° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


ભ્રામરી પ્રાણાયામ વાઇરસ સામે સંરક્ષણ આપી શકે?

05 November, 2020 03:52 PM IST | Mumbai | Ruchita Shah

ભ્રામરી પ્રાણાયામ વાઇરસ સામે સંરક્ષણ આપી શકે?

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન જર્નલમાં છપાયેલો એક રિપોર્ટ કહે છે, ‘પાંચ મિનિટ ભ્રામરી પ્રાણાયામ કરનારા પચાસ જેટલા પાર્ટિસિપન્ટ્સના હાર્ટ રેટમાં ઘટાડો નોંધાયો હતો

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન જર્નલમાં છપાયેલો એક રિપોર્ટ કહે છે, ‘પાંચ મિનિટ ભ્રામરી પ્રાણાયામ કરનારા પચાસ જેટલા પાર્ટિસિપન્ટ્સના હાર્ટ રેટમાં ઘટાડો નોંધાયો હતો

રિસર્ચર કહે છે કે ભ્રામરી વખતે ઉત્પન્ન થતો હમિંગ સાઉન્ડ નાઇટ્રિક ઑક્સાઇડ નામના ગૅસ કેમિકલનું પ્રોડક્શન પંદરગણું વધારે છે. હાઈ બ્લડ-પ્રેશર અને હાર્ટ રેટ ઘટાડવાથી લઈને માનસિક ક્ષમતા વધારવા, માનસિક રોગો દૂર કરવા, કોઈ પણ જાતના વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવા આ પ્રાણયામ અદ્ભુત પરિણામ આપી શકે છે. આજે જોઈએ એને કરવાની જુદી-જુદી રીત અને એનાથી થતા વિવિધ ફાયદાઓ વિશે...

હઠયોગ પ્રદીપિકામાં ભ્રામરી પ્રાણાયામ વિશે સ્વાત્મારામજી કહે છે કે ‘વેગથી ભ્રમર ગુંજનનો સમાન માત્રામાં અવાજ કરતા પૂરક એટલે કે શ્વાસ અંદર ભરતા જાઓ અને ભ્રમરીના ગુંજન જેવો અવાજ કરીને ધીમે-ધીમે શ્વાસ છોડતા જાઓ. આ પ્રકારનો અભ્યાસ કરવાથી ઉત્તમ સાધકોના ચિત્તમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય છે.’
રિલૅક્સિંગ પ્રૅક્ટિસથી લઈને ધ્યાનમાં સ્થિરતા લાવવા માટે ભ્રમરનો અવાજ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. એવામાં નૅશનલ પ્રેસિડન્ટ ઑફ ઈએનટી ડૉક્ટર્સ અસોસિએશન, આયુષ મિનિસ્ટ્રીના મેમ્બર અને ભ્રામરી પર પીએચડી કરનારા યોગ એક્સપર્ટ ડૉ. એમ. કે. તનેજાએ પોતાના અનુભવોને આધારે દાવો કર્યો છે કે ભ્રામરી પ્રાણાયામને અમુક રીતથી કરવામાં આવે તો કોરોના વાઇરસ જેવા વાઇરસથી રક્ષણ મેળવી શકાય છે. એની પાછળનું લૉજિક સમજાવતાં તેઓ કહે છે કે આ સાબિત થયેલું છે કે ભ્રામરી પ્રાણાયામથી નાઇટ્રિક ઑક્સાઇડ નામના ગૅસ મૉલેક્યુલ કેમિકલનું પ્રમાણ શરીરમાં પંદરગણું વધે છે. ડૉ. તનેજા પોતાના રિપોર્ટમાં કહે છે, ‘નાઇટ્રિક ઑક્સાઇડ નામના ગૅસના અણુઓનો કોષીય સ્તરે મેટાબોલિક પ્રોસેસમાં મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવામાં એની મહત્ત્વની ભૂમિકા છે. મેમરી પ્રોસેસિંગ અને યાદશક્તિ વધારવામાં આ વિશેષ ગૅસ કામનો છે એટલું જ નહીં; એજિંગ, રિપ્રોડક્શન, સ્થૂળતા, બીએમઆર અને શરીરની ડિફેન્સ સિસ્ટમને સુધારવામાં પણ નાઇટ્રિક ઑક્સાઇડ નામના તત્ત્વની ભૂમિકા ઉલ્લેખનીય છે. વિજ્ઞાનની દૃષ્ટિએ નાઇટ્રિક ઑક્સાઇડ હૉર્મોનલ સિક્રેશનને પણ કન્ટ્રોલ કરે છે. અત્યારના સમયની વાત કરીએ તો કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ એવું કહે છે કે નાઇટ્રિક ઑક્સાઇડ વાયરસના મલ્ટિપ્લિકેશન્સના પ્રમાણને ૮૨ ટકા જેટલું ઘટાડે છે, જેને કારણે ઉદ્ભવતી ઍન્ટિવાઇરલ ઇફેક્ટને કારણે કોરોના વાઇરસનું શરીરની અંદર થતું સ્પ્રેડિંગ ઘટે છે. કેટલાંક નવજાત બાળકોમાં જોવા મળતી પલ્મનરી હાઇપરટેન્શ નામની કંડિશનનમાં નાઇટ્રિક ઑક્સાઇડ થેરપી ક્લિનિકલી પ્રૂવ થયેલી છે. બીજું, નાઇટ્રિક ઑક્સાઇડમાં ઍન્ટિઇન્ફ્લમૅટરી ગુણ છે જેથી એ બૅક્ટેરિયા, વાઇરલ, ફંગલ ઇન્ફેક્શન જેવા શરીરને ડૅમેજ કરતા જીવાણુઓ સામે ડિફેન્સિવ ભૂમિકા ભજવે છે અને શરીરને ઇન્ફેક્શનથી મુક્ત રાખવા માટે સહાય કરી શકે છે. ફેફસાંમાં વેન્ટિલેશન-પર્ફ્યુશન રેશિયો વધારે છે અને ફેફસાંના સ્નાયુઓને રિલૅક્સ કરીને ઑક્સિજન લેવાની ક્ષમતા વધારે છે જેથી બ્રૉન્કાઇલ અસ્થમા માટે એ ફાયદાકારક છે. શ્વસન માર્ગના ઇન્ફેક્શનને દૂર કરવાથી લઈને ફેફસાંની ક્ષમતા વધારવા સુધીના લાભ ભ્રામરીના હમિંગ સાઉન્ડથી થઈ શકે છે.’
શું છે આ ભ્રામરી?
આગળ જે શ્લોકથી આપણે શરૂઆત કરી એ મુજબ શ્વાસ અંદર ભરતી વખતે અને શ્વાસ બહાર કાઢતી વખતે એટલે કે રેચક વખતે મમમમમમ જેવો ભમરાના ગણગણાય જેવો અવાજ કરવો. ભ્રામરી નામ પણ ભ્રમર અથવા તો ભમરા પરથી જ પડ્યું છે. જોકે એને કરવાની ઘણી રીત છે. માત્ર આંખ બંધ કરીને શ્વાસ અંદર ભરીને મમમમમમ અથવા નનનનનનન અથવા મં... જેવો હમિંગ સાઉન્ડ કાઢી શકાય છે. જેમ ઘંટ વગાડીએ પછી જે થોડીક વાર માટે ટંગ... જેવો સાઉન્ડ જનરેટ થાય છે એવો સાઉન્ડ ભ્રામરીમાંથી કાઢી શકાય છે. ભ્રામરી સાથે વિવિધ મુદ્રાઓ પણ ઉમેરીને એ થઈ શકે. મોસ્ટ પૉપ્યુલર મેથડ છે આંખો અને કાન બંધ કરીને ભ્રમરનો અવાજ કાઢવો અને એનાં વાઇબ્રેશન્સને મસ્તિષ્ક અને આખા શરીરમાં અનુભવવાં. મુદ્રાઓ વિશે ડૉ. તનેજા કહે છે, ‘જ્યારે શાંત ચિત્તે રિલૅક્સ થઈને ખેચરી અને શન્મુખી મુદ્રા સાથે ભ્રામરી કરવામાં આવે તો એના ફાયદાઓ અનેકગણા વધી જાય છે. મુદ્રાઓ દ્વારા આપણે શરીરની ઊર્જાને વિશેષ રીતે ચૅનલાઇઝ કરતા હોઈએ છીએ. કોઈ પણ એક આસનમાં બેસીને એકાદી મુદ્રા સાથે જ્યારે તમે આ પ્રાણાયામ કરો છો ત્યારે એ તમારા અનુભવને વધુ સટિક બનાવે છે. આ પ્રાણાયામ અસ્થમા, બ્રૉન્કાઇટિસ, ઇરિટેબલ બવેલ સિન્ડ્રૉમ, ડાયાબિઇીઝ, હાઇપરટેન્શન, ઇન્ફર્ટિલિટી અને નપુંસકતા જેવી સાઇકોસમૅટિક સમસ્યાના મૂળમાં જન્મેલા પ્રૉબ્લેમથી રક્ષણ કરી શકે છે. મુદ્રાઓ વિશે કહું તો ખેચરી મુદ્રા જેને બ્રહ્મચક્ર પણ કહેવાય છે એ મુદ્રા શરીરના ૮૪ મૅરિડિઅન પૉઇન્ટ્સને ઍક્ટિવેટ કરે છે જેનો ઉપયોગ પ્રાણિક હીલિંગમાં થાય છે. આ મુદ્રાથી શરીરમાં સેરોટોનિન, ડોપામીન, એન્સેફેલિન જેવાં હૉર્મોન્સ જન્મે છે જે તમારી પિનિઅલ ગ્રંથિ, હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમનું કેમિકલ કમ્પોઝિશન બદલે છે. લગભગ ૨૦૩ પ્રકારની બીમારીઓને દૂર કરવા એ સમર્થ છે. એની સાથે જો શાંભવી મુદ્રા એટલે કે આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો તો એની વધુ બહોળી અસર થાય છે. બીજી મહત્ત્વની વાત એટલે શ્વાસ બહાર છોડ્યા પછી જો કોઈ વ્યક્તિ પોતાની અનુકૂળતા અનુસાર શ્વાસ રોકી રાખે તો એ તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. આ બાબત કાર્બોજન થેરપી તરીકે કામ કરે છે અને તમારા ન્યુરૉન્સને રિજુવિનેટ કરવાનું અને તમારી રક્તવાહિનીઓને ડાઇલેટ કરે છે. ઓવરઑલ કહું તો સિમ્પલ હમિંગ સાઉન્ડ તમારા બ્લડ-પ્રેશર અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડે. મૉડિફાઇ કરેલો ભ્રામરી પ્રાણાયામ તમારી એકાગ્રતા, સ્પીચને લગતી સમસ્યા અને બ્રેઇન વેવ આલ્ફા સ્ટેટમાં જતાં ગ્રાસ્પિંગ પાવર પણ વધે છે.’
સંશોધનો પણ છે
ભ્રામરી પ્રાણાયામની હાર્ટ પર અસર, ભ્રામરી પ્રાણાયામ અને બ્લડ-પ્રેશર પર અસર, ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જેવા પ્રૉબ્લેમ્સમાં ભ્રામરીની અસર પર રિસર્ચ થયાં છે અને હકારાત્મક પરિણામ મળ્યું છે. ઇન ફૅક્ટ કેટલાક કેસમાં દવા પરની નિર્ભરતા પણ ઓછી થયાનું ધ્યાનમાં આવ્યું છે. નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન જર્નલમાં છપાયેલો એક રિપોર્ટ કહે છે, ‘પાંચ મિનિટ ભ્રામરી પ્રાણાયામ કરનારા પચાસ જેટલા પાર્ટિસિપન્ટ્સના હાર્ટ રેટમાં ઘટાડો નોંધાયો હતો અને નોંધનીય રીતે તેમના હાઈ બ્લડ-પ્રેશરમાં પણ ઘટાડો થયો હતો. કાનમાં અવાજ સંભળાતા હોય એવી ટીનિટસ નામની તકલીફમાં ભ્રામરી હકારાત્મક પરિણામ આપે છે. આગળ જેનો ઉલ્લેખ કર્યો એ હઠ પ્રદીપિકા, ઘેરણ્ડ સંહિતા, શિવ સંહિતા અને કેટલાંક ઉપનિષદો તથા પૂરાણોમાં પણ ભ્રામરી પ્રાણાયામનો અથવા તો નાદયોગના ભાગ રૂપ આ હમિંગ સાઉન્ડનો ઉલ્લેખ છે. પહેલાંના વિદ્વાનોએ ભ્રામરીને સમાધિ અવસ્થા સુધી પહોંચવાનું મહત્ત્વનું માધ્યમ ગણ્યું છે. નાદયોગથી નાદસમાધિ શક્ય છે અને જેના માટે અલગ-અલગ વિધિઓ દર્શાવી છે. નાડીઓનું નાડીશુદ્ધિ પ્રાણાયામથી શુદ્ધિકરણ થઈ જાય એ પછી નાદ યોગ દ્વારા સમાધિ પામવા સુધીની યાત્રામાં આગળ વધી શકાય છે. ભ્રામરી એ નાદયોગનું પ્રથમ બિંદુ કહી શકો તમે. જેમાં ભ્રમરના અવાજને પહેલાં મોટેથી ઉચ્છવાસ વખતે કાનમાં સાંભળવો અને પછી ધીમે-ધીમે અનાહદ નાદને એટલે કે મનથી આ નાદનો પોતાની અંદર અનુભવ કરવો જેવી પ્રક્રિયા હોય છે.

કેવી રીતે થાય ભ્રામરી?

yoga

ભ્રામરી પ્રાણાયામ કરવાની ઘણી રીત છે. જોકે સૌથી પ્રચલિત છે જેમાં અંગૂઠાથી કાન બંધ કરવા અને હાથની આંગળીઓથી આંખો બંધ કરીને શ્વાસ અંદર ભરીને ધીમે-ધીમે શ્વાસ બહાર છોડવો અને બહાર છોડતી વખતે નાભિમાંથી મમમમમમમ, નનનનનન અથવા નં... જેવો અવાજ બહાર આવે. આ ગુંજનાં વાઇબ્રેશન્સ આખા શરીરમાં અનુભવવાં.
બીજા મોડિફિકેશનમાં ખેચરી મુદ્રા એટલે કે તમારી જીભને ઉપરના તાળવા પર ચોંટાડી દો તો અને પછી ભ્રમરના અવાજ સાથે શ્વાસ બહાર છોડો તો વધુ લાભ થઈ શકે.
ભ્રામરી સાથે તમે અંદર અને બહાર શ્વાસ રોકવાની એટલે કે આંતર કુંભક અને બાહ્ય કુંભક પણ તમારી ક્ષમતા અને અભ્યાસને આધારે લગાવી શકો છો. કાનને બંધ કરવા અને આંખોને બંધ કરવા માટે ષન્મુખી મુદ્રાનો પ્રયોગ પણ કરી શકાય જેમાં તમારા અંગૂઠાથી કાનના દરવાજા જેવા લિગામેન્ટના હિસ્સાને પ્રેસ કરીને કાન બંધ કરો, હવે બન્ને હાથની તર્જની આંગળી આંખો પર, મધ્યમા નાસિકાના અગ્ર ભાગમાં, અનામિકા અને કનિષ્ઠિકા હોઠ તરફ રાખીને પણ ભ્રમર સાઉન્ડ કરી શકાય.
અવાજ સતત અને એક જ ફ્રીક્વન્સી સાથે બહાર આવે અને આ પ્રાણાયામ કરતી વખતે તમારો ચહેરો, મોઢું અને જડબાં રિલૅક્સ રહે એ જરૂરી છે. શ્વાસ લેતી વખતે પણ તમે અવાજ કરી શકો છો જે નર ભ્રમર જેવો હશે અને શ્વાસ છોડતી વખતે નીકળતો અવાજ માદા ભ્રમર જેવો હોય છે.

ડૉ. એમ. કે. તનેજા, યોગ એક્સપર્ટ

05 November, 2020 03:52 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK