Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે નથી એ બનવા કરતાં જે છો એ જ રહો

જે નથી એ બનવા કરતાં જે છો એ જ રહો

24 July, 2022 07:40 PM IST | Mumbai
Kana Bantwa

તમે જ્યાં છો એ તમારું મેદાન છે, એમાં તમને હરાવવા મુશ્કેલ છે; અન્યના મેદાનમાં જીતવું મુશ્કેલ છે

ભેંસને ઘસી-ઘસીને ધોવાથી એ ગાય નથી બની શકતી એમ વ્યક્તિએ પણ પોતે જે છે એને બદલીને બીજા જેવા બનવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ.

ભેંસને ઘસી-ઘસીને ધોવાથી એ ગાય નથી બની શકતી એમ વ્યક્તિએ પણ પોતે જે છે એને બદલીને બીજા જેવા બનવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ.


દરબારમાં તાનસેનનું સંગીત સાંભળીને ભાવવિભોર બની જતા શહેનશાહ અકબરને એક વખત થયું કે હું તાનસેનથી પણ મોટો સંગીતકાર બની જઉં. તેમણે તરત જ બિરબલને બોલાવ્યો અને હુકમ કર્યો કે ‘હું શ્રેષ્ઠ સંગીતકાર બની જવા માગું છું, એ માટે વ્યવસ્થા કરો. તાનસેન કે પછી રાજ્યના શ્રેષ્ઠ સંગીતકાર-ગવૈયાઓને મારી તાલીમ માટે નિયુક્ત કરો.’ બિરબલને થયું કે શહેનશાહ ભલે સંગીતને સમજનાર છે, તેમના કાન સંગીતના પારખુ છે, તેઓ કાનસેન છે; પણ પોતે સંગીતકાર બની શકે એમ તો નથી જ. જોકે જીદે ચડેલા અકબરને એમ ના પાડવાથી તેમની જીદ વધુ વકરશે. બાળહઠ, સ્ત્રીહઠ અને રાજહઠ પૂરી કર્યા વગર છૂટકો ન હોય. બિરબલે એક યુક્તિ વિચારી. તેણે કહ્યું કે જહાંપનાહ, કાલે આપણે એક એવી જગ્યાએ જઈશું જ્યાં તમે સંગીતકાર બની શકશો. બીજા દિવસે બિરબલ અને બાદશાહ સામાન્ય કપડાં પહેરીને નગરની બહાર નીકળ્યા. આગળ જતાં યમુના નદી આવી. નદીના કાંઠે એક માણસ પોતાની ભેંસને ઘસી-ઘસીને ધોઈ રહ્યો હતો. ખૂબ જ જોશથી ઘસવાને કારણે ભેંસ અકળાઈને નાસવાનો પ્રયત્ન કરતી હતી, પણ એનો માલિક એને ઘસીને ધોવાનું બંધ કરતો નહોતો. થોડી વાર આ તમાશો જોયા પછી બાદશાહને પેલા માણસ પર ગુસ્સો આવ્યો. તેમણે તેને પૂછ્યું, ‘આ ભેંસને ઘસીને ધોવાથી એની ચામડી છોલાઈ ગઈ છે. એ પીડાને લીધે નાસી જવાનો મરણિયો પ્રયાસ કરે છે છતાં તું એને ધમારવાનું બંધ નથી કરતો. આવો જુલમ શા માટે કરે છે?’ પેલા માણસે જવાબ આપ્યો કે એક સૂફી સંતે મને કાલે કહ્યું હતું કે તું આ ભેંસને ઘસીને ધોઈશ તો એ ગાય બની જશે એટલે હું એને બરાબર ઘસીને ધોઈ રહ્યો છું. પેલા માણસની મૂર્ખાઈ પર અકબરને હસવું આવ્યું. ખડખડાટ હસીને બાદશાહે કહ્યું, ‘ભેંસ ક્યારેય ગાય બની શકે ખરી? અને ભેંસને ગાય બનાવવાથી તને ફાયદો શું થશે?’ બરાબર એ જ સમયે બિરબલે કુર્નિશ કરીને કહ્યું, ‘જહાંપનાહ, હું પણ તમને એ જ કહેવા માગતો હતો. તમે સમ્રાટ છો, યોદ્ધા છો, ન્યાયપ્રિય છો, ચતુર છો; પણ તમે તાનસેનથી મોટા સંગીતકાર ન બની શકો. તમે સંગીતકાર બનો એનો કોઈ અર્થ પણ નથી.’
તમે છો એ બનો
બી યૉરસેલ્ફ એવું કહેવું સહેલું છે, બનવું મુશ્કેલ છે. તમે છો એ બનો. જોકે કેટલાને જાણ છે કે પોતે ખરેખર શું છે? માત્ર કૌશલ્યની વાત નથી. અન્ય દરેક બાબતમાં પણ માણસ જે નથી એ જ બની રહે છે. જેને સંગીતમાં રસ હોય તેણે સંગીતકાર બનવું, વિજ્ઞાનમાં રસ હોય તેણે સંશોધક બનવું, કશુંક રચવામાં રસ હોય તેણે એન્જિનિયર બનવું એવી વાતો બહુ સામાન્ય છે. આપણે અહીં એની ચર્ચા નથી કરવી. આપણે વાત કરવી છે જીવનના દરેક સ્તરે પોતે જે છે એ બની રહેવાની, પોતાનું જે સત્ય છે એને સાચવી રાખવાની, પોતાના સ્વને ઓળખીને એની ઓળખને યથાતથ રાખવાની. આપણામાંના મોટા ભાગના માણસો પોતાના અસલ અસ્તિત્વને, પોતાના મૂળ સ્વભાવને, પોતાના કોરને જાણતા નથી. ભણવામાં હોશિયાર હતા, મેડિકલમાં પ્રવેશ મળી ગયો એટલે ડૉક્ટર બની ગયા. પછી આખી જિંદગી પોતાને ડૉક્ટર તરીકે જ જોતા રહેવાનું. પિતાજીનો ધંધો હતો, ભણી લીધું એટલે ધંધામાં વળગાડી દીધા, ધંધો વિકસાવ્યો, બિઝનેસમૅન તરીકેની ઓળખ ચોંટી ગઈ. 
મજાની વાત તો એ છે કે માણસે પોતે પણ પોતાના આ લેબલને જ પોતાનું અસલ અસ્તિત્વ માની લે છે. જે બીબું બનાવાયું હતું એમાં ઢળી ગયા પછી એ યાદ રહેતું નથી કે મૂળ તે કેવો હતો અને શું થઈ ગયો છે. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે, ‘તું વીસરી ગયો છે કે તું કોણ છે. જ્યારે એ સ્મૃતિ પાછી આવશે ત્યારે તારું તમામ અજ્ઞાન દૂર થશે.’
મૂળ પ્રકૃતિને ઓળખવી
આ દુનિયાદારીમાં આપણે એક પ્રવાહમાં તણાઈને કંઈક ને કંઈક બની જઈએ છીએ. આપણા પર એ આઇડેન્ટિટી લાગી જાય છે. અહીં ખૂબ ઓછા એવા હોય છે જેમને અપના મુકમ્મલ જહાં મળી જાય છે. બાકી તો કહીં ઝમીં, કહીં આસમાં નહીં મિલતા. જેને જમીન મળી જાય છે તેને આસમાન નથી મળતું અને આસમાન મળે છે તેને ધરતી નથી મળતી. જોકે પ્રવાહમાં તણાઈને જે બની ગયા છીએ એમાં ચાર ચાંદ લગાડી દેવા હોય તો? જ્યાં પહોંચ્યા છીએ, જે લેબલ લાગ્યું છે એને સંપૂર્ણપણે બદલવાનું બધી વખતે સંભવ ન પણ હોય. એવી સ્થિતિમાં પણ ચમકી ઊઠવા માટે પોતાની મૂળ પ્રકૃતિને ઓળખવી જરૂરી છે. જ્યારે તમે તમારી પ્રકૃતિને જાણી લેશો ત્યારે તમારા રોજબરોજના કામમાં એનો મહત્તમ ઉપયોગ કરી શકશો, એને અનુરૂપ હોય એવી રીતે કાર્ય કરવાના પ્રયત્નો કરશો. તમે એવા નિર્ણયો નહીં લો જે તમારા કોરની વિરુદ્ધ હોય. સફળ થવા માટે પોતાની ક્ષમતાને ઓળખવી જેટલી આવશ્યક છે એટલી જ પોતાની મર્યાદાને સમજી લેવી પણ જરૂરી છે. જે માણસ પોતાની પ્રકૃતિને ઓળખી ગયો તે એવાં કામ, એવા નિર્ણયો, એવાં સાહસોથી દૂર રહેશે જે પોતાની પ્રકૃતિને માફક આવતાં ન હોય. સુખી થવા માટે શું કરવું એ કરતાં શું ન કરવું એ જાણવું વધુ અગત્યનું છે. પ્રકૃતિની વિરુદ્ધનું કાર્ય ક્યારેય આનંદ આપતું નથી. એટલું જ નહીં, એ અપેક્ષિત પરિણામ પણ આપી શકતું નથી. બિઝનેસમાં કે કૉર્પોરેટ જગતમાં નિર્ણયો લેતી વખતે, કોઈ નવું કામ હાથ પર લેતી વખતે કે નવા કોઈ પ્રોજેક્ટની પરિકલ્પના વખતે જે પોતાના સ્વને ઓળખતો હોય એવો માણસ વધુ વાસ્તવિક રીતે વિચારી શકશે. તે પોતાની સાથે એવા લોકોને જ લેશે જેની પ્રકૃતિ એ પ્રોજેક્ટને, પોતાને અનુકૂળ હોય. જે પોતાને જાણી જાય છે તે અન્યોને પણ યથાતથ જાણી શકે છે. તમારી જાતને જાણો અને તમે જે છો તે જ રહો.
સ્વધર્મે નિધનમ શ્રેય
માણસને પોતે જે છે એનાથી ક્યારેય સંતોષ થતો નથી, જે નથી એ બનવાની ઇચ્છા સતત થતી રહે છે. વાસ્તવમાં તો તમે જે છો એ જ પૂર્ણપણે બનીને રહો એનાથી ઉત્તમ કશું નથી. તમે જ્યાં છો એ તમારું મેદાન છે. એમાં તમને હરાવવા મુશ્કેલ છે. અન્યના મેદાનમાં જીતવું મુશ્કેલ છે. કાગડાએ હંસ બનવા માટે સફેદ પીંછાં લગાવ્યાં એ વાર્તા બધા જાણતા જ હશે. આ વાર્તાનો બોધ પણ બધાને નાનપણથી સમજાવવામાં આવ્યો હોય જ. જોકે એ બોધ બાળકો અને બાળકબુદ્ધિઓ માટે છે. એ કથામાંનો ઊંડો બોધ એ છે કે કાગડો બની રહેવું એ પણ ખરાબ નથી જ. હંસ બનવા માટે પીંછાં ખોસીને કાગડો પણ ન રહે અને હંસ પણ ન બની શકે એનાથી મહત્ત્વની બાબત એ છે કે કાગડાએ કાગડો જ રહેવું. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ જ્યારે કહ્યું કે ‘સ્વધર્મે નિધનમ્ શ્રેય’ ત્યારે સ્વધર્મનો અર્થ અત્યારે જેને ધર્મ કહે છે એ ધર્મ એવો કરવાનો ઉદ્દેશ તો કૃષ્ણનો કદાપિ નહોતો. એનો અર્થ માણસ પોતાની પ્રકૃતિને, પોતાના કર્તવ્યને વળગી રહે એવો જ સમજવો પડે. કૃષ્ણએ આગળ કહ્યું છે ‘પરધર્મો ભયાવહ:’. અન્યની પ્રકૃતિ મુજબ પોતાને ઢાળવા જવું જોખમી છે. માણસ અનુકૂલન સાધી લેવામાં પાવરધો છે. તે આવશ્યકતા મુજબ ઢળી જાય છે. એટલે મોટા ભાગના માણસો અન્યની જરૂરિયાત મુજબ ઍડ્જસ્ટ થઈ જાય છે, પોતાની અસલ ઓળખ ખોઈને સ્વાર્થ સાધી લેવા તલપાપડ રહે છે. સ્વાર્થ માટે પોતાની મૂળ પ્રકૃતિથી વિમુખ થતાં માણસ શીખી ગયો છે. આ જ સમસ્યા છે. આ જડ છે મુશ્કેલીની. અનુકૂલન સાધી લેવું જરાય ખોટું નથી. એ પછી પોતાની પ્રકૃતિ, પોતાની અસલ ઓળખને વિસ્મરી જાય એ યોગ્ય નથી.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2022 07:40 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK