ઝીરો કૅઝ્યુઅલ્ટી. હા, શૂન્ય મરણાંક. આનાથી સર્વોત્તમ વાત બીજી કઈ હોઈ શકે સાહેબ. જ્યારે દુનિયાઆખીની નજર તમારા દરિયામાં આવી રહેલા ભયાનક સાઇક્લોન પર હોય, જ્યારે અડધી દુનિયા એવું કહેવા પર આવી ગઈ હોય કે આ સાઇક્લોન ભારોભાર તબાહી મચાવશે...
પ્રતીકાત્મક તસવીર
ઝીરો કૅઝ્યુઅલ્ટી. હા, શૂન્ય મરણાંક. આનાથી સર્વોત્તમ વાત બીજી કઈ હોઈ શકે સાહેબ. જ્યારે દુનિયાઆખીની નજર તમારા દરિયામાં આવી રહેલા ભયાનક સાઇક્લોન પર હોય, જ્યારે અડધી દુનિયા એવું કહેવા પર આવી ગઈ હોય કે આ સાઇક્લોન ભારોભાર તબાહી મચાવશે અને એ પછી પણ તમે તમારી કોઠાસૂઝ, મહેનત અને અનુભવના આધારે એ સ્તરે કામ કરો કે આખેઆખા પ્રદેશમાં સાઇક્લોનને કારણે એક પણ મૃત્યુ ન થાય. સહજ રીતે સૅલ્યુટ કરવાનું મન થઈ આવે. ગુજરાત સરકારે એ જ કામ કર્યું છે અને એવું જ કામ કર્યું છે.
બિપરજૉય ગુજરાત તરફ આવે છે એ વાતની કન્ફર્મ જાણ થયા પછી પ્રશાસન પાસે રોકડા પાંચ દિવસ હતા અને આ પાંચ દિવસમાં ગુજરાત સરકારે દોઢ લાખથી વધારે લોકોનાં સ્થળાંતર કરાવ્યાં, તો સાથોસાથ સ્થળાંતર થયેલા એ સૌ માટે ખાવા-પીવા અને રહેવાની જરૂરી સગવડ પણ ઊભી કરી. આ નાનું કામ નથી અને આ સહેલું કામ પણ નથી. મશીનરી તમારી કામે લાગે તો પણ અમુક કામ એવાં છે જેને માટે તમારી પાસે કાર્યકરો હોવા જોઈએ, તમારી પાસે વેલ-વિશર હોવા જોઈએ અને એ બીજેપી પાસે છે એ પણ આ ઘટનાથી પુરવાર થયું છે. બિપરજૉયે પોતાનું કામ કર્યું છે. એણે હાલાકી આપી છે અને પાયમાલી પણ આપી છે, પરંતુ સૌથી સુખદ સમાચાર એ છે કે એને લીધે ગુજરાતમાં કોઈએ જીવ નથી ગુમાવવો પડ્યો.
ગુજરાત સરકારની આ જીત માટે ખરેખર એને ધન્યવાદ આપવા પડે અને એ ધન્યવાદની તીવ્રતા ત્યારે બેવડાઈ જાય છે જ્યારે આપણને એ ખબર પડે કે સાઇક્લોનની સીધી અસર થવાની હતી એ વિસ્તારમાં રહેવા માટે ગુજરાત સરકારના મિનિસ્ટર્સ રવાના થઈ ગયા હતા. હા, સાઇક્લોન આવતું હતું ત્યારે જવાબદારી સોંપવામાં આવી હતી એ મિનિસ્ટર દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં હતા અને લોકોની વચ્ચે રહ્યા હતા. જો કોઈને એવું લાગે કે મિનિસ્ટરને બધી સુવિધા મળી હતી તો એ માત્ર અને માત્ર વાંકદેખી નીતિ છે. સુવિધા સૂવાની, બેસવાની કે ખાવાની મળે ભલામાણસ, સાઇક્લોન સાથે ઉડાડી ન જાય એની ન મળે કે ઝાડ માથા પર પડે નહીં એવું રક્ષાકવચ ન મળે અને બીજી વાત, તેમને મળી હતી એવી સુવિધા આ વાંકદેખાઓને આપવાની આપણી તૈયારી છે. નક્કી તે કરે કે તે સાઇક્લોન આવવાનું હોય એ સ્થળે જઈને રહેવા અને ત્યાં રહીને કામ કરવા રાજી છે કે નહીં? ભલામાણસ, પરસેવો છૂટીને પાણી થઈ જાય અને હૈયું આઠ-દસ ધબકારા ચૂકી જાય એટલે કહેવાનું માત્ર એટલું કે વાંક કાઢો, પણ તમને એ હક ત્યારે જ મળે છે જ્યારે તમે તારીફ કરવાના સમયે બે સારા શબ્દો બોલવાનું કામ પણ હૃદયપૂર્વક કરો.
ગુજરાત સરકારે સર્વોચ્ચ કામ કર્યું છે એ સૌકોઈએ સ્વીકારવું રહ્યું. સાઇક્લોન પસાર થયાને આજે ૭૨ કલાક થયા છે અને અત્યારે ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં જનજીવન થાળે પડવાનું શરૂ થઈ ગયું છે. આ કામ ત્યારે જ શક્ય બને જ્યારે તમારા નેતા કામ કરાવવામાં નહીં, કામ કરવામાં માનતા હોય.
અગેઇન, હૅટ્સ ઑફ.


