મને મુંબઈ બહુ ગમે. મુંબઈ બધાને પ્રેમથી આવકારે, ગળે વળગાડે ને એને પોતાનામાં સમાવી લે. મુંબઈ જેવો સ્વભાવ દેશના બીજા એકેય શહેરમાં નથી
પ્રતીકાત્મક તસવીર
વાસીદાં વાળતાં-વાળતાં કામવાળી બાઈ વૉટ્સઍપ પર મેસેજ અપલોડ કરતી જોવા મળે એવા હાઇ-ફાઇ યુગમાં આપણે ઘાંઈ-ઘાંઈ કરતાં જીવી રહ્યા છીએ. સવાર પડતાં જ જાણે આખું મુંબઈ ઓવરબ્રિજ પર ભાગે અને સાંજ પડતાં અન્ડરબ્રિજમાંથી સરકતું નજરે ચડે. મુંબઈમાં જીવનારી વ્યક્તિને વૈરાગ્ય અને નિર્મોહીપણું સહજ ઉપલબ્ધ હોય છે. લોકલ ટ્રેનમાં નજર સામે કોઈ કપાઈ જાય તો ‘કટ ગયા સાલા’ આટલું બોલી બેફિકરાઈથી દરેક વ્યક્તિ પોતાની મંઝિલ ભણી ભાગે છે. આને નિર્મોહીપણું ન કહેવાય, લોકલની ગિરદીમાં ભીંસાઈ-ભીંસાઈ અને હડદોલાં ખાઈને મુંબઈગરાઓની અડધોઅડધ કુંડલિનીઓ એની મેળે જાગૃત થઈ ગઈ કહેવાય.
મુંબઈમાં રહેનારાઓ સંસારી હોવા છતાં સાધુ છે જ્યાં અવિરત અને અખંડ દોડવાનું જ હોય છે. વડાપાંઉથી વૉડકા સુધી મુંબઈના શહેરીજનો બધી જ વસ્તુઓને એકસરખી રીતે ચાહે છે. ૬:૪૨ની વિરાર લોકલના ડબ્બાથી માંડી રાત્રે ૩.૫૫ના છાનામાના ચાલતા ડાન્સ-બાર સુધી આ શહેર સતત વાઇબ્રન્ટ થતું રહે છે. ચંચળતા અને ઝનૂન મુંબઈ પાસેથી શીખવા જેવી વાત છે. આ શહેરમાં સ્લો પડવું એ જ મૃત્યુ છે. મને મુંબઈ ગમે છે, કારણ કે મુંબઈ બધાને પ્રેમ કરે છે. મુંબઈવાસીઓને વર્તમાનમાં જીવતાં મસ્ત આવડે છે. રોજની છૂટક જિંદગીથી લઈને બે બિયરનાં ટિન, સો ગ્રામ સિંગ-ચણા અને એક પાતળી ગર્લફ્રેન્ડ કે ફ્રેન્ડ લઈને ચોપાટીના દરિયાકાંઠે કે પછી સી-લિન્કના ખૂણે બાઇક ટેકવી ઊંધા ફરીને બેઠેલા અને રોજની જિંદગી રોજ જીવી લેતા મુંબઈગરા મેં નિહાળ્યા છે. બૉમ્બધડાકાના બીજા કલાકે શહેર દર્દ ખંખેરીને રી-ટ્યુન થઈ ધંધે ચડી શકે છે. મુંબઈમાં રહેતો હોય તેને બાબા રામદેવના કપાલભાતિ કે ભસ્ત્રિકા નથી કરવા પડતા. રોજ સવારે લોકલમાં ચડતી વખતે શ્વાસ રોકી એને ઊંડો લેવો જ પડે અને ગિરદીમાં અનુલોમ-વિલોમ ઑટોમૅટિકલી થઈ જાય. આમ મુંબઈગરાઓને કંપાવતી સહજ છે અને એટલે જ તેને કપાલભાતિ કરતાં દિવ્યાભારતીમાં વધુ રસ છે.
ADVERTISEMENT
મુંબઈવાસીને કોઈનાં ઉપવાસ-આંદોલનો બહુ અસર નથી કરતાં, કારણ કે ઈ આમેય દિવસમાં એક ટાઇમ જમવા માટે ટેવાયેલો છે. દુનિયા શું કરે છે એના કરતાં પોતાને શું કરવું છે એમાં જ મુંબઈવાસીને ઇન્ટરેસ્ટ છે એટલે તો કહું છું કે મુંબઈમાં માણસો નહીં, સાધુઓ રહે છે. આ શહેરના શહેરીજનો સહદેવની જેમ સ્થિતપ્રજ્ઞ અને મૌન છે, જે બધું જ જાણે છે પણ કોઈ પૂછે તો જ જવાબ આપે છે.
બોરીવલીમાં રહેતો મારો એક ભાઈબંધ મને એક મીટિંગ સંદર્ભે પાર્લા લઈ ગયો. ત્યાં એક કમર્શિયલ બિલ્ડિંગની નીચે સરસ બોર્ડ મેં વાંચ્યું. જો બિલ્ડિંગમાં આગ લાગે તો એના ફોટો વૉટ્સઍપ કે ફેસબુક પર અપલોડ કરવા રોકાવું નહીં, જીવ બચાવવા ભાગવું.
શું જમાનો આવ્યો છે, નજર સામે નદીમાં ડૂબતા માણસને કોઈ હવે બચાવતું નથી; પણ તેની લાસ્ટ મોમેન્ટ સુધીનો વિડિયો ઉતારી વૉટ્સઍપના ગ્રુપમાં બ્રેકિંગ ન્યુઝના નામે અપલોડ કરી આનંદ લે છે. એક માએ તો હમણાં તેના દીકરાને કહ્યું કે બેટા, તું વહુ ગમે એવી ગોતજે, પણ આ વૉટ્સઍપવાળી ન ગોતતો હોં! ઘરમાં બીજાં પણ કંઈક કામ હોય!
આપણી વાત છે મુંબઈ ૫૨. પાછો ટ્રૅક પર આવું તો મુંબઈવાસીઓ કોઈ સેલિબ્રિટીથી હિપ્નોટાઇઝ નથી થતા, કારણ કે આ શહેરે અમિતાભથી માંડી રણબીર કપૂરને સાઇકલથી મર્સિડીઝ સુધી પહોંચતા જોયા છે. મુંબઈ શહેર બૉલીવુડના કોઈ પણ સિતારાની બુલંદ કારકિર્દીનું તાજનું સાક્ષી છે.
સવારના સમયે બોરીવલી સ્ટેશન ૫૨ સૌરાષ્ટ્ર જનતામાંથી એક સારા ઘરનો દેખાવડો જુવાન બે બૅગ લઈને ઊતરે છે અને કૂલી ભાડે રાખે છે. ઈસ્ટમાંથી વેસ્ટમાં પહોંચતાં સુધીમાં કૂલી હળવેકથી ઈ જુવાનને પૂછે, ‘સાહેબ પહલી બાર મુંબઈ આએ હૈં?’
‘જી હા...’
જુવાન ટૂંકો જવાબ આવ્યો એટલે કૂલી બીજો સવાલ પૂછવાનું રોકી શક્યો નહીં.
‘નૌકરી-ધંદે કે લિએ?’
‘નહીં, મૈં ફિલ્મસ્ટાર બનને આયા હૂં.’
જુવાન ઠાવકાઈથી જવાબ આપે છે એટલે કૂલી ઊભો રહી ઊંડો શ્વાસ લઈ જુવાનને બહુ હૃદયસ્પર્શી જવાબ આપે છે.
‘સા’બ, મેરી માનો તો દૂસરી ગાડી સે ઘર વાપસ ચલે જાઓ...! દસ સાલ પહલે અપુન ભી ઇસ તરહા ઘર સે ભાગ કે ફિલ્મસ્ટાર બનને નિકલા થા...! સારી ઝિંદગી એક ફ્લૉપ ફિલ્મ બન કે રહ ગઈ.’
મુંબઈની તકલીફ જ ઈ કે આ શહેરમાં ઉ૫૨થી તો ક્યાંય તકલીફ દેખાતી નથી. કૅટરિનાના લીસા સપાટ હાથ અને ગાલ જેવા ઉપ૨થી લીસા ને સુંદર-સુંવાળા લાગતા આ શહેરે એ સુંદરતા મેળવવા કેટલા બ્લીચ કે મૅનિક્યૉર-પેડિક્યૉરના ઝટકા ખાધા હશે ઈ નો વન કૅન જજ.
ઘાટકોપરમાં એક મારો ભાઈબંધ ફિલ્મોનો ખૂબ શોખીન છે. તેના આખા ઘરમાં દેવી-દેવતાઓની જેમ ફિલ્મસ્ટારોનાં પોસ્ટરો ચોંટાડેલા છે. પોતાના ત્રણેય દીકરાની તેણે હમણાં મને ઓળખાણ કરાવી કે આ મારો મોટો દીકરો અમિતાભ બચ્ચન જેવો! આ બીજો નંબર અસલ શાહરુખ ખાન જેવો! આ ત્રીજો નંબર ડુપ્લિકેટ રણવીર સિંહ જેવો! સાંઈરામ, મારા છોકરા કેમ છે બાકી?
મારાથી ગળે થૂંક માંડ ઊતર્યું. મેં કહ્યું, ‘દીકરા ત્રણેય સારા, પણ આપણા છોકરા આપણા જેવા હોય ઈ વધારે સારું કહેવાય.’
મુંબઈમાં જીવવું એ એક નશો છે અને આવા તો હજારો પ્રકારના નશામાં લાખો લોકો અહીં મસ્ત જીવી રહ્યા છે. આમેય સાધુઓને વ્યસનની છૂટ હોય હોં!
(લેખક જાણીતા હાસ્યકલાકાર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણપદ્ધતિ સાથે સંકળાયેલા છે)

