તૂ મૂઝે સુના, મૈં તૂઝે સુનાઉં અપની પ્રેમકહાની... સૉન્ગથી ફિલ્મની સ્પીડમાં અને ઑડિયન્સની ક્યુરિયોસિટીમાં જબરદસ્ત વધારો થતો હતો એટલે એ સૉન્ગ કટ કરવાને બદલે રહેવા દેવામાં આવ્યું
ફાઇલ તસવીર
યશ ચોપડાનાં ખુશનુમા લોકેશન, રિશી કપૂરનું પાગલપન, શ્રીદેવીની નિર્દોષતા અને વિનોદ ખન્નાનું ગાંભીર્ય. આ ચાર કલા ફિલ્મ ‘ચાંદની’માં એ સ્તરે ખીલી કે આજની તારીખે પણ ફિલ્મ ભુલાતી નથી. આ ચાર આર્ટ પર તડકતો-ભડકતો વઘાર કરવાનું કામ શિવ-હરિએ કર્યું અને મ્યુઝિકે ફિલ્મને પોતાના ખભા પર લઈ લીધી. વિનોદ ખન્નાની સિરિયસનેસ તો અગાઉ ઇન્ડસ્ટ્રીએ જોઈ હતી, પણ આ ફિલ્મમાં વિનોદ ખન્નાએ રોમૅન્ટિક ફીલ પણ એવી આપી જેનો કોઈને અંદાજ નહોતો, તો વિનોદ ખન્ના અને રિશી કપૂર પર શૂટ થયેલું અને સુરેશ વાડકર અને નીતિન મુકેશે ગાયેલું સૉન્ગ ‘તૂ મૂઝે સુના, મૈં તૂઝે સુનાઉં અપની પ્રેમકહાની...’ પણ એવું પૉપ્યુલર થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
હકીકત એ હતી કે એ સૉન્ગ માત્ર અને માત્ર વિનોદ ખન્નાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. વિનોદ ખન્ના ફિલ્મ માટે રાજી થઈ ગયા એટલે તેમના સ્ટારડમને મહત્ત્વ આપવું જ રહ્યું એવું ધારી યશ ચોપડાએ પોતાની સ્ક્રિપ્ટમાં નાના-મોટા ફેરફાર કર્યા અને આ સૉન્ગ ઉમેર્યું, જ્યાં બન્ને હીરો મળે છે અને બન્ને એક જ હિરોઇનને યાદ કરીને પોતપોતાના મનની વાત કરે છે. ડ્યુઅલ હીરો સૉન્ગમાં વિનોદ ખન્નાની હંમેશાં માસ્ટરી રહી હતી અને અમિતાભ બચ્ચન સાથે તો તેમણે અનેક વખત આ પ્રકારનાં સુપરહિટ સૉન્ગ પણ આપ્યાં હતાં એટલે યશ ચોપડા ટ્રાય કરવા માગતા હતા. તેમના મનમાં ક્લિયર હતું કે જો ફિલ્મમાં ક્યાંય સૉન્ગ અવરોધ ઊભો કરશે તો આપણે એ કાપી નાખીશું અને ફાઇનલ વર્ઝન સમયે વિનોદ ખન્ના પણ કશું બોલશે નહીં, જ્યારે રિશી કપૂરનો તો કોઈ સવાલ જ નહોતો ઊભો થતો, તેમની પાસે તો કામ કરવા માટે અઢળક સ્કોપ હતો. સૉન્ગ પિક્ચરાઇઝ થયું, ફિલ્મમાં ગોઠવવામાં આવ્યું અને એણે એવી રીતે પોતાની જગ્યા બનાવી જાણે દાળમાં કોથમીર જગ્યા બનાવી લે.
ADVERTISEMENT
યશ ચોપડાએ પોતે કહ્યું છે કે આ સૉન્ગને કારણે તો એવું બન્યું કે ફિલ્મમાં જે હિરોઇન કોની સાથે જશે એ વાતનો બે હીરો વચ્ચે જે કૉન્ફ્લિક્ટ હતો એ વધારે સ્ટ્રૉન્ગ થયો અને ફિલ્મ જોનારાની ક્યુરિયોસિટી વધારવાનું કામ કરી ગયું. આ જ સૉન્ગની બીજી ખાસિયત એ હતી કે એમાં માત્ર ને માત્ર ચાંદની એટલે કે શ્રીદેવીની વાત હતી. આનંદ બક્ષીએ લિરિક્સમાં જે પ્રાસ-અનુપ્રાસ લાવવાનું કામ કર્યું એ અદ્ભુત હતું. રિશી કપૂર સાથેની ચાંદની સંપૂર્ણ જુદી હતી, તો વિનોદ ખન્ના જે ચાંદનીને ઓળખતા હતા તેની પર્સનાલિટી સાવ જ જુદી હતી અને આ બન્ને વ્યક્તિત્વ એકબીજાથી સંપૂર્ણ અલગ હતાં, કહો કે વિરોધાભાષી હતાં અને એ પછી પણ બક્ષીસાહેબે જે રાયમ્સ ઊભી કરી હતી એની પ્રવાહિતામાં ક્યાંય કોઈ અડચણ ઊભી નહોતી થતી. આ જ તો આ ગીતની ખાસિયત છે, આજે પણ તમે એ સૉન્ગ સાંભળો એટલે તમારી આંખ સામે તમારો પ્રેમ આવ્યા વિના રહે નહીં. જુઓ...
‘મેરે દિલ મેં બજતે હૈ, ઉસકી યાદોં કે ઘૂંગરુ
ઉસકો દેખા તો મૈં જાના, ક્યા હોતા હૈ જાદુ
અંગડાઈ વો લેતી હૈ, દિલ મેરા ધડક જાતા હૈ
ઉસકે ફૂલ બદન સે, ઇક શોલા સા લપક જાતા હૈ
વો છૂ લે તો આગ લગે, જલ જાયે યાર યે પાની...
તૂ મૂઝે સુના, મૈં તૂઝે સુનાઉં, અપની પ્રેમકહાની...
કૌન હૈ, કૈસી હૈ વો, તેરે સપનોં કી રાની...’
આ સૉન્ગ અકબંધ રહ્યું એટલે વાત આવી વિનોદ ખન્નાને આપવામાં આવેલા બીજા સૉન્ગ ‘લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ...’ની.
એ ગીત વિનોદ ખન્નાનું કૅરૅક્ટર સમજાવતું હતું એટલે ફિલ્મ માટે એનું મહત્ત્વ વધારે હતું, પણ ફિલ્મની લેંગ્થ મોટી થતી જતી હતી એટલે દરેક જગ્યાએથી કશુંક તો કાપવાનું એ નક્કી હતું. ભોગ લેવાતો હતો આ ગીતના બીજા અંતરાનો, પણ એને માટે પણ યશ ચોપડા તૈયાર નહોતા, કારણ કે આ સૉન્ગમાં વિનોદ ખન્નાની લવ-ઇન્ટરેસ્ટ એવી દેવિકા ચૌધરી એટલે કે જૂહી ચાવલાને દેખાડવામાં આવતી હતી. વિનોદ ખન્ના આજે પણ જૂહીને મિસ કરે છે એ વાત જો એક જ અંતરા પૂરતી દેખાડવાની હોય તો પછી આ આખા સૉન્ગનો કોઈ અર્થ રહેતો નહોતો અને એટલે જ યશ ચોપડા ડિસ્ટ્રિબ્યુટર્સની વિરુદ્ધમાં જઈને પણ આખું સૉન્ગ રાખવાની વાતને વળગી રહ્યા.
આ બીજા અંતરાના શબ્દા જુઓ તમે...
‘કોઈ કાશ દિલ પે જરા હાથ રખ દે
મેરે દિલ કે ટુકડોં કો એક સાથ રખ દે...
મગર યે હૈ ખ્વાબોં ખયાલોં કી બાતેં
કભી ટૂટ કર કોઈ ચીજ જૂડી હૈ...
આમ તો સામાન્ય રીતે દરેક પ્રોજેક્ટ કોઈ પણ સર્જક માટે પરીક્ષા લેનારો હોય, પણ યશ ચોપડાને એ બધી પરીક્ષાઓમાં પણ સૌથી વધારે જોખમી પરીક્ષા જો કોઈ લાગી હોય તો એવી બે ફિલ્મ હતી; એક, ‘સિલસિલા’ અને બીજી ‘ચાંદની’. ‘ચાંદની’માં તેમણે સતત એ વાતનું ધ્યાન રાખવાનું હતું કે ફિલ્મ સાથે જોડાયેલી એક પણ વ્યક્તિ નારાજ ન થાય. કારણ કે વિનોદ ખન્નાને લઈને તેઓ ઑલરેડી ફાઇનૅન્સર અને ડિસ્ટ્રિબ્યુટર્સને નારાજ કરી ચૂક્યા હતા. હવે તેમણે પોતાની ટીમમાંના બધાને અકબંધ રાખવાના હતા. જોકે એ પછી પણ વિનોદ ખન્ના નારાજ થયા. અલબત્ત, તેમણે એ નારાજગી ફિલ્મ રિલીઝ થઈ એ સમયે વ્યક્ત નહોતી કરી.
વર્ષો પછી જ્યારે એક ઇન્ટરવ્યુ આપવાનો આવ્યો એ સમયે વિનોદ ખન્નાએ કહ્યું કે રિશી કપૂરના પ્રેશર વચ્ચે યશજીએ ‘ચાંદની’નો ક્લાઇમૅક્સ ચેન્જ કર્યો હતો! હા, જે ક્લાઇમૅક્સ તેને સંભળાવવામાં આવ્યો હતો એ ક્લાઇમૅક્સ ફિલ્મમાં નહોતો એવું વિનોદ ખન્નાનું કહેવું હતું. ખન્નાજીના કહેવા મુજબ, ક્લાઇમૅક્સમાં રિશી કપૂર મરી જાય છે અને પોતાનાં શ્રીદેવી સાથે મૅરેજ થાય છે એવું દર્શાવવામાં આવ્યું હતું. લલિત ખન્ના અને ચાંદની બન્નેની હૅપી મૅરેજ લાઇફ શરૂ થઈ જાય છે અને એ બન્નેને ત્યાં દીકરો આવે છે, જેનું નામ વિનોદ ખન્ના પોતે રિશી કપૂરના નામ પરથી રોહિત રાખે છે અને ચાંદનીને એ વાતનો ઝાટકો લાગે છે, પણ એ સમયે સાગર સરહદીએ ડાયલૉગ આપ્યો હતો કે માત્ર પોતાનો જ નહીં, તમારા પ્રેમના પ્રેમનો પણ સ્વીકાર કરવો એનું નામ સાચો પ્રેમ.
ફિલ્મ સુપરહિટ થઈ ગઈ એ પછી પણ વિનોદ ખન્નાને લાગતું હતું કે પોતાને કહેવામાં આવ્યો હતો એ ક્લાઇમૅક્સ જો રાખવામાં આવ્યો હોત તો ફિલ્મની ઇમ્પૅક્ટ ઑડિયન્સ પર હજી વધારે તીવ્ર પડી હોત.
ગૉડ નોઝ, પણ હા, એટલું તો કહેવું જ પડે કે આપણે જોયો એ ક્લાઇમૅક્સ પણ અસરકારક તો હતો જ.


