ગ્રાહક માટે ‘અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલસ્ય વર્જનમ્’ કરવાથી વિશ્વાસ વધે છે. વેપાર માત્ર નફા પર નહીં પણ સેવા પર પણ કેન્દ્રિત થાય ત્યારે સાધના ફળે છે
તસવીર સૌજન્ય : એ.આઈ
યુનેસ્કોના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં જ્યારથી ભગવદ્ગીતા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે (૧૭ એપ્રિલ ૨૦૨૫) ત્યારથી બુક સ્ટોર્સ, ઑનલાઇન ઍમૅઝૉન, લિન્ક્ડ ઇન વગેરેએ ‘ભગવદ્ગીતા’ને આગળ નજરે ચડે એમ દેખાડવાનું શરૂ કર્યું છે. ચૅટ જીપીટી/ ગ્રોકને લોકોએ ગીતા વિશેના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું છે. સોશ્યલ મીડિયા પર ગીતા ઍન્ડ મૅનેજમેન્ટ, ગીતા ઍન્ડ લીડરશિપ, ગીતામાં નેતૃત્વના પાઠ, ગીતાના ૧૮ અધ્યાયના ૧૮ સિદ્ધાંતો એવા-એવા લેખો ફરી રહ્યા છે. ગ્રેટ લીડર કેવી રીતે બનાય એના પરિસંવાદો, સેમિનાર, ટૉક વગેરે તો રાખવામાં આવે જ છે. કૃષ્ણ બનાવવા સૌ પાસે ઉપાયો છે પણ અર્જુન કેમ બનવું, ઉત્તમ શિષ્ય/સેવક કેમ બનવું એના સેમિનાર નથી રાખવામાં આવતા. બલકે ભગવદ્ગીતા તો આપણને ઉત્તમ શિષ્ય કેવી રીતે બનાય એ જ શીખવે છે. સાચો નેતા એ જ બની શકે જે સાચો સેવક બની શકે. ગુરુને સંપૂર્ણ સમર્પિત સેવક જ સંપૂર્ણ જ્ઞાન મેળવી શકે. એટલે શરણાગતિ જ સાચું સૂત્ર છે. દરેક ધર્મ શરણાગતિની જ વાત કરે છે. પ્રભુને દરવાજે ‘મૈં હૂં, મૈં હૂં’ કહેવાથી દરવાજો નહીં ખૂલે પણ ‘તૂ હી, તૂ હી’ હૃદયમાંથી ઊઠશે ત્યારે જ એકતારો વાગવા લાગશે અને દરવાજા ખૂલી જશે.
કૉર્પોરેટ ફીલ્ડમાં પણ ગ્રાહકને ઉત્તમ સેવા આપવાથી જ બિઝનેસ વધે છે. દેશની GDPમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનો બહુ મોટો ફાળો છે. તેથી જ આફ્ટર સેલ્સ સર્વિસને બહુ મહત્ત્વ અપાય છે. ‘ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો.’ ઍમૅઝૉન, ફ્લિપકાર્ટ, ઝોમાટો, ઓલા વગેરે આખરે શું આપે છે? સમયસર સેવા જને? ફરિયાદ કરો તો દલીલ વગર પૈસા પાછા. સંપૂર્ણ શરણાગતિનો જ આ એક પ્રકારને!
ADVERTISEMENT
કુરુક્ષેત્રમાં અર્જુન માટે કૃષ્ણનું જે સ્થાન હતું એ જ સ્થાન ધંધાના ક્ષેત્રમાં એક દુકાનદાર માટે ગ્રાહકનું છે. ગ્રાહક માટે ‘અનુકૂલસ્ય સંકલ્પ અને પ્રતિકૂલસ્ય વર્જનમ્’ કરવાથી વિશ્વાસ વધે છે. વેપાર માત્ર નફા પર નહીં પણ સેવા પર પણ કેન્દ્રિત થાય ત્યારે સાધના ફળે છે. શરણાગતના સારથિ જ કૃષ્ણ બને છે.
થોડાં વર્ષો પહેલાં દુકાનોમાં ગાંધીજીના શબ્દો લખેલાં જોવા મળતા હતા, ‘આપણી દુકાને આવેલો ગ્રાહક સૌથી મહત્ત્વનો મુલાકાતી છે.... એ આવીને આપણા કામમાં ખલેલ નથી પડતો પણ એનું આવવું એ જ આપણો હેતુ છે. એને સેવા આપી આપણે એના પર કોઈ ઉપકાર નથી કરતા, પણ આપણને સેવા કરવાનો મોકો આપી એ આપણા પર ઉપકાર કરે છે.’
नष्टोर्मोह करिष्ये वचनम् तव કહી અંતે જીતે છે કોણ? અર્જુન જને!
શરણાગતિના સેમિનાર ભૌતિક અને આધ્યાત્મિક બન્ને ક્ષેત્રમાં ઉન્નતિ અપાવશે.
-યોગેશ શાહ

