાબ : ‘અમે બન્ને ગાવામાં એટલા મગ્ન થઈ ગયા કે એ વિશે તો વાત જ ન કરી. પણ સીસી, એટલું લખી રાખજો કે આ માણસ ઑલ ઇન્ડિયા રેડિયોનાં પગથિયાં ક્યારેય નહીં ચડે.’ વાત છેડ્યા વગર જ બુખારીએ મેઘાણીભાઈને પારખી લીધા હતા. 
હિન્દુસ્તાનની નોકરીનો છેલ્લો દિવસ. રાત્રે કુટુંબ સાથે ફ્રન્ટિયર મેલમાં લાહોર જવાનું હતું. એ વખતે ફ્રન્ટિયર મેલ બૉમ્બે સેન્ટ્રલથી છેક પેશાવર સુધી જતી. રેડિયો સ્ટેશનનો મોટા ભાગનો સ્ટાફ તેમને વિદાય આપવા સ્ટેશને પહોંચી ગયેલો. સ્ટેશનમાં માંડ પાંચ-છ જણ હાજર. એમાંના એક ગિજુભાઈ. સાંજે બુખારી આવ્યા. કહે, ચાલો સ્ટુડિયોમાં જઈએ. સ્ટેશનના એકેએક સ્ટુડિયો પાસે જઈને બારણાના હૅન્ડલને પંપાળતા જાય અને વચમાં-વચમાં બોલતા જાય : ‘આ બધું હવે તમારે સૌએ સંભાળવાનું છે.’ એ વખતે સુંદરાબાઈ નામનાં એક 
સ્ટાફ-આર્ટિસ્ટ ગાયિકા હાજર. તેમને એવી ટેવ કે જે કોઈ આવે તેને ચૉકલેટ આપે. બધા સ્ટુડિયોમાં ફર્યા પછી બુખારી તેમની પાસે ગયા. સુંદરાબાઈએ બુખારીના હાથમાં ચૉકલેટ મૂકી. બુખારીએ સુંદરાબાઈની બન્ને હથેળી પકડી લીધી અને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા. 
ઉત્તમ બ્રૉડકાસ્ટર ઉપરાંત બુખારી અચ્છા લેખક પણ હતા. ‘જો કુછ મૈંને કહા’ તેમનો કાવ્યસંગ્રહ તો ‘રાગ દરિયા’માં તેમણે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના શાસ્ત્રીય સંગીત વિશે વિસ્તારથી લખ્યું છે. તેમણે પોતાની આત્મકથા પણ ઉર્દૂમાં લખી છે. બુખારીના નિકટના મિત્ર અને પાકિસ્તાન રેડિયો પરના સાથી સૈયદ ગુલામ હુસેન જાફરીએ લગભગ બે વરસ સુધી બુખારી સાથે કરેલી વાતોના આધારે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. 
આજે હવે લાકડાના ખોખા જેવા રેડિયો નથી રહ્યા. ઑલ ઇન્ડિયા રેડિયોનું નામ આઝાદી પછી ‘આકાશવાણી’ થઈ ગયું છે. ક્વીન્સ રોડ પર આવેલો એ સ્ટુડિયો, એ જમાનાનાં મોટાં માઇક્રોફોન, સ્પૂલવાળાં મસમોટાં રેકૉર્ડર નથી રહ્યાં. અને સૌથી વધુ તો એક જમાનામાં ઑલ ઇન્ડિયા રેડિયોનો, એના કાર્યક્રમોનો, એમાં કામ કરનારાઓનો જે દબદબો હતો એ નથી રહ્યો. છતાં કેટલાય વયસ્કોના મનમાં એના એ સોનેરી દિવસોનાં ભીનાં-ભીનાં સ્મરણો રહ્યાં છે. ઑલ ઇન્ડિયા રેડિયોના બૉમ્બે સ્ટેશન સાથે સંકળાયેલી બીજી કેટલીક વ્યક્તિઓ વિશેની થોડી સાંભરણો હવે પછી.

deepakbmehta@gmail.com



બુખારીસાહેબ જેટલા કલાપ્રેમી એટલા જ ચતુર વ્યવહારદક્ષ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો સરકારી તુમારશાહી સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણે. 


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2022 08:24 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK