Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતી મૅગેઝિનને કારણે મુંબઈમાં થયું કોમી રમખાણ

ગુજરાતી મૅગેઝિનને કારણે મુંબઈમાં થયું કોમી રમખાણ

08 May, 2021 04:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાંડી પીટીને પોલીસ લોકોને દંગો ફિસાદ ન કરવા જણાવતી રહી એમ છતાં રમખાણ લગભગ દોઢ મહિનો ચાલ્યું. આ સમય દરમ્યાન પારસીઓના અવાજને બુલંદ કરવા માટે નવું ‘રાસ્ત ગોફતાર’ પખવાડિક શરૂ થયું

પોતાની ઘોડાગાડીમાં સર જમશેદજી જીજીભાઈ અને કેટલાક કુટુંબીજનો

પોતાની ઘોડાગાડીમાં સર જમશેદજી જીજીભાઈ અને કેટલાક કુટુંબીજનો


માણસો કેવાં-કેવાં કારણોસર ઝઘડી પડતા હોય છે! મુંબઈનું પહેલવહેલું રમખાણ કૂતરાઓને લીધે થયેલું તો બીજું રમખાણ થયું એક ગુજરાતી મૅગેઝિનને કારણે! ૧૮૫૦ના ઑક્ટોબરની આઠમી તારીખથી કાવસજી સોરાબજી પટેલે મુંબઈથી ‘ચીતર ગનેઆંન દરપણ’ (ચિત્ર જ્ઞાન દર્પણ) નામનું અઠવાડિક શરૂ કર્યું. બહેરામજી ખરસેદજી ગાંધી એના તંત્રી. નવું જ્ઞાન, નવી માહિતી વાચકો સમક્ષ મૂકવાનો ઇરાદો. નામમાંનો પહેલો શબ્દ ‘ચિત્ર.’ એટલે માત્ર લખાણો નહીં, એની સાથે એને અનુરૂપ ચિત્રો પણ મૂકવાનાં. એ વખતે ચિત્રો કે ફોટો છાપવાની આપણા દેશમાં ન જેવી સગવડ હતી. એટલે ચિત્રો ગ્રેટ બ્રિટનમાં છપાવીને અહીં લાવવાં પડતાં હતાં. ફોટા છાપવાની તો ત્યાં પણ સગવડ નહોતી. ફોટા પરથી ‘એન્ગ્રેવિંગ’ તૈયાર કરીને એ છાપતા. અને બે દેશો વચ્ચે દરિયાઈ માર્ગ સિવાય બીજો કોઈ વાહનવ્યવહારનો માર્ગ નહીં એટલે અહીંથી મોકલેલી સામગ્રી છપાઈને પાછી આવતાં સહેજે ચાર-પાંચ મહિના થઈ જતા. એટલે ઘણી વાર ત્યાંથી તૈયાર છાપેલાં ચિત્રો કે ફોટો મગાવીને વાપરતા. સમય ઓછો જાય અને સસ્તું પણ પડે. આ મૅગેઝિનમાં એક કૉલમ દુનિયાના મહાપુરુષોના પરિચયની આવતી. સાથે તેમનું ચિત્ર પ્રગટ થતું. ૨૩ સપ્ટેમ્બર, ૧૮૫૧ના અંકમાં હઝરત મહમ્મદ પયગંબરસાહેબનો પરિચય આપતો લેખ પ્રગટ થયો. એ હતો એક અંગ્રેજી લેખનો અનુવાદ. એમાં ખાસ કશું વાંધાજનક નહોતું, પણ તંત્રીની ભૂલ એ થઈ કે લેખની સાથે પયગંબરસાહેબનું ચિત્ર પણ છાપ્યું. લિથોગ્રાફ પદ્ધતિથી છાપેલું આ ચિત્ર પણ ગ્રેટ બ્રિટનથી તૈયાર મગાવ્યું હતું. ઇસ્લામ ધર્મ બૂતપરસ્તીમાં માનતો નથી એટલે આ લેખ સાથે ચિત્ર ન છપાય એ વાત તંત્રીને સમજાવી જોઈતી હતી. પણ ન સમજાઈ. છતાં અંક પ્રગટ થયો ત્યારે ખાસ કોઈનું આ વાત તરફ ધ્યાન ન ગયું.

તંત્રીની ભૂલે મચાવ્યું રમખાણ



પણ શુક્રવાર, ૧૭ ઑક્ટોબરની સવારે કોઈ અદકપાંસળીવાળાએ એ લેખ અને સાથેનું ચિત્ર મુંબઈની જુમ્મા મસ્જિદની બહારની દીવાલ પર ચોડી દીધાં. નમાઝ પઢીને બહાર આવતી વખતે લોકોનું એ તરફ ધ્યાન ગયું. તેમને પોતાના ધર્મનું અપમાન થયું છે એમ લાગ્યું. પારસીઓની મુખ્ય વસ્તી કોટ કે ફોર્ટની બહાર. એ વિસ્તાર ત્યારે ‘બહારકોટ’ તરીકે ઓળખાતો. લગભગ બે-અઢી હજાર લોકોનું ટોળું પારસી રહેણાકના વિસ્તારો તરફ ધસી ગયું. બીજું ટોળું સર જમશેદજી જીજીભાઈના ‘ઇલાહીબાગ’ નામના રહેઠાણ તરફ ધસ્યું. તેમના બંગલા પર અને આસપાસનાં ઘરો પર પથ્થરમારો શરૂ કર્યો. રમખાણો પાયધુની, ભીંડીબજાર વગેરે વિસ્તારોમાં પ્રસર્યાં. દુકાનો લૂંટાઈ, તોડફોડ થઈ, મારફાડ થઈ. પોલીસ એકલા હાથે પહોંચી શકે એમ નહોતી એટલે ૫૦-૬૦ પારસીઓની મદદ લઈને સો જેટલા હુલ્લડખોરોને પકડ્યા. રાત પડે એ પહેલાં સરકારે લશ્કરની ટુકડીઓ આ બધા વિસ્તારોમાં ગોઠવી દીધી. આથી રાત તો ખાસ કશી તકલીફ વગર વીતી.


એ જમાનામાં કોઈ મહત્ત્વની જાહેરાત કરવાની હોય તો ઠેર-ઠેર ડાંડી પીટીને જાહેરાત કરવી પડતી. રવિવાર, ૧૯ તારીખે સવારે અને સાંજે શહેરમાં ઠેર-ઠેર ડાંડી પીટીને પોલીસે જાહેરાત કરી કે કોઈએ દંગો-ફિસાદ કરવો નહીં અને જો કોઈ કરતું માલૂમ પડશે તો તેને પોલીસ પકડીને જેલમાં નાખશે. ૨૨ તારીખે પારસી પંચાયતના હોદ્દેદારો તરફથી હૅન્ડ-બિલો વહેંચીને જાહેર નિવેદન કરવામાં આવ્યું કે આપણી જમાતના કોઈ સભ્યે ટંટોફિસાદ કરવાં નહીં. ૨૧ ઑક્ટોબરે શહેરના બધા જસ્ટિસ ઑફ પીસ અને જુદી-જુદી કોમના અગ્રણીઓની એક સભા ટાઉન હૉલમાં મળી. હવે પછી જો કોઈ મુશ્કેલી ઊભી થશે તો મુંબઈ પોલીસ એને યોગ્ય રીતે પહોંચી વળશે અને શહેરની બધી કોમના શાંતિપ્રિય નાગરિકો પોલીસને સાથ-સહકાર આપશે એમ જણાવતો ઠરાવ આ સભામાં પસાર થયો. ૨૨ ઑક્ટોબરે સરકારે જાહેરાત કરી કે હવેના દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૦૦ પોલીસની ટુકડી શહેરમાં ચોકીપહેરો કરશે. તેમની સાથે ત્રણ યુરોપિયન અને બે દેશી અમલદારો પણ રહેશે. આ ઉપરાંત ૨૦૦ અંગ્રેજ સિપાઈઓની લશ્કરની ટુકડી કોટ વિસ્તારમાં આવેલી બૅરૅકમાં ખડે પગે તહેનાત રહેશે અને જરૂર જણાય તો પોલીસની મદદે પહોંચી જશે. 

હુલ્લડમાં અનેક લોકો ઘવાયાં


૨૪ ઑક્ટોબરના શુક્રવારે ફરી હુલ્લડ થવાની ધાસ્તી હતી. એ દિવસે નાનાં-મોટાં છમકલાં થયાં, પણ બીક હતી એવું હુલ્લડ થયું નહીં. છતાં જુદા-જુદા વિસ્તારોનાં છમકલાંમાં ૧૪ પારસીઓ ઘવાયા જેમને સર જે. જે. હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. આથી કેટલાક અગ્રણી પારસીઓનું એક પ્રતિનિધિમંડળ સર જમશેદજી જીજીભાઈના બંગલે ગયું. ૨૯ ઑક્ટોબરે તેમના બંગલામાં જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓની બેઠક તેમણે યોજી. એમાં બધા પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી અને દંગો-ફિસાદ કરનારને આકરી સજા કરવા સરકારને વિનંતી કરી.

છતાં ૩૧ ઑક્ટોબરના શુક્રવારે ભીંડીબજારમાં તોફાન થયું. એટલે એ પછીના દસ દિવસ માટે કોઈ પણ પ્રકારનું હથિયાર, સોડાવૉટરની બાટલીઓ, સળગતા કાકડા કે મશાલ વગેરે લઈને જાહેર રસ્તા પર ચાલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. યુરોપિયન લશ્કરના ૨૦૦ સૈનિકોની ટુકડીએ અને સશસ્ત્ર દળની અને અશ્વદળની એક-એક ટુકડીએ મુંબઈના કેટલાક રસ્તાઓ પર ફ્લૅગમાર્ચ કરી. બધા પોલીસ મૅજિસ્ટ્રેટને રાત-દિવસ ફરજ પર મુકાયા. આઠમી નવેમ્બરે ૪૦૦ પારસીઓની સહી સાથે મુંબઈ પોલીસના સિનિયર મૅજિસ્ટ્રેટ મિસ્ટર સ્પેન્સરને મળીને પારસીઓના જાનમાલનું રક્ષણ કરવા વિનંતી કરી. આમ છતાં ૨૧ નવેમ્બરના શુક્રવારે સર જમશેદજી જીજીભાઈના બંગલાની બહાર અને બીજા કેટલાક લત્તાઓમાં ભારે તોડફોડ થઈ. દહેશતને કારણે ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાંના લોકો ઘરની બહાર નીકળી શક્યા નહીં એટલે એ વિસ્તારોમાં ભોનું-પાની કોટ વિસ્તારમાંથી ગાડાંઓમાં ભરીને મોકલવાં પડ્યાં હતાં. લોકો પાસેથી ઉઘરાણું કરીને ૧૭૪૬ રૂપિયાનું ‘બહારકોટના જરથોસ્તીઓને સારુ બચાવ ફન્ડ’ ઊભું કરીને એમાંથી ખાનગી ચોકીદારો અને ‘ભૈયાઓ’ને રક્ષણ માટે રોકવામાં આવ્યા.

બિનશરતી માફી

દાદાભાઈ નવરોજીએ લખી આપેલી અરજી ૨૨ નવેમ્બરે ૪૫૦ સહી સાથે બહારકોટના પારસીઓ તરફથી ગવર્નર લૉર્ડ ફૉકલૅન્ડને આપી, પણ એ જ દિવસે એક હુમલામાં પેસ્તનજી રતનજી કૂપર ગંભીર રીતે ઘવાયા અને જે. જે. હૉસ્પિટલમાં દાખલ થયા પછી પહેલી ડિસેમ્બરે તેમનું અવસાન થયું. આથી બહારકોટના ઘણા પારસીઓ પોતાનાં ઘરબાર છોડીને કોટ વિસ્તારમાં પોતાનાં કોઈ સગાંવહાલાંને ત્યાં રહેવા જવા લાગ્યા. કોટની માણેકજી શેઠની વાડીમાં પારસી નિરાશ્રિતો માટે રહેવા-ખાવાની સગવડ કરાઈ. છેવટે ૨૮ નવેમ્બરે સરકારે બન્ને પક્ષોની સંયુક્ત બેઠક બોલાવી. એમાં ‘ચિત્ર જ્ઞાન દર્પણ’ના તંત્રીએ લખેલો બિનશરતી માફી માગતો પત્ર વાંચી સંભળાવવામાં આવ્યો. એ પછી બન્ને કોમના પ્રતિનિધિઓ ૧૮ ખુલ્લી ઘોડાગાડીમાં સાથે બેસીને શહેરમાં ફર્યા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. એ રીતે લગભગ દોઢ મહિના પછી મુંબઈના આ પહેલા કોમી હુલ્લડનો અંત આવ્યો.

અને શરૂ થયું નવું મૅગેઝિન

આ હુલ્લડની શરૂઆત એક ગુજરાતી મૅગેઝિનને કારણે થઈ તો બીજી બાજુ હુલ્લડને પરિણામે એક નવું મૅગેઝિન શરૂ થયું. એ જમાનામાં મુંબઈમાં પાંચ ગુજરાતી અખબારો પ્રગટ થતાં હતાં અને એ બધાં જ પારસી માલિકીનાં હતાં. છતાં ગમે એ કારણસર પણ તેમણે પોતાના જાતભાઈઓને જોઈએ એટલો ટેકો આપ્યો નહીં એમ દાદાભાઈ નવરોજીને લાગ્યું. એટલે તેમણે એક નવું પખવાડિક શરૂ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે પોતાના ખાસ દોસ્ત ખરશેદજી નસરવાનજી કામાને કરી. તેમણે કહ્યું કે દાદાભાઈ, તમે જો તંત્રી થવાનું કબૂલ કરતા હો તો જરૂરી બધી રકમ રોકવા હું તૈયાર છું. દાદાભાઈ આ સાંભળીને રાજી તો થયા, પણ પછી કહ્યું, મારી પણ એક શરત છે, તંત્રી તરીકે કામ કરવા માટે હું એક ફદિયું પણ નહીં લઉં. પખવાડિકનું નામ ઠરાવ્યું ‘રાસ્ત ગોફતાર’ એટલે કે સાચેસાચું કહેનાર. એમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લખાણ છપાતાં. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫ તારીખે એનો પહેલો અંક બહાર પડ્યો. આ બે વચ્ચે થયેલી સમજૂતીની ફક્ત ગણતરીની વ્યક્તિઓને જ ખબર હતી. દાદાભાઈ પછી કેખુશરો કાબરાજી ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી બનેલા, પણ તેમનેય આ હકીકતની જાણ નહોતી. છેક ઈ.સ. ૧૯૦૦માં લંડનની એક સભામાં દાદાભાઈનો પરિચય આપતાં તેમને ‘રાસ્ત ગોફતાર’ના માલિક-તંત્રી તરીકે ઓળખાવ્યા. ત્યારે પોતાના ભાષણમાં કાબરાજીની ભૂલ સુધારતાં દાદાભાઈએ સાચી હકીકત રજૂ કરી. ‘રાસ્ત ગોફતાર’ શરૂ થયા પછી થોડા જ દિવસમાં રમખાણોનો તો અંત આવી ગયો, પણ પારસીઓના અવાજને બુલંદપણે લોકો અને સરકાર સુધી પહોંચાડવાનું એનું કામ તો ચાલુ જ રહ્યું. ઉપરાંત એ વખતની સમાજસુધારાની ચળવળને પણ એણે મજબૂત ટેકો આપ્યો. ૧૮૫૫માં દાદાભાઈ ગ્રેટ બ્રિટન જઈને વસ્યા ત્યારે આ પત્ર ચલાવવા માટે આઠ સભ્યોની એક ‘સિન્ડિકેટ’ ઠરાવવામાં આવી. દાદાભાઈ ઉપરાંત એના સભ્યો હતા ખરશેદજી નસરવાનજી કામા, ખરશેદજી રુસ્તમજી કામા, ડોસાભાઈ ફરામજી કરાકા, નવરોજી ફરદુનજી, સોરાબજી શાપુરજી બંગાલી અને પેસ્તનજી રતનજી કોલા. ત્રણ વરસ પછી એમાં કરસનદાસ મૂલજીનું નામ ઉમેરાયું. ૧૮૫૨માં સમાજસુધારાને વરેલું પત્ર ‘સત્ય પ્રકાશ’ તેમણે શરૂ કર્યું હતું એ ૧૮૬૦માં ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું.

પોલીસ અને હુલ્લડખોરો બન્નેનો સંબંધ છે ન્યાયની અદાલત સાથે. મુંબઈની અદાલતો વિશેની કેટલીક વાતો હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK