ઘણા બિઝનેસમેન એવા હોય છે જેઓ પહેલા કે બીજા વર્ષે જ પોતાની નીડ પૂરતું કમાઈ લેતા હોય છે, પરંતુ એ પછી પણ તેમનું કામ ચાલુ રાખે છે. હકીકતમાં એ બિઝનેસમેન જે કામ કરે છે એમાં લાલચ કે સ્વાર્થ નહીં, પણ રાષ્ટ્રભાવના હોય છે અને તેઓ દેશની ઇકૉનૉમીને વધુ મજબૂત

પ્રતીકાત્મક તસવીર
મને ઘણા પૂછે કે બિઝનેસ-સમિટ કે પછી એવા કોઈ સેમિનારની જરૂરિયાત શું છે?
જ્યારે આ સવાલ પૂછવામાં આવે ત્યારે હું સામાન્ય રીતે જવાબ ટાળતો હોઉં છું, પણ આજે હું અહીં એ સવાલનો જવાબ આપવા ઇચ્છીશ.
અંગ્રેજીમાં કહેવાયું છે, ‘વી આર ધ ઍવરેજ ઑફ અરાઉન્ડ ફાઇવ પીપલ.’ હા, આપણે આપણી સરાઉન્ડમાં જે હોય એ પાંચ વ્યક્તિ જેવા જ ઑલમોસ્ટ થતા હોઈએ છીએ એટલે તમે કોની સાથે રહો છો અને કેવી રીતે જોડાઓ છો એ બહુ મહત્ત્વનું છે. તમે જ વિચારો કે કોઈ પણ બિઝનેસ-સમિટ કે બિઝનેસ-સેમિનાર હોય ત્યાં આવનારા લોકો કેવી મેન્ટાલિટી સાથે આવ્યા હોય? તેઓ પૂરેપૂરા પૉઝિટિવ આસ્પેક્ટ્સ સાથે એ સમિટમાં આવે છે, જેને લીધે તેમના મનમાં દૂર-દૂર રહેલી પેલી નેગેટિવ થૉટ-પ્રોસેસ વધારે દૂર થાય અને સાથોસાથ એવા-એવા લોકોને તેને ત્યાં મળવા મળે, જેને લીધે તેનું વિઝન વધારે મોટું બને, બિલીફ બદલાય અને આ જે બિલીફ બદલાય એ પણ બહુ જરૂરી છે, કારણ કે માણસ જે ફૅમિલી અને એજ્યુકેશન સિસ્ટમ સાથે બહાર આવ્યો હોય એ મુજબની જ માન્યતા સાથે તે રહેતો થઈ ગયો હોય છે. આપણે ત્યાં શું કામ એવું છે કે શાકવાળાભાઈને સાંજ પડ્યે પાંચસો કે સાતસો રૂપિયાનો બિઝનેસ થઈ જાય તો તેને બહુ સારું લાગે છે અને એવું શું કામ કે અમુક બિઝનેસમૅન વર્ષે કરોડોનું ટર્નઓવર કરી લીધા પછી પણ નેક્સ્ટ યર માટે તે વધારે મોટો ટાર્ગેટ બનાવે છે?
માઇન્ડસેટ અને મનમાં તૈયાર થઈ ગયેલો આ માઇન્ડસેટ તોડવાનું કામ બિઝનેસ-સમિટ કે સેમિનાર કરતાં હોય છે. વધારે સારી રીતે સમજાવું તો, ઍક્વેરિયમમાં રાખેલી ફિશ હંમેશાં ઍક્વેરિયમની સાઇઝ મુજબ જ મોટી થાય. જો કાચના બાઉલમાં ફિશ રાખો તો એની સાઇઝ વધીને કદાચ બે ઇંચ જેટલી થાય, પણ જો એ જ ફિશને તમે પાંચ ફુટના ઍક્વેરિયમમાં રાખો તો બની શકે કે એ ફિશનું કદ વધારે મોટું થાય. ગ્રોથનો સીધો નિયમ છે. તમે એવા જ બનશો, જેની સાથે તમે રહેતા હશો. સક્સેસફુલ સાથે રહેતો વ્યક્તિ આ જ કારણે પોતાના સર્કલમાં હોય એવા જ સક્સેસફુલ બનતા હોય છે. આપણા ગુજરાતીમાં પણ કહેવાયું જ છે કે ‘સોબત તેવી અસર.’
બિઝનેસ-સેમિનાર કે બિઝનેસ-સમિટ વ્યક્તિનું લેવલ ચેન્જ કરવાનું કામ કરે છે, તેના વિચારો અને વિઝન બદલવાનું કામ કરે છે અને સૌકોઈ જાણે છે કે વિચાર અને વિઝન જ સફળતાની પાયાની જરૂરિયાત છે. સબમરીન હોય કે પ્લેન, એ બન્યાં એ પહેલાં એનો વિચાર આવ્યો હતો. આજે પણ તમે જુઓ કે મોટું બિલ્ડિંગ પણ બનતાં પહેલાં એ વિચારોમાં આવે છે અને એ પછી એને કાગળ પર અને પછી રિયલમાં ઊભું કરવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ કે સેમિનાર, સમિટ કે પછી એ પ્રકારનાં કોઈ પણ ફંક્શન હંમેશાં લાઇફમાં ઉપયોગી બને જ બને.
તમને બીજો ફાયદો કહું.
એક બિઝનેસમૅન કોને શોધતો હોય? સામાન્ય જવાબ એવો હોય કે કસ્ટમર કે પછી પાર્ટનર કે પછી ટીમ-મેમ્બર. હવે તમે જ કહો કે આ જે ત્રણ જરૂરિયાત છે એ જરૂરિયાત ક્યાં પૂરી થાય અને કેવી રીતે પૂરી થાય? શું તમે મંદિરમાં જઈને પાર્ટનર શોધી શકો? ના, આધ્યાત્મિક લોકોનો સાથ જોઈતો હોય અને તમે એને શોધવા માટે પબ કે ક્લબમાં જાઓ તો ચાલે? ના, તમારે ફિલ્મ જોવી છે, પણ એને માટે તમે રેસકોર્સમાં જાઓ તો ચાલે? ના, સિમ્પલ છે, તમારે જેની જરૂર હોય એ જ્યાંથી અવેલેબલ હોય એવી જગ્યાએ જ તમારે જવું જોઈએ. બિઝનેસને ગ્રોથ આપવો હોય, બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવો હોય તો તમારે એ પ્રકારનું માઇન્ડસેટ ધરાવતા લોકો સાથે રહેવું જોઈએ. કરોડોનો બિઝનેસ કરનારાઓ સાથે રહો તો નૅચરલી કરોડોમાં ડીલ કરવાનું ખ્વાબ જાગે અને જે રોજબરોજનું કમાય છે તેની સાથે રહો તો એવી જ માનસિકતા મનમાં ડેવલપ થવા માંડે કે આવતી કાલ આપણે ક્યાં જોઈ છે, આપણે શું કામ બહુ ટેન્શન કરવાનું?
ટેન્શન કરવું ખરાબ નથી, ટેન્શન ખરાબ હોઈ પણ ન શકે, કારણ કે કોઈ પણ સક્સેસ ક્યારેય ટેન્શન આપતી નથી. કમ્ફર્ટ ઝોન આરામ આપે, પણ ટેન્શન તમને માઇલસ્ટોન બનાવે.
હમણાં જ મને એક જર્નલિસ્ટે સવાલ કર્યો કે આપણે ત્યાં સૅટિસ્ફેક્શનની માનસિકતા બહુ મોટા પાયે છે, એવા સમયે શું કરવું જોઈએ?
સંતોષ સારો છે, પણ બિઝનેસની બાબતમાં હું માનું છું કે એ સંતોષ ઘાતક છે. એ માત્ર વિકાસને રોકવાનું કામ નથી કરતો, પણ સંતોષ વ્યક્તિગત રીતે સમાજ અને દેશ પ્રત્યેની આપણી ફરજને હાનિ પહોંચાડે છે અને એ માનસિકતાને કારણે જ આપણો દેશ અત્યારે સોનાની ચીડિયા નહીં રહ્યો હોય.
કોઈ પણ વ્યક્તિના બે ગોલ હોય જ હોય. પહેલો ગોલ પોતાની જરૂરિયાત પૂરી કરવાનો, બીજો ગોલ ફૅમિલીની નીડ પૂરી કરવાનો અને આ બે ગોલ પર મહત્તમ લોકો પોતાની લાઇફને આગળ વધારતા હોય છે, પણ બિઝનેસ-મેન્ટાલિટી એ બધાથી જરા જુદી હોય છે. હું અનેક એવા બિઝનેસમેનને ઓળખું છું જેમની પોતાની અને આખા ફૅમિલીની નીડ વર્ષ કે બે વર્ષના બિઝનેસમાં જ પૂરી થઈ ગઈ હોય અને એ પછી પણ તેમનું કામ આગળ વધતું જતું હોય. આવું શું કામ એનું કારણ પણ જાણવા જેવું છે.
ધારો કે તમે સારા મૅન્યુફૅક્ચરિસ્ટ છો અને બહુ સારી કોઈ પ્રોડક્ટ બનાવી રહ્યા છો તો તમારી ફરજ છે કે તમે એ પ્રોડક્ટ માત્ર તમારા એરિયા પૂરતી ન રાખીને એને અક્રૉસ-ધ-સ્ટેટ અને પછી અક્રૉસ-ધ-નેશન પહોંચાડો. આ રિસ્પૉન્સિબિલિટી છે અને એ દરેકેદરેક વ્યક્તિએ પૂરી કરવાની હોય. મળેલી ટૅલન્ટનો ઉપયોગ નહીં કરીને આપણે ક્યાંક ને ક્યાંક આપણી જ ટૅલન્ટનું અપમાન કરતા હોઈએ છીએ, જેનો હક ભગવાને ક્યારેય કોઈને નથી આપ્યો. મેં મારી કરીઅર મોટિવેશનલ અને સસ્પિરિચ્યુઅલ લેવલ પર જ શરૂ કરી હતી અને સ્પિરિચ્યુઅલ લેવલ પર કૃષ્ણકથા તથા ડાયનૅમિક યોગ જેવા અનેક સક્સેસફુલ સેમિનાર કર્યા અને એટલે જ કહી શકું છું કે મળેલી ટૅલન્ટનું અપમાન કરવાનો હક ઈશ્વર કોઈને આપતો નથી એટલે જો તમારામાં ક્ષમતા હોય, ટૅલન્ટ હોય તો એને વિકસાવો. બહુ ઓછા લોકોમાં ઈશ્વર ટૅલન્ટ મૂકે છે.
બીજી વાત, માત્ર પોતાનું કે ફૅમિલીનું વિચારવાને બદલે જે પોતાનું કામ મોટું કરતા રહે છે, ટીમ વધારતા રહે છે એ વ્યક્તિ કેટકેટલી ફૅમિલીને નિભાવ આપવામાં નિમિત્ત બને છે! બિઝનેસ માત્ર ધંધો નથી, પણ મારું માનવું છે કે એ એક પ્રકારની સ્પિરિચ્યુઅલ સાધના જ છે, જે એમ્પ્લૉયમેન્ટ, પ્રોડક્ટ અને સર્વિસ દ્વારા કસ્ટમરની લાઇફમાં વૅલ્યુ ઍડ કરે છે અને સાથોસાથ કન્ટ્રીની ઇકૉનૉમીને પણ આગળ લાવવાનું કામ કરે છે અને એટલે જ હું કહીશ કે પોતપોતાના વ્યવસાયને આગળ લઈ જવો એ માત્ર આંતરિક વિકાસની વાત નથી, પણ દેશ અને સમાજને પણ ઉપયોગી થવાની માનસિકતા છે અને આ માનસિકતાને જ આજના સમયમાં સિવિલિયનની રાષ્ટ્રભક્તિ કહેવાતી હશે, કારણ કે તમે જાણો જ છો, બિઝનેસને કારણે જ મૅક્સિમમ ટૅક્સપેયર ઊભા થતા હોય છે અને જે દેશ પાસે મૅક્સિમમ ટૅક્સપેયર હોય એ દેશ વિકાસની યાત્રામાં ક્યાંય પાછળ ન હોય.
(અહેવાલ: સ્નેહ દેસાઈ)