વાંચો આખું પ્રકરણ - ૧૧ અહીં
ઇલસ્ટ્રેશન
મૂંઝવણ આંખોમાં વર્તાય એના કરતાં માણસની ચાલમાં વધુ પરખાય.
ડૉ. આદિત્ય કશ્યપના ક્લિનિકથી ઘરે આવ્યા પછી મેજર રણજિત ભીતરથી થોડા વધુ ગુમસૂમ થયા. અનિકા યુનિવર્સિટી ગઈ હતી. પોતાના રૂમમાં બિસ્તર પર બેઠાં-બેઠાં રણજિત વિચારી રહ્યા છે કે અનિકા સાથે કઈ રીતે અનુસંધાન સાધી શકાય.
ADVERTISEMENT
છેલ્લા ત્રણેક દિવસથી અનિકાની નારાજગી તે નોંધી શક્યા હતા. તે ખપપૂરતી વાત કરતી અને બાકીનો સમય પોતાના રૂમમાં રહેતી. ડાઇનિંગ ટેબલ વધારે ચૂપ થયું હતું. નારાજગી દેખી શકાય પણ ત્યાં આંગળી મૂકીને એના વિશે વાત કઈ રીતે કરી શકાય એ કળાથી રણજિત હજી અજાણ છે.
રણજિતે મોબાઇલ હાથમાં લીધો અને અનિકાને વૉટ્સઍપ મેસેજ કર્યો,
‘આજે ઘરે થોડી વહેલી આવી શકે?’
અનિકા ઑનલાઇન હતી. તેણે બાબાનો મેસેજ વાંચ્યો. મોબાઇલ સ્ક્રીનમાં મેસેજનું ડબલ ટિક થયું એટલે રણજિતને સમજાયું કે તેની વાત પહોંચી ગઈ છે. સ્ક્રીન પર અનિકાના વૉટ્સઍપ અકાઉન્ટમાંથી ‘ટાઇપિંગ ટાઇપિંગ ટાઇપિંગ...’ આવી રહ્યું હતું.
રણજિત રાહ જોઈ રહ્યા છે કે અનિકા શું જવાબ આપશે? ખાસ્સી વાર સુધી અનિકાનું ટાઇપિંગ રહ્યું અને પાછું સ્થિર થયું અકાઉન્ટ. ફરી સ્ક્રીન પર અનિકાનું ‘ટાઇપિંગ ટાઇપિંગ.’
રણજિતને સમજાઈ ગયું કે અનિકા વિચારના વંટોળે ચડી હશે કે કોઈ દિવસ નહીં ને બાબા આજે કેમ આવો મેસેજ કરી રહ્યા છે? અનિકાને નિઃસંકોચ કેવી રીતે કહી શક્યા કે આજે તે ઘરે વહેલી આવી જાય!
અને અનિકાનો જવાબ આવ્યો.
‘ઓકે!’
આ ‘ઓકે’ લખતાં પહેલાં તેણે ઘણું-ઘણું લખીને ભૂંસ્યું હશે એનો અંદાજ રણજિતને આવી ગયો. કેટલીયે ગડમથલ પછી આ જવાબ અનિકાએ આપ્યો હશે.
રણજિતે લૅપટૉપ ઓપન કર્યું તો સ્ક્રીન પર પેલી અંગ્રેજી ફિલ્મ ‘Prayers for Bobby’નો ક્લાઇમૅક્સ સીન હતો. આ એ જ સીન હતો જેમાં બૉબીની મા મૅરી ગ્રિફિથ સિટી કાઉન્સિલની બેઠકમાં પહેલી વાર ગે-લેસ્બિયન બાળકોની તરફેણમાં સ્પીચ આપે છે. ડૉ. આદિત્ય કશ્યપે આ જ તો હોમવર્ક આપેલું કે પોતાના સ્વર્ગસ્થ દીકરા બૉબીને નહીં સમજી શકનાર મા મૅરી ગ્રિફિથની સ્પીચ બોલવાની છે.
રણજિતને ખોટું બોલવાનો થાક લાગી રહ્યો હતો. ક્યાં સુધી ડૉ. આદિત્ય કશ્યપને તે ખોટી માહિતી આપશે?
‘મારી નહીં, મારા મિત્રની દીકરી લેસ્બિયન છે.’
‘હું મારા માટે નહીં, મારા મિત્ર માટે તમારી પાસે આવી રહ્યો છું ડૉક્ટર.’
રણજિતે વિચાર્યું કે છેલ્લા પંદર દિવસમાં ડૉ. આદિત્ય આગળ આટલું ખોટું બોલીને જો તે આટલા થાકી જતા હોય તો પોતાની ઓળખ સંતાડીને આખી જિંદગી દુનિયા સામે ‘બધું બરાબર છે’નો ડોળ કરતા ગે-લેસ્બિયન લોકોનો થાક કેવો હશે?
ડબલ જિંદગી જીવતા આ લોકોની ભીતર મૂંઝારાનું કેવડું મોટું રણ પથરાયેલું હશે!
ખોટું બોલીને, ખોટું જીવીને, ખોટું હસીને આ લોકોનાં ચિત્તમાં હાંફના કેવા થર જામતા હશે?
અરીસામાં જોઈને વાળ ઓળતા હશે ત્યારે આ ગે-લેસ્બિયન લોકો પોતાની આંખમાં આંખ પરોવીને શું બોલતા હશે? તેમના મૂંઝારાની બારી તો આજ સુધી વિચારી નહોતી.
તરત રણજિતે માથું ધુણાવીને વિચારો ખંખેર્યા. પાણી પીધું અને ફરી એક વાર લૅપટૉપની સ્ક્રીન પર ફિલ્મની નાયિકા મૅરી ગ્રિફિથ સામે જોયું જે જગત સાથે સંવાદ કરી રહી છે. રણજિતને થયું, સારું છે કે મારે તો માત્ર અનિકા સાથે જ સંવાદ કરવાનો છે.
ઘડિયાળમાં જોયું. બપોરના બે વાગ્યા હતા. રજણિતે નક્કી કર્યું કે ડૉ. આદિત્ય કશ્યપે આપેલું હોમવર્ક પૂરું કરવાનો આ જ ઉત્તમ સમય છે. મોબાઇલથી વિડિયો શૂટ કરી લઉં અને અનિકાને વૉટ્સઍપ મેસેજમાં જ મોકલી આપું. સામે જોઈને આ આખું ભાષણ બોલવાથી બચી શકાશે.
તેમણે લૅપટૉપમાં ફરી ફિલ્મનો ક્લાઇમૅક્સ સીન જોયો. ડાયરી કાઢી અને મૅરી ગ્રિફિથની સ્પીચના મુદ્દાઓ ટપકાવ્યા. એ મુદ્દાના આધારે પોતાની સ્પીચ લખી. ઓરડામાં લાકડાના મોટા કબાટમાં પૂર્ણ કદનો અરીસો જડાયેલો હતો.
એ અરીસામાં જોઈને બે-ત્રણ વખત પ્રૅક્ટિસ કરી. રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવી. ચાનો કપ લઈને ફરી પોતાના રૂમમાં પુરાઈ ગયા. આખરે થોડો આત્મવિશ્વાસ આવ્યો ત્યારે મોબાઇલને ટેબલ પર ટેકવી તે વિડિયો કૅમેરા ઑન કરીને સામે ઊભા રહ્યા.
મેજર રણજિતનો આ પહેલો અનુભવ હતો, કૅમેરા સામે વિડિયો બનાવવાનો.
તેમણે ખોંખારો ખાધો અને મોબાઇલના કૅમેરા સામે જોયું.
‘અનિકા, બેટા... મેં એક ફિલ્મ જોઈ છે, ‘Prayers for Bobby’. સરસ ફિલ્મ છે. બૉબી નામનો છોકરો ગે છે. ના, હતો. એટલે હવે ગે મટી ગયો એમ નહીં. તે જીવતો હતો ત્યારે ગે હતો, ફિલ્મમાં. મારો મતલબ કે તે ગુજરી ગયો. ના, કોઈએ માર્યો નથી, તેણે જાતે આત્મહત્યા કરી લીધી. ઊંચા પુલ પરથી કૂદી ગયો અને આઠ પૈડાંવાળી ટ્રક...’
મેજર રણજિત અટકી ગયા. તેમણે વિડિયો બંધ કર્યો. ન મજા આવી. તેમને લાગ્યું કે આ માહિતીની કોઈ જરૂર નથી. વૉશ-બેસિન પાસે જઈને પાણીની છાલકો ચહેરા પર મારી. થોડી તાજગી અનુભવી. પાણી પીધું. રૂમમાં આંટા માર્યા. મનમાં શબ્દો ગોઠવ્યા અને નવી ચિઠ્ઠી પર ફરી મુદ્દા ટપકાવી એ કાગળ હાથમાં રાખ્યો. ફરી એક વાર મેજર રણજિત મોબાઇલ કૅમેરા સામે ગોઠવાયા. કૅમેરાની સ્વિચ ઑન કરી.
‘બેટા, એક મા જે ક્યારેય સમજી ન શકી કે તેનો દીકરો માણસ તરીકે કેટલો એકલો હતો. તેનો દીકરો દુનિયાથી કદાચ અલગ હતો પણ અંતે તો તે આ દુનિયાનો જ એક ભાગ હતો. તે દીકરો પોતાની મૂંઝવણ અને આંતરિક સંઘર્ષ કોઈ સાથે વહેંચી ન શક્યો. કદાચ તેણે પ્રયત્ન કર્યો પણ તેને ખાતરી થઈ ગઈ કે તેની સેક્સ્યુઅલિટીને, તેના મૂંઝારાને, તેની ઇચ્છાઓને કોઈ નહીં સમજી શકે. આખરે તે દીકરો પોતાની જિંદગી ટૂંકાવી દે છે. દીકરાની આત્મહત્યા પછી માને પોતાની ભૂલ અને પોતાનો દીકરો બન્ને સમજાય છે. હવે તે આ સમાજને, ધર્મ પ્રશાસનને અને કાનૂનને જે કહી રહી છે એ વાત હું તને કહેવા માગું છું.’
થોડી ક્ષણો પૂરતા મેજર રણજિત અટક્યા. ઊંડા શ્વાસ લીધા. એક વાર ચિઠ્ઠી જોઈ અને સ્પીચના ભાવાર્થને પોતાના શબ્દોમાં ગોઠવીને કૅમેરાની સામે આંખ મેળવીને આગળ બોલ્યા...
‘હોમોસેક્સ્યુઅલ લોકો એટલે કે એવા લોકો જેને સજાતીય આકર્ષણ છે. આવા લોકો નર્કમાં જાય છે, આવા લોકોને ઈશ્વર ક્યારેય માફ નથી કરતો, આવા લોકોને તેમનાં કુકર્મોની સજા મળે છે, ગે-લેસ્બિયન લોકો સમાજ માટે કલંક છે, જો એ લોકો પોતાની જાતને તથા પોતાના સજાતીય આકર્ષણવાળા સ્વભાવને બદલાવવા ઇચ્છતા હોય તો તે પોતાને બદલી જ શકે, તે ફરી નૉર્મલ થઈ જાય તો પરમાત્મા તેમને માફ કરી દે છે...
આવી વાતો સમાજ સતત કરે છે. ધર્મ અને સમાજના ઠેકેદારો પણ આ વાતમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે. એક મા તરીકે હું પણ મારા પોતાના ગે દીકરાને આવી જ વાત સમજાવવાનો પ્રયત્ન કરતી કે ગે કે લેસ્બિયન હોવું એ ટેમ્પરરી ફેઝ છે, આ એક તબક્કો છે જે પસાર થઈ જશે, તું તારું મન મજબૂત રાખ દીકરા. મેં મારા દીકરાને કહ્યું કે તું વધુ ને વધુ પ્રાર્થના કર, પરમાત્મા પાસે દયાની યાચના કર, તે તને સાજો કરી દેશે, તારી આ બીમારી મટાડી દેશે, તું ફરી નૉર્મલ થઈ જઈશ મારા દીકરા. મારી આંખોમાં ગર્વ જોવા માટે મારા દીકરાએ થતી બધી મહેનત કરી પણ સમાજ જેને ‘નૉર્મલ’ કહે છે એવો દેખાડો તે ન કરી શક્યો. તે થાકી ગયો. એટલો થાક લાગ્યો કે તેણે સૂવાનું નક્કી કરી લીધું. એવી ઊંઘ જે ક્યારેય પૂરી ન થાય. તેણે પોતાના જીવનમાં એ અંધકાર ઓઢી લીધો જે સમાજ તરીકે આપણા બધાની બુદ્ધિ પર છવાયેલો છે. મારા દીકરાએ મોતને વહાલું કરી લીધું.
ખેર, ધર્મસ્થાનો, સમાજના મોવડીઓ અને ધર્મના રખેવાળો માને છે કે મારા દીકરાને તેના પાપની સજા મળી, પણ મને હવે સમજાય છે કે પાપ તો મારાથી થયું છે. મેં મારા દીકરાને સમજવાનો પ્રયત્ન નહીં કર્યો!
પાપ તો એ ધર્મએ કર્યું છે, ધર્મના રખેવાળોએ કર્યું છે જેમણે એવું ઠસાવી દીધું છે કે જુદા છો તો તમારી કોઈ જગ્યા નથી!
પાપ તો એ સમાજે કર્યું છે જેણે મારા દીકરા જેવાં અનેક બાળકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે, તેમની હાંસી ઉડાવી છે!
આજે જ્યારે પાછું વળીને જોઉં છું ત્યારે મારા ભાગે માત્ર ઊંડો અફસોસ છે. કાશ, મેં સમાજે મને વારસામાં આપેલી ટૂંકી સમજણ છોડીને મારા દીકરાના મનમાં ઊતરવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે તે જીવતો હોત.
તેને મૃત્યુ કરતાં મા વધુ વહાલી લાગી હોત.
મારા દીકરાએ પરમાત્મા પાસે ખૂબ પ્રાર્થનાઓ કરી. મેં જ કરાવડાવી હતી. જો તે ખરેખર બીમાર હોત કે તેનામાં ખામી હોત તો પરમાત્માએ એ પ્રાર્થનાઓ સાંભળી હોત. તેનામાં ખામી હતી જ નહીં તો પરમાત્મા એ ત્રુટિઓ ક્યાંથી પૂરી કરે? ઈશ્વર પરમકૃપાળુ છે. દયા અને પ્રેમ સૌથી મોટી ભક્તિ છે. ગે-લેસ્બિયન લોકોને નફરત કરવામાં આપણી કડવાશ એટલી મોટી થઈ ગઈ કે આપણા હૃદયમાંથી દયા અને પ્રેમ ભૂંસાઈ ગયાં છે. મેં અને મારા પરિવારે પણ મારા દીકરાની હાજરીમાં હોમોસેક્સ્યુઅલ લોકો વિશે ટીખળો કરી છે, તિરસ્કાર વ્યક્ત કર્યો છે, મજાક ઉડાવી છે. મને નહોતી ખબર કે અમારું આ વર્તન અમારા ગે દીકરાને અંદરથી એટલું તોડી નાખશે કે તે ફરી ક્યારેય સંકોરાશે નહીં. મારે આ સમાજને માત્ર એટલું જ કહેવું છે કે સન્માન ન આપી શકો તો કંઈ નહીં, પણ અપમાન નહીં આપતા.
મારા દીકરા જેવાં બાળકો તમને સાંભળી રહ્યાં છે ધ્યાનથી. માબાપ અને પરિવાર તરીકે તમારા દ્વારા કહેવાયેલો એક-એક શબ્દ આ બાળકો માટે બહુ મહત્ત્વનો છે.
તમારી ઘૃણા કોઈના જીવનથી મોટી ન હોઈ શકે. તમારી માન્યતા કોઈના મનથી મોટી ન હોઈ શકે. તમારી આબરૂ કોઈના અસ્તિત્વ કરતાં મોટી ન હોઈ શકે. તમારો ધર્મ કોઈ મૂંઝાયેલા- દબાયેલા શ્વાસો કરતાં મોટો ન હોઈ શકે.
બીજા કોઈ પણ જીવ પ્રત્યે નફરત અને તિરસ્કાર વરસાવીને તો તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત નહીં જ કરી શકો.
ધર્મ, સંસ્કૃતિ, મૂલ્યો, પરમાત્માની કથા અને ધર્મસ્થાનના પાયા એટલા નબળા પણ નથી કે કોઈ સજાતીય સંબંધોના કારણે એ હચમચી જાય. ધર્મ આવકારો છે, જાકારો નહીં. ઈશ્વરની આંખમાં સૌકોઈ એકસમાન તો ભેદભાવ કરનારા હું અને તમે કોણ? આ સમગ્ર દુનિયા પરમાત્માની રચના છે. ભગવાન દરેક જીવના શ્વાસ નક્કી કરે છે. આ ધરતી પર હોમોસેક્સ્યુઅલ લોકો જીવે છે એનો અર્થ એ થયો કે ઈશ્વરે તેમનું જીવન નક્કી કર્યું છે. આ પૃથ્વી પર જેટલો હક મારો-તમારો એટલો જ હક આ ગે-લેસ્બિયન લોકોનો. જો એ લોકો ઈશ્વરના ગુનેગાર હોત તો હવા, પાણી અને પ્રકાશથી પરમાત્મા તેમને દૂર રાખી શક્યા હોત.’
મેજર રણજિતને હાંફ ચડી. તે અટક્યા. ખબર નહીં કેમ પણ આંખો થોડી ભીની થઈ ગઈ હતી. તેમણે ખોંખારો ખાધો અને વિડિયોની સમયમર્યાદા તરફ જોયું. હવે એક-દોઢ મિનિટમાં વાત પતાવવી પડશે એવું તે સમજી ગયા. તેમણે સ્વસ્થતા કેળવી અને વાત પૂરી કરતાં બોલ્યા...
‘હવે છેલ્લી વાત. મેં મારા દીકરાને ગુમાવ્યો પણ મારે તેના જેવાં બીજાં બાળકોને નથી ગુમાવવાં. હું તે દરેક બાળકને કહીશ કે તમારી જિંદગી, તમારાં સપનાં, તમારી પસંદ-નાપસંદ અને તમારી ખુશી આ દુનિયા અને સમાજ કરતાં બહુ મોટી છે. મારાં પ્યારાં બાળકો, તમે જેવાં પણ છો એમાં તમારો કોઈ વાંક નથી!
આશા અમર છે. સમય બદલાશે. એવી નવી ઊજળી સવાર ઊગશે જેમાં બધા માટે અજવાળું હશે. એક એવી ધરતી ખૂલશે જ્યાં બધા માટે આશરો હશે. આકાશી સાત રંગોનું એક એવું આસમાન ઊઘડશે જેની નીચે સૌકોઈ સુરક્ષિત હશે. મારા દીકરાએ હિંમત ખોઈ, પણ હું વિનંતી કરીશ કે આવનારા સુરક્ષિત સશક્ત સમયની ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે તમે ટકજો. નવા સમયને માણવા તમારું હોવું બહુ જરૂરી છે મારા પ્યારા વાલીડાઓ. ઈશ્વર તમને બધાને પ્રેમ કરે છે એટલે આજે હું ઊભી થઈ છું. આવતી કાલે મારી જેવી ૧૦૦ માતાઓ અને ૧૦૦૦ પિતા તમારા પક્ષમાં ઊભા રહેશે.
મને ખાતરી છે કે તમે લોકો મને અત્યારે સાંભળી રહ્યા છો. તમારી આંખો ભીની છે. હું તમારા સુધી નથી પહોંચી શકી કે તમને ગળે વળગાડીને સાંત્વન આપી શકું, પણ મારો અવાજ અને એ અવાજમાં રહેલી ઉષ્મા તમારા મન સુધી પહોંચી રહ્યાં છે એનો મને વિશ્વાસ છે.
હું તમારા બધા પાસે એક વચન માગી રહી છું. મને પ્રૉમિસ કરો કે તમે ટકી રહેશો. શ્રેષ્ઠ જીવન અને અનંત પ્રેમ પ્રાપ્ત કરવા, જગતમાં અજવાળું પાથરવા તમે જીવશો. મારી વાતો પર ભરોસો રાખજો. જીવન તમને ખૂબ પ્રેમ કરે છે મારા વહાલાઓ. ઈશ્વર બહુ દયાળુ છે. એક ઉત્તમ જીવન આપવા માટેની બધી વ્યવસ્થા તેમણે તમારા માટે અગાઉથી ગોઠવી રાખી છે. બસ રાહ જોજો. સંઘર્ષોથી થાકતા નહીં, જાતને પ્રેમ કરવાનું છોડતા નહીં.
તમે અલગ છો પણ અમારા જ છો...!’
આ છેલ્લી લાઇન બોલતી વખતે મેજર રણજિતની બન્ને આંખમાંથી આંસુની ધાર ગાલ પર રેલાઈ. રણજિત ઊભા થયા. મોબાઇલ હાથમાં લઈને વિડિયો બંધ કર્યો. બારીની બહાર આથમતા અજવાશને જોઈને તે ક્યાંય સુધી રડતા રહ્યા. તેમને ખબર ન પડી કે કઈ વાત પર આટલું રડવું આવી રહ્યું છે.
ભીતરથી ખાલી થયા પછી હળવાશ અનુભવાઈ.
વરંડામાં જઈને હીંચકા પર બેઠા. કલાક-દોઢ કલાકમાં અનિકા આવી જવી જોઈએ. તેમણે મોબાઇલ હાથમાં લીધો, પણ પોતાનો જ વિડિયો ફરી જોવાની હિંમત ન થઈ. વધારે લાંબો વિચાર કરવાનો કોઈ અર્થ નથી એવું સ્વીકારીને તેમણે અનિકાને પોતાનો વિડિયો વૉટ્સઍપ કર્યો.
વિડિયોની ફાઇલ બહુ મોટી હતી એટલે સેન્ડ થવામાં વાર લાગી રહી હતી. રણજિતને ફાળ પડી કે આટલી મહેનત પછી બનેલો વિડિયો જો વૉટ્સઍપમાં જશે જ નહીં તો અનિકા સુધી ડૉ. આદિત્ય કશ્યપનું હોમવર્ક પહોંચશે કેવી રીતે?
મેજર રણજિત વિડિયો સેન્ડ કરવાની મથામણમાં પડ્યા. નેટવર્ક ડાઉન લાગ્યું. ઘરનું વાઇ-ફાઇ કનેક્ટ કર્યું. વિડિયો પ્રોસેસ અટકી હતી એ આગળ ચાલી ત્યાં મોબાઇલની સ્ક્રીન પર કલ્યાણીનો કૉલ આવ્યો. છેલ્લા એક અઠવાડિયાથી કલ્યાણીનો કૉલ કે મેસેજ નહોતો અને આજે અચાનક કૉલ આવ્યો એટલે મેજરનું મન થોડું ખાટુંમોળું થયું. કમને પણ તેમણે ફોન રિસીવ કર્યો.
‘હા કલ્યાણી. બોલ!’
‘હું શું બોલું રણજિત? બોલવાનું તો તારે છે. એક અઠવાડિયું થઈ ગયું પણ તારા તરફથી મને કોઈ અપડેટ નથી મળી.’
‘હું થોડો અટવાયેલો હતો અને પછી...’
‘રણજિત, તારી ટેવ મુજબ વાતને ગોળ-ગોળ ઘુમાવીશ નહીં. ટુ ધ પૉઇન્ટ બોલ. અનિકામાં કોઈ ચેન્જ આવ્યો?’
‘તેને કંઈ તાવ છે કે સવારે ઊતરી જાય કલ્યાણી?’
‘તેં તેની સાથે વાત કરી કે આ બધું નહીં ચાલે, તે તેની મનમાની નહીં કરી શકે.’
‘કલ્યાણી, આ હું તેને કયા અધિકારે કહી શકું?’
‘અરે, આપણે તેના પેરન્ટ્સ છીએ.’
‘બિલકુલ. ઑન પેપર તો આપણે માબાપ છીએ જ.’
‘ઑન પેપર? આપણે માબાપ તરીકે આજ સુધી તેના માટે કેટકેટલું કર્યું છે રણજિત.’
‘હા, એટલે હૉસ્ટેલની ફી ભરી છે. તે કૉલેજમાં આવી ત્યાં સુધી પૉકેટમની આપી છે. એ પછીનો ખર્ચ તેણે જાતે ઉઠાવ્યો છે. ગ્રૅજ્યુએશન, માસ્ટર્સ અને એ પછી અત્યાર સુધી આપણી પાસે તેણે કશું માગ્યું નથી.’
‘તું આર્મીમાંથી નિવૃત્ત થયો પછી વકીલાતનું ભણ્યો છે રણજિત? અનિકાની વકીલાત કેમ કરે છે તું?’
‘કલ્યાણી, જો તને એવું લાગતું હોય કે તું અહીં આવીને મારા કરતાં વધારે સારી રીતે આખી પરિસ્થિતિ સંભાળી લઈશ તો આવી જા. ત્યાં દિલ્હીમાં બેઠાં-બેઠાં તારે આખું જગત કન્ટ્રોલ કરવું છે.’
કલ્યાણી ચૂપ રહી.
‘હું મારી રીતે મથી રહ્યો છું, ડૉક્ટરની મદદ લઈ રહ્યો છું. મને સમજાય આખી પરિસ્થિતિ પછી હું વાત કરી શકું કે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ પણ રાખી શકું.’
‘આઇ ઍમ સૉરી રણજિત. હું થોડી બિટર થઈ ગઈ, પણ બધું વિચારી-વિચારીને મારું માથું ભમી જાય છે. હું દરરોજ સવારે તેનું સોશ્યલ મીડિયા ચેક કરું છું કે કંઈક ભળતું પોસ્ટ ન કરે કે હું લેસ્બિયન છું ઍન્ડ ઑલ.’
‘ઓવર-થિન્કિંગ બંધ કર કલ્યાણી. જે તારા કે મારા કન્ટ્રોલમાં નથી એના વિશે વિચારીને પીડાવાનો કોઈ અર્થ નથી.’
‘અત્યાર સુધી બધું કેવું બરાબર ચાલતું હતું નહીં રણજિત? બધા સુખી હતા. આ અનિકાને ભગવાન જાણે ક્યાંથી સૂઝ્યું કે આવો શોખ પાળીને બેઠી.’
‘કલ્યાણી, મારા મોબાઇલની બૅટરી ડાઉન છે. શાંતિથી વાત કરું.’
કલ્યાણીનો રિપ્લાય સાંભળવાની તસ્દી લીધા વિના રણજિતે ફોન કાપી નાખ્યો. તેને સમજાયું નહીં કે તે કઈ વાતે થોડા ઉશ્કેરાઈ ગયા હતા, પણ એટલું તો બરાબર સમજાયું કે કલ્યાણી અનિકા માટે જે કંઈ બોલી રહી છે એ તેને ગમી નથી રહ્યું.
પહેલી વાર મેજર રણજિતે અનુભવ્યું કે અનિકાને ચાહવાની બાબતમાં કદાચ તે અને કલ્યાણી સેમ પેજ પર નથી જ.
તેમને થયું કે અનિકાને અત્યારે ને અત્યારે ફોન કરીને કહી દઉં કે ‘બેટા, તું એવું માનતી હતીને કે હું અને તારી મા બન્ને સરખાં છીએ, અમારામાં કોઈ તફાવત નથી; પણ એવું નથી. અમે બન્ને સરખાં હોત તો કલ્યાણી તારા માટે કંઈ પણ બોલે ત્યારે હું ચૂપચાપ સાંભળી લેત, આ રીતે ઉશ્કેરાઈ ન જાત!’
પણ રણજિત કશું કરી ન શક્યા, હંમેશાંની જેમ. વ્યક્ત થવું આટલું સરળ કેમ નથી એ પ્રશ્નનો જવાબ આથમતા અજવાશમાં તે ફંફોસવા લાગ્યા. અચાનક રણજિતને યાદ આવ્યું કે પેલો વિડિયો અનિકાના નંબર પર સેન્ડ થઈ રહ્યો છે. તેમણે હીંચકો અટકાવ્યો. મોબાઇલની સ્ક્રીનમાં જોયું તો અનિકાને વિડિયો પહોંચી ગયો હતો. ખાસ્સી મિનિટો થઈ ગઈ. વચ્ચે કલ્યાણીનો લાંબો ફોનકૉલ ચાલ્યો. અનિકાનું કોઈ ટાઇપિંગ નહોતું. તે ઑફલાઇન હતી.
‘તો શું ડબલ ટિકમાં માની લેવાનું કે તેણે વિડિયો જોયો હશે?’ રણજિત પાસે કોઈ જવાબ નહોતો.
તેમણે પોતાનો વિડિયો સાંભળવાનો શરૂ કર્યો, પણ પહેલી મિનિટમાં જ એ વિડિયો તેમણે બંધ કરી દીધો.
કશીક ગભરામણ થવા લાગી. હથેળીઓમાં પરસેવો બાઝવા લાગ્યો.
‘શી જરૂર હતી આવા વિડિયો બનાવવાની?’
‘ના પાડી દઈશ ડૉ. આદિત્ય કશ્યપને કે મારા દોસ્તને ન ફાવ્યું તેની દીકરી સાથે આ વિશે વાત કરતાં. બીજો રસ્તો સુઝાડો.’
અનિકા લેક્ચરમાં હોવી જોઈએ. નહીંતર વિડિયો જોઈને તરત જવાબ આપત. તેમણે તરત વૉટ્સઍપ ચૅટમાં જઈને વિડિયો ડિલીટ કર્યો. હાશકારો અનુભવ્યો!
અનિકાએ જોઈ લીધો હોત તો તેને બહુ ઑકવર્ડ લાગ્યું હોત કે ‘બાબા, આ શું કરો છો?’
શું જવાબ આપત?
અનિકાને ખબર પડત કે તેના બાબા ડૉ. આદિત્ય કશ્યપના ક્લિનિકમાં જાય છે તો તેના મનમાં સવાલ નહીં થાય કે...
‘આ ઉંમરે તમારે સેક્સોલૉજિસ્ટ પાસે જવાની શી જરૂર પડી બાબા?’
વળી ગુસ્સાવાળી લાલ આંખથી કે ચુપકીદી ભરેલી નારાજગી સાથે તે કહેશે કે...
‘તમારે તમારી દીકરીને સમજવા માટે એક ડૉક્ટરની જરૂર પડી બાબા? મારી સાથે ડાયરેક્ટ વાત ન કરી શક્યા તમે?’
‘હું તમારા માટે સ્ટડી-કેસ છું કે તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો બાબા?’
‘તમે શું સાબિત કરવા માગો છો?’
‘તમારે એક્ઝૅક્ટ્લી શું કરવું છે?’
‘તમે અહીં આવીને શું આમૂલ પરિવર્તન લાવવાના છો આપણા સંબંધોમાં?’
‘કે પછી તમે કોઈ ચોક્કસ મિશન લઈને આવ્યા છો મારી પાસે? જે હોય તે સાચું કહેજો બાબા.’
‘બાબા, તમારે અહીં આવવાની કોઈ જરૂર નહોતી. આટલાં વર્ષોથી આપણે બધા દૂર હતા એ બરાબર હતું. નજીક આવીને આપણે બધા સંબંધો ડહોળી રહ્યા છીએ. દૂર રહીને રાજી હતા. પાસે આવીને બધાએ શું પામી લીધું?’
રણજિતની છાતીમાં ધબકારા વધવા લાગ્યા. કપાળે પરસેવો બાઝ્યો. ગળું સુકાઈ રહ્યું હતું. ફોનમાં કલ્યાણીએ કહેલા શબ્દો પણ જાણે મનમાં ધણની જેમ વાગવા લાગ્યા. કલ્યાણી બોલી હતી કે ‘અત્યાર સુધી બધું બરાબર હતું. બધા સુખી હતા!’
રણજિત ઝૂલા પરથી ઊભા થયા અને ઘેરાયેલા અંધકાર સામે જોઈને જાતને સવાલ કરવા લાગ્યા કે...
‘દૂર રહીને ખરેખર બધા સુખી હતા?’
આસપાસનું જગત ગોળ-ગોળ ઘૂમવા લાગ્યું. તાત્કાલિક રસોડામાં ગયા. વાસણોના ડબ્બામાંથી દળેલી ખાંડનો ડબ્બો શોધ્યો. એક મુઠ્ઠી ખાંડ મોઢામાં મૂકી દીધી. બન્ને હાથે પ્લૅટફૉર્મનો આધાર લઈ આંખો બંધ કરીને ક્યાંય સુધી હાંફતા રહ્યા.
lll
સાંજે અનિકા ઘરે આવી ત્યારે આખા ક્વૉર્ટરમાં અંધારું હતું. વહેલા નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ વર્કલોડને કારણે નીકળી ન શકી. આખા ઘરમાં લાઇટ્સ ઑન કરી. બાબા વરંડામાં હીંચકે બેઠા હતા. અનિકા કાચના બે ગ્લાસમાં ફ્રેશ જૂસ લઈ વરંડામાં બાબા પાસે આવીને હીંચકા પર બેઠી. મેજર રણજિત મનમાં શબ્દો ગોઠવતા હતા.
અનિકાએ બાબાના હાથ પર હળવેથી પોતાનો હાથ મૂક્યો અને ધીરેથી બોલી, ‘બાબા, મારી વાત ધ્યાનથી સાંભળો. તમારા ટેક્નો-નૉલેજ માટે કહું છું. વૉટ્સઍપની ચૅટમાંથી વિડિયો ડિલીટ કરો ત્યારે બે ઑપ્શન આવે : ડિલીટ ફૉર મી અને ડિલીટ ફૉર એવરીવન.’
રણજિત સમજી ન શક્યા.
‘એટલે તમારી વૉટ્સઍપ ચૅટમાંથી વિડિયો ડિલીટ થઈ ગયો, પણ મારામાં હજી છે જ.’
રણજિતને સમજાયું નહીં કે તેમણે શું બોલવાનું છે.
‘ઇન્ફ્લુએન્સર બનવાનું નક્કી કર્યું છે? તો રીલ્સ શૂટ કરવા રાઉન્ડ લાઇટસ્ લાવી દઉં!’
રણજિતને આમાંનું કશું સમજાયું નથી એની ખાતરી સાથે અનિકા ખડખડાટ હસી પડી.
હળવી ઠેક સાથે હીંચકો ચાલ્યો. રણજિતના ચહેરા પર આછું સ્માઇલ અને બાપ-દીકરીના ખોળામાં વાયરાની સંગાથે હીંચકાની છત પરથી દડીને રાતરાણીનાં ફૂલો ખર્યાં.
( ક્રમશ:)

