જિંદગીની બધી મિલકત દાવ પર મૂકીને દીકરાને ભણાવે અને પછી મા-બાપને એકલાં ભારતમાં મૂકીને દીકરો ફૉરેનની મજલ પકડે
પ્રતીકાત્મક તસવીર
આજે તમે કોઈ પણ સમાજમાં અગ્રણીઓને મળશો તો એક મહત્ત્વનો મુદ્દો દેખાશે અને એ છે મૅચમેકિંગનો ઇશ્યુ અને એકલાં પડી રહેલાં મા-બાપની વ્યથા. જિંદગીની બધી મિલકત દાવ પર મૂકીને દીકરાને ભણાવે અને પછી મા-બાપને એકલાં ભારતમાં મૂકીને દીકરો ફૉરેનની મજલ પકડે. સંતાનો સ્વતંત્રતા ઇચ્છે છે અને મા-બાપની સાથે જૉઇન્ટ ફૅમિલી સિસ્ટમમાં તેમને એ મળવાની નથી એટલે ઘણા પરિવારોમાં કરીઅરના નામે મા-બાપથી છુટકારો મેળવવા મથતાં સંતાનો જોયાં છે. બીજી બાજુ, દીકરીઓ ભણી રહી છે અને સક્ષમ થઈ રહી છે એટલે તેમને પોતાનાથી ઊતરતો પાર્ટનર જોઈતો નથી. પોતે મધ્યમવર્ગીય પરિવારની હોવા છતાં લગ્ન માટે મુરતિયો જોવા જતી દીકરીઓ છોકરાનું ક્વૉલિફિકેશન જોવાને બદલે છોકરો ક્યાં રહે છે, કેટલા બેડરૂમનો ફ્લૅટ છે તેનો, ગાડી છે કે નહીં જેવી બાબતો ચકાસતી થઈ છે. તેમનું આ ચેકલિસ્ટ બરાબર ન હોય તો છોકરાને ના પાડતાં પણ તે ખચકાતી નથી અને જ્ઞાતિની બહાર કોઈ પણ ધર્મના યુવક સાથે જોડાવામાં પણ તેને સંકોચ નથી. આજની દીકરીઓ મા-બાપની સલાહને સેકન્ડરી માને છે. પહેલાં પોતે જ પોતાના નિર્ણય લેતી થઈ છે.
થોડાક સમય પહેલાં હું ગુજરાતમાં એક પરિચય મિલનમાં ગયો હતો. લગભગ પાંચસો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો કાફલો હતો પરંતુ એમાં યુવક-યુવતીઓની સંખ્યાનો રેશિયો કેવો હતો ખબર છે? ચારસો યુવક અને સો યુવતી. યસ, ચાર યુવકો સામે એક યુવતી હતી. આજે મધ્યમવર્ગીય પરિવારોને પોતાના સપૂતને પરણાવવાનું અઘરું છે. ધારો કે છોકરી મળી જાય તો મા-બાપે દીકરાને અલગ ઘર આપવાની તૈયારી રાખવી પડે કારણ કે યુવતીઓ લગ્ન પહેલાં જ એ નક્કી થઈ જતું હોય છે કે તારા પેરન્ટ્સ કે મારા પેરન્ટ્સ આપણી સાથે નહીં રહે. આ સિનારિયો જોતા આવનારા સમયમાં આપણને વધુ ઘરડાઘરની વ્યવસ્થાઓની જરૂર પડશે. વડીલો પાસે પૈસા હશે પરંતુ પ્રેમ વહેંચવા માટે કે ઘડપણની તકલીફો માટે સહિયારો બને એવો સ્વજનનો સંગાથ નહીં હોય.
ADVERTISEMENT
આ આખા સિનારિયોમાં ટકી રહેવા માટે વલખા મારી રહેલી પરિવાર અને સમાજ વ્યવસ્થાને તારવાનું, ઉગારવાનું કામ ધર્મગુરુઓ કરી શકે. યંગસ્ટરની શિબિરો, ટ્રેઇનિંગ પ્રોગ્રામ કે સેમિનાર યોજીને તેઓ આજની યુવાપેઢીના મગજમાં આ વાત બેસાડે કે તેમનાં મા-બાપની જરૂરિયાત શું છે અને શું કામ લગ્ન માટેની તેમની ધારણા બદલાવી જોઈએ તો એ સમાજ પર બહુ મોટો ઉપકાર થશે.
- અરવિંદ મહેતા


