Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આહ મુંબઈ, વાહ મુંબઈ

આહ મુંબઈ, વાહ મુંબઈ

19 March, 2023 12:39 PM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

રૂડું, રૂપાળું અને સુંવાળું મુંબઈ કોઈને પણ લપસાવવામાં એક્સપર્ટ છે, પણ કોઈ જાણતું નથી કે રૂડા-રૂપાળા અને સુંવાળા થવા કેટકેટલા મૅનિક્યૉર ને પેડિક્યૉરના ઝાટકા એણે સહન કર્યા છે

આહ મુંબઈ, વાહ મુંબઈ લાફ લાઇન

આહ મુંબઈ, વાહ મુંબઈ


વાસીદાં વાળતાં-વાળતાં કામવાળી બાઈ વૉટ્સઍપ પર મેસેજ અપલોડ કરતી જોવા મળે એવા હાઇ-ફાઇ યુગમાં આપણે ઘાઈ-ઘાઈ કરતા જીવી રહ્યા છીએ. સવાર પડતાં જ જાણે આખું મુંબઈ ઓવરબ્રિજ પર ભાગે અને સાંજ પડતાં અન્ડરબ્રિજમાંથી સરકતું નજરે ચડે. મુંબઈમાં જીવનારી વ્યક્તિને વૈરાગ્ય અને નિર્મોહીપણું સહજ ઉપલબ્ધ હોય છે. લોકલ ટ્રેનમાં નજર સામે કોઈ કપાઈ જાય તો ‘કટ ગયા સાલા’ આટલું બોલીને બેફિકરાઈથી દરેક વ્યક્તિ પોતાની મંઝિલ ભણી ભાગે છે. આને નિર્મોહીપણું ન કહેવાય, લોકલની ગિરદીમાં ભીંસાઈ-ભીંસાઈને અને હડદોલા ખાઈને મુંબઈગરાઓની અડધોઅડધ કુંડલિનીઓ એની મેળે જાગૃત થઈ ગઈ કહેવાય.

મુંબઈમાં રહેનારાઓ સંસારી હોવા છતાં સાધુ છે, જ્યાં અવિરત અને અખંડ દોડવાનું જ હોય છે. કર્મ કરો અને ફળની આશા ન રાખો એ ગીતાનું સૂત્ર હતું. મુંબઈમાં અમુક લોકો એવા પણ છે જેમણે આ સૂત્ર બદલાવી નાખ્યું છે. કુકર્મ કરો અને ફળ ગામને પધરાવી દો! વડાપાંઉથી વૉડકા સુધી મુંબઈના શહેરીજનો બધી જ વસ્તુઓને એકસરખી રીતે ચાહે છે. ૬.૪૨ની વિરાર લોકલના ડબ્બાથી માંડીને મધરાત્રે ૨.૫૫ના છાનામાના ચાલતા ડાન્સ-બાર સુધી આ શહેર સતત વાઇબ્રન્ટ થતું રહે છે. ચંચળતા અને ઝનૂન મુંબઈ પાસેથી શીખવા જેવી વાત છે. આ શહેરમાં સ્લો પડવું એ જ મૃત્યુ છે. મને મુંબઈ ગમે છે, કારણ કે મુંબઈ બધાને પ્રેમ કરે છે. મુંબઈવાસીઓને વર્તમાનમાં જીવતાં મસ્ત આવડે છે. રોજની છૂટક જિંદગીથી લઈને બિયરનાં બે ટિન, સો ગ્રામ સિંગ-ચણા અને એક પાતળી ગર્લફ્રેન્ડ કે ફ્રેન્ડ લઈને ચોપાટીના દરિયાકાંઠે કે પછી સી-લિન્કના ખૂણે બાઇક ટેકવી ઊંધા ફરીને બેઠેલા અને રોજની જિંદગી રોજ જીવી લેતા મુંબઈગરા મેં નિહાળ્યા છે. બૉમ્બધડાકાના બીજા કલાકે શહેર દર્દ ખંખેરી ફરી રી-ટ્યુન થઈને ધંધે ચડી શકે છે. મુંબઈમાં રહેતો હોય તેને બાબા રામદેવની કપાલભાતિ કે ભસ્ત્રિકા નથી કરવી પડતી. રોજ સવારે લોકલમાં ચડતી વખતે શ્વાસ રોકી એને ઊંડો લેવો જ પડે અને ગિરદીમાં અનુલોમ-વિલોમ ઑટોમૅટિકલી થઈ જાય. આમ મુંબઈગરાઓને કંપાવતિ સહજ છે અને એટલે જ તેમને કપાલભાતિ કરતાં દિવ્યા ભારતીમાં વધુ રસ છે.મુંબઈવાસીને કોઈનાં ઉપવાસ-આંદોલનો બહુ અસર નથી કરતાં, કારણ કે ઈ આમેય દિવસમાં એક ટાઇમ જમવા માટે ટેવાયેલો છે. દુનિયા શું કરે છે એના કરતાં પોતાને શું કરવું છે એમાં જ મુંબઈવાસીને ઇન્ટરેસ્ટ છે. એટલે તો કહું છું કે મુંબઈમાં માણસો નહીં, સાધુઓ રહે છે. આ શહેરના શહેરીજનો સહદેવની જેમ સ્થિતપ્રજ્ઞ અને મૌન છે, જે બધું જ જાણે છે પણ કોઈ પૂછે તો જ જવાબ આપે છે.
બોરીવલીમાં રહેતો મારો એક ભાઈબંધ મને એક મીટિંગ સંદર્ભે પાર્લા લઈ ગયો. ત્યાં એક કમર્શિયલ બિલ્ડિંગની નીચે સરસ બોર્ડ મેં વાંચ્યું. જો બિલ્ડિંગમાં આગ લાગે તો એના ફોટો વૉટ્સઍપ કે ફેસબુક પર અપલોડ કરવા રોકાવું નહીં, જીવ બચાવવા ભાગવું.


શું જમાનો આવ્યો છે? નજર સામે નદીમાં ડૂબતા માણસને કોઈ હવે બચાવતું નથી, પણ તેની લાસ્ટ મૂવમેન્ટ સુધીનો વિડિયો ઉતારી વૉટ્સઍપના ગ્રુપમાં બ્રેકિંગ ન્યુઝના નામે અપલોડ કરીને આનંદ લે છે. એક માએ તો હમણાં તેના દીકરાને કહ્યું, ‘બેટા, તું વહુ ગમે એવી ગોતજે, પણ આ વૉટ્સઍપવાળી ન ગોતતો હોં! ઘરમાં બીજાં પણ કંઈક કામ હોય!’

આપણી વાત છે મુંબઈ ૫૨. પાછો ટ્રૅક પર આવું તો મુંબઈવાસીઓ કોઈ સેલિબ્રિટીથી હિપ્નોટાઇઝ નથી થતા, કારણ કે આ શહેરે અમિતાભથી માંડી રણબીર કપૂરને સાઇકલથી મર્સિડીઝ સુધી પહોંચતા જોયા છે. મુંબઈ શહેર બૉલીવુડના કોઈ પણ સિતારાની બુલંદ કારકિર્દીનું તાજનું સાક્ષી છે.


સવારના સમયે બોરીવલી સ્ટેશન ૫૨ સૌરાષ્ટ્ર જનતામાંથી એક સારા ઘરનો દેખાવડો જુવાન બે બૅગ લઈને ઊતરે છે અને કૂલી ભાડે રાખે છે. ઈસ્ટમાંથી વેસ્ટમાં પહોંચતાં સુધીમાં કૂલી હળવેકથી ઈ જુવાનને પૂછે, ‘સાહબ, પહલી બાર મુંબઈ આએ હૈં?’
‘જી હા...’ 
જુવાનનો ટૂંકો જવાબ આવ્યો એટલે કૂલી બીજો સવાલ પૂછવાનું રોકી શક્યો નહીં...
‘નોકરી-ધંધે કે લિએ?’ 
‘નહીં, મૈં ફિલ્મસ્ટાર બનને આયા હૂં.’ 
જુવાન ઠાવકાઈથી જવાબ આપે છે એટલે કૂલી ઊભો રહી ઊંડો શ્વાસ લઈને જુવાનને બહુ હૃદયસ્પર્શી જવાબ આપે છે... 
‘સા’બ, મેરી માનો તો દૂસરી ગડ્ડી સે ઘર વાપસ ચલે જાઓ...! દસ સાલ પહલે અપુન ભી ઇસ તરહ સે ઘર સે ભાગ કે ફિલ્મસ્ટાર બનને નિકલા થા...! સારી જિંદગી એક ફ્લૉપ ફિલ્મ બન કે રહ ગઈ.’
મુંબઈની તકલીફ જ ઈ કે આ શહેરમાં ઉ૫૨થી તો ક્યાંય તકલીફ દેખાતી નથી. કૅટરિનાના લીસા-સપાટ હાથ અને ગાલ જેવા ઉપ૨થી લીસા ને સુંદર-સુંવાળા લાગતા આ શહેરે એ સુંદરતા મેળવવા કેટલા બ્લીચ કે મૅનિક્યૉર-પેડિક્યૉરના ઝટકા ખાધા હશે ઈ નો વન કૅન જજ.
અરે હા, કૅટરિનાથી યાદ આવ્યું. કૅટરિનાના એક અનન્ય ચાહકે કૅટરિનાના નામનું છૂંદણું હાથમાં છૂંદાવવાનું નક્કી કર્યું, પણ કરમ તેનાં એવાં કે KATRINAના સ્પેલિંગમાં ભૂલ થઈ ને KUTRINA (કૂતરીના) લખાઈ ગયું! 
ઘાટકોપરમાં મારો એક ભાઈબંધ ફિલ્મોનો ખૂબ શોખીન છે. તેના આખા ઘરમાં દેવી-દેવતાઓની જેમ ફિલ્મસ્ટારોનાં પોસ્ટરો ચોંટાડેલાં છે. પોતાના ત્રણેય દીકરાની તેણે હમણાં મને ઓળખાણ કરાવી કે આ મારો મોટો દીકરો અમિતાભ બચ્ચન જેવો! આ બીજો નંબર અસલ શાહરુખ ખાન જેવો! આ ત્રીજો નંબર ડુપ્લિકેટ રણવીર સિંહ જેવો! સાંઈરામ, મારા છોકરા કેમ છે બાકી?
મારાથી ગળે થૂંક માંડ ઊતર્યું. મેં કહ્યું, ‘દીકરા ત્રણેય સારા, પણ આપણા છોકરા તો આપણા જેવા હોય ઈ વધારે સારું કહેવાય.’ 
મુંબઈમાં જીવવું એ એક નશો છે અને આવા તો હજારો પ્રકારના નશામાં લાખો લોકો અહીં મસ્ત જીવી રહ્યા છે. આમેય સાધુઓને વ્યસનની છૂટ હોય હોં!

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 12:39 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK