Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે

આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે

Published : 15 April, 2026 01:25 PM | Modified : 15 April, 2026 01:29 PM | IST | Mumbai
Hemant Thakkar | feedbackgmd@mid-day.com

ગયા અઠવાડિયે આપણી સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (CBSE)ના અભ્યાસક્રમમાં પુસ્તકો ઉપલબ્ધ ન હોય તો પણ સ્કૂલમાં ત્રીજી ભાષા ભણાવવાની રહેશે. CBSE તરફથી તમામ સ્કૂલોને ૭ દિવસમાં આ નિયમ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે

PoV

આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે


ગયા અઠવાડિયે આપણી સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (CBSE)ના અભ્યાસક્રમમાં પુસ્તકો ઉપલબ્ધ ન હોય તો પણ સ્કૂલમાં ત્રીજી ભાષા ભણાવવાની રહેશે. CBSE તરફથી તમામ સ્કૂલોને ૭ દિવસમાં આ નિયમ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્રીજી ભાષા ભણાવવાના આ નિર્ણયને તાકીદનો અને ફરજિયાત લેખાવાયો છે. આ નિયમ ૨૦૨૬-’૨૭ના શિક્ષણ-સત્રથી જ એટલે કે આ વર્ષથી જ લાગુ થશે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ત્રીજી ભાષા ભણાવવા માટે હાલ પૂરતું ઉપલબ્ધ પુસ્તકો-સામગ્રીનો ઉપયોગ કરે. એવું પણ જણાવાયું છે કે પાઠ્યપુસ્તકો જલદી ઉપલબ્ધ કરાવવામાં આવશે, પણ એની રાહ જોયા વગર સ્કૂલો ત્રીજી ભાષા ભણાવવા માંડે. સ્કૂલોએ પોતે પસંદ કરેલી ત્રીજી ભાષાની જાણકારી CBSE બોર્ડને આપવાની રહેશે.

નવી જે શિક્ષણનીતિ આવી રહી છે એમાં પણ માતૃભાષા દ્વારા શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. એની જાહેરાત પણ સરકારી ધોરણે થઈ ચૂકી છે. હમણાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ વાતનું પુષ્ટીકરણ કરવામાં આવ્યું છે.



ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની ન્યુ ઈરા સ્કૂલ તો વર્ષો સુધી ટાગોરની શાંતિનિકેતનના ધોરણ મુજબ ચાલતી હતી અને આ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં આપવામાં આવતું હતું. પાંચમા ધોરણથી અંગ્રેજી માધ્યમ અને આઠમા ધોરણમાં સંસ્કૃત કે ફ્રેન્ચ ભાષા લેવાનો વિકલ્પ આપવામાં આવતો હતો. લોકપ્રિય કવિ ઉદયન ઠક્કર, પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંતૂરવાદક સ્નેહલ મુઝુમદાર, સૉલિસિટર આનંદ ભટ્ટ, રિલાયન્સના ડિરેક્ટર નિખિલ મેસવાની, કવિ ડૉ. હેમેન શાહ જેવી અનેક જાણીતી હસ્તીઓએ ન્યુ ઈરા સ્કૂલમાં શિક્ષણ લીધું છે. ન્યુ ઈરા સ્કૂલના સંચાલકોએ ગુજરાતી માધ્યમ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે મારાં બન્ને સંતાનો ન્યુ ઈરામાં અભ્યાસ કરી રહ્યાં હતાં. એ વરસે આ લખનાર સહિત ૩ વાલીઓએ ‘ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશન’ના સૂત્રધાર ભગવાનજી રૈયાણીના સહયોગથી સ્કૂલનું મૅનેજમેન્ટ ગુજરાતી માધ્યમ બંધ ન કરે એ માટે ઝુંબેશ ચલાવી હતી જેમાં મુંબઈનાં તમામ ગુજરાતી દૈનિકો અને જાણીતા પત્રકારોએ પણ સાથ આપ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટમાં આ માટે PIL પણ કરવામાં આવી હતી. આ કેસ દરમ્યાન ચીફ જસ્ટિસ સભરવાલજીએ કમેન્ટ કરી હતી કે ‘બીજી ગુજરાતી સ્કૂલો વિદ્યાર્થીઓ ન મળવાને કારણે બંધ થઈ રહી છે, જ્યારે તમારી સ્કૂલમાં ઍડ્‍મિશન માટે ૯૦ સીટ છે એ માટે ૩૦૦થી વધુ અરજીઓ દર વર્ષે આવે છે. તો પછી શા માટે તમારે ગુજરાતી માધ્યમ બંધ કરવું છે? વધુ ને વધુ ફી ઉઘરાવી શકાય એ માટે?’ 


બે વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો ત્યારે હાઈ કોર્ટે ન્યુ ઈરા સ્કૂલના સંચાલકોને ઍડ્‍મિશન વખતે લીધેલી વ્યાજ વગરની ડિપોઝિટ વાલીઓને પાછી ચૂકવવાનો હુકમ કર્યો હતો. 

ગાંધીજી અને વિનોબા ભાવેથી માંડીને આપણાં ભાષાશાસ્ત્રી ઊર્મિ દેસાઈ સુધીના તમામ વિચારકો કહે છે કે બાળકને માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. જોકે આજે સમાજમાં વાલીઓને અંગ્રેજી માધ્યમનું એવું ભૂત વળગ્યું છે કે આ બધા વિચારકોની વાત તેઓ કાને ધરતા નથી. ઊર્મિબહેન કહે છે કે બાળક નાની ઉંમરે ઘણી ભાષાઓ બહુ સારી રીતે શીખી શકે છે. ઘણી ગુજરાતી સ્કૂલોએ આજ સુધી અંગ્રેજી ભાષાને બોલવાની દૃષ્ટિએ અવગણવાની ભૂલ કરી હતી. આથી બાળકોનું અંગ્રેજી કાચું રહી જતું હતું (માત્ર બોલવા પૂરતું). બાકી SSCમાં આ જ બાળકો ૯૦ ટકા માર્ક લાવતાં જ હતાં.‍


ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન ક્યારેય અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવા માટે બાધારૂપ નીવડતું નથી એટલો ભરોસો જો માતા-પિતા અને આજની યુવાપેઢી રાખે તો ઘણી મોટી હોનારતમાંથી આજે પણ ગુજરાતી ભાષાને ઉગારી લઈ શકાય. સૌ જાણે છે કે ગુજરાતી માધ્યમમાં ભણેલાઓનું અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ કરતાં વધારે પાકું હોય છે. આ લેખ લખનારે ગુજરાતી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને SSC બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં આખા મહારાષ્ટ્રમાં સૌથી વધુ માર્ક મેળવ્યા હતા.

 આપણી ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. જે વ્યક્તિ પોતાની માતૃભાષાથી અજાણ છે તે વ્યક્તિને પોતાની સંસ્કૃતિનો પૂરેપૂરો પરિચય થતો નથી. આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે. જો તમે તમારા બગીચામાં સંતરાનું અને સફરજનનું એમ બે વૃક્ષો ઉગાડી શકો એટલી જગ્યા રાખી હોય અને તમે જો એક જ વૃક્ષ ઉગાડો તો દરેક માણસ તમને મૂર્ખ જ ગણશે. એ જ રીતે જો પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં લઈ શકાતું હોય અને માધ્યમિક શિક્ષણ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાતું હોય એવા સંજોગોમાં વિના કારણે ગુજરાતી ભાષામાં પ્રાથમિક શિક્ષણ બંધ કરવામાં આવે એ સરાસર મૂર્ખાઈ નથી તો બીજું શું છે? આ સંદર્ભે એક બીજી વાત પણ જાણવા મળી છે. જર્મની અને જપાનમાં વર્ષો પહેલાં એક સર્વે થયો હતો. આ સર્વેક્ષણ મુજબ જે બાળકો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવે છે તેમની તનાવ સહન કરવાની શક્તિ બીજાં બાળકો કરતાં વધારે હોય છે જે જિંદગીભર સાથ આપે છે. આપણે અત્યારે પ્રશ્ન એ કરવાનો છે કે આપણે શેની તલાશમાં છીએ? ખોબલા ભરીને માર્ક્સની? કૉલેજમાં ઍડ્મિશનની? ડિગ્રીની કે પૈસાની?

શિક્ષણને અને કમાણીને કોઈ સીધો સંબંધ નથી એ તો સૌ જાણતા થઈ ગયા છે. વધુ વિચારીએ તો જ્ઞાનપ્રાપ્તિ થશે કે આપણને સૌને તલાશ છે એ સુખની તલાશ છે. બધું જ વધુ ને વધુ મેળવવાની કોશિશ એટલા માટે કરીએ છીએ કે છેવટે આપણે સુખી થઈ શકીએ, પણ વૈભવશાળી જીવન સુખ આપવાની બાંયધરી નથી આપતું. અંગ્રેજી માધ્યમમાં ભણેલા અનેક પૈસાદારોના નબીરાઓએ આપઘાત કર્યાના કિસ્સાઓ પણ ઓછા નથી. ભલે આપણે ઇચ્છીએ કે આપણાં બાળકોને જિંદગીમાં તનાવ કે તકલીફ ન આવે, પણ એ આવી શકે છે એ આપણે જાણીએ છીએ. વાવાઝોડું આવે કે ન આવે એ આપણા હાથમાં નથી, પણ એનાં મૂળિયાં મજબૂત કરવાનું આપણા હાથમાં છે. બાળક માતા પાસે ઊછરે અને આયા પાસે ઊછરે એ બે પરિસ્થિતિમાં જેમને ફરક દેખાય છે તેઓ જ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી પ્રાથમિક શિક્ષણનો ભેદ સમજી શકશે. બાકી આપણી માતૃભાષા ગુજરાતી જીવંત રહેવાની જ છે ગુજરાતી પુસ્તકો દ્વારા, ગુજરાતી દૈનિકો દ્વારા, ગુજરાતી નાટકો દ્વારા, ગુજરાતી ફિલ્મો દ્વારા, ગુજરાતી કાર્યક્રમો દ્વારા, સુગમ સંગીત દ્વારા, સામયિકો દ્વારા અને મોબાઇલમાં લખાતી અને વંચાતી ગુજરાતી ભાષા દ્વારા.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 01:29 PM IST | Mumbai | Hemant Thakkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK