બોલ્ડ વિષયવસ્તુ પર કામ કરવાનું જેણે શરૂ કર્યું એ રાઇટર-ડિરેક્ટરમાં પ્રવીણ જોષીનું નામ હકથી મૂકવું પડે અને અગ્રીમ સ્થાને મૂકવું પડે. જે સબ્જેક્ટ આજે પણ કોઈ વિચારી ન શકે એ સબ્જેક્ટ પર સાઠના દસકામાં કામ કરવાનું સાહસ પ્રવીણ કરતા અને એ કર્યા પછી જબદરસ્ત..

‘ચંદરવો’ સુપરહિટ અને ગુજરાતી રંગભૂમિ પર દેકારો બોલી ગયો
ફ્રાન્સથી એક છોકરી ઇન્ડિયા આવે છે અને ઇન્ડિયા આવીને તે એક પ્રોફેસરને મળે છે. પ્રોફેસરને તે પહેલેથી ઓળખે છે. પ્રોફેસરને મળીને તે કહે છે કે ‘તને મારા ફાધરે આ જગ્યાએ ફ્રાન્સમાં જોયો હતો. તું બુદ્ધિશાળી છે, વિદ્વાન છે, હોશિયાર છે અને સામે હું પણ અમુક અંશે એવી જ છું એટલે મેં નક્કી કર્યું છે કે હું તારા બાળકની મા બનીશ, મને તું બાળક આપ...’
આ વનલાઇન અમારા નાટક ‘ચંદરવો’ની. વિષય બોલ્ડ હતો. આજે પણ એવી વાર્તા કોઈ સ્વીકારે કે નહીં એનો મને પ્રશ્ન છે જ્યારે આ તો વાત છે સાઠના દસકાની. એ સમયે તો ઑડિયન્સ ઑર્થોડોક્સ હશે એવું તમે ધારી નહીં, સ્વીકારી જ લો, પણ પ્રવીણ જોષી જેનું નામ, તેઓ વાર્તા જ એવી રીતે કહેવાની શરૂઆત કરે જાણે તમે કશું અજુગતું જોઈ જ નથી રહ્યા. ઑડિયન્સને એમ જ લાગે કે સાહેબ, આ વાર્તા તો મારે જોવી-સાંભળવી જ રહી અને મારે કહેવું છે કે પ્રવીણ જોષીએ જ શરૂઆત કરી નવા અને બોલ્ડ કહેવાય એવા વિષયોને રંગમંચ પર લાવવાની. અફકોર્સ એ પછી તો કાન્તિ મડિયાથી માંડીને શૈલેશ દવે જેવા ઘણા ડિરેક્ટરોએ એ બાગડોર સંભાળી લીધી, પણ એ તો સૌકોઈએ સ્વીકારવું રહ્યું કે એ દિશામાં શરૂઆતની ઈંટ મૂકવાનું કામ કરનારાઓમાં એક પ્રવીણ હતા.
‘કાકા, આજે પૈસા ઘરે નહીં લઈ જતા...’
પ્રેયર પૂરી કર્યા પછી અમે બધાં સ્ટેજ પર જ હતાં એ જ વખતે પ્રવીણે આઇએનટીનો બધો આર્થિક વહીવટ જોતા પ્રાણજીવનકાકાને કહ્યું અને સાથોસાથ એ પણ કહ્યું કે ‘બીજા સીન વખતે આપણને ખબર પડી જશે કે આપણે કઈ દિશામાં જઈએ છીએ. જો ઑડિયન્સ ઊભી થઈને નીકળવા માંડશે તો આપણે એ લોકોને અને આખું નાટક જોઈને બહાર નીકળેલા બીજા દર્શકોને પણ પૈસા પાછા આપી દઈશું...’
‘અને એવું ન થયું તો?’ પ્રાણજીવનકાકાને પ્રવીણ પર ભારોભાર વિશ્વાસ હતો, ‘તો તો આ ગલ્લો ઘરે લઈ જઈ કાલે બધેબધી નોટનો હિસાબ માંડીને જમા કરાવી દેવાનાને?’
પ્રવીણે હા પાડી કે તરત જ પ્રાણજીવનકાકાએ કહી દીધું,
‘તો હું નોટોની વિગત લખવાની શરૂઆત કરી દઉં છું...’
આ પ્રવીણ પરનો વિશ્વાસ બોલતો હતો અને સાહેબ, પ્રવીણ પર એકેએક જણને વિશ્વાસ હતો. તમે મળ્યા હો, ઓળખતા થયા હો અને તમને સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય એ સમજી શકાય, પણ તમે મળ્યા જ ન હો, ઓળખતા પણ ન હો અને એ પછી પણ તમારો એ વ્યક્તિ પર જબરદસ્ત વિશ્વાસ હોય એ ખરેખર ખુશી આપનારી વાત છે.
પ્રવીણ માટે એવું જ હતું. ઑડિયન્સને તેમના પર ભરોસો હતો, વિશ્વાસ હતો સાહેબ કે અમારી સાથે આ ડિરેક્ટર ખોટું કંઈ નહીં કરે. એ જેકંઈ બનાવે, અમારી સામે મૂકે એ નેક્સ્ટ લેવલનું જ કામ હોય.
નાટક શરૂ થયું અને આગળ વધતું રહ્યું.
નાટક પૂરું થતા સુધી તો ઍક્ટરોથી માંડીને કસબીઓ સૌકોઈને ખબર પડી ગઈ કે આપણું ‘ચંદરવો’ સુપરહિટ છે અને હા, એવું જ થયું સાહેબ. ઝાલ્યું ન ઝલાય એ સ્તરે લોકોએ નાટક વધાવી લીધું. આ નાટક માટે મેં ઑડ-ડે આપ્યા હતા એ તમને યાદ હશે. ઑડ-ડે એટલે સોમથી શુક્ર. આ દિવસોમાં જો જાહેર રજા હોય તો જ થઈ શકે અને બાકી શો કરવામાં થોડું રિસ્ક લેવું પડે. પ્રવીણને પોતાના કામ પર એટલો ભરોસો હતો કે તેમણે ઑડ-ડેમાં પણ કરવાની હા પાડી દીધી હતી.
શનિ-રવિ મારે મારી જૂની રંગભૂમિને આપવાના હતા, તો ઑડ-ડેમાં મારે મારાં જે બીજાં ચાલુ નાટકો હતાં એના શો પણ કરવાના હતા અને એ બધા વચ્ચે પણ પ્રવીણે નાટક હું જ કરું એવો આગ્રહ રાખ્યો હતો. આ આગ્રહ શું કામ હતો એ મને ‘ચંદરવો’નો પહેલો શો પૂરો થયો ત્યારે સમજાયું હતું. મને સફળતાનો એક નવો જ અનુભવ થયો હતો, સફળતાનો પણ અને કામ કર્યાના સંતોષનો પણ.
બૅકસ્ટેજમાં બધા પ્રવીણને મળવા આવે, પણ તેને મળ્યા પછી તરત જ કહે કે સરિતા ક્યાં, અમારે તેને મળવું છે.
‘અરે, ચાલને... જઈએ.’ પ્રવીણ પણ હોશભેર તેને ગ્રીનરૂમમાં લઈ આવે અને પછી મારી સાથે ઓળખાણ કરાવતાં કહે, ‘આ દામોદર, તું તો તેને અગાઉ મળી છે એક વાર... યાદ છેને?’
પ્રવીણનો પ્રભાવ એ સ્તરનો હતો કે મને યાદ પણ ન હોય તો પણ હું તરત જ હા પાડી દેતી અને જે આવ્યું હોય તેને પ્રેમપૂર્વક મળું. આવનારા મારાં વખાણ કરતાં થાકે નહીં અને તેની વાતને બ્રેક મારવાનું કામ પ્રવીણ કરે.
‘આટલી મહેનતુ સ્ટાર મેં મારી લાઇફમાં આજ સુધી જોઈ નથી દામોદર, તેને તમારે નાટકની સ્ક્રિપ્ટ તૈયાર નથી કરાવવી પડતી. ઊલટું, તમે જો સ્ક્રિપ્ટ ભૂલી ગયા હો તો એની હેલ્પ લઈને કામ આગળ વધારી શકો.’ પ્રવીણના ચહેરા પર મારા માટે જે માન હતું એ રીતસર ઝળકતું હતું, ‘આખેઆખી સ્ક્રિપ્ટ તેને મોઢે થઈ ગઈ હોય... એક્સપ્રેશન સાથે અને ટોનેશન સાથે...’
કેવા-કેવા ધુરંધરો એ દિવસે ‘ચંદરવો’ જોવા આવ્યા હતા; કિરણ ભટ્ટ, ડી. એસ. મહેતા, અરવિંદ ત્રિવેદી, મહેશ દેસાઈ, ઇલા દોશી, પ્રહ્લાદ જોષી, તરલા મહેતા અને એવા તો બીજા કંઈકેટલાય. એ બધાને, એ દરેકને મારું અને પ્રવીણનું કૉમ્બિનેશન શું મૅજિક કરે છે એ જોવું હતું અને આ વાત તો મને છેક એ શો પછી મળવા આવેલા અન્ય કલાકારો પાસેથી ખબર પડી હતી.
‘આને મળી છોને તું, આ ગૌતમ જોષી...’
થોડા શબ્દોની વાતો થાય ત્યાં પ્રવીણ ફરી કોઈકને લઈને આવે.
‘આને તો તું મળી છો, આ આપણો સત્તુ... મેં તને પહેલાં ઓળખાણ કરાવી હતી. સત્તુ અત્યારે આપણી સાથે કામ કરે છે, પણ તું જોજે સરિતા, આ માણસ ક્યાં પહોંચે છે...’ વાત કરતાં-કરતાં તેઓ સત્તુ તરફ ફર્યા અને સત્તુને કહ્યું, ‘સત્તુ, તું પણ જોઈ લેજે, સરિતા ક્યાં પહોંચે છે... સ્કાય ઇઝ ધ ઓન્લી લિમિટ સત્તુ...’
પછી પ્રવીણ એક ડગલું પાછળ ગયા અને હસતાં-હસતાં અમારી સામે જોવા લાગ્યા.
‘એય, તમે બન્ને મોટાં સ્ટાર થઈ જાઓ એટલે મને પાછળ નહીં છોડી દેતાં...’
અમે ક્યાં તમને પાછળ છોડ્યા પ્રવીણ.
પાછળ તો તમે અમને મૂકીને નીકળી ગયા.
હા, એકલાં તો અમે રહી ગયાં, તમારા વિના.