Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફાંસલોઃ સમયનો પણ અને સંજોગોનો પણ

ફાંસલોઃ સમયનો પણ અને સંજોગોનો પણ

10 May, 2023 04:45 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અશ્વિની ભટ્ટે લખેલી નવલકથા ‘ફાંસલો’ માત્ર બૅન્ક લૂંટ પર આધારિત નથી પણ એમાં માનવીય સંબંધોની સાથોસાથ યારીદોસ્તીના નિખાલસ સંબંધોને પણ સાંકળી લેવામાં આવ્યા છે

અશ્વિની ભટ્ટ અને તેમણે લખેલી નવલકથા ‘ફાંસલો

બુક ટૉક

અશ્વિની ભટ્ટ અને તેમણે લખેલી નવલકથા ‘ફાંસલો


‘મને ગુજરાતી વાંચતાં આવડે પણ મને ગુજરાતી ફિક્શન વાંચવી ગમે નહીં...’

જો કોઈ ગુજરાતી આવી આર્ગ્યુમેન્ટ કરે તો તેના હાથમાં વિના સંકોચે અશ્વિની ભટ્ટની કોઈ પણ નવલકથા મૂકી દેવાની છૂટ. સસ્પેન્સ-થ્રિલરના બેતાજ બાદશાહ એવા અશ્વિની ભટ્ટની નૉવેલની સૌથી મોટી ખાસિયત એ રહેતી કે તેમનું વર્ણન વાંચીને વાચકને એવું જ ફીલ થાય કે પોતે એ જ વાતાવરણમાં છે. જો અશ્વિનીભાઈએ રણનું વર્ણન કર્યું હોય તો તમારે એસી ચાલુ કરવું પડે અને જો તેમણે પર્વતારોહણનું વર્તન લખ્યું હોય તો તમને લિટરલી ઑક્સિજનની આવશ્યકતા ઊભી થઈ જાય. આજની જનરેશનમાં બહુ ઓછા લોકો જાણે છે કે અશ્વિની ભટ્ટે પોતાનું લેખનકાર્ય ટ્રાન્સલેશનથી કર્યું હતું. સિડની શેલ્ડન, ઍલિસ્ટર મૅકલિન અને જેમ્સ હેડલી ચેઝ જેવા અંગ્રેજીના અનેક સિદ્ધહસ્ત લેખકોની અનેક નવલકથાનું તેમણે રૂપાંતર કર્યું. આ જ કારણ હશે કે તેમની નવલકથામાં અંગ્રેજી સસ્પેન્સ-થ્રિલર નૉવેલિસ્ટ જેવી ઝડપ અને એવા જ ઉતારચડાવ જોવા મળતા રહ્યા.



અંગ્રેજી ફિક્શન રાઇટર જ નહીં, અશ્વિનીભાઈએ કોલિન્સ અને લેપિયરની ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’નું પણ અદ્ભુત ટ્રાન્સલેશન કર્યું, જે ‘અડધી રાતે આઝાદી’ના નામે પ્રસિદ્ધ થયું અને ક્રિટિકલી જબરદસ્ત વખાણ પણ મેળવી ગયું. જીવનનાં અંતિમ વર્ષો અમેરિકામાં પસાર કરનારા અશ્વિની ભટ્ટ કહેતા, ‘જો તમને ફિલ્મ જોવામાં કંટાળો ન આવવો જોઈએ તો તમને કંઈ પણ વાંચતી વખતે જરા પણ કંટાળો ન આવવો જોઈએ. હું મારી વાર્તાને એ જ રીતે ટ્રીટ કરું છું કે એમાં કંટાળાની બાદબાકી થાય.


અશ્વિની ભટ્ટે લખેલી અનેક નવલકથાઓ પૈકીની નવલકથા ‘ફાંસલો’ની આજે આપણે વાત કરવાની છે. દોસ્તીના બેઝ પર લખાયેલી ‘ફાંસલો’ના પરિઘ પર સસ્પેન્સ-થ્રિલરનું વરખ અકબંધ છે.

રૂબરૂ જોવા આવે લેખકને | હા, અશ્વિની ભટ્ટ પહેલા એવા નવલકથાકાર હશે કે જેને જોવા માટે વાચકો ખાસ અમદાવાદ જતા અને તેમના ઘરની બહાર ઊભા રહેતા. અશ્વિનીભાઈની મોટા ભાગની નવલકથા સમયે આવું બન્યું છે. ‘ફાંસલો’ જ્યારે લખાતી હતી ત્યારે તો અનેક લોકો અશ્વિનીભાઈના ઑટોગ્રાફ માટે પણ રૂબરૂ જતા. એ સમયે સેલ્ફી નહોતા, લોકો ઑટોગ્રાફ લઈને અન્ય લોકોને દેખાડતા પણ ખરા કે પોતે અશ્વિની ભટ્ટને રૂબરૂ મળી આવ્યા!


સ્ટાર રાઇટરની જાહોજલાલી જોનારા ગુજરાતી રાઇટર્સમાં જો કોઈનું નામ સૌથી ઉપર આવે તો એ બે જ રાઇટર. અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા. આવું હરકિસન મહેતા સાથે પણ બનતું. લોકો તેમની પણ એક ઝલક જોવા માટે આતુર રહેતા.

ખભે થેલો, દેશ મોકળો | હા, અશ્વિનીભાઈને આ વાત બિલકુલ લાગુ પડતી. તે પોતાના નવલકથાના લોકેશન પર રૂબરૂ જાય જ જાય અને એમાં ટ્રાન્સપોર્ટનો જે મોડ વાપરવામાં આવ્યો હોય એ જ મોડ રિયલ લાઇફમાં પણ વાપરે. ‘ફાંસલો’ની જ વાત કરીએ તો એ નવલકથાનું બૅકડ્રૉપ રાજસ્થાન હતું અને નવલકથાનાં પાત્રો વચ્ચે ટ્રાવેલિંગ પુષ્કળ થતું હતું. અશ્વિનીભાઈએ નક્કી કર્યું હતું કે તેમનાં પાત્રો જેમ ટ્રાવેલ કરશે એમ પોતે પણ ટ્રાવેલ કરશે અને એ જ કારણે તે રાજસ્થાનની સરકારી બસો ઉપરાંત સ્કૂટર લઈને પણ રાજસ્થાનમાં આવતા પોતાના લોકેશનની એકેક ગલીમાં ફર્યા એટલું જ નહીં, જ્યાં પણ તેમના હીરો પગપાળા ફર્યા હતા ત્યાં તે દરરોજ સેંકડો કિલોમીટર ચાલતા ફર્યા. 

‘ફાંસલો’માં આવતા કિલ્લા માટે અશ્વિની ભટ્ટ રાજસ્થાનના નવ એવા કિલ્લાઓ ફર્યા હતા જેના વિશે સામાન્ય ટૂરિસ્ટોને જાણકારી નહોતી. એ નવ કિલ્લામાંથી એક કિલ્લો પસંદ કરીને તેમણે પોતાની સ્ટોરીમાં એ કિલ્લો અને એ કિલ્લાની આસપાસનો આખો વિસ્તાર સાંકળી લીધો હતો.

અફસોસ, જબરદસ્ત અફસોસ |  અશ્વિની ભટ્ટે લખેલી તમામ નૉવેલ સુપરહિટ થઈ હોવા છતાં એ નવલકથાઓ પરથી હજી સુધી કોઈ ફિલ્મ, ડ્રામા કે વેબ-સિરીઝ બન્યાં નથી. એવું નથી કે કોઈએ એ નવલકથાના રાઇટ્સ માટે પ્રયાસ ન કર્યો હોય, પણ જે પ્રકારની કન્ડિશન મૂકવામાં આવે છે એ પ્રૅક્ટિકલી અનુકૂળ નહીં હોવાથી દરેક વાત પેપર પર જ રહી જાય છે.
અશ્વિની ભટ્ટને વર્ષો પહેલાં ફિલ્મ લખવા માટે પણ ઑફર આવી હતી પણ એ સમયે અશ્વિનીભાઈ પોતે એટલા વ્યસ્ત હોવાથી તેમણે એ દિશામાં ગંભીરતાથી વિચાર્યું નહીં પણ અશ્વિનીભાઈની નવલકથાઓ વાંચ્યા પછી એક વાત સૌકોઈએ સ્વીકારવી જ રહી કે જો એ સમયે તેમણે ફિલ્મો તરફ ડાઇવર્ઝન લઈ લીધું હોત તો તે નિઃસંદેહપણે સલીમ-જાવેદના સ્તરની લોકપ્રિયતા હાંસલ કરી શક્યા હોત.

સ્ટોરી શૉર્ટકટ

‘ફાંસલો’ વાત છે ભાઈબંધી અને યારી-દોસ્તીની. નવલકથાનું બૅકડ્રૉપ રાજસ્થાન છે. રાજસ્થાનમાં ચાર ભાઈબંધો રહે છે, જે ચારેચારનાં સપનાંઓ જુદાં-જુદાં છે. કોઈ દેશ માટે કંઈક કરવા માગે છે તો કોઈ ભરપેટ ખુશીઓ સાથે જિંદગી જીવવા માગે છે. અલગ-અલગ સ્વભાવના આ ચાર મિત્રો એક સમયે સાથે મળીને નક્કી કરે છે કે બૅન્ક ઑફ મેવાડ લૂંટવી અને એ માટેનું પ્લાનિંગ પણ થાય છે. લૂંટમાં તેમને સફળતા મળે છે, પણ એમ છતાં કેટલીક ગરબડ થાય છે અને એ ગરબડ વચ્ચે ચારેચાર મિત્રોની જિંદગીમાં અંધાધૂંધી મચી જાય છે. વાત અહીં જ પૂરી નથી થતી, વર્ષો વીતી જાય છે અને વર્ષો પછી એક મિત્ર જેલની બહાર આવે છે. તેને ખબર નથી કે બૅન્ક ઑફ મેવાડની લૂંટ હજી કેટલાક લોકો ભૂલ્યા નથી અને અહીંથી નવી જ વાત શરૂ થાય છે. વર્ષો પછી જેલમાંથી બહાર આવેલા એ મિત્રની લાઇફમાં ઊથલપાથલ શરૂ થાય છે તો સાથોસાથ બૅન્કમાંથી લૂંટાયેલા અને ક્યારેય સરકારના હાથમાં પાછા ન આવેલા પૈસાની શોધખોળ પણ શરૂ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 04:45 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK