° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


ક્લાયમેટ ચૅન્જ : સ્વર્ગ અને નરકના ત્રિભેટે ઊભેલી દુનિયા

27 November, 2022 02:30 PM IST | Mumbai
Raj Goswami

શર્મ અલ-શેખની કૉન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતિ તરીકે ૧૯૦ દેશો ‘લૉસ ઍન્ડ ડૅમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે.

પ્રતીકાત્મક તસવીર ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર

એ અનુસાર ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનને કારણે આવનારી પ્રાકૃતિક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકસાન ભરપાઈ કરવા માટે ધનિક દેશો વૈશ્વિક ફન્ડ ઊભું કરવા સહમત થયા છે. આ ક્રાન્તિકારી જોગવાઈ છે

સામાજિક કાર્યકરો કહે છે કે તાપમાન વધવાનું કારણ કાર્બનની પેદાશ છે અને એ સૌથી વધુ જીવાશ્મ ઈંધણમાંથી આવે છે, એટલે એનો ઉપયોગ ન ઘટે તો વૈશ્વિક તાપમાનને રોકવું શક્ય નથી. તાપમાન જો ૧.૫ ડિગ્રીથી આગળ જાય તો ગંભીર પરિણામ આવી શકે છે.

અમેરિકાની એક યુનિવર્સિટીમાં ફિલોસૉફીના પ્રોફેસર જ્યૉર્જ જેમ્સ એક વાર ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લામાં રહેતા ‘ચિપકો’ અાંદોલનના પ્રણેતા (જેમાં વૃક્ષને કપાતું બચાવવા માટે એને વળગીને ઊભા રહી જવાનું) સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યા હતા. પ્રોફેસરે તેમને પૂછ્યું કે ‘મને જીવનની ફિલોસૉફી અને જીવનની ગતિવિધિઓ પાછળની પ્રકૃતિની ફિલોસૉફીમાં રસ છે. પર્યાવરણ માટે લડવાની પ્રેરણા તમને શેમાંથી મળે છે?’

‘મારું સમગ્ર ચિંતન’ સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, ‘ત્રણ ‘એ’ અને પાંચ ‘એફ’ પર ટકેલું છે. પહેલો ‘એ’ ઑસ્ટેરિટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો ‘એ’ એટલે ઑલ્ટરનેટિવ (વિકલ્પ). કરકસર શક્ય ન હોય તો વિકલ્પો શોધવા જોઈએ. ત્રીજો ‘એ’ અફોરસ્ટેશન (વનીકરણ) માટે છે. પાંચ ‘એફ’ આપણા જીવન માટે અનિવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે; ફૂડ (ખોરાક), ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઈંધણ), ફર્ટિલાઇઝર (ખાતર) અને ફાઇબર (રેસા).’ 

પ્રોફેસરે તો એ પછી સુંદરલાલ સાથે વર્ષો સુધી નિયમિત વાતો કરી હતી. એમાંથી ૨૦૧૩માં એક સુંદર પુસ્તક આવ્યું, જેનું નામ હતું ‘ઇકોલૉજી ઇઝ પર્મનન્ટ ઇકૉનૉમી (પર્યાવરણ કાયમી અર્થતંત્ર છે). સુંદરલાલ વર્ષોથી કહેતા આવ્યા હતા કે પર્યાવરણનું તંત્ર દેશના અર્થતંત્રથી ઓછું મહત્ત્વનું નથી, બલકે પર્યાવરણ હશે તો અર્થતંત્ર હશે. આજે દુનિયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરિયાઓની વધતી સપાટી અને આત્યંતિક હવામાન વિશ્વના દેશોની સંપત્તિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદનક્ષમતાને હાનિ પહોંચાડી રહ્યું છે. પરિણામે એની અસર અર્થતંત્ર પર પડી રહી છે.

માણસની એક તાસીર છે, એને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટૂંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હાનિકારક હોય છે, છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવિષ્યમાં થવાનું છે, પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીઓ વ્યસન નથી છોડી શકતા એનું કારણ જ એ છે કે તેમને એક સિગારેટ કે દારૂના એક પેગમાં નુકસાન નથી દેખાતું. ‘આજે પી લઉં, કાલે છોડી દઈશ’ એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડૉક્ટરના શરણે જવાનો વારો આવે ત્યારે મોડું થઈ ગયું હોય છે.

કંઈક આવું જ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં થઈ રહ્યું છે. દાયકાઓથી પૂરી દુનિયામાં એનું એટલું નુકસાન થઈ રહ્યું છે છતાં માનવજાત પાસે ન તો એને લઈને ગંભીર ચિંતા છે કે ન કોઈ નક્કર સમાધાન.

આ સંદર્ભમાં આ અઠવાડિયે શર્મ અલ-શેખ (ઇજિપ્ત)માં મળી ગયેલી ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરસ (COP27 - કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ઑફ ધ યુએનએફસીસીસી), જળવાયુ પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં સીમાચિહ્‍નરૂપ સાબિત થવાની છે. એમાં ૧૯૦ દેશોના ૯૦ વડાઓ અને ૩૫,૦૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. આ કૉન્ફરન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘની નિશ્રામાં ૧૯૯૨થી કાર્યરત છે. આ કૉન્ફરન્સની રચના પૃથ્વી પર વિવિધ માનવીય પ્રવૃ ત્ત િઓમાં ઈંધણ બળવાથી પેદા થતા ગ્રીનહાઉસ ગૅસ ઍમિશન પર કાબૂ મેળવવા માટે કરવામાં આવી હતી.

શર્મ અલ-શેખની કૉન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતિ તરીકે ૧૯૦ દેશો ‘લૉસ ઍન્ડ ડૅમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે. એ અનુસાર ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનને કારણે આવનારી પ્રાકૃતિક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકસાન ભરપાઈ કરવા માટે ધનિક દેશો વૈશ્વિક ફન્ડ ઊભું કરવા સહમત થયા છે. આ ક્રાન્તિકારી જોગવાઈ છે. વૈશ્વિક અર્થતંત્રની ખરાબ હાલત છે અને રશિયા-યુક્રેન યુદ્ધે નવા પડકાર ઊભા કર્યા છે છતાં તમામ દેશો એક થઈને ભાવિ આપદામાં કરોડો લોકોની મદદે આવવા તૈયાર થયા છે.

કૉન્ફરન્સની નિષ્ફળતા એ છે કે જીવાશ્મ ઈંધણ (ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ બંધ કરવાના લક્ષ્ય પર સમજૂતી ન થઈ શકી. આરોપ એવો છે કે ઈંધણના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓએ બહુ મોટું લૉબિંગ કર્યું હતું અને એમાં એ સફળ નીવડી હતી. ઔદ્યોગિક ક્રાન્તિની શરૂઆતમાં પૃથ્વીનું તાપમાન જેટલું હતું એને ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવા ન દેવાનો આ કૉન્ફરન્સમાં ફરીથી સંકલ્પ લેવાયો હતો, પરંતુ સામાજિક કાર્યકરો કહે છે કે તાપમાન વધવાનું કારણ કાર્બનની પેદાશ છે અને એ સૌથી વધુ જીવાશ્મ ઈંધણમાંથી આવે છે, એટલે એનો ઉપયોગ ન ઘટે તો વૈશ્વિક તાપમાનને રોકવું શક્ય નથી. તાપમાન જો ૧.૫ ડિગ્રીથી આગળ જાય તો એનાં ગંભીર પરિણામ આવી શકે છે.

વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન માત્ર ૨.૨ ટન છે, જે એની સમકક્ષ દેશો જેવા કે અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતાં ઘણું ઓછું છે. ઉત્સર્જન રિપોર્ટ ૨૦૨૨ અનુસાર ભારત સહિતના પ્રમુખ દેશો જેમ કે ચીન, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક છે. 

જળવાયુ પરિવર્તનની ભારત પર ગંભીર અસરનું અનુમાન છે. આઇઆઇટી-ગાંધીનગરના એક રિસર્ચ પ્રમાણે ભારતમાં ગરમીની મોસમમાં લૂ અને ચોમાસામાં પૂર આવવા જેવી ઘટનાઓમાં ઘણો વધારો થવાની શક્યતા છે. એક અન્ય રિપોર્ટ અનુસાર પૂરા વિશ્વમાં ૨૦૧૫થી ૨૦૨૨નાં વર્ષ ઘણાં ગરમ રહ્યાં હતાં અને આવનારાં વર્ષોમાં ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં એની વરવી અસર જોવા મળશે. પાકિસ્તાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં રેકૉર્ડતોડ ગરમી હતી, જેને પગલે એની ખેતી ખરાબ થઈ ગઈ હતી અને એણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. એવી જ રીતે ભારતે ચોખાની નિકાસ અટકાવી હોવાથી આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારમાં જોખમ ઊભું થયું છે.

આ કારણોથી જ ભારત આંતરરાષ્ટ્રીય જળવાયુ કૉન્ફરન્સોમાં ઘણું સક્રિય છે, જેમ કે શર્મ અલ-શેખમાં ભારત એ બાબતે અગ્રેસર હતું કે કાર્બન ઉત્સર્જનને લઈને કોઈ સમજૂતી સધાય, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશ કાનૂની પેચમાં ફસાવા માગતા નથી એટલે વિરોધ કરે છે. ડોનલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના જૈર બોલસોનારો જેવા નેતાઓ તો જળવાયુ પરિવર્તનને ગપગોળો ગણે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે ૧૯૨ દેશોએ કરેલી પૅરિસ સંધિમાંથી ટ્રમ્પ વખતે અમેરિકા ખસી પણ ગયું હતું.

ભારતમાં ૨૦૨૧ની સરખામણીમાં કોલસા અને તેલની ખપતમાં ૬ ટકાનો વધારો થયો છે, જ્યારે સૌથી વધુ કાર્બન પેદા કરતા દેશ ચીનમાં ગયા વર્ષમાં ઉત્સર્જનનો દર એક ટકો ઘટ્યો છે. ત્યાં કોલસાની ખપતમાં પણ વધારો થયો નથી. વૈજ્ઞાનિકો કહે છે કે કોલસાને કારણે થતા ઉત્સર્જનમાં એક ટકાનો પણ વધારો થશે તો એ એક રેકૉર્ડ હશે. 

વિશ્વમાં હજી પણ ૮૦ ટકા ઊર્જા જીવાશ્મ ઈંધણમાંથી આવે છે. એનો અર્થ એ થયો કે ઉત્સર્જનમાં વધારો થશે જ એટલે ઉત્સર્જન ઘટવાની આશા કરવી વ્યવહારુ નથી. અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) અને સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી)ના વિકલ્પનું હજી બાળપણ ચાલે છે. એનો ઉપાય એ છે કે જે દેશોની વસ્તી ઓછી છે ત્યાં અક્ષય ઊર્જાના વપરાશમાં વધારો કરી શકાય, પરંતુ મોટી વસ્તીવાળા દેશો માટે વૈકલ્પિક ઊર્જાનું સપનું દાયકો દૂર છે. ભારત તો સૌર અને પવન ઊર્જાના મામલે પણ પાછળ છે.

ભારતે શર્મ અલ-શેખમાં એટલા માટે જ કહ્યું હતું કે અમીર દેશો તેમની જીવનશૈલી બદલીને કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં સહયોગ કરતા નથી અને વિદેશોમાં સસ્તાં સમાધાનો શોધી રહ્યાં છે. ભારતે કહ્યું કે વિકસિત દેશો કૃષિ ક્ષેત્રને નાના કરવાની હિમાયત કરે છે એ કૃષિ આધારિત દેશો માટે નુકસાનકારક છે. 

જળવાયુ પરિવર્તનની વૈશ્વિક લડાઈમાં ભારતે ત્રણ મહત્ત્વના વાયદા કર્યા છે...
૧.  ભારત ૨૦૦૫ના સ્તરની સરખામણીએ એની જીડીપીથી થનારા ઉત્સર્જનને ૨૦૩૦ સુધી ૪૫ ટકા ઓછું કરશે. 
૨.   ૨૦૩૦ સુધી ભારત એના કુલ વીજળી ઉત્પાદનનું ૫૦ ટકા ઉત્પાદન સ્વચ્છ ઊર્જાથી મેળવશે.
૩.  વધારાનાં વૃક્ષો અને જંગલ બનાવીને ભારત ૨.૫થી ૩ અબજ ટન જેટલા વધુ કાર્બનનું શોષણ કરશે.  

અમેરિકાના પ્રોફેસર જ્યૉર્જ જેમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું કે ‘ભારતની પરંપરામાં દરેક ચીજમાં દિવ્યતા છે. દિવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં, પણ પંખીઓમાં, પશુઓમાં, નદી-ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેક્નૉલૉજી છે. આપણે ડૅમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું કે  ‘સૌની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિમાં પૂરતું છે, પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.’

લાસ્ટ લાઇન

‘અત્યારે આપણે ભવિષ્યને લૂંટીએ છીએ, વર્તમાનમાં એને વેચીએ છીએ અને એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ.’ -પૉલ હોવકેન, અમેરિકન પર્યાવરણવાદી

27 November, 2022 02:30 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

ચીન સમૃદ્ધ બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે?

વન ચાઇલ્ડ પૉલિસીના કારણે નેગેટિવ પૉપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે : એક તો જન્મદર ઓછો છે અને બીજું, ઉંમરવાળી આબાદી વધતી જાય છે

22 January, 2023 12:01 IST | Mumbai | Raj Goswami

બ્રાઝિલમાં પણ ટ્રમ્પવાળી થઈ : વિશ્વમાં લોકશાહીનાં વળતાં પાણી

આખી દુનિયામાં ઉદાર લોકશાહી (લિબરલ ડેમોક્રસી)નાં વળતાં પાણી છે. આપખુદ શાસકો સત્તામાં રહેવા માટે લોકવાદનો સહારો લઈ રહ્યા છે, કાનૂનના રાજની ઐસીતૈસી કરી રહ્યા છે, મીડિયાને પક્ષપાતી બનાવીને પોતાના સમર્થનમાં એનો ઉપયોગ કરી રહ્યા છે

15 January, 2023 03:06 IST | Mumbai | Raj Goswami

નોટબંધી : ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના

૧૯૮૬થી ૨૦૧૬ સુધી અમેરિકન સુપ્રીમ કોર્ટના અસોસિએટ જજ તરીકે કામ કરનાર જસ્ટિસ એનોટોનિન સ્કાલિયાએ કહ્યું હતું કે ઇતિહાસ ગવાહ છે કે કોર્ટના નિર્ણયો ભયાનક રીતે ભૂલ ભરેલા હતા

08 January, 2023 01:45 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK