સારવાર એ બહારથી થતી પ્રવૃત્તિ છે અને રૂઝ અંદરથી આવતી પ્રક્રિયા છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૧૯૮૬ના એપ્રિલ મહિનામાં એક વ્યક્તિએ ‘ટ્રાયેથ્લોન’ રેસમાં ભાગી લીધો. ‘ટ્રાયેથ્લોન’ એટલે એક એવી સ્પર્ધા જેમાં ત્રણ અલગ-અલગ શારીરિક પ્રવૃત્તિઓ સમાવિષ્ટ હોય; જેમ કે રનિંગ, સાઇક્લિંગ અને સ્વિમિંગ. આ સ્પર્ધાના સાઇક્લિંગ તબક્કા દરમ્યાન પેલી વ્યક્તિને એક ગંભીર અકસ્માત થયો. આ ઘટનાનું વર્ણન કરતાં તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ‘એક SUV કારના પૈડા નીચે આવી જવાનો લહાવો મળ્યો!’ એક સામાન્ય માણસ માટે જે અકસ્માત એક દુર્ભાગ્ય, દુઃસ્વપ્ન કે યાતના હોય એ દુર્ઘટનાને તેમણે ‘કચડાઈ જવાનો પ્રિવિલેજ’ ગણીને વર્ણવી છે.
આ અકસ્માતમાં તેમના છ મણકામાં ફ્રૅક્ચર થયું. જ્યારે તેમની આંખો ખૂલી ત્યારે તેઓ ખૂબબધી ન્યુરોલૉજિકલ તકલીફો અને વિકલાંગતાથી ઘેરાયેલા હતા. પીડાને કારણે ચીસો પાડીને ફરિયાદ કરતું શરીર, હલનચલન કરવાની કે ચાલી શકવાની અસમર્થતા અને સુન્ન થઈને સૂમસામ પડેલા હાથ-પગ.
ADVERTISEMENT
સાવ બંધિયાર અને અવાવરા થઈ ગયેલા શરીરમાં ઈશ્વરે ફક્ત એટલી કૃપા રાખેલી કે ફેફસાં નામની બારીમાંથી હવાની અવરજવર થઈ શકતી. તે વ્યક્તિના શ્વાસ સિવાય બીજું કશું જ ચાલતું નહોતું. સ્પાઇન સર્જ્યને મણકાનું ઑપરેશન કરવાની સલાહ આપી, પણ તેમની સ્પાઇનલ કૉર્ડ (કરોડરજ્જુ) એટલો ખરાબ રીતે ડૅમેજ થયેલી કે મણકાના ઑપરેશન પછી પણ તેઓ બેઠા થઈ શકશે કે કેમ એ વિશે શંકા હતી.
તે યુવાને સર્જરી ન કરાવવાનો નિર્ણય લીધો. એનો અર્થ હતો કાયમી પૅરૅલિસિસ, જીવનભરની પરવશતા અને પથારીવશ અવસ્થામાં પસાર થનારી બાકીની જિંદગી. જોકે હાથ—પગમાં ચડેલી ખાલીને તે વ્યક્તિએ ખાલીપામાં કન્વર્ટ ન થવા દીધી. તબીબી વિજ્ઞાનનાં સ્થાપિત ધોરણો અને પ્રવર્તમાન સારવારની વિરુદ્ધ જઈને તેમણે નક્કી કર્યું કે હું મારાં વિચારો, મનોબળ અને માન્યતાથી મારી જાતને સાજી કરીશ.
એ પછીના ત્રણ મહિના તેમણે પોતાની જાતનું શારીરિક અને માનસિક સમારકામ ચાલુ રાખ્યું. તબીબી મિત્રો અને સ્વજનોની મદદથી ધીમે-ધીમે બેઠા થયા અને પોતાની સ્પાઇનને પણ બેઠી કરી. અકસ્માતના ફક્ત સાડાત્રણ મહિના પછી તેમણે પોતાનું રૂટીન અને નૉર્મલ જીવન શરૂ કરી દીધું અને ત્યાર પછી આજ સુધી ક્યારેય તેમણે પીઠના દુખાવાની ફરિયાદ નથી કરી.
આ સત્ય ઘટના છે અને તે વ્યક્તિનું નામ છે ડૉ. જો ડિસ્પેન્ઝા, જેઓ પોતે એક ન્યુરો-સાયન્ટિસ્ટ છે. તબીબી વિજ્ઞાનનાં ચશ્માં પહેરીને જોઈએ તો આ કેસ એક અપવાદ લાગે અને સામાન્ય માણસની નજરે જોઈએ તો ચમત્કાર, પણ ડૉ. જો ડિસ્પેન્ઝાના મતે આ એક એવી આંતરિક શક્તિ છે જે દરેક વ્યક્તિમાં રહેલી હોય છે. તેમણે લખેલાં વિવિધ પુસ્તકોમાંથી ‘બિકમિંગ સુપર-નૅચરલ’ અને ‘યુ આર ધ પ્લેસીબો’ પુસ્તકો વાંચવા જેવાં છે. ડૉ. જો એવું માને છે કે જ્યારે કોઈ પણ ઘટના આપણને શારીરિક કે માનસિક રીતે હાનિ પહોંચાડે છે ત્યારે આપણું શરીર સ્વબળે રિપેર થવાની ક્ષમતા ધરાવે છે.
એક સુપર-સ્પેશ્યલિસ્ટ ઍલોપથી ડૉક્ટર અને સર્જ્યન હોવા છતાં આ વાત હું એટલા માટે રજૂ કરી રહ્યો છું કારણ કે છેલ્લા થોડા સમયમાં ‘સેલ્ફ-હીલિંગ’નો આ કન્સેપ્ટ મને રસપ્રદ, પડકારજનક અને વણખેડ્યો લાગી રહ્યો છે. આ વાત અહીં રજૂ કરવાનો હેતુ એક નવા વિશ્વમાં ડોકિયું કરવાનો અને પીડિતોને ઉપયોગી થવાનો છે, મેડિકલ સાયન્સની પ્રવર્તમાન પ્રૅક્ટિસને ચૅલેન્જ કરવાનો નથી. ઇન ફૅક્ટ, હું પણ એ જ પ્રૅક્ટિસ કરી રહ્યો છું અને એમ છતાં ડૉ. જો ડિસ્પેન્ઝા જેવા વિદ્વાન માણસની ક્રાન્તિકારી વાતોમાં મને રસ પડી રહ્યો છે.
પોતાના પુસ્તકમાં ડૉ. જો ડિસ્પેન્ઝાએ લખ્યું છે કે આપણને બીમાર બનાવનારાં ‘ટૉક્સિન્સ’ કે રસાયણો ઉત્પન્ન કરનારા શરીરમાં જ એ સામર્થ્ય રહેલું છે કે એ આપણને સાજા કરવા માટેનાં ‘ટૉનિક્સ’ પણ બનાવી શકે. તેમની એ વાત બહુ રસપ્રદ અને નાવીન્યપૂર્ણ છે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણું મન, વિચારો, માન્યતા અને અભિગમ નક્કી કરે છે. જાત અને જીવન વિશેના આપણા અભિપ્રાય, અભિરુચિ અને દૃષ્ટિકોણથી આપણી રિકવરી, તંદુરસ્તી કે સ્વસ્થતા નક્કી થતી હોય છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે કોઈ એવી અદૃશ્ય ઇન્ટેલિજન્સ કે ચેતના આપણા દરેકમાં રહેલી છે જે જીવદાયી છે, એક એવું ચૈતન્ય જે આપણા હૃદયને ધબકતું અને શરીરને જીવંત રાખે છે. એને વૈશ્વિક ચેતના કહો કે આત્મા, શિવ કહો કે ઊર્જા; પણ આપણા દરેકની અંદર કોઈ તો એવું છે જે ઇચ્છે છે કે આપણે ચિરંજીવી અને સ્વસ્થ રહીએ.
સંઘર્ષ અને તકલીફોનું નિર્માણ ત્યારે થાય જ્યારે શુદ્ધ આત્મવાન ઊર્જા સાથે આપણા મલિન વિચારો અથડાય, બીમાર મન અને તંદુરસ્ત ચેતના વચ્ચે યુદ્ધ રચાય. એ બન્નેમાં જે જીતે એ આપણા સ્વાસ્થ્યની નિયતિ નક્કી કરે છે. પોતાનાં જ્ઞાન, અનુભવ અને અભ્યાસનાં શસ્ત્રો લઈને તબીબો ફક્ત આપણી સહાય અને સારવાર કરી શકે છે, હીલિંગ નહીં; કારણ કે સારવાર એ બહારથી થતી પ્રવૃત્તિ છે અને રૂઝ અંદરથી આવતી પ્રક્રિયા છે. જ્યાં સુધી આપણું શરીર એની અંદર રહેલી ‘લાઇફ-એનર્જી’ સાથે સુમેળમાં નહીં હોય ત્યાં સુધી કોઈ તબીબ, દવા કે ઑપરેશન આપણને સાજા નહીં કરી શકે.
(લેખક ભાવનગરસ્થિત જાણીતા યુરોલૉજિસ્ટ છે અને સાથે અનુભવી લેખક અને કૉલમનિસ્ટ છે.)

