અયોધ્યામાં પાંચ સદીની પ્રતીક્ષા પછી ૨૦૨૪માં રામલલાને પોતાનું ધામ પાછું મળ્યું અને ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે રામજીની મોહક મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે દેશ-વિદેશના રામભક્તોએ અનન્ય આનંદ અનુભવ્યો હતો
ફાઇલ તસવીર
એક વાર્તા વાંચી હતી કે કદાચ ફિલ્મ જોઈ હતી (કંઈ પણ વાંચતી વખતે કે સાંભળતી વખતે જે કંઈ પણ વાંચું કે સાંભળું એ વિગતો મારા મન સમક્ષ દૃશ્યરૂપે પસાર થતી હોય છે, વિઝ્યુઅલાઇઝ થાય છે એટલે આ કન્ફ્યુઝન). એમાં એક દૃશ્ય જોયેલું. એક નાનકડો છોકરો મંદિરમાં જાય છે. રોજ સૂકી રોટલી અને કાંદો ખાઈને પેટ ભરતો તે ગરીબ છોકરો ભગવાનની સામે ધરાવેલા પ્રસાદના થાળમાંના લાડુ તરફ એકીટશે તાકી રહ્યો છે. તેના હાથ ભલે ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રાર્થનાની મુદ્રામાં જોડાયેલા છે, પણ તેની આંખો વારંવાર મૂર્તિ પરથી હટીને પેલા લાડુના થાળ તરફ જાય છે. ઘી, કેસર, એલચીથી તરબતર લાડુના સ્વાદ અને તેના મોઢા વચ્ચે બહુ જ થોડું અંતર છે અને તે નાનકડા બાળકનો સંયમ તૂટી જાય છે. જોડાયેલા હાથ ખૂલી જાય છે અને તે આસપાસ કોઈ જોતું નથી એની ખાતરી કરીને એક લાડુ ઉપાડીને પોતાના હાફ પૅન્ટના ખિસ્સામાં સેરવી દે છે. ફરી હાથ જોડી ભગવાનને પ્રણામ કરીને તે ઘર તરફ દોટ મૂકે છે. ઘરે જઈ હોંશે-હોંશે લાડુ કાઢીને અડધો મોંમાં મૂકીને બાકીનો અડધો માને આપે છે. મા પૂછે છે કે આ લાડુ ક્યાંથી આવ્યો? ત્યારે તે ભગવાનજીના થાળમાંથી પોતે કેવી રીતે ચાલાકીથી લઈ આવ્યો એની પરાક્રમકથા કહે છે. અને ખલાસ! મા હાથમાં લીધેલો લાડુ પાછો નીચે મૂકી દે છે અને બોર-બોર જેવડાં આંસુ તેની આંખમાંથી દડદડી રહે છે. નાનકડા દીકરાને તે સમજાવે છે કે આ તો ભગવાનના ભાગમાંથી ચોરીને લાવેલો લાડુ છે, તેં ભગવાનના ઘરમાં ચોરી કરી છે! નાનકડો દીકરો માનો ઊભરો અને તેની વાત સમજી શકતો નથી, પણ માનાં આંસુ તેને એક વાતની ખાતરી કરાવી દે છે કે તેણે જે કર્યું છે એને ચોરી કહેવાય અને એ ખૂબ જ ખોટું થયું છે. માની વાત માનીને છોકરો અડધો લાડુ પાછો મંદિરમાં મૂકી આવે છે. એ ગરીબ સ્ત્રીએ પોતાના પુત્રને એવી કારમી દરિદ્રતામાં પણ નેકી અને સચ્ચાઈનો પાઠ શીખવ્યો. કાશ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામને ધરાવાયેલી ભેટો ચોરનારાઓની માતાઓએ પણ તેમને આવી શીખ આપી હોત.
અયોધ્યામાં પાંચ સદીની પ્રતીક્ષા પછી ૨૦૨૪માં રામલલાને પોતાનું ધામ પાછું મળ્યું અને ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે રામજીની મોહક મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે દેશ-વિદેશના રામભક્તોએ અનન્ય આનંદ અનુભવ્યો હતો. ત્યારથી દુનિયાભરના દર્શનાર્થીઓ રામલલાનાં દર્શન કરવા અયોધ્યામાં ઊમટતા રહે છે. દર્શન કરીને આવનારાઓ મંદિર અને મૂર્તિની ભવ્યતાનાં વખાણ કરતા થાકતા નથી. પરિસરની અને વ્યવસ્થાની પણ પ્રશંસા સાંભળવા મળે છે. આ બધા વચ્ચે અવારનવાર સરકારી પદાધિકારીઓ, પ્રધાનો, મુખ્ય પ્રધાન યોગીજીથી લઈને વડા પ્રધાન મોદીજી સુધીના મહાનુભાવોને રામલલા સમક્ષ ભક્તિ અને શ્રદ્ધાથી શીશ ઝુકાવતા અને આવા ભવ્ય મંદિર સંકુલની સ્થાપનાનો જશ લેતા જોવાનો લહાવો પણ જનતાને મળતો રહ્યો છે.
જોકે છેલ્લા એકાદ મહિનાથી રામ મંદિર અને અયોધ્યા જે કારણે ચર્ચામાં આવ્યાં છે એ સાંભળીને એક ભારતીય તરીકે આપણું માથું શરમથી ઝૂકી જાય છે. કરોડો શ્રદ્ધાળુઓ અને ભક્તોએ પોતાની આસ્થાના પ્રતીક રામલલાને ચડાવેલી ભેટ અને રોકડ રકમની ચોરી મંદિરની વ્યવસ્થા સંભાળનારાઓના હાથે જ થઈ રહી હતી. મંદિરની સલામતી અને સુરક્ષા સાથે સુવ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે હતી તેમણે પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો અને પોતાની ફરજ તેમ જ જવાબદારીઓનો ઉલાળિયો કરી દીધો છે. તેમણે જ નીમેલા માણસો મંદિરમાં ભેટમાં આવેલી રકમ અને જણસોની મનફાવે એમ ચોરી કરી રહ્યા હતા. પોતાની ચોરી ન પકડાય તે માટે CCTV કૅમેરાને પણ છેતરીને ચોરી કરતા હતા. મંદિરના વ્યવસ્થાપકોને આની જાણ થઈ તો પણ તેમણે એવા લોકોની પોલીસ-ફરિયાદ કરવાને બદલે સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરી દીધો. હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે જ્યારે એ ચોરોને પકડ્યા અને CCTV કૅમેરાના ફુટેજમાં તેમને ચોરી કરતા જોયા ત્યારે જાહેર જનતાને આ ભયંકર છેતરપિંડીની જાણ થઈ. કરોડો ભક્તો જ્યાં ભક્તિથી આવે છે અને શ્રદ્ધાથી કંઈક ને કંઈક ભેટ ચડાવીને જાય છે એવા આ વિરાટ મંદિર સંકુલમાં આવતી રોકડ કે મૂલ્યવાન ચીજોની ભેટોને સ્વીકારતી વખતે જ એ દાનની અને એના દાતાની વિગતો અને સંપર્ક ઇત્યાદિની વ્યવસ્થિત નોંધ રાખવાની, એ ભેટોને રાખવા કે સાચવવા માટેની યોગ્ય જગ્યાની જોગવાઈ કરવાની વાતો કેમ નહીં વિચારાઈ હોય? કીમતી ચીજવસ્તુઓની ભેટો કે રોકડ રકમનું દાન આપનારને તેમણે દાનમાં આપેલી ચીજો કે રકમની રસીદ આપવાની વ્યવસ્થા નહોતી કરી? દાનપેટી ખોલતી વખતે સલામતીની કે ચોકસાઈની વ્યવસ્થા પર નજર રાખવા કૅમેરાની વ્યવસ્થા કરી, પણ એ રકમની ગણતરી કરનાર વ્યક્તિઓની પ્રામાણિકતા કે ચારિત્ર્યની ચોકસાઈ કરવાનું કોઈને ન સૂઝ્યું? પોતાને રામભક્ત તરીકે ઓળખાવનાર માણસ રામના જ આટલા વિશાળ અને વિરાટ આસ્થાસ્થળ સાથે આવી છેતરપિંડી કરે?! કરોડો ભક્તોની શ્રદ્ધાનું હડહડતું અપમાન અને અવહેલના થયાં છે. જે સંકુલની સુંદરતા, ભવ્યતા અને અજોડતાનાં ગુણગાન કરતાં ટ્રસ્ટના હોદ્દેદારો થાકતા નહોતા અને એને માટે ગર્વ લેતા હતા તેઓ મંદિરની આટલી મહત્ત્વની બાબત પ્રત્યે આટલા બેદરકાર કેમ રહ્યા? કરોડો ભક્તો જ્યાં કંઈક ને કંઈક આપી જાય છે એ મંદિરની આવક સંબંધે યોગ્ય અને જડબેસલાક આયોજન-વ્યવસ્થા કરવામાં કેમ આટલા ગાફેલ રહી ગયા? માની ન શકાય એવી વાત છે પરંતુ હકીકત છે.
ADVERTISEMENT
આવા લોકોના આ અપ્રામાણિક, અનૈતિક, ગેરકાનૂની કૃત્યોને કારણે એક બાજુથી દુનિયાભરના રામભક્તોના દિલને ઠેસ પહોંચી છે તો બીજી બાજુ અત્યાર સુધી ભગવાન રામના અસ્તિત્વનો સુધ્ધાં સ્વીકાર ન કરનારા અને દેશના કરોડો હિન્દુઓની આસ્થાની હાંસી ઉડાવનારા વિપક્ષોને અચાનક બિન માગે મોતી મિલ ગયા જેવો ઉપહાર મળી ગયો છે. યોગીના વિરોધીઓને આવતા વર્ષની ચૂંટણી માટે મોટું શસ્ત્ર હાથ લાગી ગયું છે અને આ બધી અરાજકતા વચ્ચેય આજે પણ રામભક્તો શ્રદ્ધાથી રામ મંદિર આવે છે. પત્રકારો તેમને વર્તમાન ચંદાચોરીના મામલે સવાલો પૂછે છે. જવાબમાં તેઓ પોતાની અટલ શ્રદ્ધાનો હવાલો આપે છે અને ઉમેરે છે કે અમને ખાતરી છે કે યોગીજી એક પણ ગુનેગારને છોડશે નહીં. આ ભલા ભક્તો માને છે કે તમામ ગુનેગારો પકડાશે અને ચોરીની મતા પાછી મંદિરના ખજાનામાં જમા થશે. ગુનેગાર ગમે એવો મોટો માણસ હશે તો પણ તેને છોડવામાં નહીં આવે એવી મુખ્ય પ્રધાન યોગીજીએ આપેલી ખાતરીમાં તેમને વિશ્વાસ છે. સામાન્ય માનવીના ભરોસામાં યોગીજી ખરા ઊતરે એવી અપેક્ષા દેશના અનેક નાગરિકોના હૈયે પણ ધબકે છે. બુલડોઝર-ફેમ મુખ્ય પ્રધાન પોતાની શાખ આ કિસ્સામાં પણ અકબંધ રાખે.
