Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંકુ છાંટી કંકોતરી મોકલો, લગન આવ્યાં ઢૂંકડાં

કંકુ છાંટી કંકોતરી મોકલો, લગન આવ્યાં ઢૂંકડાં

21 May, 2022 02:48 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

આજે તો લગ્નની ઉજવણી ધીખતો ધંધો બની ગયો છે, પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની

વીસમી સદીની શરૂઆત: કુટુંબની સ્ત્રીઓ સાથે વરરાજા

વીસમી સદીની શરૂઆત: કુટુંબની સ્ત્રીઓ સાથે વરરાજા


કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનનાં માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
મે મહિનો એટલે કેરીગાળો, મુસાફરીગાળો અને લગનગાળો. આજે તો લગ્નની ઉજવણી ધીખતો ધંધો બની ગયો છે પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની. જુવાન હૈયાંને પ્રેમ તો એ વખતે પણ થઈ જતો પણ એનું પરિણામ લગ્નમાં ભાગ્યે જ આવતું; કારણ કે એ વખતે લગ્ન બે વ્યક્તિનાં નહીં, બે કુટુંબનાં થતાં. એટલે વડીલો નક્કી કરે ત્યાં આંખ મીંચીને પરણી જવાનું. પછી આંખ ખૂલે તો ખૂલે. 
૧૯૦૯માં જન્મેલા આપણા પ્રતિષ્ઠિત સર્જક ગુલાબદાસ બ્રોકરનાં લગ્ન ૧૯ વરસની ઉંમરે ૧૭ વરસની છોકરી સુમન સાથે થયેલાં. વર્ષો પછી આ વિશે ગુલાબદાસભાઈ લખે છે : ‘એ દિવસોમાં પરણ્યા પહેલાં માણસથી પોતાની પત્ની બનનાર કન્યા સાથે વાતચીત પણ ન કરાય. તો એને મળાય તો ક્યાંથી?... ત્યારે ધોળા જંક્શન પર પોરબંદરથી મુંબઈ જતી ગાડી બદલવી પડતી. ત્યાં ખાસ્સો સમય રોકાવું પણ પડતું. હું ધોળાના પ્લૅટફૉર્મ પર આંટા મારી રહ્યો હતો ત્યાં મારી ઓચિંતી નજર ગઈ. પ્લૅટફૉર્મ પરના નળ પર સુમન પાણી ભરી રહી હતી. મારી નજર ઓચિંતી જ ગઈ. એની પણ ઓચિંતી જ ઊંચી થઈ. એની એ નજરમાં મને જોતાંવેંત જે આનંદ ઊભરાયો! આજુબાજુ જોઈ કોઈ નથી એની ખાતરી કરી લઈ તેણે મારી સામે જોયે રાખ્યું, મેં તેની સામે. બોલવાની હિંમત ન ચાલી પણ એ બે પળ જે નિર્બાધ રીતે એકબીજાની સામે જોવાઈ ગયું!’
એ વખતે લગ્નની બધી તૈયારીના કૉન્ટ્રૅક્ટ અપાતા નહીં. એવું થઈ શકે એવું કોઈએ વિચાર્યુંય નહોતું. બધું કામ ઘરે થાય, બને ત્યાં સુધી ઘરનાં દ્વારા જ થાય. ત્રણ-ચાર મહિના પહેલાંથી તૈયારી શરૂ થઈ જાય. વડી-પાપડ કરવામાં આડોશ-પાડોશની બધી સ્ત્રીઓ સાથે જ હોય. મધ્યમ વર્ગના ઘરમાં ભલે થોડુંઘણું, પણ વારસાગત સોનું હોય. ત્યારે આજ જેવાં રોકાણનાં સાધનો નહીં અને જે હતાં એમાં લોકોને ઝાઝો વિશ્વાસ નહીં. એટલે બચતનું રોકાણ સોના-ચાંદીમાં. મોતીમાં નહીં, કારણ કે કહેવત પ્રચલિત હતી : ‘મોતીની મા રોતી.’ વિશ્વાસુ સોનીને ઘરે બોલાવીને જૂના દાગીના ભાંગીને એમાંથી નવા બનાવવાની વર્દી અપાય. ૧૯૨૨થી ૧૯૩૦ સુધી ૨૪ કૅરેટના એક તોલો (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ ૨૦-૨૧ રૂપિયાનો રહ્યો હતો. એટલે જરૂર પડ્યે મધ્યમ વર્ગનું કુટુંબ પણ બે-પાંચ તોલા સોનું ખરીદી શકતું. 
પછી આવે કપડાંલત્તાનો વારો. ફરી જૂનો ને જાણીતો દરજી ઘરે બેસે. સ્ત્રી, પુરુષ, બાળકો, બધાંનાં કપડાં સીવી આપે. સાડીઓ માટે દુકાનદારનો માણસ સાડીનાં પોટલાં લઈને ઘરે આવે. એક પછી એક સાડી બતાવે. ભાવ પુછાય. રકઝક થાય. લેવાની સાડીઓની થપ્પી બાજુએ મુકાતી જાય. અગાઉની સારી, પહેરી શકાય એવી સાડીઓ ‘રોલિંગ’ માટે અપાય. જતાં-જતાં એકાદ સાડી હાથમાં મૂકીને કહે : ‘આ સાડી બહેનને અમારા તરફથી ભેટ આપજો.’ 
પછી ઘર ધોળાવાય. આજના જેવા જાતભાતના મોંઘાદાટ રંગો ત્યારે નહીં. જાડા ઝાડુ જેવા કૂચડાથી દીવાલો પર ધોળો કે પીળો રંગ થાય. ધોળા રંગ માટે ચૂનો વપરાય. એમાં થોડી પીળી માટી ઉમેરો એટલે રંગ પીળો. બારસાખ લીલા ઑઇલ પેઇન્ટથી રંગીને એના પર રાતાં-ધોળાં ફૂલની ડિઝાઇન કરાય. જમવા માટેના લાકડાના પાટલા લાલ રંગે રંગાય. એ વખતે બીજો એક રિવાજ. દીવાલો રંગ્યા પછી એના નીચેના અઢી-ત્રણ ફુટના ભાગ પર સળંગ ઑઇલ પેઇન્ટનો અલગ રંગનો પટ્ટો રંગાય, જેને ડેડો કહેતા. શોભા તો વધે, પણ સાધારણ રીતે નીચલો ભાગ જલદી મેલો થાય એ ઑઇલ પેઇન્ટ હોવાથી ભીના કપડાથી સાફ કરી શકાય. 
પછી વારો આવે લાકડાના ફર્નિચરનો. એને માટે પણ વહોરાજી પૉલિશનાં ડબલાં લઈને ઘરે આવે. કાળો, લાલ, બ્રાઉન એવા ગણતરીના રંગ. પહેલાં સૅન્ડ પેપરથી ઘસીને ફર્નિચર પરનો જૂનું પૉલિશ કાઢી નખાય. પછી નવા પૉલિશનું પોતું ફેરવાય. સુકાય પછી બીજો હાથ ફેરવાય. પ્રાઇમસ સળગાવવા માટે વપરાતો એવો કાકડો સળગાવી તાજા પૉલિશ પર જરા દૂરથી ફેરવાય. એમ કરવાથી ચમક વધુ આવે એમ કહેવાતું. 
એ વખતે એક તો ફાઇવસ્ટાર હોટેલો મુંબઈમાં પણ આંગળીને વેઢે ગણાય એટલી પણ લગ્ન હોટેલમાં થઈ શકે એવો તો કોઈને વિચાર સુધ્ધાં ન આવે. ઘરની બહાર માંડવો બંધાય એટલી જગ્યા મુંબઈમાં એ વખતે પણ ભાગ્યે જ હોય. એટલે લગ્ન માટે વાડી નોંધાવવાનું કામ કુટુંબના મોટેરાને સોંપાય. એ વખતે ઘણી જ્ઞાતિઓની વાડી હતી મુંબઈમાં. મોટા ઓરડા અને ખુલ્લી જગ્યા તો ખરી જ પણ સાથે પાંચ-દસ રૂમ પણ હોય બહારગામના મહેમાનોને ઉતારો આપવા માટે. એમાં ગાદલાં-ગોદડાં પણ હોય. પાણી ભરવા માટે, રસોઈ કરવા માટે વાસણો હોય. આજની ભાષામાં સેલ્ફ-સફિશિયન્ટ વ્યવસ્થા. ભાડું એકદમ માફકસરનું, મધ્યમ વર્ગને પોસાય એવું. ઘણી વાડીમાં બે ભાગ હોય : એક નાનો, બીજો મોટો. મોટો ભાગ હંમેશાં કન્યા પક્ષને ભાડે અપાય. વર પક્ષને અપાય નાનો ભાગ; કારણ કે ઘણીખરી વિધિ તો કન્યાવાળાને ત્યાં થાય. જાન આવે ત્યારે ઘણા લોકોને બેસવાની વ્યવસ્થા પણ કરવી પડે. એ માટે લાઇનબંધ ગાદલાં મૂકી ઉપર સફેદ ચાદરો પાથરી દેવાય. બન્ને પક્ષ જુદી-જુદી વાડી નોંધાવે એવું પણ બને. એ વખતે ‘કેટરર્સ’નું નામ કોઈએ સાંભળ્યું નહોતું. જ્ઞાતિના જે પાંચ-સાત રસોઇયા કે ‘મહારાજ’ હોય તેમને ખાવાપીવાની વ્યવસ્થા સોંપાય. સીધામાં શું-શું જોઈશે, કેટલું જોઈશે, એ નક્કી થાય અને દાણાવાળા અને શાકવાળાને ઑર્ડર આપી દેવાય. 
વાડી પછી વરઘોડાની તૈયારી. એમાં વર કરતાંય વધુ મહત્ત્વનો ઘોડો. એટલે પહેલાં ઘોડો ‘બુક’ કરવો પડે. વરઘોડાના ‘ટેમ’ પહેલાં દોઢ-બે કલાકની વરદી અપાય. એ વખતે મુંબઈમાં મોટરો તો માલેતુજારના ઘરે જ હોય. અને ભાડાની મોટર કરતાં ઘોડો વાપરવાનું વલણ. પછી વારો બૅન્ડ-વાજાંનો. બ્રાસ બૅન્ડનો જમાનો. લાલ યુનિફૉર્મ પહેરેલા બૅન્ડવાળા. સૌથી આગળ પિત્તળનાં ભૂંગળાવાળા બે બજવૈયા. પછી મોટું પડઘમ, ફ્લૂટ કે ક્લેરોનેટ. પિત્તળના ચમકતા ઝાંઝવાળા. પાંચ, સાત, અગિયાર, પંદર બજવૈયા – જેટલો ગોળ નાખો એટલું વધુ ગળ્યું. જેને બૅન્ડનો ખરચ ન પોસાય તે ‘તડતળિયાં’વાળાને બોલાવે. ચાર-પાંચ જણ જુદી-જુદી જાતનાં ઢોલ-ત્રાંસા, નગારાં લઈને આવે અને તાલની ધમધમાટી બોલાવી દે. 
વરઘોડો મોટા ભાગે સાંજે જ નીકળે. એટલે સાથે ‘કિટસન’ લાઇટ જરૂરી. એમાં કેરોસીન વપરાય અને એક હજારથી બે હજાર કૅન્ડલ જેટલું લાઇટ આપે. એનાં નાનાં-નાનાં ઝુમ્મર માથે મૂકીને મજૂરણ બાઈઓ વરઘોડાની બન્ને બાજુ ચાલે, પરસેવે રેબઝેબ. વરઘોડાને અંતે આવી જ લાઇટનો રંગબેરંગી કળા કરતો મોર હોય, જે માથે ઉપાડવા માટે ત્રણ-ચાર બાઈઓની જરૂર પડે. બધી તૈયારી પૂરી થવા આવે એટલે ઘરની કોઈ જવાબદાર વ્યક્તિ નજીકના પોલીસ-સ્ટેશને જઈને વરઘોડો કાઢવા માટેની પરમિશન માટે અરજી આપી આવે. 
આ બધી તૈયારીની સાથોસાથ કંકોતરી લખવાની તૈયારી શરૂ થાય. પોતાને બહુ ભણેલા માનતા હોય તેઓ ‘કુમકુમ પત્રિકા’ શબ્દો વાપરે. એ વખતે મોટાં સંયુક્ત કુટુંબો. દર બે-પાંચ વરસે કોઈ ને કોઈનાં લગ્ન લેવાય. એટલે એક મોટો ચોપડો ઘણાખરા ઘરમાં હોય. એમાં જેમને જેમને કંકોતરી મોકલવાની તેમનાં નામ સરનામાં તો હોય જ પણ સાથે લગ્નમાં કેટલો ચાંદલો કરેલો એ પણ નોંધ્યું હોય. નામ-સરનામાંની યાદીની જેમ કંકોતરીના લખાણનો ખરડો (ડ્રાફ્ટ) પણ તૈયાર જ હોય. વર-વધૂનાં નામ બદલવાનાં હોય. કંકોતરી છપાવવાનો ચાલ તો પછી આવ્યો. પહેલાં તો દરેક કંકોતરી હાથે લખાતી. એ માટે બજારમાંથી લાલ શાહીનો ખડિયો, ટાંકવાળાં ત્રણ-ચાર હોલ્ડર, સફેદ કે આછા ગુલાબી કાગળનું પૅકેટ, બ્લોટિંગ પેપર વગેરે સારો દિવસ જોઈ ખરીદાતું. રાતે જમીપરવારીને કુટુંબના ત્રણ-ચાર જણ કંકોતરી લખવા બેસે : ‘જત લખવાનું કે શ્રી રણછોડરાયની (કે જે કોઈ કુટુંબના ઇષ્ટદેવ હોય તેમની) કૃપાથી અમારી દીકરી સૌભાગ્યકાંક્ષિણી ચિ. રમાનાં લગ્ન’... મુખ્ય લખાણ પછી જુદા-જુદા માંગલિક પ્રસંગોની વિગતો હોય. અને પછી હોય કુટુંબના વડીલોનાં નામનો લાંબો હારડો. મા-બાપ, ભાઈ-બહેન ઉપરાંત કાકાકાકી, મામામામી, માસામાસી, ફોઈફુઆ, જમાઈઓ વગેરેનાં નામ લાઇનબંધ લખ્યાં હોય. જેમને કંકોતરી ટપાલમાં મોકલવાની હોય તેમની કંકોતરીમાં છેલ્લું વાક્ય ઉમેરવામાં આવે : ‘આ કંકોતરીને રૂબરૂ મળ્યાતુલ્ય માનીને મંગળ પ્રસંગોએ ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી છે.’ પછી કંકોતરી છપાવવાનો ચાલ શરૂ થયો પણ આજના જેવી જાતભાતની નહીં. જાડા સફેદ કાર્ડ પર છાપેલું લખાણ. પ્રેસ પાસે સ્વસ્તિક, ગણેશ, રાધાકૃષ્ણ, વગેરેના તૈયાર બ્લૉક હોય એમાંથી એક મૂકીને નીચે લખાણ છપાય. 
અને હા, ચાંદલો કે ભેટ લેવામાં નહીં આવે એવા મતલબની સૂચના ક્યારેય લખાતી નહીં. ચાંદલો કે ભેટની લેવડદેવડ સ્વાભાવિક ગણાતી. હા, ચાંદલો કરવાનો હોય બે, પાંચ, સાત કે અગિયાર રૂપિયાનો. કોઈ પચીસ રૂપિયા કરે તો-તો અધધધ ચાંદલો કર્યો એમ કહેવાતું. નજીકનાં સગાં કુટુંબના વડીલને પૂછીને વરવહુને જરૂરી હોય એવી કોઈ વસ્તુ ભેટ આપતાં. પણ સાથોસાથ ‘શુકન’નો ચાંદલો પણ આપતા. રોકડા રૂપિયા કવરમાં મૂકીને આપવાનો ચાલ હજી આવ્યો નહોતો. લગ્ન વખતે બન્ને પક્ષના ‘ચાંદલો લખવાવાળા’ મંડપમાં બેઠા હોય. તેમની પાસે જઈને રૂપિયા આપીને નામ લખાવાતું. આવતા અઠવાડિયે ફરી મળીશું ચાંદલામાં આપવા માટે કડકડતી નવી નોટો સાથે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 02:48 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK