Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 70)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 70)

03 December, 2023 07:33 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શટર ખૂલ્યાં અને સામે પડેલાં ત્રણ ફાઇટર પ્લેનની ચાંપ પર ચંદ્રનો પ્રકાશ તગતગી ઊઠ્યો. વિજય કર્ણિક ડ્રેસ સાથે રેડી હતા. તેણે હેલ્મેટ મસ્તક પર ગોઠવી અને કૉકપિટનું શટર બંધ કરીને બહાર ઊભેલા સાથીઓને થમ્બની સાઇન આપી.

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 70)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ 70)


‘શેરુ ભાગ... આવી...’
કુંદનનો અવાજ આખા માધાપરમાં ગુંજી ઊઠ્યો અને બીજી જ ક્ષણે દેખાવે માયકાંગલા એવા એ ડૉગીના પગમાં વીજળીનો સંચાર થયો. શેરુ ભાગ્યો, પણ ભાગતાં-ભાગતાં એ પોતાનું કામ ચૂક્યો નહીં. જાણે કે પાછળ આવતી ગાયો-ભેંસોને આહવાન આપવાનું હોય એમ એણે ભસવાનું પણ શરૂ કરી દીધું. દોડતી એ ગાયો-ભેંસો માટે વાત અહમ્ પર આવી હોય એ રીતે એમણે શેરુની પાછળ દોટ મૂકી, પણ એ દોટ શરૂ થાય અને એમાં ગતિ આવે એ પહેલાં કુંદન દોડીને ચાલુ કરીને તૈયાર રહેલા ખટારાના પાછળના ભાગમાં ચડી ગઈ.
‘ભગાવ...’
ડોકાબારીમાંથી પાછળ નજર કરીને બેઠેલા શંકરને કુંદનનો અવાજ આવ્યો અને તેણે સીધો બીજા ગિયરમાં ખટારો ઉપાડ્યો. ઝાટકા સાથે ખટારો દોડવાનો ચાલુ થયો. કુંદન ખટારાના પાછળના ભાગની સાવ લગોલગ ઊભી શેરુને આહવાન આપતી હોય એમ હાકલા-પડકારા કરતી હતી...
‘દોડ શેરુ દોડ... ભાગ...’
અને એ અવાજ શેરુના નાનકડા શરીરમાં તાકાત ભરવાનું કામ કરતો હતો. શેરુ ઝડપભેર આગળ ભાગે અને પાછળ ફરીને ભસતો પણ જાય. શેરુનું ભસવાનું પાછળ આવતી ગાયો અને ભેંસોના પગની તાકાત ઓસરવા નહોતું દેતું. એ ભસવાનું એમાં પણ વેગ ભરતું અને ભરાતા વેગ વચ્ચે સડક પર એ ડાબલાંનો અવાજ ગુંજતો હતો.
lll
આ રીતે શેરુને ભગાડીને છેક વીસ કિલોમીટર દૂર લઈ જવાનો હતો. વચ્ચે ક્યાંય શેરુ સુધી એ ધણ પહોંચી ન જાય એનું ધ્યાન રાખવાનું હતું તો સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખવાનું હતું કે શેરુ પણ પોતાને સોંપવામાં આવેલું ધ્યેય ચૂકે નહીં.
lll
ભુજ ઍરપોર્ટથી લગભગ અડધો કિલોમીટર દૂર એ ધણ હતું ત્યાં જ ઍરપોર્ટ પર રહેલા સૌને એનો અણસાર આવી ગયો હતો. ધ્રૂજતી ધરતી અને કાનમાં વાગતા અવાજ વચ્ચે સૌકોઈ સમજી ગયું હતું કે વિકરાળ સ્વભાવ ઓઢીને ધણ આ તરફ આવી રહ્યું છે.
‘દરવાઝે ખોલ દો...’ 
કલેક્ટર ગોપાલસ્વામીએ લગભગ ચીસ પાડી અને પછી પોતે જ બે બાજુ ખૂલતા દરવાજાની એક બાજુ ખોલવા માટે ભાગ્યા તો બીજી તરફનો દરવાજો ખોલવાનું કામ વિજય કર્ણિકે કર્યું.
દરવાજા ખોલીને બન્ને સલામત અંતરે આવેલા ઓટલા પર ચડ્યા અને બીજી જ ક્ષણે ખૂલેલા એ દરવાજામાં શંકરનો ખટારો દાખલ થયો અને એની પાછળ કુંદનનો અવાજ પણ ઍરપોર્ટને ગજવતો દાખલ થયો.
‘શેરુ અંદર...’
વીસ કિલોમીટરના આ પ્રવાસમાં શંકર પણ ખટારાને કઈ રીતે ચલાવવો એ સમજી ગયો હતો એટલે તેણે ઍરપોર્ટના દરવાજામાંથી ખટારો વળાંક લેતી વખતે ધીમો પાડી દીધો હતો જેથી શેરુ ખટારાને બરાબર જોઈ શકે.
સમજી ગયેલી કુંદને બીજી રાડ શંકરને પાડી...
‘ભગાવ, આવી ગ્યો શેરુ...’
શંકરે ડ્રાઇવરની કૅબિન બાજુએ આવેલા અરીસામાં જોયું અને તેને બે કાન ઊંચા કરીને પાછળ આવતો શેરુ દેખાયો. બસ, હવે થોડી જ મિનિટ અને...
lll
ભાગતા શેરુની પાછળ ગાયો-ભેંસોનું ધણ પણ ઍરપોર્ટમાં દાખલ થયું. જગ્યા નવી હતી એટલે સહજ રીતે જ એમના પગ અટકી ગયા. એમણે આજુબાજુમાં નજર કરી. અનેક લોકો ધણની આંખોમાં આવ્યા, પણ શેરુ ક્યાંય દેખાયો નહીં. ઊભું રહી ગયેલું ધણ પાછું જવાની પેરવી કરતું હતું, જે જોઈને કુંદનનો શ્વાસ અધ્ધર થયો. 
ક્યાંક કાંઠે આવીને તો વહાણ નહીં ડૂબેને?
તેણે શેરુ પર નજર કરી.
ચીંધેલા કામ મુજબ શેરુ રનવેની એક બાજુના છેડે આવીને ઊભો રહી ગયો હતો.
‘બોલાવ શેરુ...’
શેરુએ કુંદન સામે અને પછી ધણની સામે જોયું અને પોતાના પાછળના બે પગ પર એણે બેઠક જમાવી, જાણે કે એ આરામ કરતો હોય.
એક સેકન્ડ, બે સેકન્ડ, ત્રણ સેકન્ડ...
ભાઉં... ભાઉં... ભાઉં...
બેઠાં-બેઠાં જ શેરુએ ભસવાનું શરૂ કર્યું, પણ ધણને કોઈ અસર થઈ નહીં એટલે શેરુએ બુદ્ધિ વાપરી. આરામ પડતો મૂકીને એ ફરી દોડતો ગાય-ભેંસોના ધણ તરફ આવ્યો અને નજીક આવીને એણે ભસવાનું શરૂ કર્યું, જેણે પેલા ધણમાં નવેસરથી આક્રોશ ઉમેરવાનું શરૂ કર્યું. આગળની હરોળમાં આવી ગયેલા સાંઢના ફેણવાં ફુલાયાં અને એમાંથી પાણીના પરપોટા સાથે ઉષ્માસભર હવા નીકળવી શરૂ થઈ. એણે પોતાના પાછળના પગ જમીન પર ઘસવાના શરૂ કર્યા અને એ પછી આખેઆખા ધણે એ પ્રક્રિયા ચાલુ કરી. શેરુ સાવધાન થયો. એને ખબર હતી કે હવે શું થવાનું છે અને એણે હવે શું કરવાનું છે.
આગળ આવવાને બદલે શેરુ ઊભો રહી ગયો અને ધીમેકથી ધણને પોતાની પૂંઠ દેખાડી દીધી અને જેવી એ હરકત થઈ કે બીજી જ ઘડીએ ધણનું તીર છૂટ્યું. જેવું ધણ દોડવાનું શરૂ થયું કે શેરુ ભાગતો રનવે પાસે પહોંચ્યો અને સીધો રનવે પર ભાગવા લાગ્યો. ધણ એની પાછળ અને થોડી વાર પહેલાં સુકાયેલા રનવે પર હજારો ટનનું કુદરતી રોલર ફરવાનું શરૂ થયું!
lll
શેરુએ એ દિવસે રનવે પર ત્રણ ચક્કર માર્યાં અને એ ત્રણેત્રણ ચક્કર દરમ્યાન રનવે પર રોલરનું કામ થતું રહ્યું. રનવે ફરતે ધૂળની ડમરીઓ ચડી હતી અને એ ડમરી વચ્ચે કોઈ એકબીજાનું મોં સુધ્ધાં જોઈ શકતું નહોતું, પણ જ્યારે દેશની સલામતી જોવાની વાત પ્રથમ પંક્તિમાં હોય ત્યારે કેવી રીતે કોઈને એ ડમરી નડવાની!
lll
ડમરીઓ શાંત થઈ અને ધણ ઍરપોર્ટની બહાર નીકળી ગયું ત્યારે કુંદનનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
શેરુ ક્યાં?
આજુબાજુમાં નજર દોડાવીને તેણે શેરુના નામની રાડ પાડવાની શરૂ કરી, પણ ક્યાંયથી કોઈ અવાજ આવ્યો નહીં એટલે તેણે શંકરને રાડ પાડી...
‘શંકર... શેરુને ગોત...’
પાંચ સેકન્ડ પછી ઓસરેલી ધૂળ વચ્ચે કુંદનને ખટારાના પાછળના ભાગમાં શંકર દેખાયો. શંકરના હાથમાં શેરુ હતો અને શેરુ શંકરનો ગાલ ચાટતો હતો! 
રનવે પર ધણને દોડાવવાનું કામ ચાલતું હતું એ દરમ્યાન એક તબક્કે ધણ શેરુને આંબી જાય એટલું લગોલગ પહોંચી ગયું હતું. જો એ સમયે શંકરે સિફતપૂર્વક શેરુને કાઢી ન લીધો હોત તો આજે કદાચ શેરુ...
lll
‘સર, વી ડિડ ઇટ...’
‘ગ્રેટ ચૅમ્પ...’ 
સામેથી માણેકશાનો અવાજ આવ્યો, જેમાં ઉત્સાહ પણ હતો અને ખુશી પણ.
‘આપણે ક્યારે નીકળી શકીશું?’
‘સર, અત્યારે આઠ વાગ્યા છે... જો તમે પરમિશન આપો તો અત્યારે જ ટેક-ઑફ કરીએ?’
‘નો, આપણે પાસે રાતે ફ્લાઇંગની સુવિધા નથી...’ માણેકશાએ કહ્યું, ‘તમારે એકસાથે ત્રણ મોરચે કામે લાગવાનું છે. લૉન્ગેવાલ બૉર્ડર પર ઍર-સપોર્ટની ઇમિડિયેટ જરૂર છે. દુશ્મનોની ટૅન્ક રેજિમેન્ટ વધારે સ્ટ્રૉન્ગ કામ કરે છે એટલે એને રોકવાની છે અને સાથોસાથ આપણી સેનાને બૅક-અપ આપવાનું છે.’
‘યસ સર...’ વિજય કર્ણિકે તરત વાત આગળ વધારી, ‘સેકન્ડ સપોર્ટ...’
‘બનાસકાંઠામાં પણ ઍર-સપોર્ટની જરૂર પડશે એટલે ત્યાં પણ એક ટીમને રવાના કરો... અને એક સપોર્ટ કચ્છ સ્કાય પર ઊભો કરી આખો વેસ્ટર્ન બેલ્ટ કવર કરતા રહેવાનો છે જેથી બીજા ઍરબેઝ પર બહારથી તરત સપોર્ટ પહોંચાડી શકાય કે જ્યાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એમાં બીજી કોઈ તકલીફો આવે નહીં.’
‘યસ સર...’ કર્ણિકે ઘડિયાળમાં જોઈ લીધું, ‘સર, રિસ્ક ઇમ્પોર્ટન્ટ છે. સવાર સુધી રાહ ન જોઈએ. આપણે ફટાફટ નીકળીશું તો વહેલો બૅક-અપ મળશે.’
‘કર્ણિક, આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ યૉર ફીલિંગ્સ બટ...’ માણેકશાએ પ્રૅક્ટિકલ વાત કરી, ‘તારી ઍરસ્ટ્રિપ નવી છે, તેં હજી સુધી એનું ટેસ્ટિંગ કર્યું નથી અને તારી પાસે રાતે ટેક-ઑફ થવાની ફૅસિલિટી નથી ત્યારે તું કેવી રીતે આવું રિસ્ક લઈ શકે?’
‘ડોન્ટ ફીલ રુડ સર...’ સૅલ્યુટ સાથે કર્ણિકે કહ્યું, ‘રિસ્ક નહીં લઈએ તો કદાચ એવું પણ બને કે કંઈ કરવાનું જ ન આવે... આવતી કાલે સવારે બધું...’
‘તું કેટલી વારમાં ફ્લાય કરી શકે છે?’ માણેકશાએ પરમિશન આપતાં પૂછ્યું, ‘આપણે શરૂઆત નજીકના સેન્ટરથી રાખીએ. લૉન્ગેવાલ સુધી જવાનું નથી. તું બનાસકાંઠા સુધી સપોર્ટ પહોંચાડી દે. એ રીતે તારી ઍરસ્ટ્રિપનું ટેસ્ટિંગ પણ થઈ જશે.’
‘જય હિન્દ...’
સામેથી પણ એટલી જ તેજી સાથે અવાજ આવ્યો...
‘જય હિન્દ...’
lll
શટર ખૂલ્યાં અને સામે પડેલાં ત્રણ ફાઇટર પ્લેનની ચાંપ પર ચંદ્રનો પ્રકાશ તગતગી ઊઠ્યો. વિજય કર્ણિક ડ્રેસ સાથે રેડી હતા. તેણે હેલ્મેટ મસ્તક પર ગોઠવી અને કૉકપિટનું શટર બંધ કરીને બહાર ઊભેલા સાથીઓને થમ્બની સાઇન આપી.
હૃદયના ધબકારા સૌકોઈના 
તેજ હતા.
આજ સુધી સિમેન્ટ, પથ્થર અને ડામરના રનવે પરથી ફાઇટર રવાના થયાં હતાં; પણ આજે છાણ-માટી અને સાદા પથ્થરોની મદદથી બનેલા રનવે પરથી ફાઇટર લઈ જવાનું હતું. જો કામ થાય તો દુનિયાભરમાં વાહવાહી થાય અને જો કરેલા કામનો ફિયાસ્કો થાય તો જગતના સૌથી મોટા ગાંડા તરીકે ખપવાનું.
ઘરરર...
ફાઇટર ચાલુ થયું અને કર્ણિકે મનોમન માબાપને પગે લાગી લીધું.
ફાઇટર ઍરસ્ટ્રિપ પર આવીને એની એક કૉર્નર પર ઊભું રહ્યું. હવે આખો રનવે પાર કરવાનો હતો. પાર કરતી વખતે અહીં ગતિ પકડી લેવાની હતી અને ગતિ પકડ્યા પછી રનવેના અંતિમ છેડેથી ફાઇટરને ઉપાડી લેવાનું હતું. જો ક્યાંય કોઈ ચૂક થઈ અને ફાઇટરનો અહીં જ ઍક્સિડન્ટ થયો તો એની ચાર હજાર લિટરની પેટ્રોલ-ટાંકી પાકિસ્તાને ફેંક્યા એ બૉમ્બ કરતાં પણ વધારે આકરું અને ઘાતક પરિણામ આપે. એવું ન બને એટલે કર્ણિકે પણ પહેલેથી ગણતરી કરી લીધી હતી.
ફાઇટર રનવે પર આવે એ પહેલાં તેણે તમામ ગામવાસીઓને ઍરપોર્ટની બહાર મોકલી દીધા હતા તો આખો રનવે કાપવાને બદલે તેણે નક્કી કર્યું હતું કે અધવચ્ચે પહોંચ્યા પછી તરત ફાઇટરનું ટેકઑફ કરી લેવું, જેથી રિસ્કની ટકાવારી ઘટી જાય.
lll
ઍરપોર્ટ પર એક પણ પ્રકારની સુવિધા રહી નહોતી એટલે અંધકાર વચ્ચે રનવે દેખાતો રહે એ માટે અને ટેકઑફની સાઇન મળતી રહે એ માટે રનવે પર અમુક ચોક્કસ અંતરે ફાનસ ગોઠવવામાં આવ્યાં હતાં. 
ઘરરર...
ફાઇટર શરૂ થયું અને રનવે પર આગળ વધવાનું શરૂ થયું કે તરત ફાઇટરમાં ઝાટકા આવવાના શરૂ થયા, જે ઝાટકાને લીધે એને બૅલૅન્સ કરવાનું કામ અઘરું હતું; પણ કર્ણિક એ માટે તૈયાર હતા. જે ઝાટકા આવતા હતા એ ઝાટકા દોડેલા ગાયોના ધણના ડાબલાને કારણે ત્યાં ઊભા થયેલા આછા-અમસ્તા ખાડાની અસર હતી. એ ખાડાનું આમ તો મરમ્મત કુંદન આણિ મંડળીએ કર્યું હતું; પણ નૅચરલી, હાથથી થયેલા કામ અને ટેક્નૉલૉજીની મદદથી કરવામાં આવેલા કામ વચ્ચે ફરક રહેવાનો.
ખડ... ખડ... ખડ...
આવતા આ ઝાટકાની માનસિક તૈયારી કર્ણિકની હતી, પણ તેને જે વાતનો ડર હતો એવું કશું બન્યું નહીં. રનવે એક પણ જગ્યાએથી એક ઇંચ પણ દબાયો નહીં અને ફાઇટર અડધી ઍરસ્ટ્રિપ પાર કરી ગયું.
જરૂર નથી કે એને અડધેથી ટેકઑફ કરવું... ટ્રાયલ થઈ જાય.
વિજય કર્ણિકે એ જ રીતે ફાઇટર આગળ વધાર્યું જે ટેકઑફનો નિયમ હતો. ફાઇટર આગળ વધતું રહ્યું એમ-એમ એની સ્પીડ પણ વધતી ગઈ અને એક તબક્કે...
ઝૂમ...
માધાપરની મહિલાઓએ બનાવેલા રનવે પરથી પહેલું ફાઇટર રવાના થયું અને એક વિરલ ઇતિહાસે દસ્તાવજેમાં પોતાના હસ્તાક્ષર કર્યા.
lll
જો તમે ફિલ્મના શોખીન હો અને તમને વૉર ફિલ્મ ગમતી હોય તો તમે ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત અને લૉન્ગેવાલ ફ્રન્ટ પર લડાયેલા યુદ્ધની ફિલ્મ ‘બૉર્ડર’ જોઈ હશે. ‘બૉર્ડર’માં સની દેઉલને યુદ્ધની પહેલી રાત પછી ઍર-સપોર્ટ મળે છે અને જૅકી શ્રોફ ફાઇટર પ્લેન સાથે રાજસ્થાનના આકાશમાં દેખાય છે. જો તમને યાદ હોય તો ઍરબેઝમાં જૅકી શ્રોફ આખી રાત અકળાયેલી અવસ્થામાં પસાર કરતો સૂર્યોદયની રાહ જુએ છે.
એ ઘટના કચ્છના ભુજ ઍરબેઝની છે. 
રાતના ઉડાન માટે સક્ષમ કહેવાય એવાં ફાઇટર પ્લેન ન હોવાને કારણે વિજય કર્ણિકે કોઈ પણ હિસાબે એ રાત પસાર કરવાની હતી અને તેમણે એ રાત પસાર કરી. સૂર્યના પહેલા કિરણ સાથે પોતે અને તેમની ટીમ ફાઇટર પ્લેન સાથે રાજસ્થાનની લૉન્ગેવાલ સરહદ પર ઍર-સપોર્ટ આપવા પહોંચ્યા હતા. જો એ સવારે સપોર્ટ ન મળ્યો હોત તો આપણે રાજસ્થાન ગુમાવવું પડ્યું હોત, પણ ઇન્ડિયન ઍરફોર્સે પાકિસ્તાનની નાપાક હરકતને સફળ ન થવા દીધી અને એના મૂળમાં કચ્છની આ વીરાંગનાઓની મહેનત હતી, જે આજે પણ વીસરાઈ નથી અને ક્યારેય વીસરાશે પણ નહીં.
અત્યાર સુધીમાં પાકિસ્તાને ભારત સામે સજ્જડ હારનો જો ક્યારેય કોઈ સામનો કર્યો હોય તો એ આ યુદ્ધ. ૧૯૭૧ના આ યુદ્ધ પછી પાકિસ્તાને ક્યારેય સામી છાતીએ યુદ્ધ કર્યું નહીં અને પીઠ પાછળ તાબોટા પાડવાનું કામ કર્યા કર્યું. જ્યારે પણ રંગેહાથ પકડાયા ત્યારે કાશ્મીરી અલગાવવાદીઓની પાછળ સંતાઈને બેસી ગયા. ‍૧૯૭૧ના યુદ્ધની જીતનો જશ ભારતીય સેનાને જાય છે અને એમાં કશું ખોટું પણ નથી, પણ એ યુદ્ધમાં પાકિસ્તાનના ગાલ પર પડેલા એ કરારા તમાચામાં કચ્છી મહિલાઓની બહાદુરીના લાલ સોળ પણ સ્પષ્ટ દેખાય છે અને એ જ દેખાડે છે કે ભારતીય મહિલાઓને ક્યારેય ઓછી ઊતરતી માનવી નહીં. તે ધારે તો રોટલા પણ ઘડી શકે અને ધારે તો દુશ્મન દેશના બે ટુકડા પણ કરી દેખાડે!

સંપૂર્ણ



વૉર અને વાત : આરંભ અને અંત
આજે ‘૧૯૭૧-રનવે’ની વાતનો અંત આવે છે ત્યારે દિવસ છે ત્રીજી ડિસેમ્બરનો. યોગાનુયોગ જુઓ, આજથી એક્ઝૅક્ટ બાવન વર્ષ પહેલાં આ જ યુદ્ધની શરૂઆત થઈ હતી. 
ઇત્તેફાક. 
યોગાનુયોગ જ જીવનમાં ઇતિહાસ સર્જે અને આ જ કથાનો બીજો યોગાનુયોગ, ‍૧૯૭૧માં શરૂ થયેલા આ વૉરનો આજે ટેક્નિકલી ૭૧મો એપિસોડ છે! ૭૦ એપિસોડમાં વાર્તા હતી અને પહેલો એપિસોડ પ્રીવ્યુ-એપિસોડ તરીકે પ્રસિદ્ધ થયો હતો. યુદ્ધ પછી શું થયું, વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને ઍરફોર્સ તથા માધાપર ગામની વીરાંગનાઓના જીવનમાં કેવી-કેવી ઘટનાઓ ઘટી એના વિશે આપણે આવતા દિવસોમાં સમય મળશે તો વાત કરીશું, પણ છૂટા પડતી વખતે એક વાત ચોક્કસપણે કહેવાની કે યુદ્ધમાં સાહસ દેખાડવાની ક્ષમતા દર્શાવવાનું કામ માત્ર દેશના જવાનો જ નહીં, દેશની એ પ્રજા પણ કરતી હોય છે જેના લોહીમાં રાષ્ટ્રવાદ દોડે છે.
બહુ ઝડપથી ‘૧૯૭૧-રનવે’ તમને ફિલ્મના પડદે જોવા મળશે. ગૅરન્ટી, પણ એની વાતો સમયે આવ્યે કરીશું. વધુ વાત અને સૂચન માટે સંપર્કનાં બે સૂત્ર છે. જો તમે ઈ-મેઇલ કરવા ઇચ્છો તો caketalk@gmail.com અને વૉટ્સઍપ પર કૉન્ટૅક્ટ કરવા માગતા હો તો તમે 98255 48882 પર સંપર્ક કરી શકશો.
મળીશું ફરી, બહુ જલદી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2023 07:33 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK